PIB Backgrounder
સ્વચ્છતાથી વિશેષ: મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સ્વચ્છતાના ચેન્જમેકર્સય
પોસ્ટેડ ઓન:
30 SEP 2026 1:18PM by PIB Ahmedabad
એક સ્વચ્છ શહેર ઘણીવાર એવી બાબતો દ્વારા ઓળખાય છે જે હવે દ્રશ્યમાન નથી. કચરો હવે રસ્તા પર પડ્યો નથી રહેતો. ગટર હવે ઉભરાયેલી રહેતી નથી. જ્યારે જરૂર હોય ત્યારે સ્વચ્છતા સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. પરંતુ આ દ્રશ્યમાન પરિવર્તન પાછળ એવી યાત્રાઓ છે જે પણ જાણવા લાયક છે. આ એવી મહિલાઓની યાત્રાઓ છે જેઓ કચરામાંથી આજીવિકા ઊભી કરી રહી છે, તેમના સમુદાયોમાં સ્વચ્છતાના પ્રયાસોનું નેતૃત્વ કરી રહી છે અને રોજિંદા પડકારોને તકોમાં ફેરવી રહી છે. તેમની સાથે ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્યો પણ છે જેઓ સ્વચ્છતા સેવાઓમાં વ્યાવસાયિક ભૂમિકાઓ અને માન્યતા મેળવી રહ્યા છે. તમામ શહેરોમાં, સ્વચ્છતા એક જાહેર સેવા કરતાં પણ વિશેષ બની રહી છે. તે ગૌરવ, સાહસ, ભાગીદારી અને તક માટેનું એક સ્થાન બની રહ્યું છે.
ભાગીદારીની આ ભાવનાને 17 સપ્ટેમ્બર 2026 ના રોજ શરૂ કરવામાં આવેલા 'સ્વચ્છતા હી સેવા 2026' માં રાષ્ટ્રીય મંચ મળે છે. દર વર્ષે, આ ઝુંબેશ સ્વચ્છતા માટે સ્વયંસેવા અને સામૂહિક પ્રવૃત્તિને મજબૂત કરવા માટે નાગરિકો, સંસ્થાઓ અને નેતૃત્વને એકસાથે લાવે છે.
"સ્વચ્છતામાં સહભાગ; સ્વચ્છ ભારત, વિકસિત ભારત" વિષય (થીમ) સાથે, સ્વચ્છતા હી સેવા 2026 સહિયારી જવાબદારીને સ્વચ્છતા આંદોલનના કેન્દ્રમાં મૂકે છે. તે રેખાંકિત કરે છે કે સ્વચ્છ અને વિકસિત ભારતનું વિઝન સમગ્ર સરકાર અને સમગ્ર સમાજ (Whole-of-Government and Whole-of-Society) ના અભિગમની માંગ કરે છે.
આવી સામૂહિક ભાવના ઉત્તર પ્રદેશના લોનીમાં એક સાર્થક અભિવ્યક્તિ શોધે છે, જ્યાં એક સમયે જેને કચરો ગણવામાં આવતો હતો તે આજીવિકાનો સ્ત્રોત બની રહ્યો છે.
જ્યારે કચરો આજીવિકા બની જાય છે
ગૌશાળાઓ અને ડેરીઓની આસપાસ, ગાયનું છાણ ગટર અને સીવેજ ચેનલોને અટકાવીને કચરા વ્યવસ્થાપનનો એક મુશ્કેલ પડકાર બની શકે છે. જો કે, લોનીની કૃષ્ણા વિહાર કોલોનીમાં, મહિલાઓના એક જૂથે એક અલગ રસ્તો જોયો. તેઓએ અગરબત્તી અને લોબાન કપ બનાવવા માટે ગાયના છાણનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.
