મંત્રીમંડળ

મંત્રીમંડળે પરંપરાગત ઔષધ પ્રણાલીઓનાં ક્ષેત્રમાં ભારત અને ઈરાન વચ્ચે સહયોગ માટેનાં સમજૂતીકરારને મંજૂરી આપી

Posted On: 14 MAR 2018 7:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પરંપરાગત ઔષધપ્રણાલીનાં ક્ષેત્રમાં ભારત અને ઈરાન વચ્ચે સહયોગ માટેનાં સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.

લાભઃ

સમજૂતીકરારથી પરંપરાગત ઔષધોનાં ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન મળશે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને આ સમજૂતી અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

પૃષ્ઠભૂમિઃ

ભારતને સુવિકસિત પરંપરાગત ઔષધિ વ્યવસ્થાઓનું વરદાન મળેલું છે, જેમાં જડીબુટ્ટીઓ સામેલ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિને ધ્યાનમાં રાખીએ તો ભારતીય પરંપરાગત ઔષધિ વ્યવસ્થાઓમાં પ્રચૂર ક્ષમતા વિદ્યમાન છે.

ભારત અને ઈરાન વચ્ચે ઘણી વિશેષતાઓમાં સમાનતા છે, તેમની ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓમાં સમાનતા છે તથા બંને દેશમાં જડીબુટ્ટીઓનો એક સમાન રીતે પ્રયોગ થાય છે. બંને દેશોમાં વિસ્તૃત જૈવવિવિધતાઓ અસ્તિત્વમાં છે અને પરંપરાગત ઔષધિ વ્યવસ્થાઓનો હંમેશા ઉપયોગ થાય છે. બંને દેશોમાં દુર્લભ ઔષધિઓનાં છોડ મળે છે. આ ઉપરાંત ઈરાન પરંપરાગત ઔષધિનાં ક્ષેત્રમાં ભારતની અગ્રણી દેશની સ્થિતિને માન્યતા આપે છે. ભારતમાં આ ક્ષેત્રે મજબૂત માળખું ઉપસ્થિત છે અને અહીં ઉત્કૃષ્ટ ઉત્પાદન એકમો કામ કરે છે.

ભારત સરકારનાં આયુષ મંત્રાલયને પરંપરાગત ઔષધિય વ્યવસ્થાઓને પ્રોત્સાહન, પ્રચાર અને સંપૂર્ણ વિશ્વમાં તેને પ્રસ્તુત કરવાનો અધિકાર છે. આ વ્યવસ્થામાં આયુર્વેદ, યોગ અને કુદરતી ચિકિત્સા, યુનાની, સિદ્ધ, સોવા-રિગ્પા અને હોમિયોપેથી સામેલ છે. આયુષ મંત્રાલયે આ દિશામાં ચીન, મલેશિયા, ત્રિનિદાદ અને ટોબેગો, હંગેરી, બાંગ્લાદેશ, નેપાળ, મોરેશિયસ અને મંગોલિયાની સાથે પરંપરાગત ઔષધો સંબંધિત સમજૂતીકરાર કર્યા છે. શ્રીલંકા સાથે પણ આવી સમજૂતીનો પ્રસ્તાવ છે.



(Release ID: 1524497) Visitor Counter : 121