પર્યાવરણ અને વન મંત્રાલય
કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ કચ્છ, ગુજરાતમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ) ના રહેણાંક વિસ્તારની મુલાકાત લીધી; GIB સોફ્ટ રિલીઝ સેન્ટર, સાયરા વન કવચનું ઉદ્ઘાટન કર્યું અને મેન્ગ્રોવ વાવેતરના પ્રયાસોની સમીક્ષા કરી
શ્રી ભૂપેન્દ્ર યાદવે નલિયા ખાતે પેટ્રોલિંગ વાહનોને લીલી ઝંડી બતાવી રવાના કર્યા; સાયરા અને જખૌ ખાતે વાવેતર કર્યું અને મિષ્ટી (MISHTI) ના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
પોસ્ટેડ ઓન:
14 SEP 2026 3:31PM by PIB Ahmedabad
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે ગુજરાતના કચ્છ જિલ્લાના નલિયા ખાતે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (GIB) રહેણાક વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે કચ્છના GIB લેન્ડસ્કેપમાં હાથ ધરવામાં આવેલા વ્યાપક સંરક્ષણ અને આવાસ-વ્યવસ્થાપન પગલાં પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને GIB ને મહત્તમ સુરક્ષા પૂરી પાડવાના ચાલુ પ્રયાસોની સમીક્ષા કરી હતી.
મંત્રીશ્રીની સાથે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને વિજ્ઞાન અને ટેકનોલોજી કેબિનેટ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. MoEFCC, ગુજરાત વન વિભાગ, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (WII) અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સ્થાનિક સમુદાયના સભ્યો અને કચ્છમાંથી વૃક્ષારોપણ, વાવેતર અને દરિયાકાંઠાની આજીવિકા પહેલોના લાભાર્થીઓ પણ હાજર રહ્યા હતા.
મુલાકાતના ભાગરૂપે, શ્રી યાદવે આ સુવિધા ખાતે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટેના સોફ્ટ રિલીઝ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ગુજરાત વન વિભાગના અધિકારીઓ અને પ્રજાતિના સંરક્ષણમાં રોકાયેલા અન્ય ભાગીદારો સાથે વાર્તાલાપ કર્યો હતો. ત્યારબાદ તેમણે 'ખાટલા સભા' ખાતે જનપ્રતિનિધિઓ સાથે વિગતવાર વાર્તાલાપ કર્યો હતો, અને પ્રજાતિના સંરક્ષણની પહેલોને આગળ ધપાવવામાં તેમના સતત સહયોગની માંગ કરી હતી.
મંત્રીને GIB લેન્ડસ્કેપમાં હાસલ કરવામાં આવેલી નોંધપાત્ર જમીની પ્રગતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમાં આક્રમક પ્રોસોપિસ જૂલીફ્લોરા (ગાંડા બાવળ) થી ભરેલી લગભગ 11 ચોરસ કિમી ઘાસભૂમિનું પુનઃસ્થાપન; 15 ચોરસ કિમીને આવરી લેતી 30 કિમીની પ્રેડેટર-પ્રૂફ ફેન્સિંગ (શિકારી મુક્ત વાડ) ઊભી કરવી; અગ્રણી 'જમ્પ-સ્ટાર્ટ' હસ્તક્ષેપ જેમાં જંગલી GIB માદાઓ દ્વારા મૂકવામાં આવેલા બિન-ફળદ્રુપ ઇંડાને સંરક્ષણ સંવર્ધન કાર્યક્રમમાંથી ફળદ્રુપ ઇંડા સાથે બદલવામાં આવ્યા હતા, તેનો સમાવેશ થાય છે. શ્રી યાદવને માહિતી આપવામાં આવી હતી કે આવા બીજા પ્રયાસમાંથી બહાર આવેલું બચ્ચું જંગલમાં મહત્વપૂર્ણ પ્રથમ ત્રણ મહિનાથી વધુ સમય જીવંત રહ્યું છે - જે ગુજરાતમાં આ પ્રજાતિની પુનઃપ્રાપ્તિ માટે એક ઐતિહાસિક પરિણામ છે.
