પોસ્ટેડ ઓન:
18 NOV 2026 1:22PM by PIB Ahmedabad
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે તુર્કીયેના અંતાલ્યા ખાતે UNFCCC COP31 માં ભારતનું રાષ્ટ્રીય નિવેદન આપતા, સમાનતા, આબોહવા ન્યાય અને 'સામાન્ય પરંતુ વિભિન્ન જવાબદારીઓ અને સંબંધિત ક્ષમતાઓ' ના સિદ્ધાંત પર આધારિત આબોહવા કાર્યવાહી માટે આહ્વાન કર્યું હતું. COP31 ની થીમ ‘સંવાદ, સર્વસંમતિ અને કાર્યવાહી’ પર ભાર મૂકતા, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રામાણિક સંવાદ, સમાનતા-આધારિત સર્વસંમતિ અને તાત્કાલિક કાર્યવાહી વૈશ્વિક આબોહવા પ્રયાસોને માર્ગદર્શન આપનારા હોવા જોઈએ.

આબોહવા પરિવર્તન માટેની ઐતિહાસિક જવાબદારી પર પ્રકાશ પાડતા, શ્રી યાદવે જણાવ્યું હતું કે પૃથ્વીનું તાપમાન વધવું એ કેટલાક દેશોમાં બે સદીઓના ઔદ્યોગિકીકરણ અને આર્થિક વિકાસનું પરિણામ છે, જેને અનિયંત્રિત ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનથી વેગ મળ્યો હતો. ‘ઉચ્ચ મહત્વાકાંક્ષા’ના નામે આ ઐતિહાસિક ઉત્સર્જનના પરિણામોને પહોંચી વળવાનો બોજ ગ્લોબલ સાઉથ પર નાખવાની અપેક્ષા રાખવી અયોગ્ય છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. મંત્રીશ્રીએ રેખાંકિત કર્યું હતું કે વિકાસશીલ દેશોને આબોહવા કાર્યવાહી અને તેમના વિકાસ, સારા જીવનધોરણ, આરોગ્ય તથા શિક્ષણના કાયદેસરના અધિકાર વચ્ચે પસંદગી કરવાનું કહી શકાય નહીં, અને ઉમેર્યું હતું કે બાકી રહેલા કાર્બન બજેટમાં સમાન પહોંચ બિન-સમાધાનકારી છે.
શ્રી યાદવે ભારપૂર્વક જણાવ્યું હતું કે COP ના નિર્ણયો અને તેમનું અમલીકરણ સમાનતા અને CBDR-RC પર દૃઢતાપૂર્વક આધારિત હોવા જોઈએ. તેમણે મિટિગેશન વર્ક પ્રોગ્રામ (MWP) ને સહાયક અને બિન-નિર્દેશાત્મક રાખવા, ગ્લોબલ સ્ટોકટેક (GST) ને પક્ષકારોને માહિતી પૂરી પાડવાના સાધન તરીકે સેવા આપવાનું ચાલુ રાખવા અને જસ્ટ ટ્રાન્ઝિશન મિકેનિઝમ (JTM) ને સમાનતામાં સ્થાપિત કરવા આહ્વાન કર્યું હતું. મંત્રીશ્રીએ આબોહવા કાર્યવાહીના બહાના હેઠળ વિકાસશીલ દેશોને દંડિત કરતા એકપક્ષીય વેપાર પગલાં સામે પણ ચેતવણી આપી હતી અને વિકસિત દેશોને તેમની ક્લાઇમેટ ફાઇનાન્સની જવાબદારીઓ પ્રામાણિકપણે અને ઝડપથી પૂર્ણ કરવા હાકલ કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની આબોહવા પ્રતિબદ્ધતાઓ પર પ્રકાશ પાડતા, શ્રી યાદવે જણાવ્યું હતું કે ભારતના રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન (NDCs) ટકાઉ રીતે 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ હાંસલ કરવાના વિઝન સાથે સુસંગત છે. તેમણે સમકાલીન સહયોગને આકાર આપતી વખતે આબોહવાકીય અને વસ્તી વિષયક ફેરફારો તથા તકનીકી પ્રગતિને ધ્યાનમાં લેવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. COP31 ની સફળતાનું મૂલ્યાંકન નક્કર અમલીકરણ, જરૂરિયાતમંદો સુધી સંસાધનો પહોંચાડવા અને સાબિત થયેલા ઉકેલોના વિસ્તરણ દ્વારા થવું જોઈએ તેવો ભાર મૂકતા, શ્રી યાદવે વિશ્વાસ કેળવવા માટે સંવાદ, સમાનતા જાળવી રાખવા માટે સર્વસંમતિ અને આબોહવા ન્યાય આપવા માટે કાર્યવાહી કરવા આહ્વાન કર્યું હતું.
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com