આયુષ
ઉપરાષ્ટ્રપતિએ 'KAUMARACON-2026' નું ઉદ્ઘાટન કર્યું અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદની ડિજિટલ પહેલો લોન્ચ કરી
“સંશોધને પરંપરાગત સ્વાસ્થ્ય સંભાળ પ્રથાઓની વૈશ્વિક સ્વીકૃતિ માટે તેનો વૈજ્ઞાનિક આધાર સ્થાપિત કરવો જોઈએ”: ઉપરાષ્ટ્રપતિ
“આયુર્વેદમાં નિવારક સ્વાસ્થ્ય સંભાળ, પોષણ અને બાળ વિકાસમાં મોટી ક્ષમતા છે”: કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાદવ
“AIIA આયુર્વેદિક શિક્ષણ, સંશોધન અને ક્લિનિકલ કેરમાં અગ્રેસર તરીકે ઉભરી આવ્યું છે”: વૈદ્ય રાજેશ કોટેચા
સંશોધન, નવીનતા અને ક્લિનિકલ પ્રેક્ટિસને આગળ વધારવા માટે કૌમારાકોન-2026 માં ડિજિટલ પહેલો લોન્ચ કરવામાં આવી
પોસ્ટેડ ઓન:
15 OCT 2026 5:55PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં આયુષ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ (AIIA) ખાતે 'કૌમારાકોન-2026' (KAUMARACON-2026) નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઇવેન્ટ કૌમારાભૃત્ય (આયુર્વેદિક બાળરોગ વિજ્ઞાન) પરની ત્રીજી આંતરરાષ્ટ્રીય પરિષદ છે. તે 15 થી 17 ઓક્ટોબર 2026 દરમિયાન “બાળ સ્વાસ્થ્યનું ભવિષ્ય ઘડવું: કૌમારાભૃત્યમાં વૈશ્વિક પરિપ્રેક્ષ્ય, સંશોધન નવીનતાઓ અને ક્લિનિકલ સીમાઓ” થીમ હેઠળ યોજાઈ રહી છે. આ પ્રસંગ સંસ્થાનો સ્થાપના દિવસ પણ હતો. તેણે આયુર્વેદિક શિક્ષણ, ક્લિનિકલ સેવાઓ, વૈજ્ઞાનિક સંશોધન અને નવીનતામાં પ્રગતિનું એક દાયક ઉજવ્યું.

ઉપરાષ્ટ્રપતિએ પરંપરાગત સ્વાસ્થ્ય સંભાળ પ્રથાઓની અસરકારકતા સ્થાપિત કરવા, દર્દીઓનો આત્મવિશ્વાસ મજબૂત કરવા અને ભારતની પરંપરાગત તબીબી પ્રણાલીઓની વૈશ્વિક સ્વીકૃતિ વધારવા માટે વધુ વૈજ્ઞાનિક સંશોધન કરવા આહ્વાન કર્યું હતું. તેમણે નોંધ્યું કે ભારતની પરંપરાગત તબીબી પ્રણાલીઓ તેની સભ્યતાના જ્ઞાન અને સદીઓ જૂની જ્ઞાન પરંપરાઓમાં વણાયેલો મૂલ્યવાન વારસો રજૂ કરે છે. તેમણે વિશ્વ સાથે ભારતના પરંપરાગત જ્ઞાનને શેર કરવામાં યોગની આંતરરાષ્ટ્રીય માન્યતા અને જામનગરમાં ડબલ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાને મહત્વપૂર્ણ સીમાચિહ્નો તરીકે પણ રેખાંકિત કર્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના AIIA ને AIIMS ની સમકક્ષ વિકસાવવાના વિઝનનો સંદર્ભ આપતા, ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સંસ્થા આ વિઝનને સાકાર કરવા તરફ આગળ વધી રહી છે. AIIA ને તેના 10મા સ્થાપના દિવસ પર અભિનંદન આપતા, તેમણે સંસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે સંશોધન, નવીનતા અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતામાં સતત પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સંશોધકો અને પ્રેક્ટિશનરોને પરંપરાગત જ્ઞાનને જાળવી રાખવા, વૈજ્ઞાનિક માન્યતા દ્વારા તેને મજબૂત કરવા અને બાળ સ્વાસ્થ્યને તેમના પ્રયાસોના કેન્દ્રમાં મૂકવા આહ્વાન કર્યું હતું.

આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાદવે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં ભારતના પરંપરાગત તબીબી પ્રણાલીઓની પરિવર્તનકારી સફર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એમ પણ નોંધ્યું કે આયુર્વેદ અને અન્ય પરંપરાગત સ્વાસ્થ્ય સંભાળ પ્રણાલીઓ, જે એક સમયે વૈકલ્પિક અભિગમો તરીકે ગણાતી હતી, તેને હવે સંસ્થાકીય વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન, ગુણવત્તા ખાતરી અને પુરાવા-આધારિત ક્લિનિકલ પ્રેક્ટિસ દ્વારા વ્યાપક સ્વાસ્થ્ય સંભાળ માળખામાં વધુને વધુ સંકલિત કરવામાં આવી રહી છે.

આયુષ મંત્રાલયની 11 વર્ષની પ્રગતિનો સંદર્ભ આપતા, શ્રી પ્રતાપરાવ જાદવે આયુષ પ્રણાલીઓ પ્રત્યે વધતો જનવિશ્વાસ, સ્વાસ્થ્ય સંભાળ સેવાઓનો વિસ્તાર અને પરંપરાગત દવાઓમાં ભારતની વધતી આંતરરાષ્ટ્રીય માન્યતા પર પ્રકાશ પાડ્યો હતો. મંત્રીશ્રીએ આ પરિવર્તનમાં અગ્રણી સંસ્થા તરીકે ઉભરી આવવા બદલ AIIA ની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું કે 2017 માં પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કર્યા ત્યારથી, સંસ્થાએ તેની શૈક્ષણિક અને ક્લિનિકલ ક્ષમતાઓને મજબૂત કરી છે, NAAC A++ માન્યતા મેળવી છે, તેની વિશિષ્ટ આઉટપેશન્ટ સેવાઓનો વિસ્તાર કર્યો છે અને તેની સંશોધન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારી છે.
કૌમારાકોન-2026 ના મહત્વ પર ભાર મૂકતા, શ્રી જાદવે જણાવ્યું હતું કે બાળ સ્વાસ્થ્ય રાષ્ટ્રીય પ્રાથમિકતા રહેવી જોઈએ અને ભારતીય શાસ્ત્રીય આયુર્વેદિક જ્ઞાન નિવારક સ્વાસ્થ્ય સંભાળ, માતૃ અને બાળ પોષણ, વૃદ્ધિ અને વિકાસ પર મૂલ્યવાન દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે. તેમણે બાળરોગની સ્વાસ્થ્ય સંભાળ માટે વિશ્વાસપાત્ર, સલામત અને અસરકારક અભિગમો સ્થાપિત કરવા માટે આ પરંપરાગત જ્ઞાનને સમકાલીન વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે જોડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ આ પ્રસંગને આયુષ ક્ષેત્રની સિદ્ધિઓ અને ભારતમાં પરંપરાગત દવાની સંસ્થાકીય પરિવર્તન પર મંથન કરવાની તક તરીકે વર્ણવ્યો હતો. તેમણે રાષ્ટ્રીય આયુષ મિશન, વિસ્તૃત સ્વાસ્થ્ય સંભાળ પહોંચ, સંશોધન પહેલો, ગુણવત્તા ખાતરી અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા આયુષને મજબૂત કરવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જામનગરમાં ડબલ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના અને આયુષ રિસર્ચ પોર્ટલ તથા ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ લાઈબ્રેરી દ્વારા વૈજ્ઞાનિક સાહિત્યની વધતી ઉપલબ્ધતાનો સંદર્ભ આપ્યો હતો.

AIIA ના યોગદાન પર પ્રકાશ પાડતા, વૈદ્ય કોટેચાએ નોંધ્યું કે સંસ્થા 45 થી વધુ વિશિષ્ટ OPDs ચલાવે છે, 12 વિશેષતાઓમાં સ્નાતકોત્તર અને ડૉક્ટરલ શિક્ષણ આપે છે, 105 ફાર્માકોવિજિલન્સ કેન્દ્રોને માર્ગદર્શન આપે છે અને 97 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સહયોગ જાળવી રાખે છે. તેમણે ગોવામાં AIIA ના સેટેલાઇટ કેમ્પસની સ્થાપના અને કેન્દ્રીય અંદાજપત્ર 2026-27 માં ત્રણ નવી AIIA સંસ્થાઓની જાહેરાતનો પણ સંદર્ભ આપ્યો હતો.
કૌમારાભૃત્યની કેન્દ્રીય ભૂમિકાનો સંદર્ભ આપતા, સચિવે બાળરોગની સ્વાસ્થ્ય સંભાળને મજબૂત કરવામાં સંશોધન, સહયોગ અને નવીનતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કૌમારાકોન-2026 બાળ સ્વાસ્થ્યમાં આયુર્વેદના યોગદાનને વધુ આગળ વધારશે અને ભારતના સ્વાસ્થ્ય સંભાળ સિસ્ટમમાં તેની ભૂમિકાને મજબૂત કરશે.
મહાનુભાવોનું સ્વાગત કરતા, AIIA, નવી દિલ્હીના ડિરેક્ટર પ્રો. (વૈદ્ય) પી. કે. પ્રજાપતિએ કૌમારાકોન-2026 ને સેવા, શૈક્ષણિક પ્રગતિ અને વૈજ્ઞાનિક સિદ્ધિના એક દાયકાને પૂર્ણ કરવાની સંસ્થાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે વર્ણવ્યું હતું. તેમણે આ પ્રસંગની શોભા વધારવા બદલ ઉપરાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો હતો અને શાસ્ત્રીય આયુર્વેદિક જ્ઞાનને સમકાલીન વૈજ્ઞાનિક તપાસ સાથે સંકલિત કરવા માટે AIIA ની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે 2017 માં રાષ્ટ્રને સમર્પિત કર્યા પછી સંસ્થાની પ્રગતિ પર પ્રકાશ પાડતા નોંધ્યું કે AIIA એ NAAC A++ માન્યતા અને NABH ગુણવત્તા માન્યતા મેળવી છે અને તેની વિશિષ્ટ ક્લિનિકલ સેવાઓ, સંશોધન સુવિધાઓ અને શૈક્ષણિક કાર્યક્રમોનો વિસ્તાર કરવાનું ચાલુ રાખ્યું છે.

પ્રો. પ્રજાપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળ સ્વાસ્થ્ય સંભાળ એ સ્વસ્થ સમાજના નિર્માણ માટે મૂળભૂત છે. તેમણે કાઈન્ડર લેબ (KINDER Lab) ની સ્થાપના પર પ્રકાશ પાડ્યો, જે બાળરોગની ઇલેક્ટ્રોફિઝિયોલોજી અને બિન-આક્રમક ડાયગ્નોસ્ટિક્સ માટે વિશિષ્ટ સુવિધાઓ પૂરી પાડે છે, અને આયુઈન્ફોર્મેટિક્સ લેબ (Ayurinformatics Lab), જે AI-સંચાલિત ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ અને ડોઝ ડિઝાઇનને ટેકો આપે છે. તેમણે નોંધ્યું કે આ પરિષદ ક્લિનિકલ આંતરદૃષ્ટિ શેર કરવા, ટ્રાન્સલેશનલ સંશોધનની ચર્ચા કરવા અને બાળક-મૈત્રીપૂર્ણ ઉપચારાત્મક અભિગમોનું અન્વેષણ કરવા માટે એક મૂલ્યવાન મંચ પૂરું પાડે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વૈજ્ઞાનિક ચર્ચાઓ આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપશે અને સંશોધન તથા નવીનતા દ્વારા બાળ સ્વાસ્થ્ય સંભાળમાં સુધારો કરવા માટે નવા માર્ગો ખોલશે.

ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ આયુષ સ્ટાર્ટ-અપ પોર્ટલ, AIIA–iCAINE વેબસાઇટ અને આયુર્વેદ ડિજિટલ ઇનોવેશન એન્ડ વેન્ચર એક્સિલરેશન ફેસિલિટી (AyuDIVA) નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આયુર્વેદમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગસાહસિકતા અને ટેકનોલોજી-સક્ષમ ક્લિનિકલ પ્રેક્ટિસને મજબૂત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું ભરતા વામના એપ અને પંચકર્મા એસેસમેન્ટ એપ પણ લોન્ચ કરી હતી.
ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યુએસએ (USA) ની મહર્ષિ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી (MIU) અને નવી દિલ્હીની AIIA વચ્ચે એક આંતરરાષ્ટ્રીય મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) ની પણ આપલે કરવામાં આવી હતી, જે સંસ્થાની આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક અને સંશોધન સહયોગ પ્રત્યેની કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM) ના અધ્યક્ષ ડૉ. મનીષા ઉપેન્દ્રા કોઠેકર આ પ્રસંગે આયુષ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ આયુષ સંસ્થાઓના વડાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદે સમગ્ર વિશ્વમાંથી અગ્રણી વૈદ્યો, બાળરોગ સ્વાસ્થ્ય સંભાળ વિશેષજ્ઞો, સંશોધકો, શિક્ષણવિદો અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને એકસાથે લાવ્યા હતા.
કૌમારાકોન-2026 બાળ સ્વાસ્થ્ય માટે પુરાવા-આધારિત અભિગમોને મજબૂત કરવાના હેતુસર વૈજ્ઞાનિક સત્રો અને ચર્ચાઓ સાથે આયુર્વેદિક બાળરોગની સંભાળમાં પ્રગતિ પર મંથન કરવાનું ચાલુ રાખશે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2324102)
મુલાકાતી સંખ્યા : 8