પ્રધાનમંત્રીનું કાર્યાલય
બહાદુરગઢ - મુંડકા મેટ્રો રેલ લાઈનના શુભારંભ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
प्रविष्टि तिथि:
24 JUN 2018 1:18PM by PIB Ahmedabad
સૌથી પહેલાં આપ સૌ, હરિયાણા અને દિલ્હીના લોકોને બહાદુરગઢ - મુંડકા મેટ્રો શરૂ થવા પ્રસંગે ખૂબ-ખૂબ શભેચ્છા પાઠવું છું.
હરિયાણાનું બહાદુરગઢ આજે દિલ્હી મેટ્રો સાથે જોડાઈ ગયું છે. ગુરૂગ્રામ અને ફરીદાબાદ પછી બહાદુરગઢ હરિયાણાનો ત્રીજો એવો વિસ્તાર છે કે જે દિલ્હી મેટ્રો સાથે જોડાઈ ગયો છે. આજના આ લોકાર્પણ પછી હરિયાણામાં મેટ્રો નેટવર્કની લંબાઈ 26 કિલોમીટર સુધી પહોંચી ગઈ છે.
સાથીઓ, દિલ્હીમાં ચાલી રહેલી મેટ્રોએ કેવી રીતે લોકોનું જીવન બદલ્યું છે જેનો સાક્ષી એ દરેક વ્યક્તિ છે કે જેણે કોઈના કોઈ સમયે મેટ્રોમાં મુસાફરી કરી છે. આજથી એવો અનુભવ બહાદુરગઢ – મુંડકા જનારા તમામ લોકોને પણ પ્રાપ્ત થશે.
ખાસ કરીને બહાદુરગઢમાં ઝડપભેર વિકસી રહેલા ઉદ્યોગોને કારણે ઘણા લાંબા સમયથી મેટ્રોની રાહ જોવાઈ રહી હતી. બહાદુરગઢમાં અનેક કોલેજો, ઈન્સ્ટિટ્યુટ અને યુનિવર્સિટીઓ પણ છે. દિલ્હીથી રોજ-રોજ અનેક છાત્ર અને છાત્રાઓ આવન-જાવન કરે છે. હવે આ વિસ્તારના લાખો કર્મચારીઓને, વિદ્યાર્થીઓને તથા વિભિન્ન વ્યવસાયના લોકોને દિલ્હી આવવા-જવામાં ખૂબ જ સરળતા થઈ રહેશે.
આમ તો બહાદુરગઢને ગેટ-વે ઑફ હરિયાણા (હરિયાણાના પ્રવેશદ્વાર) તરીકે ઓળખવામાં આવે છે, પણ આ મેટ્રો લાઈન અહીંના વિકાસનું પ્રવેશ દ્વાર બનવા આવી પહોંચી છે.
મેટ્રોને કારણે લોકોની સગવડો વધશે. નવી કોલોનીઓ બનશે, ઉદ્યોગોનું વિસ્તરણ થશે ને તેનાથી રોજગારની પણ નવી તકો ઉભી થશે. કનેક્ટિવિટીનો વિકાસ સાથે જે સંબંધ છે. તેને આ મેટ્રો નેટવર્ક જોઈને સમજી શકાય તેમ છે.
હવે દિલ્હી-એનસીઆરમાં લગભગ 280 કિલોમીટરની મેટ્રો લાઈન કાર્યરત છે. ઝડપથી તેનું વિસ્તરણ થઈ રહ્યું છે તે જોતાં ખૂબ જલ્દી શાંઘાઈ, બેઈજીંગ, લંડન અને ન્યુ યોર્ક પછી દુનિયાનાં પાચમાં નંબરના સૌથી મોટા મેટ્રો નેટવર્ક તરીકે દિલ્હીની ઓળખ સ્થાપિત થશે. સાથીઓ, જે સપનુ આજે દિલ્હીમાં સાકાર થયું છે. અટલ ઈરાદાનાં જે પરિણામ આજે દિલ્હી અને એનસીઆરની પ્રજા જોઈ રહી છે. એવો જ પ્રયાસ સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યો છે.
