પોસ્ટેડ ઓન:
17 NOV 2026 7:42PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે પંજાબના જિલ્લા સાહિબજાદા અજીત સિંહ નગર (મોહાલી) સ્થિત ગામ બદરપુરમાં આયોજિત 'ખેત બચાવો અભિયાન'માં સહભાગિતા કરીને પ્રદેશના અન્નદાતાઓને મોટી ભેટ આપી હતી. આ પ્રસંગે શ્રી ચૌહાણે પંજાબના કૃષિ મંત્રી શ્રી ગુરમીત સિંહ ખુડ્ડિયાંની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM-RKVY) અંતર્ગત નાણાકીય વર્ષ 2026-27 માટે બીજા હપ્તા (સેકન્ડ મધર સેંક્શન) પેટે ₹254.20 કરોડની રકમ ફાળવવાનો મંજૂરી પત્ર સોંપ્યો હતો.આ સાથે જ રાજ્યની વાર્ષિક કાર્યયોજના હેઠળ 98.44 કરોડ રૂ. ના ખર્ચવાળી 7 નવી કૃષિ પરિયોજનાઓને પણ કેન્દ્ર સરકારની મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહે ખાતરની કાળાબજારી અને 'ટેગિંગ' કરનારાઓને જેલમાં મોકલવા અને નકલી જંતુનાશક દવાઓ પર રોક લગાવવા માટે કડક પેસ્ટિસાઈડ કાયદો બનાવવાની મોટી જાહેરાત કરી હતી. સાથે જ તેમણે યુરિયાના વિકલ્પ સ્વરૂપે 10,000 હેક્ટરમાં 'ગ્રીન એમોનિયા'ના નવા પ્રયોગની પણ માહિતી આપી હતી.

ગુરુ નાનક દેવજીની પાવન ધરતી પંજાબને નમન કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે પંજાબના જવાનોએ હંમેશા છાતી તાણીને દેશની રક્ષા કરી છે અને પંજાબના ખેડૂતોએ હરિત ક્રાંતિના માધ્યમથી પોતાની મહેનતથી દેશના અન્નના ભંડાર ભર્યા છે. આગામી 24 તારીખે આવનારા શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ (જયંતી) નું સ્મરણ કરતા શ્રી ચૌહાણે કહ્યું કે ગુરુ સાહિબના વિચારો અને 'કિરત કરો, નામ જપો અને વંડ છકો' ના ઉપદેશો સદૈવ માનવતાની સેવા અને પરિશ્રમની નવી પ્રેરણા અને ઊર્જા આપે છે. તેમણે ભાવુક સ્વરે કહ્યું, "મારા ખેડૂત ભાઈઓ અને બહેનો, હું તમારા માટે મામા પહેલા છું અને મંત્રી પછી. ખેડૂતોની સેવા જ મારા માટે ભગવાનની પૂજા છે."
કેન્દ્ર અને રાજ્ય મળીને કરશે ખેડૂતોની સેવા: 254.20 કરોડ રૂ. ની ભેટ
રાજકીય મતભેદોથી ઉપર ઊઠીને ખેડૂત કલ્યાણની પ્રતિબદ્ધતા દોહરાવતા કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યમાં અલગ-અલગ સરકારો હોઈ શકે છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી- અમારું એકમાત્ર લક્ષ્ય પંજાબના ખેડૂતોની જિંદગીને બહેતર બનાવવાનું છે. આ જ સંકલ્પ હેઠળ તેમણે પંજાબના કૃષિ મંત્રી ગુરમીત સિંહ ખુડ્ડિયાંને PM-RKVY અંતર્ગત 254.20 કરોડ રૂ. ની મંજૂરીનો પત્ર સોંપ્યો હતો. આ ઉપરાંત પંજાબ સરકારની માંગ પર 98.44 કરોડ રૂ. ના ખર્ચવાળી 7 નવી પરિયોજનાઓને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ રકમથી પંજાબમાં કૃષિ ઉત્પાદકતા વધારવા, આધુનિક કૃષિ માળખાકીય સુવિધાઓને સુદ્રઢ કરવા અને સમગ્ર કૃષિ વિકાસને નવી ગતિ મળશે.
ખાતરની ટેગિંગ અને કાળાબજારી પર સખત ચેતવણી, બનશે નવો પેસ્ટિસાઈડ એક્ટ
ખેડૂતોની સમસ્યાઓ પર સખત વલણ અપનાવતા કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે સ્પષ્ટ ચેતવણી આપી કે કોઈપણ ડીલર કે દુકાનદારને ખાતરની સાથે અન્ય બિનજરૂરી ઉત્પાદનોની 'ટેગિંગ' કરવાની પરવાનગી નથી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિદેશોથી મોંઘું ખાતર મંગાવીને ખેડૂતોને ભારે સબસિડી પર ઉપલબ્ધ કરાવે છે, જેથી ખેડૂતને નફો થાય. જો કોઈ આની કાળાબજારી કે ટેગિંગ કરશે, તો તેની જગ્યા માત્ર જેલ હશે. આ સાથે જ નકલી ખાતર, બિયારણ અને હલકી ગુણવત્તાની જંતુનાશક દવાઓની સમસ્યાને જડમૂળથી ખતમ કરવા માટે શ્રી ચૌહાણે જાહેરાત કરી કે સરકાર જૂના પેસ્ટિસાઈડ એક્ટમાં ફેરફાર કરીને એક નવો અને અત્યંત કડક કાયદો લાવવા જઈ રહી છે, જેના માટે દેશભરના ખેડૂતો અને નિષ્ણાતો પાસેથી સૂચનો લેવામાં આવી રહ્યા છે.

