વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જિતિન પ્રસાદે દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને તકનીકી સહયોગને મજબૂત કરવા પોલેન્ડની મુલાકાત લીધી


શ્રી જિતિન પ્રસાદે પોલેન્ડમાં ઉચ્ચ-સ્તરીય બેઠકો યોજી, AI, સેમિકન્ડક્ટર્સ અને જટિલ ખનિજોમાં સહયોગની તકો ચકાસી

શ્રી જિતિન પ્રસાદે વધુ મજબૂત ભારત-પોલેન્ડ વ્યાપારિક ભાગીદારી માટે આહ્વાન કર્યું, ભારત-EU એફટીએ (FTA) હેઠળની તકો પર પ્રકાશ પાડ્યો

પોસ્ટેડ ઓન: 04 NOV 2026 10:20AM by PIB Ahmedabad

વાણિજ્ય અને ઉદ્યોગ, તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી શ્રી જિતિન પ્રસાદે 12 ભારતીય કંપનીઓના વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે 2-3 નવેમ્બર, 2026 દરમિયાન પોલેન્ડની મુલાકાત લીધી હતી. આ મુલાકાત ગયા મહિને પોલેન્ડના પ્રધાનમંત્રી શ્રી ડોનાલ્ડ ટસ્કજીની ભારત મુલાકાત પછી યોજાઈ હતી અને તે બંને દેશો વચ્ચે વધતી જતી દ્વિપક્ષીય જોડાણની ગતિને પ્રતિબિંબિત કરે છે. 2026 માં સતત ઉચ્ચ-સ્તરીય રાજકીય આદાન-પ્રદાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પોલેન્ડની સીમાચિહ્નરૂપ મુલાકાત દરમિયાન 2024 માં સ્થાપિત ભારત-પોલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની દિશા નિર્દેશિત કરે છે.

મુલાકાત દરમિયાન, શ્રી જિતિન પ્રસાદે પોલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને ડિજિટલ બાબતોના મંત્રી શ્રી ક્રઝિસ્ટોફ ગાવકોવસ્કી સાથે મુલાકાત કરી હતી. ચર્ચાઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સેમિકન્ડક્ટર્સ, ડેટા સેન્ટર્સ અને સાયબર સુરક્ષા સહિત ઉભરતી તકનીકોમાં દ્વિપક્ષીય સહયોગના વિસ્તરણ પર કેન્દ્રિત હતી.

પોલેન્ડના વિદેશ મંત્રાલયના સ્ટેટ સેક્રેટરી શ્રી ઇગ્નેસી નિમચિકી સાથેની તેમની બેઠકમાં, શ્રી પ્રસાદે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરારમાંથી ઉભરી આવતી તકો પર વ્યાપક ચર્ચા કરી હતી, જે આગામી મહિનાઓમાં અમલમાં આવશે. શ્રી પ્રસાદે એગ્રી-ટેક અને ફૂડ પ્રોસેસિંગમાં વધુ સહયોગની ક્ષમતા પર ભાર મૂક્યો હતો અને નાના તથા મધ્યમ સાહસો માટે વધુ તકો ઊભી કરવા આહ્વાન કર્યું હતું.

શ્રી પ્રસાદે પોલેન્ડના આર્થિક વિકાસ અને તકનીકી નાયબ મંત્રી શ્રી મિખાઇલ બારાનોવસ્કી સાથે પણ મુલાકાત કરી હતી. બંને મંત્રીઓએ જટિલ ખનિજો, સેમિકન્ડક્ટર્સ અને સ્ટાર્ટ-અપ ભાગીદારીમાં સહયોગ વિસ્તારવાના માર્ગો પર ચર્ચા કરી હતી. રાજ્ય મંત્રીએ મેક ઇન ઇન્ડિયા પહેલ દ્વારા પૂરી પાડવામાં આવતી તકો પર પ્રકાશ પાડ્યો હતો અને ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા સમર્થિત સહ-વિકાસ અને સહ-ઉત્પાદનના મહત્વ પર ભાર મૂક્યો હતો.

3 નવેમ્બરના રોજ, જિતિન પ્રસાદે વૉર્સોમાં પોલિશ નેશનલ ચેમ્બર ઓફ કોમર્સ (KIG) ખાતે આયોજિત ભારત-પોલેન્ડ બિઝનેસ ફોરમમાં પ્રારંભિક સંબોધન આપ્યું હતું. વ્યવસાયિક પ્રતિનિધિઓને સંબોધતા, મંત્રીએ ભારતીય અને પોલિશ કંપનીઓને નવી વ્યાપારિક તકો, વધુ મજબૂત ભાગીદારી અને ઉન્નત આર્થિક સહયોગ દ્વારા દ્વિપક્ષીય વેપાર અને રોકાણની પૂર્ણ ક્ષમતાને અનલોક કરવા આહ્વાન કર્યું હતું. તેમણે ભારત-EU મુક્ત વેપાર કરારમાંથી ઉભરી આવવાની અપેક્ષિત તકો પર પણ પ્રકાશ પાડ્યો હતો અને બંને દેશોના વ્યવસાયોને બજારની પહોંચ વિસ્તારવા, વેપાર અને રોકાણના સંબંધો મજબૂત કરવા અને સહયોગના નવા માર્ગો શોધવા માટે આ કરારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

મુલાકાત દરમિયાન, મંત્રીએ પોલેન્ડમાં ભારતીય વ્યાપારી સમુદાયના નેતાઓ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે ભારતમાં વધુ રોકાણ આકર્ષવાની તકો શોધવા માટે સંભવિત પોલિશ રોકાણકારો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો.

તેમના ઔદ્યોગિક જોડાણોના ભાગરૂપે, શ્રી પ્રસાદે પોલિશ આઈટી અને સોફ્ટવેર એન્જિનિયરિંગ કંપની M/s ટ્રાન્સિશન ટેકનોલોજીસ અને પોલિશ સંરક્ષણ કંપની M/s WB ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લીધી હતી, આ બંને કંપનીઓ ભારતમાં વ્યાપારિક રસ ધરાવે છે.

આ મુલાકાતે પોલેન્ડ સાથેના તેના આર્થિક સંબંધોને મજબૂત કરવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી છે. સ્થિતિસ્થાપક વૈશ્વિક પુરવઠા શૃંખલાઓના નિર્માણ માટે ભારત પોલેન્ડની સરકાર અને વ્યાપારિક સંસ્થાઓ સાથે મળીને કામ કરવા માટે બદ્ધ છે. આ મુલાકાતે ભારત-EU વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંડી બનાવવા માટે પણ કામ કર્યું છે.

IJ/NP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2332363) મુલાકાતી સંખ્યા : 24
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , Tamil