કૃષિ મંત્રાલય
નકલી બીજ પર કાર્યવાહી: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ 10 સપ્ટેમ્બરે ખેડૂત નેતાઓ સાથે દેશવ્યાપી પરામર્શ યોજશે
નવા બીજ કાયદા માટે તૈયારીઓ તેજ: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ નવો સીડ બિલ આખરી ઓપ આપતા પહેલા ખેડૂતોના અવાજ સાંભળશે
બીજની ગુણવત્તા સાથે હવે કોઈ સમાધાન નહીં: કેન્દ્ર નવા કડક કાયદાની તૈયારીમાં; શ્રી શિવરાજ 10 સપ્ટેમ્બરે ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરશે
કાશ્મીરથી કન્યાકુમારી સુધી ખેડૂતોનો નવા બીજ કાયદા અંગે અભિપ્રાય લેવાશે; શ્રી શિવરાજ મહત્વપૂર્ણ પરામર્શનું નેતૃત્વ કરશે
પોસ્ટેડ ઓન:
09 SEP 2026 5:03PM by PIB Ahmedabad
ભારત સરકાર દેશના ખેડૂતોને નકલી અને સબસ્ટેન્ડર્ડ (નબળી ગુણવત્તાવાળા) બીજને કારણે થતા નુકસાનથી બચાવવાના ઉદ્દેશ્યથી એક નવો અને કડક બીજ કાયદો રજૂ કરવાની તૈયારી કરી રહી છે. પ્રસ્તાવિત કાયદો એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમૃદ્ધ અને આત્મનિર્ભર કૃષિ સમુદાયના વિઝનને સાકાર કરવાના મોદી સરકારના પ્રયાસોનો એક ભાગ છે. પ્રસ્તાવિત કાયદાને આખરી ઓપ આપતા પહેલા, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ 10 સપ્ટેમ્બરે સાંજે 4:00 વાગ્યે કૃષિ ભવન, નવી દિલ્હી ખાતે દેશભરના અગ્રણી ખેડૂત સંગઠનોના વરિષ્ઠ નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય પરામર્શ કરશે.
શ્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા બોલાવવામાં આવેલા આ પરામર્શનો ઉદ્દેશ્ય ખેડૂતોના જમીની સ્તરના અનુભવો, સૂચનો અને ચિંતાઓને સીધા પ્રસ્તાવિત બીજ કાયદાના ડ્રાફ્ટમાં સામેલ કરવાનો છે. સરકાર બીજ માફિયાઓની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને ખેડૂતોને છેતરપિંડી અને નબળી ગુણવત્તાવાળા બીજથી બચાવવા માટે એક મજબૂત અને અસરકારક નિયામક માળખું બનાવવાનો ઈરાદો ધરાવે છે.
પ્રસ્તાવિત નવા સીડ એક્ટમાં નકલી, ભેળસેળયુક્ત અથવા સબસ્ટેન્ડર્ડ બીજ વેચવામાં સામેલ કંપનીઓ અને વેપારીઓ સામે સખત કાનૂની કાર્યવાહી પૂરી પાડવાની અપેક્ષા છે, જેમાં ભારે દંડ અને જેલની સજાનો પણ સમાવેશ થાય છે. નબળી ગુણવત્તાવાળા બીજ ખેડૂતની મહિનાઓની સખત કમાણી અને વર્ષોના પ્રયત્નો તથા મહેનતને બરબાદ કરી શકે છે. સરકારનું સ્પષ્ટ વલણ એ છે કે નવો કાયદો બીજની ગુણવત્તાના સર્વોચ્ચ માપદંડો અને પારદર્શક, એન્ડ-ટુ-એન્ડ ટ્રેસેબિલિટી સિસ્ટમ સુનિશ્ચિત કરે, સાથે સાથે પરંપરાગત બીજ પર ખેડૂતોના અધિકારોનું પણ રક્ષણ કરે.
10 સપ્ટેમ્બરે યોજાનાર પરામર્શમાં દેશભરમાંથી ખેડૂત પ્રતિનિધિઓ એકત્ર થશે. ભારતીય કિસાન સંઘ, ભારતીય કિસાન યુનિયન (BKU) ના વિવિધ જૂથો, ઓલ ઇન્ડિયા કિસાન કોઓર્ડિનેશન કમિટી (AIKCC), કિસાન મહાપંચાયત, ભારતીય કૃષક સમાજ, ગાવ કિસાન ઉન્નયન અને સોસાયટી ફોર ઇન્ડિપેન્ડન્ટ ફાર્મર્સ એસોસિએશન (SIFA) ના વરિષ્ઠ નેતૃત્વ આ બેઠકમાં ભાગ લેશે.
કેન્દ્રીય કૃષિ મંત્રી સમક્ષ વિવિધ રાજ્યોના જમીની સ્તરના ખેડૂત પ્રતિનિધિઓ પણ પોતાના વિચારો રજૂ કરશે. આમાં કર્ણાટક રાયથા સંઘ, તેલંગાણા રાયથા સંઘ, મહારાષ્ટ્રના શેતકરી સંગઠન, ગુજરાતના ખેડૂત સમાજ, રાજસ્થાન અને બિહારના નેશનલ કિસાન પ્રોગ્રેસિવ એસોસિએશન, તમિલનાડુના વિવસાઈગલ સંગમ, ઝારખંડના પ્રગતિશીલ કૃષિ મંચ અને કેરળના કોટ્ટાયમના ખેડૂત સંગઠન વગેરેના પ્રતિનિધિઓ સામેલ છે.
શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, સરકાર ખેડૂતો સાથે સંવાદ અને સર્વસંમતિ દ્વારા નીતિઓ ઘડવા માટે કટિબદ્ધ છે.
આગામી સંસદ સત્ર પહેલા યોજાઈ રહેલ આ પરામર્શ એક મજબૂત નિયામક માળખું બનાવવા અને ભારતીય કૃષિને નકલી અને સબસ્ટેન્ડર્ડ બીજના સતત જોખમથી બચાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી અપેક્ષા છે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2308356)
મુલાકાતી સંખ્યા : 10