વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતનું પરિવર્તન, વિકસતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને યુવાનો માટેની તકો દેશની વિકસિત રાષ્ટ્ર તરફની દેશની યાત્રાને પ્રતિબિંબિત કરે છે: દિલ્હી યુનિવર્સિટીના વાર્ષિક દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ


વાણિજ્ય મંત્રીએ સ્નાતકોને તેમના સપનાઓને સાકાર કરવા, આજીવન શીખતા રહેવા અને સમાજના ઓછા સુવિધાસંપન્ન વર્ગો પ્રત્યે જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો

પોસ્ટેડ ઓન: 20 NOV 2026 3:18PM by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે આજે દિલ્હી યુનિવર્સિટીના 103મા વાર્ષિક દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા સ્નાતકોને તેમના સપનાઓને સાકાર કરવા, તકોને અપનાવવા અને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની યાત્રામાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. ભારતના આર્થિક પરિવર્તન પર પ્રકાશ પાડતા, તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં આશરે 50 કરોડ ભારતીયો અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા છે. એક દાયકા પહેલાના થોડાક સો સ્ટાર્ટઅપ્સમાંથી, ભારત 2.5 લાખ સ્ટાર્ટઅપ્સ અને 130 થી વધુ યુનિકોર્ન સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે યુવા ભારતીયો નોકરી શોધનારાઓને બદલે વધુને વધુ નોકરી આપનારા બની રહ્યા છે, જે પ્રયોગ કરવાની, નિષ્ફળતા સ્વીકારવાની અને નવા પડકારો ઝીલવાની તૈયારી દર્શાવે છે.

શ્રી ગોયલે કહ્યું કે 'વિકસિત ભારત 2047' તરફની સફર દેશના યુવાનોના ખભા પર ટકેલી છે. જેમ જેમ સ્નાતકો તેમની કારકિર્દીમાં આગળ વધશે, તેમ-તેમ તેમની પાસે સમાજના ઓછા સુવિધાસંપન્ન અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો માટે બહેતર ભવિષ્ય બનાવવાની જબરદસ્ત તકો હશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમનું ભવિષ્ય એવા લોકોના ભવિષ્ય સાથે જોડાયેલું છે જેઓ પાછળ રહી ગયા છે અને જેમને સમાન તકો મળી નથી. તેમણે સ્નાતકોને આ વર્ગો પ્રત્યેની તેમની ફરજો પ્રત્યે સભાન રહેવા અનુરોધ કર્યો અને કહ્યું કે એક પણ વ્યક્તિના જીવન પર સકારાત્મક અસર કરવાનો સંતોષ અમાપ છે.

સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને અભિનંદન આપતા, શ્રી ગોયલે કહ્યું કે દર વર્ષે આશરે 2.5 કરોડ યુવા ભારતીયો કોલેજની ઉંમરે પહોંચે છે, પરંતુ બહુ ઓછા લોકોને દિલ્હી યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અભ્યાસ કરવાની તક મળે છે. વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાઓ, CUET, મોક ટેસ્ટ અને રિવિઝન દ્વારા પોતાનું સ્થાન મેળવ્યું છે, અને ત્યારબાદ CGPA, સોસાયટી ઓડિશન, ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટના પડકારો પાર કર્યા છે. તેમણે કહ્યું કે યુનિવર્સિટી દ્વારા પૂરો પાડવામાં આવેલ મજબૂત પાયો તેમને સફળ કારકિર્દી ઘડવામાં મદદ કરશે.

મંત્રીએ કહ્યું કે સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીઓની સિદ્ધિ તેમના માતા-પિતાની પણ એટલી જ છે, જેમણે તેમના બાળકોની આકાંક્ષાઓને શક્ય બનાવવા માટે પોતાના સપનાઓનું બલિદાન આપ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને તેમના યુનિવર્સિટીના વર્ષો દરમિયાન સહાય કરાનાર લોકોને પણ યાદ રાખવા અનુરોધ કર્યો, જેમાં તેમના હિસાબ રાખતા કેન્ટીન સ્ટાફ, ઓળખપત્ર વિના તેમને ઓળખી લેતા સુરક્ષા ગાર્ડ્સ, પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં મદદ કરનાર ગ્રંથપાલો અને સુદામાજી, જેમની ચા તેમના યુનિવર્સિટીના અનુભવનો એક ભાગ રહી હતી, તેમનો સમાવેશ થાય છે.

