રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સના તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો


ઊંચું લક્ષ્ય રાખો અને સમર્પણ, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે તમારા સપનાઓને સાકાર કરવા પ્રયત્નશીલ રહો: વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

પોસ્ટેડ ઓન: 12 NOV 2026 2:56PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (12 નવેમ્બર, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સના તેજસ્વી વિદ્યાર્થીઓના એક જૂથ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વાર્તાલાપ આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે દર વર્ષે મનાવવામાં આવતા જનજાતીય ગૌરવ પખવાડાના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓને સંબોધતા, રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા આગળ વધી રહ્યું છે. દેશના દરેક પ્રદેશ અને સમાજના દરેક વર્ગનો વિકાસ આવશ્યક છે. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ આદિવાસી વિદ્યાર્થીઓને માત્ર ગુણવત્તાયુક્ત શિક્ષણ જ નથી પૂરું પાડી રહી પરંતુ તેમની બહુમુખી પ્રતિભાઓને નિખારવાની તકો પણ આપી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આપણા દેશમાં પ્રતિભાની કોઈ ખોટ નથી. વિદ્યાર્થીઓને યોગ્ય તકો, અનુકૂળ વાતાવરણ અને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. તેમણે એ નોંધતા આનંદ વ્યક્ત કર્યો હતો કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ સમાન છે. તેમણે કહ્યું કે તે સમાવેશી વિકાસ તરફ દેશની પ્રગતિનો પુરાવો છે.

રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને ઊંચું લક્ષ્ય રાખવા અને સમર્પણ, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે તેમના સપનાઓને સાકાર કરવા પ્રયત્નશીલ રહેવા આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે શિક્ષણ માત્ર પોતાના માટે આજીવિકા કમાવવાનું સાધન ન હોવું જોઈએ; પરંતુ, તેમનો ધ્યેય તેમના જ્ઞાન દ્વારા રોજગારીની તકો ઊભી કરવાનો પણ હોવો જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે આપણા યુવાનો રોજગાર સર્જક બનશે, ત્યારે દેશના સમાવેશી વિકાસને વધુ વેગ મળશે.

રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને વર્તમાન પ્રવાહો અને દેશ તથા વિશ્વમાં થઈ રહેલા ફેરફારો વિશે સારી રીતે માહિતગાર રહેવાની સલાહ આપી હતી. આનાથી તેમને તાર્કિક વિચારસરણી અને વિશ્લેષણાત્મક કૌશલ્યો વિકસાવવામાં મદદ મળશે. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે જ્યારે પણ તેઓ તેમના ગામની મુલાકાત લે, ત્યારે તેમણે તેમના પરિવારના સભ્યો, સંબંધીઓ અને પડોશીઓ સાથે વર્તમાન પ્રવાહોનું જ્ઞાન અને સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલી જાહેર કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી શેર કરવી જોઈએ. તેમના તરફથી કરવામાં આવેલા આવા પ્રયાસોથી તેમના પરિવાર અને સમાજને ફાયદો થશે, અને તેમના શિક્ષણમાં વધુ અર્થ અને હેતુ ઉમેરાશે.

રાષ્ટ્રપતિનું હિન્દીમાં સંબોધન જોવા માટે અહીં ક્લિક કરો

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2335426) મુલાકાતી સંખ્યા : 7
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Tamil