પોસ્ટેડ ઓન:
27 OCT 2026 4:32PM by PIB Ahmedabad
જનજાતીય બાબતોનું મંત્રાલય 1 થી 15 નવેમ્બર 2026 દરમિયાન સમગ્ર દેશમાં 'જનજાતીય ગૌરવ પખવાડિયા'ની ઉજવણી કરશે, જેનું સમાપન 15 નવેમ્બરના રોજ ધરતી આબા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ એટલે કે 'જનજાતીય ગૌરવ દિવસ' પર થશે. માત્ર એક સ્મરણાંજલિથી પણ વિશેષ, આ પખવાડિયું મંત્રાલયના ફ્લેગશિપ કાર્યક્રમોને ઝડપી બનાવવા, તેમના લાભો છેવાડાના આદિવાસી પરિવાર સુધી પહોંચાડવા અને આદિવાસી સમુદાયો, વિદ્યાર્થીઓ તથા નાગરિકોમાં યોજનાઓ તેમજ અધિકારો વિશે જાગૃતિ લાવવા માટેનું એક ધ્યાન કેન્દ્રિત, સમયબદ્ધ અભિયાન છે.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સરકારે 2021માં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની યાદમાં 15 નવેમ્બરને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે જાહેર કર્યો હતો. આ દિવસ ભારતની આઝાદીની લડતમાં આદિવાસી નાયકોના યોગદાન અને રાષ્ટ્રના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સામાજિક જીવનમાં આદિવાસી સમુદાયોના કાયમી સ્થાનનું સન્માન કરે છે. ત્યારથી, જનજાતીય ગૌરવ દિવસ એ એક રાષ્ટ્રીય ચળવળ બની ગયો છે જે ભારતના આદિવાસી લોકોની સ્થિતિસ્થાપકતા અને સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરે છે, અને PM-JANMAN તથા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન જેવા પરિવર્તનકારી કાર્યક્રમોને વેગ આપ્યો છે. છેલ્લા 5 વર્ષો દરમિયાન, રાંચી-2021, ખૂંટી-2022 અને 2023, જમુઈ-2024, અને દેડિયાપાડા-2025 ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી છે.
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી 2024–25માં 'જનજાતીય ગૌરવ વર્ષ' તરીકે કરવામાં આવી હતી, જેમાં 28થી વધુ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો અને 2 લાખથી વધુ પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં 3.8 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આદિવાસી સમુદાયો માટે, જનજાતીય ગૌરવ દિવસ એ આઝાદીની લડતમાં તેમની ભૂમિકા અને તેમના જ્ઞાન, કળા અને પ્રકૃતિ સાથેના સુમેળની સ્વીકૃતિ દર્શાવે છે.
આ વર્ષે (2026) જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન, મંત્રાલયે પખવાડિયા દરમિયાન રાષ્ટ્રીય કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કર્યું છે. આયોજિત કાર્યક્રમોની યાદી નીચે મુજબ છે:
- 12 નવેમ્બરે, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRS)ના આશરે 200 વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે આદરણીય રાષ્ટ્રપતિશ્રી સાથે વાર્તાલાપ કરશે.
- 12 અને 13 નવેમ્બરે ઇન્ડિયા હેબિટેટ સેન્ટર, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં દેશભરના આદિવાસી લેખકો ભાગ લેશે.
- આઈઆઈટી દિલ્હી ખાતે "ટ્રાઇબલ લિવિંગ હેરિટેજ અને નેશનલ ટ્રાઇબલ લેંગ્વેજ રિપોઝિટરી તરીકે આદિ વાણીને મજબૂત બનાવવી" વિષય પર રાષ્ટ્રીય વર્કશોપ યોજાશે.
- 14 નવેમ્બરે રાણી દુર્ગાવતી આદિવાસી મહિલા સંમેલનમાં 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 500 આદિવાસી મહિલા સાહસિકો એકઠા થશે જેથી માર્કેટ લિંકેજ અને મહિલાઓની આગેવાની હેઠળના સાહસોને મજબૂત બનાવી શકાય.
- સ્વાસ્થ્ય-પોષણ સેવા સંગમ 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન PM-JANMAN મલ્ટી-પર્પઝ સેન્ટર્સ ખાતે PVTGs માટે આરોગ્ય, પોષણ અને યોજના શિબિરોનું આયોજન કરી રહ્યું છે.
- 1 અને 2 નવેમ્બરે હૈદરાબાદમાં 9 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 1,500 પરંપરાગત વૈદોને તાલીમ આપવા માટે આદિવાસી વૈદ્ય ક્ષમતા વર્ધન પરિષદનું આયોજન, જે 1 લાખ વૈદોને તાલીમ અને પ્રમાણપત્ર આપવાના કાર્યક્રમનો એક ભાગ છે.
- ધરતી આબા જનભાગીદારી અભિયાન, 'આદિ સેવા સમય' અને 'આદિ સેવા દિન' દ્વારા આદિવાસી ગામોમાં સમુદાયની ભાગીદારી વધારશે, અને 76,963 ગામોમાં આશરે 1.54 લાખ આદિ કર્મયોગી સ્વયંસેવકોને રાજ્ય વહીવટી તાલીમ સંસ્થાઓ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.
- 73 જિલ્લાઓમાં શિષ્યવૃત્તિ એક્સેસ કેમ્પ વિદ્યાર્થીઓને અરજીઓ કરવામાં અને આધાર સીડિંગમાં મદદ કરી રહ્યા છે, અને
- કોરાપુટ, ઓડિશા ખાતે CSIR-NBRI સાથે મળીને 200-300 વિશિષ્ટ ઔષધીય વનસ્પતિ પ્રજાતિઓના સંરક્ષણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત, 'જનજાતીય ગૌરવ દિવસ' નિમિત્તે વિવિધ રાજ્યોમાં આદિવાસી સમુદાયો માટે 300થી વધુ પરિયોજનાઓ હાથ ધરવામાં આવશે; જેમાંથી 228 પરિયોજનાઓ ઉદ્ઘાટન માટે અને 74 પરિયોજનાઓ શિલાન્યાસ માટે તૈયાર છે. આમાં અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં 'ટ્રાઈબલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ' (આદિવાસી સંશોધન સંસ્થા)ની નવી ઈમારત અને મિઝોરમના કેલ્સિહ ખાતે 'રોપુઈલિયાની ટ્રાઈબલ ફ્રીડમ ફાઈટર મ્યુઝિયમ' (આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલય)નો સમાવેશ થાય છે.
બે રાષ્ટ્રીય ડિજિટલ પહેલો પણ લોન્ચ કરવામાં આવશે. ICMRના સહયોગથી વિકસિત 'જન-હિટ' (Jan-HIT - Janjatiya Health Intelligence and Technology) પોર્ટલ, 20 રાજ્યોને આવરી લેતું આદિવાસી-વર્ગીકૃત આરોગ્ય ડેટા માટેનું ભારતનું પ્રથમ પ્લેટફોર્મ છે. નેશનલ એફઆરએ ડિજિટલ પ્લેટફોર્મ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ, 2006 હેઠળ વન અધિકારના દાવો કરવાની સમગ્ર પ્રક્રિયાને ગ્રામસભાની સબમિશનથી લઈને ડિજિટલ સહી કરેલા હક્કપત્રો સુધી એક જ સિસ્ટમ પર લાવશે.
વધુમાં, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમની ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ દ્વારા પખવાડિયાની ઉજવણી કરી રહ્યા છે, જેણે 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 160થી વધુ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે જેમાં 1 લાખથી વધુ લોકો હાજરી આપે તેવી ધારણા છે. આમાં સાંસ્કૃતિક ઉત્સવો, પ્રદર્શનો અને શ્રદ્ધાંજલિથી લઈને શાળાઓ, EMRS અને હોસ્ટેલોમાં સ્પર્ધાઓ, અને કલ્યાણ તેમજ રોજીરોટી કેમ્પોનો સમાવેશ થાય છે. મુખ્ય આકર્ષણોમાં આંધ્રપ્રદેશમાં રાજ્યવ્યાપી આદિવાસી કાર્નિવલ, ગોવામાં આદિવાસી કલા અને ખેલ સંગમ, ઓડિશામાં ભગવાન બિરસા મુંડા પેવેલિયન, શિલોંગમાં ટ્રાઇબલ મ્યુઝિક ફેસ્ટિવલ અને ગુજરાતના અમદાવાદ હાટ ખાતે આદિવાસી કલા અને હસ્તકળા મેળો સામેલ છે. રાજ્યો આધાર અને શિષ્યવૃત્તિ કેમ્પ, સિકલ સેલ સ્ક્રીનીંગ, PVTGs માટે આયુષ્માન કાર્ડ કેમ્પ અને વન અધિકારો પર કાનૂની સાક્ષરતા કેમ્પ પણ યોજશે.
મંત્રાલય નાગરિકોને તેમના વિસ્તારના કાર્યક્રમોમાં હાજરી આપીને, MyGov પર JJGD ક્વિઝ અને પ્રતિજ્ઞામાં ભાગ લઈને, આદિવાસી કારીગરોને ટેકો આપીને અને #JanjatiyaGauravDivas તથા #JJGD2026 સાથે તેમની વાર્તાઓ શેર કરીને આ ઉજવણીમાં જોડાવા માટે આમંત્રણ આપે છે.
SM/BS/JD