શ્રી ગોયલે શિક્ષકોનું સન્માન કરવાના મહત્વ પર ભાર મૂક્યો અને અવલોકન કર્યું કે ઘંટ વાગવાથી શિક્ષકનું કાર્ય પૂરું થતું નથી પરંતુ દાયકાઓ સુધી વિદ્યાર્થીઓના જીવનને પ્રભાવિત કરવાનું ચાલુ રાખે છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ ઘણીવાર વાસ્તવિક દુનિયામાં પ્રવેશ્યા પછી અને જીવનના પડકારોનો સામનો કર્યા પછી જ તેમના શિક્ષકોના માર્ગદર્શન, સુધારા અને પાઠનું મહત્વ સમજે છે.

યુનિવર્સિટીની 104 વર્ષની સફરનો ઉલ્લેખ કરતા, શ્રી ગોયલે નોંધ્યું કે દિલ્હી યુનિવર્સિટી 90 કોલેજો અને છ લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી વિસ્તરી છે અને તેના 103 વર્ષના ઇતિહાસમાં ક્યારેય દીક્ષાંત સમારોહ ચૂકી નથી. યુનિવર્સિટીએ સ્વતંત્રતા સંગ્રામ, બીજા વિશ્વયુદ્ધ અને કોવિડ મહામારી દરમિયાન પણ તેની પરંપરા જાળવી રાખી હતી. તેમણે કહ્યું કે આ દીક્ષાંત સમારોહમાં હાજર રહેવું તેમના માટે બમણા સન્માનની વાત છે, જ્યાં 400 થી વધુ ડોક્ટરલ ડિગ્રીઓ, 1.7 લાખથી વધુ સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રીઓ અને 160થી વધુ સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવી રહ્યા છે.

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા, તેમણે કહ્યું કે તેમની સખત મહેનત, ખંત અને સફળતા દેશની દરેક દીકરી માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આ સિદ્ધિઓ વિશે જાણીને આનંદ થશે.

મંત્રીએ સ્નાતકોને તેમના યુનિવર્સિટીના વર્ષો દરમિયાન બનેલી મિત્રતાની કદર કરવા પણ અનુરોધ કર્યો. તેમણે અવલોકન કર્યું કે વિદ્યાર્થીઓ ઘણીવાર આ ઘડતરના વર્ષો દરમિયાન તેમના પરિવારો કરતાં તેમના મિત્રો સાથે વધુ સમય વિતાવે છે. મિત્રોએ તેમને સવારે 9 વાગ્યાની પરીક્ષાઓ માટે જગાડ્યા છે, નોટ્સ ઉછીની આપી છે અને જ્યારે બીજા કોઈએ વિશ્વાસ ન કર્યો ત્યારે તેમના વિચારોમાં વિશ્વાસ મૂક્યો છે. તેમણે સ્નાતકોને આ મિત્રતા જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા અને અવલોકન કર્યું કે તેમના મિત્રો તેમના સૌથી જૂના શુભેચ્છકો અને સૌથી પ્રમાણિક ટીકાકારો બની રહેવાની સાથે તેમના પ્રથમ ગ્રાહકો, ભાગીદારો અથવા રોકાણકારો બની શકે છે. વિદ્યાર્થીઓને ત્રણ શબ્દો, "તમારા સપનાઓને અનુસરો" યાદ રાખવા પ્રોત્સાહિત કરતા, શ્રી ગોયલે સ્ટીવ જોબ્સને ટાંક્યા: "તમારો સમય મર્યાદિત છે, તેથી કોઈ બીજાનું જીવન જીવવામાં તેનો વ્યય ન કરો. તમારા હૃદય અને અંતઃપ્રેરણાને અનુસરવાની હિંમત રાખો."

સફળતા માટેના છ પાઠ શેર કરતા, શ્રી ગોયલે સ્નાતકોને મોટું વિચારવા, સકારાત્મક રહેવા, એકાગ્રતા જાળવી રાખવા, શીખવાનું ચાલુ રાખવા, તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને તેમના સંઘર્ષો પર વિશ્વાસ રાખવા પ્રોત્સાહિત કર્યા.

પ્રથમ, તેમણે વિદ્યાર્થીઓને મોટું વિચારવા, મોટા સપના જોવા અને તેમની આકાંક્ષાઓમાં દ્રઢ વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો. તેમણે નાના લક્ષ્યો નક્કી કરવા અથવા નિષ્ફળતાથી ડરવા સામે ચેતવણી આપી અને તેમના લક્ષ્યોને હાંસલ કરવા તરફ સખત મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા. અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનો ઉલ્લેખ કરતા, તેમણે તેમના મુશ્કેલ બાળપણ, મર્યાદિત ઔપચારિક શિક્ષણ અને વ્યવસાય તથા વ્યાવસાયિક જીવનમાં શરૂઆતની નિષ્ફળતાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે લિંકન એક ઉત્સુક વાચક રહ્યા, શીખવામાં આજીવન રસ જાળવી રાખ્યો અને પીછેહઠ છતાં ખંતપૂર્વક પ્રયાસ કરતા રહ્યા, અંતે રાષ્ટ્રપતિ બન્યા અને અમેરિકામાં ગુલામી પ્રથા નાબૂદ કરવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવી.

બીજું, તેમણે વિદ્યાર્થીઓને સકારાત્મક રહેવા અને માર્ગ સુધારણાથી ક્યારેય ન ડરવાની સલાહ આપી. ઇલેક્ટ્રિક બલ્બ વિકસાવવામાં થોમસ એડિસનના વારંવારના પ્રયોગોને ટાંકીને, તેમણે કહ્યું કે અસંખ્ય નિષ્ફળતાઓ અને વર્ષોની દ્રઢતાએ અંતે સફળતા અપાવી હતી. તેમણે સ્નાતકોને દરેક પ્રયાસમાંથી શીખવા, બદલાતા સંજોગોને અનુકૂળ થવા અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમના અભિગમમાં ફેરફાર કરવા, તેમજ તેમના સપનાઓને સાકાર કરવાનું ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા.

ત્રીજું, તેમણે એકાગ્રતાના મહત્વ પર ભાર મૂક્યો અને અવલોકન કર્યું કે 30-સેકન્ડની રીલ્સની દુનિયામાં, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા દુર્લભ અને તેથી મૂલ્યવાન બની ગઈ છે. સ્વામી વિવેકાનંદને ટાંકીને, તેમણે કહ્યું, "એક વિચાર લો, તે એક વિચારને તમારું જીવન બનાવો." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સફળતા હાંસલ કરવા માટે વ્યક્તિની આકાંક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત રાખવું આવશ્યક છે.

ચોથું, તેમણે સ્નાતકોને આજીવન શીખતા રહેવા અનુરોધ કર્યો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઉભરતી ટેકનોલોજીના યુગનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ શીખવા માટે તૈયાર રહેવું જોઈએ અને જૂની પદ્ધતિઓને ભૂલીને (unlearn) તેમના અભિગમો પર પુનર્વિચાર કરવા તૈયાર રહેવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવતીકાલની સમસ્યાઓ ઉકેલવામાં માનવીય અનુભવો મહત્વપૂર્ણ છે અને વિવેચનાત્મક વિચારસરણી એવી વસ્તુ છે જેનું સ્થાન કોઈ લઈ શકતું નથી.

પાંચમું, તેમણે વિદ્યાર્થીઓને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ આપી, અને શરીરને એકમાત્ર એવું વાહન ગણાવ્યું જે જીવનની સફરમાં તેમની સાથે રહેશે. તેમણે અવલોકન કર્યું કે યુવાનો ઘણીવાર મોડી રાત સુધી જાગવું, પાર્ટીઓ અને અનિયમિત ટેવો સાથે તેમના સ્વાસ્થ્યને હળવાશથી લે છે, પરંતુ જીવનમાં પાછળથી વધુ શિસ્ત ન કેળવવાનો પસ્તાવો કરી શકે છે. તેમણે ચાલવા, રમવા, દોડવા અને યોગ દ્વારા કાયમી ફિટનેસ ટેવો બનાવવા પ્રોત્સાહિત કર્યા, અને શરીર, મન અને આત્માની જાળવણીમાં નિવારક આરોગ્યસંભાળના મહત્વ પર પ્રકાશ પાડ્યો.

છઠ્ઠું, તેમણે સ્નાતકોને તેમના સંઘર્ષો પર વિશ્વાસ રાખવા અને મુશ્કેલીઓને તેમના ભાગ્યની પૂર્વતૈયારી તરીકે જોવા કહ્યું. ભગવાન રામ દ્વારા ભોગવવામાં આવેલા 14 વર્ષના વનવાસ અને પાંડવોના 12 વર્ષના વનવાસ તથા ત્યારબાદ એક વર્ષના અજ્ઞાતવાસનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે મુશ્કેલીઓ ઘણીવાર વ્યક્તિઓને તેમના ભાગ્ય માટે તૈયાર કરે છે.

તેમના સૌથી મોટા અને પ્રિય માર્ગદર્શકોમાંના એક, પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને યાદ કરતા, શ્રી ગોયલે તેમને ટાંકીને કહ્યું, "શિક્ષણ, શબ્દના સાચા અર્થમાં, આત્મ-શોધની પ્રક્રિયા, આત્મ-શિલ્પની કળા છે." તેમણે નોંધ્યું કે અટલ જીએ 2002 માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની સુવર્ણ જયંતી પ્રસંગે આ ટિપ્પણી કરી હતી.

75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દર્શાવવામાં આવેલા 'પંચ પ્રણ' અથવા પાંચ રાષ્ટ્રીય સંકલ્પોનો ઉલ્લેખ કરતા, શ્રી ગોયલે સ્નાતકોને આ સંકલ્પોને તેમના જીવનનો ભાગ બનાવવા અને 2047 સુધીમાં તેમને સાકાર કરવા તરફ યોગદાન આપવા આહ્વાન કર્યું.

પ્રથમ પ્રણ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનો હતો. શ્રી ગોયલે કહ્યું કે વિકસિત ભારત એવું હશે જે સમૃદ્ધ હોય, દરેક બાળક અને નાગરિકની સંભાળ રાખે અને દરેક પરિવારને સારું જીવનધોરણ પૂરું પાડે. તેમણે યુનિવર્સિટી છોડ્યાના દિવસથી જ આને સ્નાતકોનું જોબ ડિસ્ક્રિપ્શન (કાર્ય વર્ણન) ગણાવ્યું.

બીજો પ્રણ ગુલામીની માનસિકતામાંથી મુક્તિનો હતો. પરંપરાગત દીક્ષાંત ગાઉન છોડીને ભારતીય પોશાક અપનાવવાના યુનિવર્સિટીના નિર્ણયની પ્રશંસા કરતા, તેમણે કહ્યું કે તે ભારતની પોતાની ઓળખ અને પરંપરાઓમાં વિશ્વાસનો મોટો સંદેશ આપે છે. તેમણે અવલોકન કર્યું કે આ પરિવર્તન માત્ર દીક્ષાંત સમારોહના ગણવેશ વિશે ન હતું પરંતુ નવા ભારતના પોતાના મનથી નેતૃત્વ કરવાના આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

ત્રીજું પ્રણ ભારતના ઇતિહાસ, વારસા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર ગર્વ લેવાનો હતો. શ્રી ગોયલે કહ્યું કે કોઈ પણ દેશ પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસનું સન્માન કર્યા વિના વિકાસ કરી શકે નહીં. રોમની તેમની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરતા, જ્યાં તેમણે બિઝનેસ ફોરમ અને સંયુક્ત સમિતિની બેઠક દરમિયાન ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી હતી, તેમણે કહ્યું કે તેમને 200 વર્ષ જૂના પેઇન્ટિંગ અને શિલ્પ સહિત ઇટાલિયન કલા અને સંસ્કૃતિની ગાઇડેડ ટૂર પણ કરાવવામાં આવી હતી. તેમણે અન્ય દેશો તેમના સાંસ્કૃતિક વારસાના જતન અને પ્રદર્શનને જે મહત્વ આપે છે તેના પર પ્રકાશ પાડ્યો.

તેમણે નવી દિલ્હીમાં નોર્થ અને સાઉથ બ્લોક્સના પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં વર્ષોથી સરકારી કચેરીઓ હતી અને બદલાતી વહીવટી જરૂરિયાતો તથા માળખાકીય સુવિધાઓને કારણે તે બિનકાર્યક્ષમ બની ગઈ હતી. તેમણે કહ્યું કે આ બંને ઇમારતોને 'યુગે યુગીન ભારત નેશનલ મ્યુઝિયમ' તરીકે વિકસાવવામાં આવી રહી છે, જે વિશ્વ સમક્ષ ભારતના હજારો વર્ષોના ઇતિહાસ અને વારસાને પ્રદર્શિત કરશે અને દેશના સાંસ્કૃતિક આત્મવિશ્વાસને મજબૂત બનાવશે.

ચોથો પ્રણ રાષ્ટ્રીય એકતાનો હતો. ગુજરાતના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નો ઉલ્લેખ કરતા, શ્રી ગોયલે પ્રતિમાની સ્થાપના બાદ આસપાસના આદિવાસી વિસ્તારના વિકાસ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે આ વિસ્તારનું પરિવર્તન વિકાસ હાંસલ કરવામાં રાષ્ટ્રીય એકતાનું મહત્વ દર્શાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિભાજિત સમાજ ક્યારેય તેની સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરી શકતો નથી અથવા વિશ્વમાં તેનું યોગ્ય સ્થાન સુરક્ષિત કરી શકતો નથી, અને દરેકને એકજૂટ રહેવા તથા દેશની એકતાનું રક્ષણ કરવા અનુરોધ કર્યો.

પાંચમો પ્રણ કર્તવ્ય ભાવનાનો હતો. શ્રી ગોયલે કહ્યું કે વધુ શક્તિ સાથે વધુ જવાબદારી પણ આવે છે. જેમ જેમ સ્નાતકો નવી ડિગ્રીની શક્તિ સાથે યુનિવર્સિટી છોડે છે, તેમ તેમ તેમણે દેશ પ્રત્યેની તેમની ફરજો અને જવાબદારીઓ પણ નિભાવવી જોઈએ. આમાં ભારતના વિકાસમાં યોગદાન આપવું, નશા મુક્ત રાષ્ટ્રનું નિર્માણ કરવું, પર્યાવરણને સ્વચ્છ રાખવું અને ટેકનોલોજીના ક્ષેત્રમાં દેશને આગળ લઈ જવાનો સમાવેશ થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2047 સુધીમાં, જ્યારે ભારત આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે, ત્યારે દેશ વિશ્વ માટે એક ઉદાહરણ બનશે.

મંત્રીએ કહ્યું કે દીક્ષાંત સમારોહમાંથી ખરેખર શીખવા જેવી બાબત એ વ્યક્તિના ભવિષ્યને ઘડવાની અને કંડારવાની શક્તિ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દરેક સ્નાતક સશક્ત, પ્રોત્સાહિત અને ભવિષ્ય માટેના વિઝનથી સજ્જ થઈને યુનિવર્સિટી છોડશે. વિદ્યાર્થીઓને અથાક ઊર્જા ધરાવતી રાષ્ટ્રીય સંપત્તિ ગણાવતા, તેમણે કહ્યું કે તેઓ ભારતના ભાગ્યને ઘડશે અને તેમના શિક્ષકો, માતા-પિતા અને રાષ્ટ્રને ગૌરવ અપાવશે.

પોતાના સંબોધનનું સમાપન કરતા, શ્રી ગોયલે વિદ્યાર્થીઓને ઇતિહાસમાંથી પાઠ શીખવા પરંતુ તેનાથી ક્યારેય ન ડરવા અનુરોધ કર્યો. તેમણે મુશ્કેલીઓ અને પડકારો છતાં મોટા સપના અને હિંમતવાન લક્ષ્યોનો પીછો કરવા, અને પોતાના ભવિષ્ય તથા ભારતના ભવિષ્ય બંનેને ઘડવામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીઓની ઊર્જાએ તેમને અપાર પ્રોત્સાહન અને આત્મવિશ્વાસ આપ્યો છે.

સ્નાતકોને ઉત્સાહ અને ઉમંગથી ભરેલા જીવનની શુભેચ્છા પાઠવતા, શ્રી ગોયલે તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન આપ્યા અને તેમના ભાવિ પ્રયાસોમાં સફળતાની શુભેચ્છા પાઠવી.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2339047) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी