ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સરકારે શેરડીના ખેડૂતો અને ખાંડ ક્ષેત્ર સંબંધિત મુદ્દાઓની તપાસ કરવા માટે સમિતિની રચના કરી

પોસ્ટેડ ઓન: 14 OCT 2026 6:13PM by PIB Ahmedabad

ભારત સરકારે શેરડીના ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની તપાસ કરવા અને તેમની ચિંતાઓને દૂર કરવા માટે યોગ્ય ઉપાયોની ભલામણ કરવા નીતિ આયોગના પૂર્વ સભ્ય પ્રો. રમેશ ચંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે.

આ સમિતિની રચના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તથા કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી સાથે કર્ણાટક અને મહારાષ્ટ્રના શેરડીના ખેડૂતોના પ્રતિનિધિઓની બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયોને અનુસરીને કરવામાં આવી છે.

આ સમિતિ ખેતીના ખર્ચ અને અન્ય સંબંધિત પરિબળોને ધ્યાનમાં રાખીને શેરડીના ખેડૂતો માટે પોષણક્ષમ વળતરમાં વધારો કરવાની માંગની તપાસ કરશે. તે ખાંડના ઉત્પાદન ખર્ચ, માર્કેટ રિયલાઇઝેશન અને ખાંડ મિલોની નાણાકીય વ્યવહારિકતાના સંદર્ભમાં ખાંડના એક્સ-મિલ ન્યૂનતમ વેચાણ ભાવ (MSP) ના રિવિઝનની માંગની પણ તપાસ કરશે.

તપાસના અન્ય મુખ્ય ક્ષેત્રોમાં ખાંડની રિકવરીના પરીક્ષણ અને રિપોર્ટિંગ માટેની વર્તમાન વ્યવસ્થાઓ, રિકવરીની પારદર્શક ચકાસણી સુનિશ્ચિત કરવાના પગલાં અને ખાંડ મિલોમાં પ્રચલિત શેરડીના તોલમાપની પદ્ધતિઓ, જેમાં કેલિબ્રેશન, નિરીક્ષણ અને ચકાસણી પ્રણાલીઓની પૂરતીતાનો સમાવેશ થાય છે.

સમિતિ યાંત્રિક રીતે લણણી કરાયેલી (mechanically harvested) શેરડીના વજનમાંથી થતી કાપત સંબંધિત પ્રચલિત પદ્ધતિઓની પણ તપાસ કરશે અને યાંત્રિક લણણીથી થતા વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન કરશે. તે ખેડૂતોને ચૂકવવાપાત્ર શેરડીના ભાવ પર વર્તમાન પદ્ધતિઓની નાણાકીય અસરનું મૂલ્યાંકન કરશે અને જરૂરી જણાય તેવા અન્ય કોઈપણ સંબંધિત બાબતો પર વિચાર કરી શકે છે.

સમિતિ ખેડૂતોના પ્રતિનિધિઓ, ખાંડ મિલ એસોસિએશનો, રાજ્ય સરકારો અને અન્ય નિષ્ણાતો અથવા સંગઠનો સહિતના તમામ હિસ્સેદારો સાથે જરૂરી જણાય તે મુજબ ચર્ચા વિચારણા કરશે. સમિતિ તેના તારણો અને વિશિષ્ટ ભલામણો ધરાવતો અહેવાલ સક્ષમ ઓથોરિટી દ્વારા વિચારણા માટે વહેલામાં વહેલી તકે સુપ્રત કરશે.

સમિતિના અધ્યક્ષ પ્રો. રમેશ ચંદ, જેઓ એક પ્રખ્યાત કૃષિ અર્થશાસ્ત્રી અને જાહેર નીતિ નિષ્ણાત છે, તેમણે 2015થી 2026 સુધી નીતિ આયોગના સભ્ય તરીકે અને તે અગાઉ ICAR-NIAPના નિયામક અને પંદરમા નાણા પંચના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ કૃષિ વિકાસ, ખેડૂતોના મુદ્દાઓ, ખાદ્ય સુરક્ષા, કૃષિ બજારો અને ભાવ નીતિમાં વ્યાપક કુશળતા ધરાવે છે.

આ સમિતિમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના કૃષિ કમિશનર; ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના સંયુક્ત સચિવ (ખાંડ) અને ઉપભોક્તા બાબતોના વિભાગના સંયુક્ત સચિવ (લીગલ મેટ્રોલોજી) સભ્યો તરીકે સામેલ છે.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2323591) મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Kannada