ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતીય સંરક્ષણ એસ્ટેટ સેવાના પ્રોબેશનર્સ સાથે ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણનની મુલાકાત
સંરક્ષણ એસ્ટેટ વહીવટ એ રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિક-કેન્દ્રિત સુશાસન વચ્ચેનું એક મહત્વપૂર્ણ ઈન્ટરફેસ છે: ઉપરાષ્ટ્રપતિ
ટેકનોલોજી નિષ્ફળ થઈ શકે છે, પરંતુ અધિકારીની દ્રઢતા અને જવાબદારીની ભાવના નિષ્ફળ ન થવી જોઈએ: ઉપરાષ્ટ્રપતિ
કાયદા, પ્રક્રિયાઓ અને સુશાસનના માળખાના જ્ઞાનની સાથે ચારિત્ર્ય, દયા, પ્રામાણિકતા અને નૈતિક વર્તણૂક હોવી આવશ્યક છે: ઉપરાષ્ટ્રપતિ
પોસ્ટેડ ઓન:
30 SEP 2026 6:23PM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણણે આજે ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતીય સંરક્ષણ એસ્ટેટ સેવા (2025 બેચ) ના પ્રોબેશનર્સ સાથે વાર્તાલાપ કર્યો હતો, અને સમર્પણ, પ્રામાણિકતા અને જાહેર જવાબદારીની મજબૂત ભાવના સાથે રાષ્ટ્રની સેવા કરવાની તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે તેઓને આહ્વાન કર્યું હતું.
ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે તેમનામાંથી ઘણા નાના શહેરોમાંથી આવે છે, જે દર્શાવે છે કે સમર્પણ અને સખત પરિશ્રમથી કથિત અવરોધોને દૂર કરી શકાય છે. તેમણે તેઓને તેમની સિદ્ધિ પર ગર્વ અનુભવવાની સાથે સરકારી સેવકો તરીકે તેઓને સોંપાયેલી જવાબદારી પ્રત્યે સભાન રહેવાનો અનુરોધ કર્યો હતો.
દેશભરમાં લગભગ 18 લાખ એકર સંરક્ષણ જમીનનું સંચાલન કરવા માટે સંરક્ષણ એસ્ટેટ સંસ્થાના મહત્વપૂર્ણ જનાદેશ પર પ્રકાશ પાડતા, શ્રી સી. પી. રાધાકૃષ્ણણે જણાવ્યું હતું કે આ જવાબદારીમાં રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરવું, નાગરિક સુવિધાઓ પૂરી પાડવી, સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુવિધાસભર બનાવવું અને સશસ્ત્ર દળોની ઓપરેશનલ સજ્જતાને ટેકો આપવાનો સમાવેશ થાય છે.
ઉપરાષ્ટ્રપતિએ ડિજિટલ ગવર્નન્સ તરફ સંસ્થાના પગલાંની પ્રશંસા કરી હતી, ખાસ કરીને ઇ-સુનાવાઇ પહેલ, જેણે સ્માર્ટ ગવર્નન્સને મજબૂત બનાવ્યું છે અને છાવણીઓમાં જાહેર સેવા વિતરણને સંકલિત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે AI, GIS, ડ્રોન સર્વેક્ષણ, સેટેલાઇટ ઇમેજરી, સ્વચાલિત ફેરફારની ચકાસણી અને 3-D વિઝ્યુલાઇઝેશન સહિતની નવીન તકનીકો, સંરક્ષણ જમીન સંચાલનની ચોકસાઈ, પારદર્શિતા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી શકે છે.
ટેકનોલોજીની સાથે માનવ જવાબદારી હોવી જ જોઈએ તેના પર ભાર મુકતા શ્રી સી. પી. રાધાકૃષ્ણણે જણાવ્યું હતું કે, “ટેકનોલોજીએ જવાબદારીને મજબૂત બનાવવી જોઈએ, તેનું સ્થાન ન લેવું જોઈએ.” તેમણે પ્રોબેશનર્સને પોતાની ફરજો બજાવવામાં દ્રઢ રહેવા જણાવ્યું હતું, અને અવલોકન કર્યું હતું કે ટેકનોલોજી નિષ્ફળ થઈ શકે છે, પરંતુ અધિકારીની જવાબદારીની ભાવના અને દ્રઢતા નિષ્ફળ જવી જોઈએ નહીં.
ઝડપથી બદલાતા તકનીકી અને વૈજ્ઞાનિક પરિદ્રશ્યનો ઉલ્લેખ કરતા, ઉપરાષ્ટ્રપતિએ યુવા અધિકારીઓને તેમના જ્ઞાન અને કૌશલ્યોને સતત અદ્યતન કરવા આહ્વાન કર્યું હતું. તેમણે સતત ક્ષમતા નિર્માણ માટે iGOT કર્તવ્યયોગીને એક મહત્વપૂર્ણ મંચ તરીકે રેખાંકિત કર્યું હતું અને પ્રોબેશનર્સને નવા વિચારો અને નવીનતાઓ પ્રત્યે સકારાત્મક રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રખ્યાત તમિલ કવિ અને ફિલસૂફ તિરુવલ્લુવરને ટાંકીને, શ્રી સી. પી. રાધાકૃષ્ણણે જણાવ્યું હતું કે શીખવાનો સાચો અર્થ ત્યારે જ સાર્થક થાય છે જ્યારે તે વર્તનમાં પ્રતિબિંબિત થાય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદા, પ્રક્રિયાઓ અને સુશાસનના માળખાના જ્ઞાનની સાથે ચારિત્ર્ય, દયા, પ્રામાણિકતા અને નૈતિક વર્તણૂક હોવી આવશ્યક છે. તેમણે યુવા અધિકારીઓને અયોગ્ય દબાણથી મુક્ત રહીને તેમના વરિષ્ઠોનું પાલન કરવાની અને ફાઇલોનો સમયસર નિકાલ સુનિશ્ચિત કરવાની પણ સલાહ આપી હતી.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વિકસિત ભારત @2047 ના વિઝનને સાકાર કરવામાં સિવિલ સેવકોની મહત્વપૂર્ણ ભૂમિકા છે, ખાસ કરીને સર્વસમાવેશી વિકાસ સુનિશ્ચિત કરીને અને સુશાસનને લાસ્ટ માઇલ સુધી પહોંચાડીને. તેમણે પ્રોબેશનર્સને સોંપાયેલી દરેક જવાબદારીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન આપવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે લોકોની નિષ્ઠાવાન સેવા એ પોતે જ જાહેર સેવાનું સૌથી મોટું માપદંડ છે.
આ પ્રસંગે સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ, સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ભારતીય સંરક્ષણ એસ્ટેટ સેવાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2317261)
મુલાકાતી સંખ્યા : 16