મેટ્રો સાથે જોડાયેલાં કામોમાં સૌથી મોટી ઉણપ એ હતી કે દરેક શહેરમાં પહેલાં પોતાની રીતે જ કામ કરવામાં આવી રહ્યું હતું.
મેટ્રો અને તેની સાથે જોડાયેલાં બાંધકામનાં કામો માટે કોઈ નીતિ ન હતી. એટલા માટે કોઈ ધોરણો કે સ્ટાન્ડર્ડ પણ નક્કી થયાં નહોતાં. નેતાઓની મરજી મુજબ સ્ટેશન અને અલગ અલગ વિભાગોના હિતો માટે કામ કરવાના નિર્ણયો લેવામાં આવી રહ્યા હતા.
હવે 2017માં દેશની પ્રથમ મેટ્રો નીતિ બનાવ્યાં પછી આ બધી બાબતો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. લોકોને એક સ્ટેશનથી બીજા સ્ટેશન અને એ પછી પોતાના ઘર સુધી પહોંચવામાં મુશ્કેલી પડે નહીં તે માટે શહેરોની સમગ્ર પરિવહન વ્યવસ્થાનું સંકલન કરવામાં આવી રહ્યું છે.
હવે દેશમાં કોઈ પણ જગાએ મેટ્રો બને પરંતુ તે એક નિશ્ચિત ધોરણ અનુસાર કામ કરાશે. સાથીઓ 21મી સદીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શહેરોમાં સ્માર્ટ સુલભ સસ્તી અને સફાઈ ધરાવતી જાહેર પરિવહન વ્યવસ્થા પૂરી પાડવાનો સરકારની પ્રતિબદ્ધતા છે.
આજે દેશના 12 શહેરોમાં મેટ્રો નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. દેશનાં અન્ય શહેરોને પણ મેટ્રો નેટવર્કથી જોડવા માટે રાજ્ય સરકારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેની સાથે-સાથે મેટ્રોના ડબ્બા દેશમાં જ બને તે માટે કામ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના વડોદરા અને તામિલનાડુના ચેન્નાઈમાં આધુનિક પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. મેટ્રો પ્રોજેકટમાં મેક ઈન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે સરકારની ખરીદીની નીતિમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે અને હવે લગભગ 75 ટકા જેટલો ભારતીય સામાન વાપરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
સાથીઓ, મેટ્રોની વ્યવસ્થા એ આપણા આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહયોગનું પણ એક ખૂબ સુંદર ઉદાહરણ છે. પહેલાં ઘણા દેશોએ આપણને મેટ્રો માટે મદદ કરી હતી, હવે ભારત દુનિયાના ઘણા દેશોને મેટ્રોના કોચ પૂરા પાડવા માટે તૈયાર થઈ રહ્યું છે.
માત્ર આંતરરાષ્ટ્રીય સંબંધો જ નહી પણ સહકારી સંઘવાદ કઈ રીતે કામ કરે છે તેનુ પણ તે એક ઉદાહરણ છે. આજે દેશનાં જે-જે રાજ્યોમાં મેટ્રો નેટવર્ક વિકસિત થયું છે તેણે દરરોજ લગભગ 6 લાખ ગાડીઓની જરૂરિયાતને પુરી કરી દીધી છે. મેટ્રોએ લોકોનો સમય પણ બચાવ્યો છે, પૈસા બચાવ્યા છે અને તે પ્રદૂષણ પણ ઓછુ કરવાનું કામ કરી રહી છે. મેટ્રોની સાથે-સાથે સરકાર એનસીઆરમાં સમગ્ર પરિવહન વ્યવસ્થાને આધુનિક અને લોકોની જરૂરિયાત મુજબની બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.
દિલ્હીને હાઈ સ્પીડ રેલવે મારફતે સોનીપત, અલવર અને મેરઠ સાથે જોડવાની કામગીરી માટે પ્રાદેશિક રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર પણ કામ ચાલી રહ્યું છે. આ સિવાય દિલ્હીની ચારે તરફ એક્સપ્રેસ-વેનુ વર્તુળ પૂર્ણ કરવાનું કામ પણ ઝડપભેર હાથ ધરવામાં આવી રહ્યું છે.
