કૃષિ મંત્રાલય
ઉપર સોલર પેનલ, નીચે લહેરાશે પાક: ભારત મંડપમ ખાતે 7મા એગ્રીવોલ્ટેઈક વર્લ્ડ કોન્ફરન્સનો કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કરાવ્યો પ્રારંભ
અન્નદાતા પણ, ઊર્જાદાતા પણ: ખેતી અને સૌર ઊર્જાના તાલમેલથી વધશે ખેડૂતોની આવક - શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
85% નાના અને સીમાંત ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને બને એગ્રીવોલ્ટેઈક નીતિ - કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનાજના છલકાતા ભંડારો સાથે સ્વચ્છ ઊર્જામાં પણ દુનિયાનું નેતૃત્વ કરી રહ્યું છે ભારત - શ્રી શિવરાજ સિંહ
કદમથી કદમ મિલાવીને કામ કરશે કૃષિ અને ઊર્જા મંત્રાલય: ગ્રામીણ યુવાનોને ગામમાં જ મળશે નવી રોજગારી - શ્રી શિવરાજ સિંહ
બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતા 308 ગીગાવોટ પાર, એગ્રીવોલ્ટેઈકથી 2050ની વીજળીની માંગ પૂરી થશે - શ્રી પ્રહ્લાદ જોશી
પીએમ કુસુમના આગામી તબક્કામાં શરૂ થશે દુનિયાનું સૌથી મોટું એગ્રીવોલ્ટેઈક અભિયાન - કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહ્લાદ જોશી
પોસ્ટેડ ઓન:
21 OCT 2026 7:56PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં દેશનો ખેડૂત હવે માત્ર "અન્નદાતા" જ નહીં, પરંતુ સૌર ઊર્જાને અપનાવીને વાસ્તવિક અર્થમાં "અન્નદાતા પણ અને ઊર્જાદાતા પણ" બનવા જઈ રહ્યો છે. બુધવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ત્રિ-દિવસીય '7મા એગ્રીવોલ્ટેઈક વર્લ્ડ કોન્ફરન્સ'ના ઉદ્ઘાટન સત્રને મુખ્ય વક્તા તરીકે સંબોધિત કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી ચૌહાણે કહ્યું કે ખેતી અને સૌર ઊર્જાનો સંગમ વિશ્વ કલ્યાણ અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિનો નવો માર્ગ પ્રશસ્ત કરી રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે એગ્રીવોલ્ટેઈક નીતિ એવી બનવી જોઈએ જે દેશના 85 ટકા નાના અને સીમાંત ખેડૂતોના ખેતરો પર વ્યવહારિક રીતે ખરી ઉતરે.

સભાખંડમાં દેશ-વિદેશના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં પહોંચેલા ખેડૂત ભાઈઓનું સ્વાગત કરતા કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે એગ્રીવોલ્ટેઈક ટેકનોલોજીથી એક જ જમીન પર ઉપર સોલર પેનલથી વીજળી પેદા થશે અને નીચે પાક લહેરાશે. તેમણે આને સરળ દેશી અંદાજમાં સમજાવતા કહ્યું કે આ "એક પંથ દો કાજ" અને "હીંગ લગે ન ફિટકરી, રંગ ભી ચોખા" જેવું સશક્ત મોડેલ છે. તેમણે કહ્યું કે જૂના સમયમાં કહેવાતું હતું કે 'રહિમન પાની રાખિયે', પરંતુ આજના યુગમાં સ્થિતિ એવી છે કે 'રહિમન વીજળી રાખિયે', કારણ કે આધુનિક જીવન અને ખેતીમાં વીજળી વગર બધું શૂન્ય છે, તેથી ખેતીની સાથે સાથે ઊર્જા ઉત્પાદનને જોડવું એ ખેડૂતોના હિતમાં સૌથી