પોસ્ટેડ ઓન:
20 NOV 2026 2:52PM by PIB Ahmedabad
લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે ડિફેન્સ એસ્ટેટ્સ ઓર્ગેનાઇઝેશનને આધુનિક ટેકનોલોજી, ડિજિટાઇઝેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા સંરક્ષણ ભૂમિના વ્યવસ્થાપન અને રક્ષણને મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું. નવી દિલ્હીમાં ડિફેન્સ એસ્ટેટ્સ ઓર્ગેનાઇઝેશનના શતાબ્દી સમારોહને સંબોધતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંરક્ષણ સંપત્તિઓને સુરક્ષિત કરવી, અતિક્રમણો પર અંકુશ મેળવવો અને સશસ્ત્ર દળોની કાર્યકારી જરૂરિયાતો માટે સમયસર જમીનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી એ સર્વોચ્ચ પ્રાથમિકતાઓ રહેવી જોઈએ.
1.7 મિલિયન એકરથી વધુ સંરક્ષણ ભૂમિના વ્યવસ્થાપન અને રક્ષણમાં સંસ્થાના કાર્યક્ષેત્રના વ્યાપ પર પ્રકાશ પાડતા, શ્રી બિરલાએ રેખાંકિત કર્યું હતું કે અસરકારક શાસન માટે સચોટ, સુરક્ષિત અને સુલભ જમીન રેકોર્ડ્સ અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે પહેલેથી જ ચાલી રહેલા ડિજિટલ સુધારાઓની પ્રશંસા કરી હતી અને નોંધ્યું હતું કે AI અને ઉભરતી ટેકનોલોજીઓ વર્તમાન કાર્યકારી માંગણીઓ અને લાંબા ગાળાના વહીવટી પડકારો બંનેને ઉકેલવામાં મદદ કરશે.
સંરક્ષણ ભૂમિ પર થતા અતિક્રમણને મુખ્ય ચિંતાનો વિષય ગણાવતા, શ્રી બિરલાએ નાગરિકો માટે બિનજરૂરી વિવાદો કે મુશ્કેલીઓ ટાળવાની કાળજી રાખવાની સાથે મિલકતોનું રક્ષણ કરવા અને સચોટ સર્વેક્ષણ તથા માપણી કરવાના સંસ્થાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે સંરક્ષણ મથકો અને કર્મચારીઓ માટે જમીનની સમયસર ઉપલબ્ધતા અને અનુકૂળ પરિસ્થિતિઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે આવશ્યક છે.
છાવણીઓ (કેન્ટોનમેન્ટ્સ)ના ઐતિહાસિક અને પર્યાવરણીય મૂલ્ય પર વાત કકરતાં શ્રી બિરલાએ જણાવ્યું હતું કે આધુનિક જરૂરિયાતોને અનુરૂપ બનવાની સાથે તેમનું મૂળ સ્વરૂપ, હરિત આવરણ, જંગલો અને વારસાનું રક્ષણ થવું જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે વિકાસનું આયોજન વિચારપૂર્વક થવું જોઈએ જેથી ઝડપી શહેરી વિકાસ વચ્ચે લશ્કરી છાવણીઓની આગવી ઓળખ જળવાઈ રહે.
તેમણે છાવણીના રહેવાસીઓ માટે સંસ્થાની નાગરિક પહેલો — જેમાં શાળાઓ, આરોગ્યસંભાળ સુવિધાઓ, કમ્પ્યુટર શિક્ષણ, કૌશલ્ય તાલીમ, જળ સંરક્ષણ અને રિસાયક્લિંગ, તથા પર્યાવરણ સંરક્ષણનો સમાવેશ થાય છે — તેની પ્રશંસા કરી હતી અને બદલાતી સામુદાયિક જરૂરિયાતોને પ્રતિસાદ આપવા માટે નાગરિક સમાજ સાથે સતત જોડાણ જાળવી રાખવા આહ્વાન કર્યું હતું.
સંસ્થાકીય સાતત્ય પર ભાર મૂકતા, શ્રી બિરલાએ અધિકારીઓ અને કર્મચારીઓને છેલ્લી એક સદીમાં ઘડાયેલા કાયદાઓ, નિયમો અને વહીવટી માળખાનો અભ્યાસ કરવા તથા પૂર્વ અધિકારીઓ પાસેથી શીખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે આ સંસ્થાકીય શાણપણને યુવા કર્મચારીઓની તકનીકી ચપળતા સાથે જોડવાથી ભવિષ્ય માટે વધુ મજબૂત પ્રણાલીઓનું નિર્માણ થશે.
શ્રી બિરલાએ અવલોકન કર્યું હતું કે જેમ જેમ ડિફેન્સ એસ્ટેટ્સ ઓર્ગેનાઇઝેશન તેની બીજી સદીમાં પ્રવેશ કરી રહ્યું છે, તેમ તેમ તેના સમૃદ્ધ વારસાને ભવિષ્યલક્ષી દ્રષ્ટિકોણ સાથે જોડતી સંસ્થાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શ્રી બિરલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવીનતા, પારદર્શિતા, તકનીકી પ્રગતિ અને જાહેર સેવા પ્રત્યેની નવી પ્રતિબદ્ધતા દ્વારા, આ સંસ્થા રાષ્ટ્રની મૂલ્યવાન સંરક્ષણ ભૂમિનું રક્ષણ કરવાનું, સશસ્ત્ર દળોની કાર્યકારી સજ્જતાને મજબૂત બનાવવાનું અને તેની છાવણીઓના અનન્ય વારસાનું જતન કરવાનું ચાલુ રાખશે. તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સમર્પણ, દૂરંદેશી અને રાષ્ટ્રીય ઉદ્દેશ્યની સહિયારી ભાવના સાથે આ જવાબદારીને આગળ ધપાવવા આહ્વાન કર્યું હતું.
SM/DK/JD