પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સંત કબીર નગરમાં મહાન સંત અને કવિ કબીરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

Posted On: 28 JUN 2018 1:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં આજે સંત કબીર નગર જિલ્લામાં મગહરની મુલાકાત લીધી હતી.

તેમણે મહાન સંત અને કવિ કબીરની 500મી પુણ્યતિથિનાં પ્રસંગે સંત કબીરની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે સંત કબીરની મજ઼ાર પર ચાદર પણ અર્પણ કરી હતી. તેમણે સંત કબીરની ગુફાની મુલાકાત લીધી હતી અને સંત કબીર અકાદમીનો શિલાન્યાસ દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું, જેમાં આ મહાન સંતનાં ઉપદેશો દર્શાવાયા છે.

પ્રધાનમંત્રીએ જનસભામાં જણાવ્યું હતું કે, મગહરની પવિત્ર ભૂમિ પર મહાન સંત કબીરને શ્રદ્ધાંજલિ આપવાની વર્ષોની તેમની ઇચ્છા પૂર્ણ થઈ, જ્યાં કહેવાય છે કે, સંત કબીર, ગુરુ નાનક અને બાબા ગોરખનાથ વચ્ચે આધ્યાત્મિક ચર્ચા થઈ હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સંત કબીર અકાદમીનું નિર્માણ રૂ. 24 કરોડનાં ખર્ચે થશે, જે સંત કબીરનાં વારસાનું જતન કરતી સંસ્થા બનશે તેમજ ઉત્તરપ્રદેશની પ્રાદેશિક બોલીઓ અને લોકકળાઓને જીવંત રાખશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સંત કબીર ભારતનાં આત્માનાં હાર્દનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે નાતજાતનાં બંધનો તોડ્યાં હતાં અને સાધારણ ભારતીય, ગ્રામીણ ભારતીયને સમજાય એવી ભાષામાં ઉપદેશ આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતનાં વિવિધ ભાગોમાં વિવિધ સમયે સંતો પ્રગટ્યાં છે, જેમણે સમાજને સામાજિક અનિષ્ટોમાંથી બહાર નીકળવા માર્ગદર્શન આપ્યું છે. ભારતનાં તમામ વિસ્તારોમાં અત્યાર સુધી જુદા-જુદા યુગમાં થયેલા સંતોનાં નામનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ બાબાસાહેબ આંબેડકરનું નામ લીધું છે, જેમણે દરેક નાગરિકને બંધારણ મારફતે સમાનતાની ખાતરી આપી હતી.

રાજકીય તકવાદનો વિરોધ કરતું નિવેદન કરતાં પ્રધાનમંત્રીએ સંત કબીરનાં ઉપદેશો યાદ કર્યા હતાં, જેમાં તેમણે આદર્શ શાસનની વ્યાખ્યા કરી હતી. તેમણે કહ્યું હતું છે, જે લોકોની લાગણી અને પીડાને સમજે એ આદર્શ શાસક છે. તેમણે કહ્યું હતું કે, સંત કબીરે એવા તમામ સામાજિક માળખાની ટીકા કરી હતી, જેમાં લોકો સાથે ભેદભાવ રાખવામાં આવે છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેણે તમામ પ્રકારનાં સામાજિક માળખાઓનો ઉલ્લેખ કરીને ગરીબો અને વંચિતોને સક્ષમ બનાવ્યાં છે. આ યોજનાઓમાં જન ધન યોજના, ઉજ્જવલા યોજના, વીમા યોજનાઓ, શૌચાલયનું નિર્માણ અને સબસિડીનું પ્રત્યક્ષ હસ્તાંતરણ સામેલ છે. તેમણે માર્ગ, રેલવે, ઓપ્ટિકલ ફાઇબર વગેરે જેવા વિવિધ માળખાગત ક્ષેત્રોની કામગીરીમાં ઝડપ આવી હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ભારતનાં તમામ વિસ્તારોમાં વિકાસનાં મીઠાં ફળ પહોંચે એવું સુનિશ્ચિત કરવા માંગે છે.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે, સંત કબીરનાં ઉપદેશો આપણને નવા ભારતનું વિઝન સાકાર કરવા માટે મદદરૂપ બને.

 

NP/J.Khunt/RP


(Release ID: 1537006) Visitor Counter : 149