મોટું પગલું છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી ચૌહાણે ગૌરવ સાથે રેખાંકિત કર્યું કે એક સમય હતો જ્યારે ભારત ખાદ્ય સુરક્ષા માટે અનાજની આયાત પર નિર્ભર હતું, પરંતુ આજે દેશના અન્નદાતાઓના પરસેવાના બળે અન્ન ભંડારો ઘઉં અને ડાંગરથી પૂરેપૂરા છલકાઈ રહ્યા છે. ભારતીય કૃષિ ક્ષેત્ર સતત 4.5 ટકાનો મજબૂત વિકાસ દર જાળવી રહ્યું છે, જે પોતાનામાં જ એક મોટો વિક્રમ છે. કૃષિ ઉત્પાદનોની નિકાસ 52.55 અબજ ડોલરના નવા રેકોર્ડ પર પહોંચી ચૂકી છે અને તાજેતરમાં રવિ સીઝન 2026-27નું વાવેતર પણ શરૂ થઈ ચૂક્યું છે, જેમાં કઠોળ અને તેલીબિયાં પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે વૈજ્ઞાનિકો અને નીતિ-નિર્માતાઓ સમક્ષ જમીની હકીકત મૂકતા સ્પષ્ટ કર્યું કે ભારતમાં સરેરાશ જમીન ધારણ ક્ષમતા માત્ર 0.96 હેક્ટર છે અને 85 ટકાથી વધુ ખેડૂતો નાના તથા સીમાંત છે, જેમની પાસે એટલી જમીન નથી કે તેઓ ખેતી છોડીને માત્ર સોલર પ્લાન્ટ લગાવી શકે. તેમણે ભાર મૂક્યો કે પ્રયોગશાળાઓ અને સરકારી સંસ્થાઓમાં તો પૈસા લાગી જાય છે, પરંતુ ખેડૂતે પોતાની મહેનતની કમાણી લગાવવી પડે છે, તેથી મોડેલ એવું હોવું જોઈએ જે નાના ખેડૂતના ખેતરમાં વ્યવહારિક રીતે સફળ થાય અને કૃષિ ઉત્પાદન કોઈપણ ભોગે ન અટકે. તેમણે કહ્યું કે માત્ર સોલર પેનલની નીચે કેટલાક છોડ વાવી દેવાથી ઉદ્દેશ્ય પૂરો નહીં થાય, પરંતુ પેનલની ઊંચાઈ, થાંભલાઓ વચ્ચેનું અંતર અને ખેડાણની વ્યવસ્થા એવી રાખવી પડશે જેથી ખેડૂત દર વર્ષે પોતાની પસંદગીથી પાક અને પાક-ચક્ર બદલી શકે.
શ્રી ચૌહાણે વ્યવહારિક પડકારોનો સમયસર ઉકેલ લાવવા પર ભાર મૂકતા કહ્યું કે પેનલો પરથી પડતા વરસાદી પાણીના સુરક્ષિત નિકાલ અને સંગ્રહની મજબૂત વ્યવસ્થા થાય જેથી ખેતરોમાં માટીનું ધોવાણ ન થાય અને પાણીના એક-એક ટીંપાનો સદુપયોગ થઈ શકે. તેમણે વીજ ખરીદી, ગ્રીડ સુધી પહોંચ અને ખેડૂતોને સમયસર પારદર્શી ચુકવણીની મજબૂત વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની વાત કહી. સાથે જ સૂચન આપ્યું કે કિસાન ઉત્પાદક સંગઠનો (FPO) ને આમાં સક્રિય રીતે જોડવામાં આવે અને સાધનોના સંચાલન, મરામત તથા જાળવણીની તાલીમ સ્થાનિક ગ્રામીણ યુવાનો તથા મહિલાઓને આપવામાં આવે જેથી ગામડાઓમાં જ રોજગારીની મોટી તકો તૈયાર થાય. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો કોઈ કંપની પ્રોજેક્ટ અધવચ્ચે છોડી દે અથવા કરાર સમાપ્ત થવા પર પેનલ હટાવવા પડે, તો તેનો કોઈ પણ નાણાકીય કે ભૌતિક બોજ ખેડૂત પર ન આવે, તેની જવાબદારી શરૂઆતમાં જ નક્કી થવી જોઈએ.
શ્રી ચૌહાણે નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રી શ્રી પ્રહ્લાદ જોશીના નેતૃત્વની ખૂબ પ્રશંસા કરતા વિશ્વાસ અપાવ્યો કે આ અભિયાનને સફળ બનાવવા માટે કૃષિ મંત્રાલય કદમથી કદમ અને ખભેથી ખભો મિલાવીને ચાલશે.
