પોસ્ટેડ ઓન:
12 NOV 2026 11:42AM by PIB Ahmedabad
અરુણાચલ પ્રદેશમાં શાક્યમુનિ બુદ્ધના પવિત્ર અવશેષોના પ્રદર્શને ઊંડી ભક્તિ અને ધાર્મિક શ્રદ્ધા જગાવી છે, જેમાં પવિત્ર અવશેષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાજ્યભરમાં અત્યાર સુધીમાં આશરે 50,000 શ્રદ્ધાળુઓએ પ્રદર્શનની મુલાકાત લીધી છે. આ પ્રદર્શન હવે બીજા અઠવાડિયામાં પ્રવેશ્યું છે, જે અરુણાચલ પ્રદેશના વિવિધ ભાગોમાંથી આવતા શ્રદ્ધાળુઓને પ્રાર્થના કરવાની, આશીર્વાદ મેળવવાની અને આ પવિત્ર અવશેષોના આધ્યાત્મિક મહત્વનો અનુભવ કરવાની તક પૂરી પાડી રહ્યું છે..

આ પ્રદર્શન 31 ઓક્ટોબર, 2026ના રોજ ગાડેન નામગ્યાલ લ્હાત્સે મઠ (તવાંગ મઠ) ખાતે શરૂ થયું હતું અને 7 નવેમ્બર, 2026ના રોજ ત્યાં સંપન્ન થયું હતું. આ સમયગાળા દરમિયાન, તવાંગ અને આસપાસના વિસ્તારોમાંથી 31,000 થી વધુ શ્રદ્ધાળુઓએ પ્રાર્થના કરવા અને પવિત્ર અવશેષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મઠની મુલાકાત લીધી હતી.
તવાંગ ખાતે પ્રદર્શનના સમાપન બાદ, પવિત્ર અવશેષો 8 નવેમ્બર, 2026 ના રોજ બોમડિલા સ્થિત થુબચોગ ગત્સેલ લિંગ (TGL) મઠ, જેને લોઅર ગોમ્પા તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં પહોંચ્યા હતા. આ પ્રદર્શનને સ્થાનિક સમુદાય અને આસપાસના વિસ્તારોના શ્રદ્ધાળુઓ તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. લોકો ઊંડી આસ્થા અને ભક્તિ સાથે પ્રાર્થના કરવા અને પવિત્ર અવશેષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોટી સંખ્યામાં મઠની મુલાકાત લઈ રહ્યા છે. સ્થાનિક સમુદાયની ભાગીદારી આ પ્રદેશની મજબૂત બૌદ્ધ પરંપરાઓ અને આધ્યાત્મિક વારસાને પ્રતિબિંબિત કરે છે.

TGL મઠ, બોમડિલા ખાતે જાહેર પ્રદર્શન 13 નવેમ્બર, 2026 સુધી ચાલુ રહેશે, જે શ્રદ્ધાળુઓને પવિત્ર અવશેષોના દર્શન કરવાની વધુ તકો પૂરી પાડશે. બોમડિલા પ્રદર્શનના સમાપન બાદ, પવિત્ર અવશેષો નામસાઈ સ્થિત ગોલ્ડન પેગોડા ખાતે જશે, જ્યાં તેઓ 14 થી 20 નવેમ્બર, 2026 સુધી જાહેર પૂજા-અર્ચના માટે ખુલ્લા રહેશે.

આ પ્રદર્શનનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હી, અરુણાચલ પ્રદેશ સરકાર અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ (IBC), નવી દિલ્હીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ પહેલ ભારતના સમૃદ્ધ બૌદ્ધ વારસાના સંરક્ષણ અને સંવર્ધન તથા બૌદ્ધ સમુદાયો સાથે દેશના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને મજબૂત કરવા પ્રત્યેની ભારત સરકારની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

SM/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com