પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવ્યો; આદિજાતિઓના સમગ્રતયા વિકાસ માટે એક રોડમેપનું અનાવરણ કર્યું

Posted On: 24 APR 2018 3:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશમાં મંડલા ખાતે એક જાહેર સભામાં રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. તેમણે આગામી પાંચ વર્ષ માટે આદિજાતિઓના વિકાસ માટેના એક રોડમેપનું પણ અનાવરણ કર્યું.

તેમણે મંડલા જીલ્લામાં માંનેરી ખાતે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના એક એલપીજી બોટલિંગ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરાવ્યો. તેમણે એક સ્થાનિક સરકારી ડિરેક્ટરીને પણ ખુલ્લી મૂકી.

પ્રધાનમંત્રીએ ગામડાના એવા સરપંચોને પુરસ્કૃત કર્યા કે જેમણે 100 ટકા ધુમાડારહિત રસોડાઓ, મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત 100 ટકા રસીકરણ અને સૌભાગ્ય યોજના હેઠળ 100 ટકા વિદ્યુતીકરણના લક્ષ્યને પ્રાપ્ત કર્યું હોય.

મંડલાથી સમગ્ર દેશમાં રહેલા પંચાયતી રાજના પ્રતિનિધિઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીની રાષ્ટ્રોદય માટે ગ્રામોદય અને ગ્રામ સ્વરાજની હાકલને યાદ કરી. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધ્ય પ્રદેશમાં આવીને તેમને અત્યંત ખુશીનો અનુભવ થઇ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે મહાત્મા ગાંધીએ હંમેશા ગામડાઓના મહત્વને દર્શાવ્યું હતું અને તેઓ ગ્રામ સ્વરાજ અંગે બોલ્યા હતા. તેમણે દરેક વ્યક્તિને આપણા ગામડાઓની સેવા કરવાની પ્રતિબદ્ધતાની ખાતરી કરવા હાકલ કરી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ગ્રામ્ય વિકાસ અંગે જ્યારે બોલતા હોઈએ ત્યારે બજેટ એ ખુબ જ જરૂરી છે. પરંતુ, તેમણે ઉમેર્યું, કે છેલ્લા કેટલાક વર્ષોમાં સમયના પ્રવાહમાં થોડો બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે હવે લોકો એ વિષે વાત કરી રહ્યા છે કે કોઈ એક પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલ નાણાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે અને સાથે સાથે સમયસર અને પારદર્શકતા વડે તેનો ઉપયોગ થાય.

તેમણે લોકોને તેમના બાળકોના શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી અને ઉમેર્યું કે તે બાળકના ભવિષ્ય માટે ખુબ જરૂરી છે.

પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટે થઇ રહેલા પ્રયાસોને પણ ભારપૂર્વક દર્શાવ્યા. તેમણે પંચાયત પ્રતિનિધિઓને જળ વ્યવસ્થાપન પ્રત્યે ધ્યાન દોરવા વિનંતી કરી અને એ બાબતની ખાતરી કરવા જણાવ્યું કે પાણીના એક એક ટીપાની બચત થાય.

શ્રી નરેન્દ્ર મોદીએ નાણાકીય સમાવેશન માટે જન ધન યોજના, આદિજાતિ સમુદાયના સશક્તિકરણ માટે વન ધન યોજના અને ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવવા માટે અને સાથે સાથે કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવા માટે ગોબર ધન યોજનાના મહત્વ વિષે જણાવ્યું.

તેમણે જણાવ્યું કે ગામડાઓનું પરિવર્તન એ દેશના પરિવર્તનની ખાતરી આપશે.

પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા પગલાઓ મહિલાઓની સુરક્ષા માટે લાભદાયી સાબિત થશે.

NP/J.Khunt/GP/RP



(Release ID: 1530044) Visitor Counter : 145