10,000 હેક્ટરમાં 'ગ્રીન એમોનિયા'નો પ્રયોગ અને ધરતીનું સ્વાસ્થ્ય બચાવવાનું આહ્વાન
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે તેઓ દિલ્હીની ઓફિસમાં બેસીને નહીં, પરંતુ ખેતરોના શેઢા પર ખેડૂતોની સાથે બેસીને નીતિઓ બનાવવામાં વિશ્વાસ રાખે છે. કાર્યક્રમમાં તેમણે 'ગ્રીન એમોનિયા'ના લાઈવ નિદર્શનનું અવલોકન કર્યું અને જણાવ્યું કે સરકાર પ્રથમ વખત 10,000 હેક્ટર વિસ્તારમાં યુરિયાના વિકલ્પ સ્વરૂપે ગ્રીન એમોનિયાનો પ્રયોગ કરી રહી છે, જે સફળ થવા પર ખેડૂતોને ઘણો મોટો લાભ મળશે. તેમણે કહ્યું કે જે રીતે વધુ દવા ખાવાથી માણસ બીમાર પડે છે, તે જ રીતે આડેધડ યુરિયા, ડીએપી અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી 'ધરતી માતા' પણ બીમાર થઈ રહી છે. તેમણે ખેડૂતોને અપીલ કરી કે તેઓ પહેલા જમીનની તપાસ (સોઈલ ટેસ્ટિંગ) કરાવે અને માત્ર તેટલા જ પોષક તત્વો નાખે, જેટલી ખેતરને જરૂર છે. સાથે જ તેમણે પરાળી ન સળગાવીને ખેતરમાં જ ભેળવી દેનાર ખેડૂત ભૂપિંદર સિંહની પ્રશંસા કરતા કહ્યું કે પરાળી સળગાવવાની ઘટનાઓમાં સતત ઘટાડો લાવીને પંજાબ આજે સમગ્ર દેશ માટે આદર્શ બની રહ્યું છે.

પાક વૈવિધ્યકરણ, સંકલિત ખેતી અને હની બોર્ડ પર મોટા નિર્ણયો
શ્રી ચૌહાણે કહ્યું કે માત્ર ઘઉં અને ડાંગરના પાક ચક્ર પર નિર્ભર રહેવું ધરતીના સ્વાસ્થ્ય અને ખેડૂતની આવક બંને માટે યોગ્ય નથી. તેમણે નાના ખેડૂતોને સંકલિત ખેતી (ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ) અપનાવવાનો મંત્ર આપતા કહ્યું કે પાકની સાથે ફળ, શાકભાજી, પશુપાલન, મત્સ્યપાલન, મરઘાં પાલન, બકરી પાલન, મશરૂમ અને મધમાખી ઉછેર કરવાથી આખું વર્ષ નિયમિત આવક થાય છે. તેમણે જણાવ્યું કે આગામી બજેટમાં પણ સંકલિત ખેતીના વધુમાં વધુ પ્રોજેક્ટ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે.

સંવાદ દરમિયાન પ્રગતિશીલ ખેડૂત જગદીશજી (જૈવિક ખેતી, સાહીવાલ ડેરી અને મધમાખી ઉછેર), ફતેહ સિંહજી (વચેટિયા વિના સીધું શુદ્ધ દૂધ અને મીઠાઈનું વેચાણ) અને રતનજોતજી (5 એકરમાં વર્મી કમ્પોસ્ટ પ્રોજેક્ટ) ના નવાચારોની સરાહના કરતા કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે મધ ઉત્પાદકોની સમસ્યાઓના ઉકેલ માટે રાષ્ટ્રીય હની બોર્ડની વિશેષ બેઠક બોલાવવા તથા જૈવિક ઉત્પાદનોની પ્રમાણપત્ર વ્યવસ્થાને સરળ બનાવવાના નિર્દેશ આપ્યા. આ ઉપરાંત ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલી નાના જૂથોને કૃષિ યંત્રો પર 80% સબસિડી, મોરિંડા શુગર મિલના આધુનિકીકરણ અને રખડતા પશુઓની સમસ્યાના ઉકેલ માટે પણ તેમણે રાજ્ય સરકાર સાથે મળીને સકારાત્મક પગલાં ભરવાનું આશ્વાસન આપ્યું હતું.
આ પ્રસંગે પંજાબના કૃષિ મંત્રી શ્રી ખુડ્ડિયાં, વરિષ્ઠ નેતા શ્રી સુનીલ જાખડ, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ, કેન્દ્ર અને રાજ્ય સરકારના કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીગણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ના વૈજ્ઞાનિકો તથા મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.
SM/