સંસ્કૃતિ મંત્રાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સંસ્કૃતિ મંત્રાલયે પુરાના કિલા ખાતે ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમનું આયોજન કર્યું
પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશમાં જનવિશ્વાસ મજબૂત થયો છે અને જનભાગીદારી સાથે વિકાસને આગળ ધપાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે: શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત
પોસ્ટેડ ઓન:
18 SEP 2026 10:29AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે, સંસ્કૃતિ મંત્રાલયે 17મી સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીના પુરાના કિલા ખાતે ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે “ભારત માતા કી જય”ના નારા સાથે સેવા સંકલ્પ અભિયાન હેઠળ આયોજિત ‘આશીર્વાદ કા દિયા’ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે આશીર્વાદ કા દિયા એ માત્ર એક દીવો નથી, પરંતુ લોકોના આશીર્વાદ, સેવા, કૃતજ્ઞતાની શક્તિ અને વિકસિત ભારત માટેના સંકલ્પનું પ્રતીક છે. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં, દીવો અન્ય લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવવા, અંધકાર દૂર કરવા અને જનકલ્યાણનો માર્ગ મોકળો કરવા માટે પોતે બળવાનો સંદેશ આપે છે. આ જ ભાવનાથી, આ દીવો રાષ્ટ્રસેવા પ્રત્યેના સામૂહિક સંકલ્પનું પણ પ્રતીક છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે તેમનું સાર્વજનિક જીવન રાષ્ટ્રહિત અને જનસેવા માટે સમર્પિત રહ્યું છે. તેમણે કહ્યું કે તેમના બાળપણથી લઈને આજ સુધી, તેમને જે પણ ભૂમિકામાં કામ કરવાની તક મળી છે, તેમણે રાષ્ટ્રને સર્વોપરી રાખીને સંપૂર્ણ સમર્પણ અને સેવાની ભાવનાથી કામ કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદ સંભાળવાથી લઈને પ્રધાનમંત્રી તરીકે દેશનું નેતૃત્વ કરવા સુધી, રાષ્ટ્રસેવા, જનકલ્યાણ અને વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા નિરંતર રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રી સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કરતા શ્રી શેખાવતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સાથે કામ કરવાની તક મળવી એ તેમના સાર્વજનિક જીવનનો એક સન્માનજનક અનુભવ રહ્યો છે. તેમણે કહ્યું કે તેમણે શ્રી નરેન્દ્ર મોદીને માત્ર એક પ્રધાનમંત્રી તરીકે જ નહીં, પરંતુ એક સમર્પિત કાર્યકર, સાધક, તપસ્વી અને આયોજક તરીકે પણ જોયા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી પોતાના આચરણ, કાર્યશૈલી અને માર્ગદર્શન દ્વારા દરેક સ્તરે લોકોને પ્રેરણા આપે છે અને જાહેર પદને પ્રતિષ્ઠા તરીકે નહીં, પરંતુ જવાબદારી અને સેવાના માધ્યમ તરીકે ગણે છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની કાર્યશૈલી પરિણામ-લક્ષી સુશાસન પર આધારિત છે. યોજનાઓની સમીક્ષા માત્ર પ્રક્રિયાઓ કે ડેટાના આધારે જ નહીં, પરંતુ સમાજ પર તેની વાસ્તવિક અસર અને છેવાડાના માનવી સુધી પહોંચતા પરિવર્તનના આધારે કરવામાં આવે છે, તેમ તેમણે કહ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ છે કે માત્ર ફાઈલને આગળ વધારવી એ કામ પૂરૂં થવું નથી, પરંતુ તેનાથી મળતા લોકકલ્યાણના પરિણામો એ જ સુશાસનનો સાચો માપદંડ છે.

શ્રી શેખાવતે કહ્યું કે 2014 પછી, ભારતે વિકાસ અને સુશાસનની એક નવી યાત્રાનો અનુભવ કર્યો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશમાં જનવિશ્વાસ મજબૂત થયો છે અને જનભાગીદારી સાથે વિકાસને આગળ ધપાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે પ્રધાનમંત્રી માને છે કે “વારસો અને વિકાસ” એકબીજાથી વિરુદ્ધ નથી, પરંતુ એકબીજાના પૂરક છે અને વિકસિત ભારતના નિર્માણમાં બંનેની સમાન ભૂમિકા છે.
આ સંદર્ભમાં, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સંસ્કૃતિ મંત્રાલય પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ “વિકાસ ભી, વિરાસત ભી”ના સંકલ્પ સાથે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતની શાસ્ત્રીય, લોક અને પરંપરાગત સાંસ્કૃતિક પરંપરાઓ આપણી સભ્યતાની ચેતનાનો અમૂલ્ય વારસો છે અને તેમનું સંરક્ષણ, સંવર્ધન અને નવી પેઢી સુધી તેનો પ્રસાર કરવો એ મંત્રાલયની પ્રાથમિકતા છે. તેમણે એવું પણ કહ્યું કે માત્ર પોતાના વારસાથી પ્રેરિત સમાજ જ આત્મવિશ્વાસ અને ગૌરવ સાથે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી શકે છે.
પોતાના સંબોધનમાં શ્રી શેખાવતે હાલમાં જ યોજાયેલી બ્રિક્સ (BRICS) સમિટનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા અને ભારત પ્રત્યે વિશ્વનો વધતો વિશ્વાસ દેશના નિર્ણાયક નેતૃત્વ અને રાષ્ટ્રહિત પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે કહ્યું કે મુશ્કેલ પરિસ્થિતિઓ અને પડકારોમાં પણ ભારતે રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને વિશ્વ સમુદાય સમક્ષ પોતાની અસરકારક ભૂમિકા પ્રસ્થાપિત કરી છે.
આ કાર્યક્રમમાં સંગીત નાટક અકાદમી, કથ્થક કેન્દ્ર, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, લલિત કલા અકાદમી અને ઝોનલ કલ્ચરલ સેન્ટર્સના કલાકારો અને વિદ્યાર્થીઓએ ભારતીય શાસ્ત્રીય અને સાંસ્કૃતિક પરંપરાઓ પર આધારિત પ્રસ્તુતિઓ આપી હતી. કાર્યક્રમ બાદ, કેન્દ્રીય મંત્રીએ કલાકારો, વિદ્યાર્થીઓ, નેશનલ કલ્ચર ફંડના પ્રતિનિધિઓ, એડોપ્ટ એ હેરિટેજ પહેલ અને અન્ય હિતધારકો સાથે સંવાદ કર્યો હતો અને ભારતીય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સંવર્ધનમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમનું સમાપન ‘આશીર્વાદ કા દિયા’ના સામૂહિક પ્રગટાવ સાથે થયું હતું. આ પ્રસંગે અમૃત કાળમાં સેવા, સંસ્કૃતિ, રાષ્ટ્રનિર્માણ અને વિકસિત ભારત 2047 માટેના સંકલ્પનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad