પ્રધાનમંત્રીનું કાર્યાલય

દેશના વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીનો વીડિયો બ્રિજ દ્વારા વાર્તાલાપ

Posted On: 07 JUN 2018 12:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના અને કેન્દ્ર સરકારની અન્ય આરોગ્યલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સાથે વીડિયો બ્રિજ દ્વારા વાર્તાલાપ કર્યો હતો. વીડિયો બ્રિજ દ્વારા પ્રધાનમંત્રીનો વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદની શ્રેણીનો આ પાંચમો વાર્તાલાપ છે.

આરોગ્ય અને સુખાકારીનું મહત્ત્વ સમજાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આરોગ્ય એ તમામ પ્રકારની સફળતા અને સમૃદ્ધિનો પાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતના 125 નાગરિકો તંદુરસ્ત હશે તો જ ભારત તંદુરસ્ત અને મહાન બની શકશે.

લાભાર્થીઓ સાથે પરામર્શ કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે માંદગીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ પર મોટો નાણાકીય બોજ તો પડે જ છે પણ આપણાં આર્થિક અને સામાજિક ક્ષેત્રોને પણ અસર થાય છે. આથી સરકારનો એ પ્રયાસ રહે છે કે દરેક નાગરિકને પરવડે તેવા દરે આરરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજનાનો પ્રારંભ એવા હેતુથી કરવામાં આવ્યો હતો કે જેથી ગરીબો, નિમ્ન-મધ્યમ વર્ગ તથા મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવા દરે દવાઓ ઉપલબ્ધ થાય અને તેમનો નાણાકીય બોજ હળવો થાય.

સરકારે દેશભરમાં 3600થી વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલ્યાં છે કે જેમાં પરવડે તેવા દરે 700થી વધુ જેનરીક ઔષધો ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રીએ જન ઔષધિ કેન્દ્ર ખાતે દવાઓની કિંમત બજાર કિંમત કરતાં 50 થી 90 ટકા જેટલી ઓછી લેવાય છે એ વાતનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે નજીકના ભવિષ્યમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારીને 5,000 સુધી લઈ જવામાં આવશે.

સ્ટેન્ટનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે પહેલાના સમયમાં નાગરિકોને સ્ટેન્ટ લગાવવા માટે મિલકત વેચવી પડતી હતી કે ગીરવે મુકવી પડતી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને મદદરૂપ થવા માટે સ્ટેન્ટની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. હૃદયના સ્ટેન્ટની કિંમત અંદાજે રૂ. બે લાખ જેટલી લેવાતી હતી તે ઘટાડીને રૂ. 29,000 કરવામાં આવી છે.

વાર્તાલાપ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકારે ઘુંટણના પ્રત્યારોપણની કિંમત રૂ. 2.5 લાખથી ઘટાડીને રૂ. 70,000 થી રૂ. 80,000 જેટલી કરી છે. એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે 1 થી 1.5 લાખ જેટલાં ઘુંટણનાં ઓપરેશન થાય છે. આ હિસાબે ઘુંટણના પ્રત્યારોપણની કિંમતમાં ઘટાડો કરવાથી લોકોને રૂ. 1500 કરોડથી વધુ રકમની બચત થઈ છે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસીસ કાર્યક્રમ મારફતે સરકારે 500થી વધુ જિલ્લાઓમાં 2.25 લાખ દર્દીઓ માટે 22 લાખથી વધુ ડાયલિસીસ સત્રો કર્યા છે. મિશન ઈન્દ્રધનૂષ મારફતે 528 જિલ્લાઓમાં 3.15 કરોડથી વધુ બાળકો અને 80 લાખ મહિલાઓનુ રસીકરણ કરવામાં આવ્યું છે. લોકોને વધુ પથારી, વધુ હોસ્પિટલ અને વધુ ડૉક્ટરો ઉપલબ્ધ થાય તે માટે 92 મેડિકલ કોલેજો શરૂ કરીને એમબીબીએસની 15,000 બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આરોગ્યલક્ષી સેવાઓને વધુ પોસાય તેવી અને સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે સરકારે આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ 10 કરોડ પરિવારોને રૂ. 5 લાખના વીમા કવચ હેઠળ આવરી લેવામાં આવશે. 'સ્વચ્છ ભારત અભિયાન'નો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ યોજના તંદુરસ્ત ભારતના નિર્માણમાં કેન્દ્રવર્તી ભૂમિકા ભજવી રહી છે. 'સ્વચ્છ ભારત અભિયાન'ને કારણે હવે 3.5 લાખ ગામ ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત થયાં છે. અને સ્વચ્છતાનો વ્યાપ 38 ટકા જેટલો વધ્યો છે.

પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરતાં લાભાર્થીઓએ જણાવ્યું કે પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાને કારણે દવાઓનો ખર્ચ ઓછો થયો છે અને તે પરવડે તેવી થઇ છે. લાભાર્થીઓએ જણાવ્યું કે હૃદયના સ્ટેન્ટ અને ઘુંટણના પ્રત્યારોપણની ઘટેલી કિંમતને કારણે તેમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે.

પ્રધાનમંત્રીએ લોકોને યોગ અપનાવવા માટે અને તેને જીવનશૈલીનો ભાગ બનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો અને તેના દ્વારા તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવા જણાવ્યું હતું.

 

NP/J.Khunt/RP



(Release ID: 1534785) Visitor Counter : 297