માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
NHAI દ્વારા મુખ્ય પુલ અને મહત્વપૂર્ણ નેશનલ હાઈવે સ્ટ્રક્ચર્સની ડિઝાઈનની સ્વતંત્ર ચકાસણીની શરૂઆત કરવામાં આવી
નેશનલ હાઈવે પરના મહત્વપૂર્ણ સ્ટ્રક્ચર્સની સલામતી, ગુણવત્તા અને ટકાઉપણું સુધારવા માટે એક સમાન પદ્ધતિ દાખલ કરવાની પહેલ
પોસ્ટેડ ઓન:
15 OCT 2026 5:02PM by PIB Ahmedabad
નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સ્ટ્રક્ચરલ સલામતી, ટકાઉપણું અને ગુણવત્તા ખાતરીને મજબૂત કરવા માટે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ તેના પ્રોજેક્ટ્સ હેઠળ બાંધવામાં આવતા મુખ્ય પુલો અને અન્ય મહત્વપૂર્ણ સ્ટ્રક્ચર્સની ડિઝાઈન અને ડ્રોઈંગ્સની સ્વતંત્ર ચકાસણી માટે એક સમાન સિસ્ટમ રજૂ કરી છે. નવી નીતિ હેઠળ, ઓળખવામાં આવેલા મહત્વપૂર્ણ સ્ટ્રક્ચર્સની ડિઝાઈનની સ્વતંત્ર ચકાસણી ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાઓ (IITs), પ્રતિષ્ઠિત સરકારી તકનીકી સંસ્થાઓ અને બ્રિજ ઇજનેરી તથા હાઇડ્રોલિક અભ્યાસમાં કુશળતા ધરાવતી અન્ય અનુભવી તકનીકી ફર્મ્સ દ્વારા પેનલ પર રાખવામાં આવેલી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે.
આ પહેલ મુખ્ય બ્રિજ અને અન્ય જટિલ સ્ટ્રક્ચર્સ માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે. સ્વતંત્ર ચકાસણી પ્રારંભિક તબક્કે જ ડિઝાઈન-સંબંધિત સંભવિત સમસ્યાઓની ઓળખ કરવામાં મદદ કરશે અને તે સુનિશ્ચિત કરશે કે સ્ટ્રક્ચર્સ લાગુ પડતા ઇન્ડિયન રોડ્સ કોંગ્રેસ (IRC) કોડ્સ, તકનીકી વિશિષ્ટતાઓ અને કરારની આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.
સ્ટ્રક્ચર્સ આવરી લેવામાં આવશે
આ નીતિમાં મુખ્ય બ્રિજ અને વાયાડક્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં 3,000 ઘન મીટર પ્રતિ સેકન્ડ કે તેથી વધુના ડિઝાઈન ડિસ્ચાર્જવાળા મુખ્ય નદીના પુલો, અને 40 મીટર કે તેથી વધુના વ્યક્તિગત અસરકારક સ્પાન ધરાવતા સ્ટ્રક્ચર્સ અથવા પુલોનો સમાવેશ થાય છે. NHAI દ્વારા ઓળખવામાં આવેલા અન્ય વિશેષ અથવા જટિલ સ્ટ્રક્ચર્સ પણ આવરી લેવામાં આવશે.
સ્વતંત્ર ચકાસણીમાં સ્ટ્રક્ચરલ ડિઝાઈન ગણતરીઓ, સ્ટ્રક્ચરલ વિશ્લેષણ, ડિઝાઈન ડ્રોઈંગ્સ અને, જ્યાં પણ લાગુ પડતું હોય ત્યાં, હાઇરોલોજિકલ અને હાઇડ્રોલિક અભ્યાસનો સમાવેશ થશે. આ અભ્યાસો પાણીના પ્રવાહ, પૂરના સ્તરો, પાણી પસાર થવા માટેના ઓપનિંગ્સની પર્યાપ્તતા અને નદીના પટના ધોવાણ સામે ફાઉન્ડેશનની સલામતીનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.
નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
સંશોધિત પ્રક્રિયા હેઠળ, કોન્ટ્રાક્ટર અથવા કન્સેસિયોનેર કરાર હેઠળ લાગુ પડતી સમીક્ષા અથવા મંજૂરી માટે ડિઝાઈન અને ડ્રોઈંગ્સ સબમિટ કરશે. ત્યારબાદ, NHAIની પેનલ પરની યાદીમાંથી ત્રણ સંસ્થાઓ અથવા ફર્મ્સ પ્રસ્તાવિત કરવામાં આવશે. પ્રોજેક્ટની જરૂરિયાતોના આધારે, સ્વતંત્ર ચકાસણી કરવા માટે એક કે તેથી વધુ સંસ્થાઓ અથવા ફર્મ્સની પસંદગી કરવામાં આવશે.
પસંદ કરાયેલ સંસ્થા અથવા ફર્મ સ્વતંત્ર રીતે ડિઝાઈનની તપાસ કરશે અને પોતાના અવલોકનો અને ભલામણો સબમિટ કરશે. કોન્ટ્રાક્ટર અથવા કન્સેસિયોનેર આ અવલોકનોને ધ્યાનમાં લેશે અને જરૂરિયાત મુજબ ડિઝાઈનમાં જરૂરી ફેરફારો કરશે. ત્યારબાદ લાગુ પડતા કરારની જોગવાઈઓ અનુસાર NHAI દ્વારા ડિઝાઈનની સમીક્ષા કરવામાં આવશે અથવા મંજૂરી આપવામાં આવશે.
આ નીતિ 1 ડિસેમ્બર 2026 થી અમલમાં આવશે. તે તમામ નવા એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC), હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ (HAM) અને બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ તેમજ એવા પ્રોજેક્ટ્સને લાગુ પડશે જ્યાં ડિઝાઈન વેરિફિકેશન અથવા પ્રૂફ ચેકિંગ હજુ સુધી શરૂ થયું નથી.
આ નીતિ સામાન્ય રીતે એવા પ્રોજેક્ટ્સને લાગુ પડશે નહીં જ્યાં ડિઝાઈન વેરિફિકેશન અથવા પ્રૂફ ચેકિંગ પહેલેથી જ પૂર્ણ થઈ ગયું છે. જો કે, મુખ્ય પુલો અને જટિલ અથવા મહત્વપૂર્ણ વિશેષ સ્ટ્રક્ચર્સ માટે વધારાનું સ્વતંત્ર વેરિફિકેશન હાથ ધરવામાં આવી શકે છે.
આ પહેલ દ્વારા, NHAIનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ નેશનલ હાઈવે સ્ટ્રક્ચર્સ માટે એક સુસંગત અને મજબૂત ગુણવત્તા-ખાતરી પદ્ધતિ સ્થાપિત કરવાનો છે જે સમગ્ર દેશમાં સુરક્ષિત અને મજબૂત નેશનલ હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને સમર્થન આપશે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2323945)
મુલાકાતી સંખ્યા : 16