તેના પહેલા ચરણનું એટલે કે ઈસ્ટર્ન પેરિફરલ એક્સપ્રેસ-વેનું કામ થોડા દિવસ પહેલાં જ મેં તેનુ લોકાર્પણ કર્યું છે. વેસ્ટર્ન પેરિફરલ એક્સપ્રેસ-વેનું કામ પણ પ્રગતિમાં છે. પેરિફરલ એક્સપ્રેસ-વે ના કારણે દિલ્હી થઈને પસાર થનારાં નાનાં મોટાં વાહનોની સંખ્યામાં 25 થી 30 ટકા જેટલો ઘટાડો થઈ ગયો છે. તેનાથી ટ્રાફિક પર તો પ્રભાવ પડ્યો જ છે પણ સાથે-સાથે પ્રદૂષણનુ એક મોટું કારણ નિવારી શકાયું છે. ભાઈઓ અને બહેનો, નવા ભારત માટે નવું અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સરકારની એક કટિબદ્ધતા છે.
વીતેલા ચાર વર્ષમાં રોડ, રેલવે એર-વે અને વોટર-વે તેમજ વીજળી સાથે જોડાયેલી માળખાગત સુવિધાઓ માટે સૌથી વધુ મૂડી રોકાણ કરવામાં આવ્યું છે. કારગિલથી શરૂ કરીને કન્યાકુમારી સુધી અને કચ્છથી માંડીને કામાખ્યા સુધી કનેક્ટિવિટી પર ભાર મુકવામાં આવી રહ્યો છે. સૌથી લાંબી સુરંગ હોય કે પછી સૌથી મોટો પુલ એક પછી એક તમામ પ્રોજેકટ નિર્ધારિત સમયમાં પૂરા કરવામાં આવી રહ્યા છે. ભારતમાલા પ્રોજેકટ હેઠળ દેશમાં 35 હજાર કિલોમીટર લાંબા આધુનિક ધોરીમાર્ગોની જાળ બિછાવવા માટેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
હવે પછી જે સમય આવશે તેમાં સૌથી વધુ જળ માર્ગો, બુલેટ ટ્રેન, દેશની પરિવહન વ્યવસ્થામાં ઘણો મોટો ફેરફાર લાવશે. આ ઉપરાંત નાના-નાના શહેરોમાં વિકસિત થઈ રહેલાં એરપોર્ટ લોકોનો ઉત્સાહ આસમાન સુધી પહોંચાડવાનું કામ કરશે. આ આધુનિક માળખાગત સુવિધાઓ આપણા શહેરોને 21મી સદીમાં આર્થિક વિકાસનાં કેન્દ્રસ્થાન બનાવવા માટે મદદરૂપ થશે. દેશના અલગ-અલગ વિસ્તારોમાં માળખાગત સુનિધાઓ જેટલી વધુ મજબૂત થશે તેટલો સંપર્ક સુગમ બની રહેશે. પરિવહનનાં આ અલગ-અલગ માધ્યમો જેટલી એક બીજાને મદદ કરશે તેટલા પ્રમાણમાં લોકોનું જીવન સરળ બની રહેશે. વેપારની નવી તકો ઉભી થશે અને રોજગારીની પણ નવી તકો પ્રાપ્ત થશે.
સાથીઓ, સરકારના આ પ્રયાસોમાં સામાન્ય માણસો એટલે કે આપ બધાની લોક ભાગીદારી વગર કામ શક્ય બનતું નથી. અને તે ખૂબ જ જરૂરી છે. આવો, નવા ભારત માટે બની રહેલી માળખાગત સુવિધાઓ માટે સાથે મળીને વિશેષ પ્રયાસ કરીએ.
વધુ એક વાર હરિયાણા અને બહાદુરગઢની જનતાને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું અને આ સેવાનો લાભ આપણા નાગરિકો ઉઠાવે અને ખાનગી વાહનોના વપરાશથી મુક્તિ મેળવે.
હું મારી વાત અહીં સમાપ્ત કરૂ છું.
ખૂબ-ખૂબ ધન્યવાદ.
NP/J.Khunt/GP/RP
(रिलीज़ आईडी: 1537858)
आगंतुक पटल : 315