શ્રી યાદવે આ સિદ્ધિને આગળ ધપાવવામાં ગુજરાત વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સમન્વયિત પ્રયાસોની સરાહના કરી હતી. તેમણે વન અને વન્યજીવ સંરક્ષણ પ્રયાસો માટે 33 નવા પેટ્રોલિંગ અને રેસ્ક્યૂ વાહનોને પણ લીલી ઝંડી બતાવી રવાના કર્યા હતા. આ વાહનોનો ઉપયોગ કચ્છ ફોરેસ્ટ સર્કલ હેઠળના વિવિધ વિભાગોમાં વન સુરક્ષા, વન વિકાસ, વન્યજીવ સુરક્ષા, ફિલ્ડ પેટ્રોલિંગ, દેખરેખ અને ઝડપી પ્રતિક્રિયા (ક્વિક-રિસ્પોન્સ) પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે.
ત્યારબાદ મંત્રીશ્રીએ સાયરા ખાતે હરિયાળું ગ્રામ વાવેતરની મુલાકાત લીધી હતી અને સાયરા વન કવચ પહેલ અને તેની સાથે જોડાયેલી મધમાખી ઉછેર યુનિટ વિશે માહિતી મેળવી હતી. તેમણે સ્થળ પર વૃક્ષારોપણ કર્યું હતું, સાયરા વન કવચનું ઉદ્ઘાટન કર્યું હતું, અને વાવેતરની પ્રવૃત્તિઓ માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી સાથે સમજૂતી કરાર (MoU) ના આદાનપ્રદાનના સાક્ષી બન્યા હતા. મંત્રીશ્રીએ વન કવચ ફોટોબુક પણ બહાર પાડી હતી અને સ્થાનિક રહીશો સાથે વાર્તાલાપ કરીને તેમની વચ્ચે છોડના રોપાઓનું વિતરણ કર્યું હતું.
ઘન, બહુ-સ્તરીય વનીકરણની મિયાવાકી પદ્ધતિને અનુસરીને 9.46 ચોરસ કિમી વિસ્તારમાં વિકસાવવામાં આવેલા સાયરા વન કવચમાં કચ્છની ખારાશવાળી, ઓછા પાણીવાળી પરિસ્થિતિઓને અનુકૂળ 47 દેશી પ્રજાતિના 10,000 થી વધુ રોપાઓનો સમાવેશ થાય છે. શ્રી યાદવને માહિતી આપવામાં આવી હતી કે આ મોડેલથી સ્થાનિક તાપમાનમાં 1.5–2°C નો ઘટાડો થવાની, ભૂગર્ભજળના પુનઃભરણમાં મદદ મળવાની, જમીનનું ધોવાણ અટકવાની અને ઇકો-ટૂરિઝમ, પર્યાવરણીય શિક્ષણ અને સ્થાનિક રોજગારી માટેના સ્થળ તરીકે સેવા આપવા ઉપરાંત પક્ષીઓ, જીવજંતુઓ અને નાના વન્યજીવો માટે કુદરતી આવાસ પૂરો પાડવાની અપેક્ષા છે.
જખૌ ખાતે, મંત્રીશ્રીએ મેન્ગ્રોવ નર્સરીની મુલાકાત લીધી હતી અને અડીને આવેલા સ્થળે બોર્ડર સિક્યુરિટી ફોર્સના લગભગ 50 જવાનો અને 50 થી વધુ સ્થાનિક રહીશો સાથે મળીને મેન્ગ્રોવનું વાવેતર કર્યું હતું. તેમણે કોરી ક્રીક અને સર ક્રીક વિસ્તારોમાં મેન્ગ્રોવ વાવેતરના પ્રયાસો પરનું એક ફોટો પ્રદર્શન નિહાળ્યું હતું. સીવીડ સીડ બેંકની મુલાકાત લીધી હતી અને નિષ્ણાતો સાથે વાર્તાલાપ કર્યો હતો, અને સીવીડ ઉત્પાદકો તેમજ મિષ્ટી (મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇનકમ્સ) કાર્યક્રમના લાભાર્થીઓને મળ્યા હતા.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2310072)
મુલાકાતી સંખ્યા : 29