આયુષ
સંકલિત આયુર્વેદ-યોગ અભિગમ નોક્ટર્નલ એન્યુરેસિસના (બાળકોમાં પથારીમાં ભીની કરવાની સમસ્યાના) વ્યવસ્થાપનમાં પ્રોત્સાહક પરિણામો દર્શાવે છે: ITRAનો અભ્યાસ
આ દવા અને યોગાસનોના મિશ્રણથી નોક્ટર્નલ એન્યુરેસિસમાં 70% સુધી સુધારા નોંધાયા
પોસ્ટેડ ઓન:
05 OCT 2026 4:07PM by PIB Ahmedabad
આયુષ મંત્રાલય, ભારત સરકાર હેઠળના રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA), જામનગર ખાતે હાથ ધરવામાં આવેલા એક ક્લિનિકલ અભ્યાસમાં બાળકોમાં સામાન્ય રીતે પથારીમાં પેશાબ કરવા તરીકે ઓળખાતા નોક્ટર્નલ એન્યુરેસિસના સંચાલનમાં આયુર્વેદિક દવા સાથે યોગાસનોને જોડતા એકીકૃત (ઈન્ટિગ્રેટેડ) અભિગમના પ્રોત્સાહક પરિણામો નોંધાયા છે.
6 થી 14 વર્ષની વય જૂથના આશરે 38 બાળકોને આવરી લેતા આઠ સપ્તાહના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માત્ર આયુર્વેદિક દવા મેળવતા બાળકોની સરખામણીમાં પસંદગીના યોગાસનોના નિયમિત અભ્યાસ સાથે આયુર્વેદિક દવા મેળવતા બાળકોમાં વધુ સુધારો જોવા મળ્યો હતો. આ તારણો આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત AYU જર્નલમાં પ્રકાશિત થયા છે.
બે જૂથોમાં અભ્યાસ હાથ ધરાયો આ અભ્યાસ ITRA, જામનગરના કૌમારભૃત્ય (બાળરોગ) વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. ભાગ લેનાર બાળકોને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા.
જૂથ 1 – માત્ર આયુર્વેદિક દવા: બાળકોને મેધ્ય રસાયણ ચૂર્ણ આપવામાં આવ્યું હતું, જે બ્રાહ્મી, શંખપુષ્પી, યષ્ટિમધું (જેઠીમધ) અને ગુડૂચી (ગળો) ની બનેલી એક ફોર્મ્યુલેશન છે, જે દિવસમાં બે વાર દૂધ સાથે આપવામાં આવતી હતી.
જૂથ 2 – યોગ સાથે આયુર્વેદિક દવા: બાળકોને આ જ આયુર્વેદિક ફોર્મ્યુલેશન સાથે ચાર યોગાસનો — ઉત્કટાસન, અર્ધ-શલભાસન, ભુજંગાસન અને શવાસન — સવાર-સાંજ નિયમિતપણે કરવામાં આવતા હતા.
નોંધપાત્ર સુધારો નોંધાયો આ અભ્યાસમાં કેટલાંક પરિમાણોમાં પ્રોત્સાહક પરિણામો નોંધાયા છે:
પથારીમાં પેશાબ કરવામાં ઘટાડો: માત્ર આયુર્વેદિક ફોર્મ્યુલેશન મેળવતા બાળકોમાં પથારીમાં પેશાબ કરવાની આવૃત્તિમાં આશરે 38% સુધારો જોવા મળ્યો હતો, જ્યારે આયુર્વેદ અને યોગના સંયુક્ત હસ્તક્ષેપ મેળવતા બાળકોમાં આશરે 70% સુધારો જોવા મળ્યો હતો.
યાદશક્તિમાં સુધારો: માત્ર આયુર્વેદિક દવા મેળવતા બાળકોમાં આશરે 31% ની સરખામણીમાં સંયુક્ત હસ્તક્ષેપ મેળવતા બાળકોમાં યાદશક્તિમાં આશરે 61% સુધારો નોંધાયો હતો.
ચિડિયાપણું ઘટે છે: સંયુક્ત હસ્તક્ષેપ જૂથના બાળકોમાં વર્તણૂકના પરિમાણોમાં સુધારા સાથે ચિડિયાપણાં માં આશરે 66% ઘટાડો જોવા મળ્યો હતો.
અતિસક્રિયતા (હાયપરએક્ટિવિટી) માં ઘટાડો: નિયમિત યોગ અભ્યાસ અતિસક્રિયતામાં આશરે 71% ઘટાડા સાથે સંકળાયેલ હતો, સાથે જ એકાગ્રતા અને મનોબળમાં પણ પ્રોત્સાહક સુધારા જોવા મળ્યા હતા.
આ રિસર્ચ પેપર પ્રો. વૈદ્ય વીરેન્દ્ર કોરી, વૈદ્ય સાગર ભિંડે અને વૈદ્ય અમીષા બાવરવા દ્વારા તૈયાર અને પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. સંશોધકોએ અભ્યાસ દરમિયાન જનરેટ થયેલા ડેટાનું વિગતવાર વિશ્લેષણ હાથ ધર્યું હતું, જેના પછી સંશોધન પત્રને AYU જર્નલમાં પ્રકાશન માટે સ્વીકારવામાં આવ્યું હતું.
ITRA, જામનગરના નિયામક પ્રો. ડો. તનુજા નેસરીના જણાવ્યા અનુસાર, નોક્ટર્નલ એન્યુરેસિસ કેટલાક કિસ્સાઓમાં મૂત્રાશયના નિયંત્રણની મુશ્કેલીઓ તેમજ માનસિક અને વર્તણૂકીય પરિબળો સાથે સંકળાયેલ હોઈ શકે છે.
અભ્યાસ સૂચવે છે કે ઉત્કટાસન અને ભુજંગાસન સહિતની પસંદગીની યોગ પદ્ધતિઓ નિતંબ (પેલ્વિક) ના વિસ્તારને મજબૂત કરવા અને મૂત્રાશય પર વધુ સારા નિયંત્રણને સપોર્ટ કરી શકે છે. બ્રાહ્મી અને શંખપુષ્પી જેવા આયુર્વેદિક ઘટકોનો ઉપયોગ પરંપરાગત રીતે તેમના શાંત ગુણો અને માનસિક સુખાકારીને ટેકો આપવાની તેમની ભૂમિકા માટે કરવામાં આવે છે.
આ તારણો બાળકોમાં નોક્ટર્નલ એન્યુરેસિસના સંચાલનમાં આયુર્વેદ અને યોગને જોડતા એકીકૃત (ઈન્ટિગ્રેટેડ) અભિગમની સંભાવનાઓને ઉજાગર કરે છે. આ અભ્યાસ સમગ્ર આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે પરંપરાગત તબીબી પદ્ધતિઓ સાથે યોગ્ય જીવનશૈલી પદ્ધતિઓને સાંકળવાના મહત્વ પર પણ ભાર મૂકે છે.
નોંધનીય છે કે પથારીમાં પેશાબ કરવો એ બાળકોમાં એક સામાન્ય સ્થિતિ છે અને તેને સંવેદનશીલતા અને યોગ્ય તબીબી માર્ગદર્શન સાથે ઉકેલવી જોઈએ.


SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2319178)
મુલાકાતી સંખ્યા : 21