માત્ર 8-10 મહિલાઓથી શરૂ થયેલી આ પ્રવૃત્તિ બીજી ઘણી મહિલાઓ માટે આજીવિકાની તકમાં પરિણમી. લોની નગરપાલિકા પરિષદના એક મહિલા અધિકારીએ તેમના કામમાં ક્ષમતા જોઈ અને છાણના સતત પુરવઠા અને ઉપયોગ માટે ઉત્પાદકોને ગૌશાળાના માલિકો સાથે જોડવામાં મદદ કરી. એક સરળ વિચાર મૂળ પકડવા લાગ્યો: જો જેને કચરો ગણવામાં આવે છે તેને બીજું નવું જીવન આપવામાં આવે તો શું?
ઉનાળાના મહિનાઓ દરમિયાન જ્યારે અગરબત્તીનું ઉત્પાદન ચરમસીમા પર હોય છે, ત્યારે આ પહેલ લગભગ 40-50 મહિલાઓને રોજગારી આપે છે. આ મહિલાઓ માટે, આ કામ પ્રોડક્ટ બનાવવા કરતાં પણ વિશેષ છે. તે આજીવિકા, ગૌરવ અને કચરાને ઉપયોગી વસ્તુમાં ફેરવવાનો સંતોષ એકસાથે લાવે છે. નગરપાલિકા પરિષદ આ પ્રોડક્ટ્સના વેચાણમાંથી 25 ટકા સુધીની આવક પણ મેળવે છે. આ કચરા વ્યવસ્થાપન, સ્થાનિક સાહસ અને નગરપાલિકાની આવક વચ્ચે એક કડી બનાવે છે.
આ પ્રોડક્ટ્સ પોતે પુનઃઉપયોગની વાર્તા ધરાવે છે. પરંપરાગત રીતે, અગરબત્તીની બનાવટો બનાવવા માટે મૂળ સામગ્રી તરીકે લાકડાના વહેરની જરૂર પડે છે. લગભગ 30-35 ટકા ગાયના છાણનો સૂકો પાવડર મિક્સ કરવાથી લાકડાના વહેરની જરૂરી માત્રામાં ઘટાડો થાય છે. આ એક પર્યાવરણીય રીતે ટકાઉ ઉકેલ તરીકે ઉભરી આવ્યું છે જે સ્વચ્છતા પણ સુનિશ્ચિત કરે છે.
જે એક કોલોનીમાં શરૂ થયું હતું તે ઘણે દૂર સુધી પહોંચ્યું છે. આ પ્રોડક્ટ્સ દિલ્હી, મુંબઈ, પંજાબ, ગુજરાત અને હૈદરાબાદ સહિત દેશના અનેક ભાગોમાં સપ્લાય કરવામાં આવે છે. કોવિડ સમયગાળા દરમિયાન, તે અગ્રણી બ્રાન્ડ્સ માટે પણ બનાવવામાં આવ્યા હતા, જેમાં મોરેશિયસ અને દક્ષિણ આફ્રિકા સુધી ઓર્ડર પહોંચ્યા હતા.

અને મહિલાઓ માત્ર ત્યાં અટકી નથી. સ્મશાનગૃહ, હવન અને અન્ય પ્રવૃત્તિઓમાં ઉપયોગ માટે ગાયના છાણમાંથી બળતણ તરીકે ઉપયોગી લાકડું બનાવવા માટેના આયોજનોની શોધ કરવામાં આવી રહી છે. આ પહેલ હેઠળ ગાયના છાણમાંથી કુંડા (ફ્લાવર પોટ્સ) પણ બનાવવામાં આવી રહ્યા છે જે આખરે ખાતર તરીકે જમીનમાં પાછા ભળી શકે છે.
અહીં, સ્વચ્છતાનો વિચાર માત્ર કચરો દૂર કરવાથી પર છે. તેનો અર્થ એ પૂછવાનો છે કે તે કચરો બીજું શું બની શકે છે.
કચરો એકત્રિત કરનારાઓમાંથી વેસ્ટ લીડર્સ
આવો જ ભાવ બિહારના પટનામાં જોઈ શકાય છે, જ્યાં મહિલાઓ જૂની પરંપરાઓને તોડી રહી છે અને સ્વચ્છતાને એક નવો, સમાવેશી ચહેરો આપી રહી છે. શહેરના પિંક મટિરિયલ રિકવરી ફેસિલિટી (MRF) ખાતે, મહિલાઓ કચરા વ્યવસ્થાપન પ્રક્રિયાના કેન્દ્રમાં છે. મુખ્યત્વે મહિલાઓ દ્વારા સંચાલિત અને મહિલા સુપરવાઈઝરની આગેવાની હેઠળ, આ કેન્દ્ર સૂકો અને ભીનો કચરો પ્રોસેસ કરે છે. તે દરરોજ 2 ટન સૂકો કચરો અને 1.5 ટન ભીનો કચરો સંચાલિત કરી શકે છે.
