રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ બ્રહ્માકુમારીઝના 'વિશ્વ નવનિર્માણ માટે આધ્યાત્મિક જાગૃતિ' અભિયાનનો શુભારંભ કરાવ્યો અને વડોદરા, ગુજરાત ખાતે 'ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ' રિટ્રીટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

પોસ્ટેડ ઓન: 23 SEP 2026 10:15PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (સપ્ટેમ્બર 23, 2026) વડોદરા, ગુજરાત ખાતે બ્રહ્માકુમારીઝના અભિયાન 'વિશ્વ નવનિર્માણ માટે આધ્યાત્મિક જાગૃતિ'નો શુભારંભ કરાવ્યો અને 'ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ' રિટ્રીટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ બ્રહ્માકુમારીઝ નડિયાદ, ગુજરાતના 'વિકસિત ભારત માટે યુવા: રાષ્ટ્ર નિર્માણ માટે આંતરિક શક્તિની જાગૃતિ' અભિયાનનો પણ વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો.

સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આજે માત્ર આર્થિક વિકાસની જ નહીં પરંતુ માનવ વિકાસની પણ જરૂરિયાત છે. આપણને એવા શિક્ષણની જરૂર છે જે માત્ર બુદ્ધિનો વિકાસ ન કરે પરંતુ વિવેકને પણ જગાડે. આપણને એવી પ્રગતિની જરૂર છે જે પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતા સાથે જોડાયેલી હોય. આપણને એવી શક્તિની જરૂર છે જે બીજા પર નિયંત્રણ રાખવાને બદલે આત્મ-નિયંત્રણ શીખવે. આપણને એવી આધ્યાત્મિકતાની જરૂર છે જે મનુષ્યોને જોડે છે. તેમને એ જાણીને આનંદ થયો કે બ્રહ્માકુમારીઝ સંસ્થાએ ધ્યાન અને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા માત્ર સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં પણ વ્યક્તિગત પરિવર્તન અને વૈશ્વિક નવનિર્માણનો સંદેશ પ્રસરાવ્યો છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે પરિવર્તનની ક્ષમતા દરેક મનુષ્યની અંદર રહેલી છે. જો લોકો એવો વિશ્વાસ રાખે કે પોતાના વિચારો અને કાર્યોમાં પરિવર્તન લાવવાથી તેમનું જીવન બદલાઈ શકે છે અને જો તેમનામાં આશા અને આત્મસન્માન પુનઃસ્થાપિત થાય, તો તેઓ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે સકારાત્મક પરિવર્તનના નિમિત્ત બની શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આજનું ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસનું ઉદ્ઘાટન એક એવું સ્થાન બનશે જ્યાં સમાજના વિવિધ વર્ગોના લોકો શાંતિ અને સદ્ભાવના સાથે એકઠા થઈ શકશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ નડિયાદ ખાતે 'વિકસિત ભારત માટે યુવા: રાષ્ટ્ર નિર્માણ માટે આંતરિક શક્તિની જાગૃતિ' અભિયાનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવું ઉત્સાહવર્ધક છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે યુવાનો પોતાના વિચારો, ભાવો અને કાર્યોને સકારાત્મક દિશામાં વાળે છે, ત્યારે તેની અસર પરિવાર, કાર્યસ્થળ, સમાજ અને આખરે સમગ્ર રાષ્ટ્ર સુધી પહોંચે છે. તેથી, "આંતરિક શક્તિની જાગૃતિ" એ માત્ર વ્યક્તિગત વિકાસનો સંદેશ નથી પરંતુ રાષ્ટ્ર-નિર્માણની એક ગહન પ્રક્રિયા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાનોને સશક્ત બનાવવાની આપણી સામુહિક જવાબદારી છે. આપણે તેમને આત્મનિર્ભર, શાંતિપ્રિય અને જવાબદાર નાગરિકોમાં પરિવર્તિત કરવાના છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આત્મ-પરિવર્તનને સમાજ-પરિવર્તનનો આધાર માનવામાં આવે છે. આજે આ મહાન વારસાને આધુનિક જીવનની જરૂરિયાતો સાથે જોડવાની જરૂરિયાત છે. આપણું લક્ષ્ય એવા ભારતનું નિર્માણ કરવાનું હોવું જોઈએ જે આર્થિક રીતે સમૃદ્ધ, વૈજ્ઞાનિક રીતે અદ્યતન, સામાજિક રીતે સમાવેશી અને આધ્યાત્મિક રીતે જાગૃત હોય.

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2314217) મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો: English , हिन्दी