આ પ્રસંગે કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ તથા નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રી શ્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે આ 7મી આવૃત્તિ અત્યાર સુધી આયોજિત તમામ છ આંતરરાષ્ટ્રીય પરિષદોની તુલનામાં સૌથી મોટી અને ઐતિહાસિક છે, જેમાં રેકોર્ડ ભાગીદારીના કારણે વધારાના હોલની વ્યવસ્થા કરવી પડી. તેમણે કહ્યું કે જ્યારે આખી દુનિયા આર્થિક સંકટો સામે ઝૂઝી રહી છે, ત્યારે ભારત ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8% ના જીડીપી વિકાસ દર સાથે વિશ્વની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા બન્યું છે. કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ જણાવ્યું કે વર્ષ 2014 પહેલા દેશની કુલ વીજ ક્ષમતા લગભગ 249 ગીગાવાટ હતી, જે આજે વધીને 560 ગીગાવાટથી વધુ થઈ ચૂકી છે. આમાં બિન-અશ્મિભૂત સ્થાપિત ક્ષમતા 308 ગીગાવાટ પાર કરી ચૂકી છે, જેમાંથી 100 ગીગાવાટ ક્ષમતા છેલ્લા માત્ર અઢી વર્ષોમાં ઉમેરવામાં આવી છે. સાથે જ વર્ષ 2012-13માં ₹11 પ્રતિ યુનિટ રહેતી બિન-અશ્મિભૂત વીજળીનો ખર્ચ આજે મોટા પાયે ઉત્પાદનના કારણે ઘટીને માત્ર ₹2.60 પ્રતિ યુનિટ રહી ગયો છે.

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહ્લાદ જોશીએ 'ટેરી' (TERI) ના અભ્યાસનો હવાલો આપતા જણાવ્યું કે દેશની 11.6 કરોડ હેક્ટર કૃષિ જમીનમાંથી 4.75 કરોડ હેક્ટર જમીન (લગભગ 30%) એગ્રીવોલ્ટેઈક માટે તકનીકી રીતે પૂરેપૂરી યોગ્ય છે, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશનો 50 ટકા હિસ્સો છે. તેમણે રેખાંકિત કર્યું કે જો આ યોગ્ય જમીનના માત્ર 10 ટકા હિસ્સા પર પણ એગ્રીવોલ્ટેઈક લગાવી દેવામાં આવે, તો ભારત વર્ષ 2050 સુધીની પોતાની પૂરી અંદાજિત વીજ માંગને એકલું આનાથી જ પૂરી કરી શકે છે, સાથે જ આનાથી પાકના ઉત્પાદનમાં પણ 10 થી 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.
શ્રી જોશીએ જણાવ્યું કે પીએમ કુસુમ યોજના હેઠળ અત્યાર સુધીમાં 30 લાખ (3 મિલિયન) કૃષિ પંપોને સૌર ઊર્જા સાથે જોડી દેવામાં આવ્યા છે, જેનાથી ખેડૂતોને રાત્રિના જોખમી સમયમાં સિંચાઈમાંથી મુક્તિ મળી છે અને દિવસ દરમિયાન અવિરત વીજળી મળી રહી છે. તેમણે જાહેરાત કરી કે સરકાર ટૂંક સમયમાં પીએમ કુસુમના આગામી તબક્કા હેઠળ દુનિયાનો સૌથી મહત્વાકાંક્ષી એગ્રીવોલ્ટેઈક કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે. તેમણે કહ્યું કે અભ્યાસો અનુસાર આ ક્ષેત્રમાં લગભગ 3.32 લાખ પૂર્ણકાલીન સ્થાનિક રોજગારી સર્જાશે, જેનાથી ગ્રામીણ યુવાનોને રોજગારીની શોધમાં જિલ્લા મથકો કે મોટા શહેરો તરફ સ્થળાંતર કરવું નહીં પડે.
ઉદ્ઘાટન સમારોહના મંચ પર કેન્દ્રીય નવીન અને નવીકરણીય ઊર્જા રાજ્ય મંત્રી શ્રી શ્રીપાદ યેસો નાઈક, ભારત અને ભૂતાનમાં જર્મનીના રાજદૂત ડૉ. જેસ્પર વિક, નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલયના સચિવ શ્રી સંતોષ કુમાર સારંગી, કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગના સચિવ શ્રી અતીશ ચંદ્રા, કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગના સચિવ તથા આઈસીએઆર (ICAR) ના મહાનિદેશક ડૉ. માંગી લાલ જાટ અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA) ના મહાનિદેશક શ્રી આશિષ ખન્ના વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન સત્ર દરમિયાન એગ્રીવોલ્ટેઈક સાથે જોડાયેલા મહત્વપૂર્ણ તકનીકી ટૂલ્સ અને સંચાર સામગ્રીઓનું પણ વિધિવત વિમોચન અને લોકાર્પણ કરવામાં આવ્યું, જેનાથી ખેડૂતો અને હિતધારકોને ખેતર સ્તરે સચોટ નિર્ણયો લેવામાં સહાયતા મળશે.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2326207)
મુલાકાતી સંખ્યા : 19