પિંક MRF માટેનો વિચાર કચરા વ્યવસ્થાપન ક્ષેત્રે મહિલાઓ માટે તકો ઊભી કરવાના પ્રયાસમાંથી આવ્યો હતો. પ્રોજેક્ટ ટીમે પિંક MRF સ્થાપવાના વિચાર સાથે પટના મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) નો સંપર્ક કર્યો. PMC એ આ વિચારને ટેકો આપ્યો, અને આ કેન્દ્ર માત્ર ત્રણ મહિનામાં સ્થાપિત થઈ ગયું. તેના વિશિષ્ટ રંગ અને ડિઝાઈને સ્થાનિક લોકોનું ધ્યાન પણ ખેંચ્યું, જેનાથી આ પહેલ વિશે જાગરૂકતા લાવવામાં મદદ મળી.
આ વિચાર 'કેશ ફોર વેસ્ટ' (Cash for Waste) પહેલ દ્વારા સમુદાય સુધી પહોંચે છે. નાગરિકો સૂકો કચરો લાવી શકે છે અને નિર્ધારિત દરે નાણાં મેળવી શકે છે. કચરો મૂલ્ય મેળવે છે, નાગરિકોને ભાગ લેવા માટે પ્રોત્સાહન મળે છે, અને શહેરને તેની સ્વચ્છતાની યાત્રામાં વધુ સહયોગી હાથ મળે છે.
ત્યારબાદ પટનાની સ્વચ્છતા યાત્રા એક રસપ્રદ વળાંક લે છે. જૂના, અપ્રાપ્ય/અવ્યવહારુ વાહનોને મોબાઈલ પિંક ટોયલેટ તરીકે નવું જીવન આપવામાં આવ્યું છે. જે એક સમયે ભંગાર તરીકે પડ્યા હતા તે હવે એક મહત્વપૂર્ણ સ્વચ્છતા જરૂરિયાત પૂરી પાડે છે. આ 3Rs ની ભાવના છે: રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ (Reduce, Reuse and Recycle), જે રસ્તાઓ પર દ્રશ્યમાન થાય છે.
એકસાથે મળીને, પિંક MRF અને મોબાઈલ પિંક ટોયલેટ્સ સામાજિક ન્યાય, પર્યાવરણીય જાગરૂકતા અને આર્થિક તકને પ્રતિબિંબિત કરે છે. સૌથી વધીને, તેઓ એક સરળ સંદેશ વહન કરે છે: જ્યારે સ્વચ્છતામાં મહિલાઓને સ્થાન આપવામાં આવે છે, ત્યારે તેઓ માત્ર સિસ્ટમનો એક ભાગ બનતી નથી. તેઓ તેને નવો આકાર આપવામાં મદદ કરે છે.

પોતાના સમુદાયોમાં સફાઈ કામ કરતી મહિલાઓ
મહિલાઓ અને સ્વચ્છતાની વાર્તા તેઓ દ્વારા સંભાળવામાં આવતા કચરા સાથે જ પૂર્ણ નથી થઈ જતી. તે તેઓ જે સમુદાયોને સ્પર્શે છે તેના માધ્યમથી આગળ વધે છે. ભોપાલમાં, 250 મહિલા બ્રાન્ડ એમ્બેસેડર્સના એક જૂથે સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન પર મહાનગરપાલિકા સાથે કામ કર્યું છે. જૂથના સભ્યોએ સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નાબૂદ કરવા માટે 25 વોર્ડમાં 'વાસણ બેંક' (બરતન બેંક્સ) ની પણ સ્થાપના કરી છે. સામાજિક કાર્યો અને કાર્યક્રમો માટે પુનઃઉપયોગી વાસણોના સેટ પૂરા પાડીને, આ બેંકો સુનિશ્ચિત કરે છે કે સ્થાનિક મેળાવડા ઝીરો-વેસ્ટ સિદ્ધાંતો હેઠળ આયોજિત થાય.
