ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિએ જવાબદાર નાગરિકત્વ દ્વારા બંધારણીય મૂલ્યોને મજબૂત કરવા આહ્વાન કર્યું; કહ્યું કે ફરજો પણ અધિકારો જેટલી જ મહત્વપૂર્ણ છે


બંધારણ એ માત્ર કાનૂની દસ્તાવેજ કરતાં ઘણું વિશેષ છે; તે આપણા પ્રજાસત્તાકનો નૈતિક હોકાયંત્ર છે: ઉપરાષ્ટ્રપતિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલી સિદ્ધિઓ બંધારણીય આકાંક્ષાઓને લોકોના જીવનમાં નક્કર પરિણામોમાં રૂપાંતરિત કરે છે: ઉપરાષ્ટ્રપતિ

ટેકનોલોજીએ માનવતાની સેવા કરવી જોઈએ અને બંધારણીય મૂલ્યો દ્વારા માર્ગદર્શિત રહેવું જોઈએ: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને નવી દિલ્હીમાં બેનેટ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લો દ્વારા આયોજિત 'કોન્સ્ટિટ્યુશન વીક 2026' ની 5મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

પોસ્ટેડ ઓન: 20 NOV 2026 2:35PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે સ્કૂલ ઓફ લો, બેનેટ યુનિવર્સિટી દ્વારા આયોજિત 'કોન્સ્ટિટ્યુશન વીક સેલિબ્રેશન્સ 2026' ની 5મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતનું બંધારણ માત્ર કાનૂની દસ્તાવેજ કરતાં ઘણું વિશેષ છે; તે પ્રજાસત્તાકનો મોરલ કમ્પસ છે. તેમણે કહ્યું કે બંધારણીય મૂલ્યો માત્ર સંસ્થાઓ અને કાનૂની લખાણો પૂરતા સીમિત ન રહેવા જોઈએ પરંતુ રોજિંદા જાહેર જીવનનો એક અભિન્ન ભાગ બનવા જોઈએ. તેમણે અવલોકન કર્યું હતું કે જ્યારે સંસ્થાઓ જવાબદાર રહે છે, અસંમતિનું સન્માન થાય છે, અને નાગરિકો તેમના અધિકારો તથા ફરજોનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે છે ત્યારે લોકશાહી ખીલે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ફરજો પણ અધિકારો જેટલા જ મહત્વને પાત્ર છે, અને અવલોકન કર્યું હતું કે તમામ નાગરિકોના અધિકારોના રક્ષણ માટે ફરજોનું જવાબદારીપૂર્વક પાલન કરવું આવશ્યક છે.

શ્રી સી. પી. રાધાકૃષ્ણને ડૉ. બી. આર. આંબેડકરની લોકશાહીની વ્યાખ્યાને યાદ કરી હતી, જે મુજબ લોકશાહી એ શાસનનું એક એવું સ્વરૂપ છે જેના દ્વારા રક્તપાત વિના લોકોના આર્થિક અને સામાજિક જીવનમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવવામાં આવે છે. તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં ભારતની સિદ્ધિઓ લોકોના જીવનમાં નક્કર સુધારાઓ દ્વારા બંધારણીય આકાંક્ષાઓની પરિપૂર્ણતાને પ્રતિબિંબિત કરે છે. લગભગ 50 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા, ગરીબો માટે ચાર કરોડ પાકા મકાનોનું નિર્માણ અને જલ જીવન મિશન હેઠળ ગ્રામીણ નળથી જળ કવરેજ 82 ટકાને પાર કરી જવાનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે એક સમયે વિકાસના સૌથી નીચલા પગથિયે રહેલા સરહદી ગામો પણ હવે 'વાઇબ્રન્ટ વિલેજ' તરીકે ઉભરી રહ્યા છે. તેમણે અવલોકન કર્યું હતું કે આ સિદ્ધિઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શક્ય બનેલી એક શાંત ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે છે.

રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની ભાગીદારી પર પ્રકાશ પાડતાં, ઉપરાષ્ટ્રપતિએ બંધારણ સભાના 15 મહિલા સભ્યોના મૂલ્યવાન યોગદાનને યાદ કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે 'નારી શક્તિ વંદન અધિનિયમ' જેવી પહેલો દ્વારા તેમના વિઝનને આગળ ધપાવવામાં આવી રહ્યું છે. તેમણે સમગ્ર દેશમાં મહિલાઓની વધતી જતી ભાગીદારી અને તેમની સિદ્ધિઓ જોઈને આનંદ પણ વ્યક્ત કર્યો હતો. આ પ્રગતિને વધુ એક ક્રાંતિ ગણાવતા, તેમણે કહ્યું કે ભારત મહિલાઓના વિકાસથી મહિલા-નેતૃત્વ હેઠળના વિકાસ તરફ સ્થિરતાપૂર્વક આગળ વધી રહ્યું છે, જેમાં મહિલાઓ રાષ્ટ્રના ભાગ્યને ઘડવામાં સક્રિય સહભાગી બની રહી છે.

બંધારણની ગતિશીલતા વિશે બોલતા, શ્રી સી. પી. રાધાકૃષ્ણને અનુચ્છેદ 21 નો ઉલ્લેખ કર્યો હતો, જે વર્ષોથી ગૌરવ, આજીવિકા, આરોગ્ય, આશ્રય, ગોપનીયતા, શિક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ સંબંધિત અધિકારોની વિશાળ શ્રેણીને આવરી લેવા માટે વિકસિત થયો છે. તેમણે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સંતુલિત અભિગમ અપનાવવાનું આહ્વાન કર્યું હતું, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાવિ પેઢીઓ માટે કુદરતી સંસાધનોની ટકાઉપણું સુનિશ્ચિત કરવાની સાથે જીવનધોરણ સુધારવા માટે તેનો ઉપયોગ થવો જોઈએ. તેમણે વિચારહીન ઉપભોક્તાવાદ સામે ચેતવણી આપી હતી અને જવાબદાર વપરાશની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ટકાઉ જીવનશૈલી વિશે વધુ જનજાગૃતિ લાવવાનું આહ્વાન કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતના બંધારણીય ન્યાયશાસ્ત્રે પર્યાવરણ સંરક્ષણને ટકાઉ વિકાસના અભિન્ન અંગ તરીકે માન્યતા આપીને વૈશ્વિક પર્યાવરણીય વિચારધારામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પહેલ, 'મિશન LiFE'નો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે તે વિશ્વભરના વ્યક્તિઓ અને સમુદાયોને પર્યાવરણ પ્રત્યે જવાબદાર જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપે છે.

ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીકલ નવીનતામાં ભારતની પ્રગતિનો ઉલ્લેખ કરતાં, ઉપરાષ્ટ્રપતિએ રેખાંકિત કર્યું હતું કે ટેકનોલોજીએ માનવતાની સેવા કરવી જોઈએ અને બંધારણીય મૂલ્યો દ્વારા માર્ગદર્શિત રહેવું જોઈએ. તેમણે કહ્યું કે નવીનતાએ નાગરિકોને સશક્ત બનાવવા જોઈએ, પારદર્શિતા મજબૂત કરવી જોઈએ અને તકોની પહોંચ વિસ્તારવી જોઈએ. તેમણે આ સફરમાં યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, અને અવલોકન કર્યું હતું કે કાનૂની શિક્ષણ વ્યાવસાયિક યોગ્યતાથી આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું કે તેણે બંધારણીય સંવેદનશીલતા, નૈતિક નેતૃત્વ, વિવેચનાત્મક વિચારસરણી અને સામાજિક વાસ્તવિકતાઓની ઊંડી સમજણ કેળવવી જોઈએ.

શ્રી સી. પી. રાધાકૃષ્ણને વિદ્યાર્થીઓને એવા માહિતગાર અને જવાબદાર નાગરિક બનવા અનુરોધ કર્યો હતો જેઓ તર્કસંગત સંવાદમાં જોડાય અને લોકશાહી સંસ્થાઓમાં રચનાત્મક યોગદાન આપે. તેમણે કહ્યું કે જેમ જેમ ભારત 'વિકસિત ભારત @2047' તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ બંધારણીય મૂલ્યો રાષ્ટ્રની પ્રગતિનો પાયો બની રહેવા જોઈએ. તેમણે દરેકને તેઓ જે મૂલ્યોનું આચરણ કરે છે અને જે જવાબદારીઓ નિભાવે છે તેના દ્વારા બંધારણને મજબૂત બનાવવાનું આહ્વાન કરીને સમાપન કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય તથા સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ; ભારતના એટર્ની જનરલ શ્રી આર. વેંકટરમણી; બેનેટ યુનિવર્સિટીના ચાન્સેલર અને ટાઇમ્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિનીત જૈન; અને બેનેટ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર ડૉ. રાજ સિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2339008) મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Malayalam