મંત્રીમંડળ

ઓડીશા સરકાર તરફથી વિનંતીનાં આધારે મંત્રીમંડળે મહાનદી જળ વિવાદ માટે આંતર-રાજ્ય નદી વિવાદ કાયદો, 1956 અંતર્ગત એક ટ્રીબ્યુનલની રચના કરવાના પ્રસ્તાવને મંજુરી આપી

Posted On: 20 FEB 2018 1:20PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 20-02-2018

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે મહાનદી જળ વિવાદનો ચુકાદો લાવવાનાં પ્રસ્તાવને મંજુરી આપી હતી. આ ટ્રીબ્યુનલ સંપૂર્ણ મહાનદીનાં તટ પ્રદેશમાં પાણીની ઉપલબ્ધતા, પ્રત્યેક રાજ્યનું યોગદાન, પ્રત્યેક રાજ્યમાં પાણીનો વર્તમાન ઉપયોગ અને ભવિષ્યનાં વિકાસની ક્ષમતાઓનાં આધાર પર રાજ્યોની વચ્ચે જળ વિભાજન નક્કી કરશે.

આંતર-રાજ્ય નદી જળ વિવાદ (ISRWD) કાયદો, 1956માં કરવામાં આવેલ જોગવાઈ અનુસાર ટ્રીબ્યુનલમાં એક અધ્યક્ષ અને સર્વોચ્ચ અદાલત અથવા ઉચ્ચ અદાલતનાં ન્યાયધીશોમાંથી ચીફ જસ્ટીસ ઑફ ઇન્ડિયા દ્વારા નિર્દેશ કરવામાં આવેલા બે અન્ય સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે. વધુમાં, જળ સ્રોતોનો નિષ્ણાત અને જળને લગતા સંવેદનશીલ મુદ્દાઓને સંભાળવા માટે અનુભવ ધરાવતા બે મૂલ્યાંકનકર્તાઓ ટ્રીબ્યુનલને તેની કામગીરી દરમિયાન સલાહ આપવા માટે નીમવામાં આવશે.

ISRWD કાયદો, 1956ની જોગવાઈઓ અનુસાર, ટ્રીબ્યુનલને તેમનો અહેવાલ અને ચુકાદો 3 વર્ષનાં સમયગાળામાં આપવાનો રહેશે. આ સમયગાળાને અનિવાર્ય સંજોગોમાં વધુ સમય માટે લંબાવી શકાય પરંતુ 2 વર્ષથી વધુ નહીં.

એવી આશા રાખવામાં આવે છે કે ટ્રીબ્યુનલ દ્વારા વિવાદનો ચુકાદો આવતા લાંબા સમયથી અટકી રહેલ ઓડીશા અને છત્તીસગઢ વચ્ચેનાં મહાનદી પરના જળ વિવાદનો અંત આવશે.

 

 

J.Khunt/GP                                                                   (Release ID: 1521098) Visitor Counter : 76


Read this release in: English , Assamese , Tamil , Telugu