60-સભ્યોના 'સ્વચ્છતા કિટ્ટી ગ્રુપ' એ એકતાને પ્રવૃત્તિમાં ફેરવવાનો બીજો રસ્તો શોધી કાઢ્યો છે. દરેક મહિલા દર મહિને ₹100 નું યોગદાન આપે છે, જે સમુદાય સ્વચ્છતા પ્રવૃત્તિઓ માટે એક સહિયારું ફંડ બનાવે છે. ઘણા હાથો દ્વારા કરવામાં આવેલું નાનું યોગદાન વધુ સ્વચ્છ પડોશ માટે સામૂહિક પ્રતિબદ્ધતા બની જાય છે.

ઉત્તરાખંડમાં, આ ભાવનાએ 'બહેની સેના' - 'બહેનોની સેના' નામ લીધું છે. 57 જૂથોમાં, 570 મહિલાઓ તેમના વોર્ડમાં સ્વચ્છતા પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરે છે. તેઓ નાગરિકો સાથે વાર્તાલાપ કરે છે, ફરિયાદો પહોંચાડવામાં મદદ કરે છે, જાગરૂકતા કાર્યક્રમો યોજે છે, અને નગરપાલિકા પ્રશાસન અને સફાઈ કામદારો વચ્ચે સંકલનમાં સહયોગ કરે છે. તેમનું કામ ત્યાં થાય છે જ્યાં શહેરની સ્વચ્છતા ખરેખર નક્કી થાય છે. તે પડોશમાં, વાર્તાલાપમાં અને એવી નાની ક્ષણોમાં આકાર લે છે જ્યારે કોઈ વ્યક્તિ સંભાળ રાખવાનું પસંદ કરે છે.
શિલોંગમાં, 'આઈન્નેહસ્ખેમ સેલ્ફ-હેલ્પ ગ્રુપ' એ કચરા દ્વારા આજીવિકાનો નવો રાહ શોધ્યો છે. મહિલાઓ ઘરોમાંથી ભીનો કચરો એકત્રિત કરે છે અને બાયોડિગ્રેડેબલ કચરાને ખાતરમાં ફેરવે છે. એક સમયે કચરો વીણવામાં સંકળાયેલી આ મહિલાઓને પુનર્વસન પહેલ દ્વારા તાલીમ મળી અને ખાતર બનાવવાની નવી આજીવિકા ઊભી કરી. તેમની એકતાએ તેમને 'મેરી મેઇડન્સ ઓફ માર્ટન' નું પ્રેમાળ નામ અપાવ્યું.
તેમના રોજિંદા પ્રયાસો દ્વારા, મહિલાઓ સ્વચ્છતાને એક જવાબદારીમાંથી સંભાળ રાખવાની સહિયારી સંસ્કૃતિમાં ફેરવી રહી છે.
જ્યારે સમાવેશીતા સ્વચ્છતાનો ચહેરો બદલે છે
ઓડિશામાં, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ એવી ભૂમિકાઓ નિભાવી રહ્યા છે જે તેમને શહેરી સ્વચ્છતા પ્રણાલીના કેન્દ્રમાં મૂકે છે. આ બદલાવ કટકમાં શરૂ થયો હતો, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને એક સ્વસહાય જૂથ (Self-Help Group) માં સંગઠિત કર્યા હતા. તેઓને તાલીમ આપવામાં આવી હતી અને સેપ્ટેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંચાલન અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ એક નોંધપાત્ર પરિવર્તન હતું. એક સમુદાય જેણે ઘણીવાર ઔપચારિક તકોમાંથી બહિષ્કારનો સામનો કરવો પડ્યો છે તે હવે તકનીકી સ્વચ્છતા સુવિધાની જવાબદારી સંભાળી રહ્યો હતો.
ત્યારબાદ આ મોડેલ સમગ્ર ઓડિશામાં વિસ્તર્યું. શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ ફેકલ સ્લજ એન્ડ સેપ્ટેજ મેનેજમેન્ટ (FSSM) અને ઘન કચરા વ્યવસ્થાપનમાં સ્વસહાય જૂથો સાથે ભાગીદારી કરવાનું શરૂ કર્યું.

ભુવનેશ્વરમાં, 'સ્વીકૃતિ સેલ્ફ-હેલ્પ ગ્રુપ' એ બાબુઆઘાઈ ખાતે 75-KLD ફેકલ સ્લજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (FSTP) ના સંચાલન અને જાળવણીની જવાબદારી સંભાળી. સભ્યોએ તેમની જવાબદારીઓ સંભાળતા પહેલા ઓરિએન્ટેશન અને તકનીકી તથા સંચાલકીય તાલીમ મેળવી હતી.
સ્વીકૃતિના પ્રમુખ મેઘના સાહૂ માટે આ પરિવર્તન ખૂબ જ વ્યક્તિગત છે. "હવે, આપણે આપણી ઓળખને ગર્વથી અપનાવી શકીએ છીએ અને વ્યાવસાયિક ક્ષેત્રમાં ભાગ લઈ શકીએ છીએ," તે કહે છે. જ્યારે તેણીના જૂથના સભ્યો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને તેમના કામ વિશે સમજાવે છે ત્યારે તે અનુભાવતી લાગણી અને ગર્વ વિશે વાત કરે છે. મહત્ત્વ માત્ર નોકરીમાં જ નથી, પરંતુ નોકરીથી શું શક્ય બને છે તેમાં છે: વ્યાવસાયિક ઓળખ, આત્મવિશ્વાસ અને સન્માન.
ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશને સાત સેસપૂલ વાહનોના સંચાલન અને જાળવણીમાં ટ્રાન્સજેન્ડર જૂથોને પણ સામેલ કર્યા છે. ડ્રાઇવરો અને હેલ્પરોને લઘુત્તમ લાગુ વેતન સાથે રોકવામાં આવશે. તેઓ આરોગ્ય, સ્વચ્છતા, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ અને ડીસ્લજિંગ પ્રોટોકોલ પર તાલીમ પણ મેળવશે. ટ્રાન્સજેન્ડરો માટે આજીવિકાના વિકલ્પો વિસ્તારવાના ઓડિશાના અગ્રણી પગલાંએ ઘણી પ્રશંસા મેળવી છે. તેણે અન્યો માટે અનુસરવા માટેની શરૂઆત કરી દીધી છે, જે દર્શાવે છે કે કેવી રીતે સમાવેશી ભાગીદારી વધુ સારી સ્વચ્છતા માટેનો માર્ગ મોકળો કરી શકે છે.
સ્વચ્છતાનો પ્રગાઢ અર્થ
આ વાર્તાઓ દર્શાવે છે કે સ્વચ્છતા માત્ર સ્વચ્છ વાતાવરણ ઊભું કરવા કરતાં પણ વધુ કરી શકે છે. તે આજીવિકા, ભાગીદારી અને માન્યતાના દ્વાર ખોલી શકે છે. વાસ્તવિક પરિવર્તન માત્ર કચરાનું શું થાય છે તેમાં નથી, પરંતુ તેનું સંચાલન કરતા લોકો માટે શું શક્ય બને છે તેમાં રહેલું છે. જ્યારે એક સમયે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સ્વચ્છતાના કેન્દ્રમાં સ્થાન મળે છે, ત્યારે સ્વચ્છતા એક ઊંડો અર્થ ધારણ કરે છે. તે ગૌરવ, તક અને સંબંધની ભાવના દ્વારા ઘડાયેલો એક વહેંચાયેલો પ્રયાસ બની જાય છે.
સંદર્ભ
જળ શક્તિ મંત્રાલય
https://www.pib.gov.in/newsite/erelcontent.aspx?lang=2®=48&relid=294881
પીડીએફ (pdf) જોવા માટે અહીં ક્લિક કરો
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad