ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને અરુણાચલ પ્રદેશ વિધાનસભાના ખાસ સત્રને સંબોધિત કર્યું
‘રાષ્ટ્ર પ્રથમ’ અને ‘વિકસિત ભારત @ 2047’ વિધાનસભા કામગીરીનું માર્ગદર્શન કરવું જોઈએ: ઉપરાષ્ટ્રપતિ
‘વાદ-વિવાદ, ચર્ચાઓ અથવા તો વિક્ષેપો પણ નિર્ણય તરફ દોરી જવા જોઈએ’: ઉપરાષ્ટ્રપતિ
અરુણાચલ પ્રદેશની પ્રગતિ ભારતના વિકાસ અને સુરક્ષા માટે અભિન્ન છે: ઉપરાષ્ટ્રપતિ
અરુણાચલ પ્રદેશની જળવિદ્યુત ક્ષમતાનો જવાબદારીપૂર્વકનો ઉપયોગ રાજ્યની આવક અને વિકાસને વેગ આપી શકે છે: ઉપરાષ્ટ્રપતિ
પોસ્ટેડ ઓન:
09 SEP 2026 1:46PM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે ઇટાનગરમાં અરુણાચલ પ્રદેશ વિધાનસભાના ખાસ સત્રને સંબોધિત કર્યું હતું, જેમાં તેમણે ધારાસભ્યોને લોકશાહીની સર્વોચ્ચ પરંપરાઓને જાળવી રાખવા અને રાજ્ય તથા રાષ્ટ્રના વિકાસ માટે કામ કરવાનું આહ્વાન કર્યું હતું.
વિધાનસભા પરિસરમાં આગમન પર, ઉપરાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધી અને બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમણે અરુણાચલ પ્રદેશ એસેમ્બલી મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી, જે રાજ્ય ધારાસભાના ઉત્ક્રાંતિ અને વિકાસ તથા તેની વિધાનસભકીય સફર દર્શાવે છે.
વિધાનસભાને સંબોધતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશ અપાર વ્યૂહાત્મક મહત્વ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો ધરાવે છે, અને દેશની સરહદોની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે નોંધ્યું હતું કે બાકીના દેશની સુરક્ષા અરુણાચલ પ્રદેશના લોકો દ્વારા સરહદોના રક્ષણ સાથે ગાઢ રીતે જોડાયેલી છે.
વિવિધતા વચ્ચે ભારતની એકતા પર ભાર મૂકતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દેશ એક બંધારણ, ‘રાષ્ટ્ર પ્રથમ’ ના એક વિઝન અને વિકસિત ભારત @ 2047 ના એક લક્ષ્ય દ્વારા એકજૂથ છે. રાષ્ટ્રીય કવિ સુબ્રહ્મણ્ય ભારતીના વાક્યનો ઉલ્લેખ કરતા તેમણે ભારતની વિવિધ ભાષાઓ અને પરંપરાઓ પાછળ રહેલી વિચારની એકતા પર પ્રકાશ પાડ્યો હતો.
ભારતના સમૃદ્ધ લોકશાહી વારસાને યાદ કરતા, શ્રી સી. પી. રાધાકૃષ્ણને ભારતને ‘લોકશાહીની માતા’ તરીકે વર્ણવ્યું હતું અને ધારાસભ્યોને આ વારસાને સાર્થક કરવા વિનંતી કરી હતી.
ઉપરાષ્ટ્રપતિએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના શાસનકાળ દરમિયાન DoNER મંત્રાલયની સ્થાપના અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની એક્ટ ઇસ્ટ પોલિસી હેઠળ ક્ષેત્ર પર આપવામાં આવેલા ભારને યાદ કરીને ઉત્તર-પૂર્વના વિકાસ પર વધી રહેલા ધ્યાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે રાજ્યની વિકાસલક્ષી સિદ્ધિઓ બદલ અરુણાચલ પ્રદેશ સરકાર અને ત્યાંના લોકોને અભિનંદન પાઠવ્યા હતા, જેમાં દેશના અગ્રણી કીવી ઉત્પાદક તરીકે ઉભરી આવવું, માર્ગ માળખાનો વિસ્તાર, એક લાખથી વધુ સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવા અને શિક્ષણ તથા માથાદીઠ આવકમાં નોંધપાત્ર પ્રગતિનો સમાવેશ થાય છે.
રાજ્ય ધારાસભાને તેની ગોલ્ડન જૂબિલી પૂર્ણ કરવા બદલ અભિનંદન આપતાં શ્રી સી. પી. રાધાકૃષ્ણને લેજિસ્લેટિવ સચિવાલયને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને એસેમ્બલી લાયબ્રેરી અને મ્યુઝિયમની સ્થાપના જેવી પહેલોની પ્રશંસા કરી હતી.
ધારાસભ્યોને ચૂંટણીની સફળતા કરતાં જનસેવાને ઉપરી રાખવાનો આગ્રહ કરતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ચૂંટણીઓ મતોથી જીતી શકાય છે, પરંતુ લોકોનો આદર અને વિશ્વાસ માત્ર સમર્પિત સેવા દ્વારા જ મેળવી શકાય છે. તેમણે સભ્યોને જાહેર નીતિ અને તેમના મતવિસ્તારો સંબંધિત મુદ્દાઓ ઉઠાવવા માટે પ્રશ્નકાળ અને શૂન્યકાળનો અસરકારક ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું.
રાજ્યસભાના સભાપતિ તરીકે, શ્રી સી. પી. રાધાકૃષ્ણને વિધાનસભાની કામગીરીમાં સંવાદ, વાદ-વિવાદ અને ચર્ચાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમના સંદેશનો પુનરોચ્ચાર કરતા કે "વાદ-વિવાદ, ચર્ચાઓ અથવા તો વિક્ષેપો પણ હંમેશાં નિર્ણય તરફ દોરી જવા જોઈએ," તેમણે કહ્યું કે સ્વસ્થ વાદ-વિવાદ લોકશાહીને મજબૂત બનાવે છે અને રચનાત્મક સહયોગ રાજ્ય અને રાષ્ટ્રને આગળ વધારે છે.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વિકસિત અરુણાચલ પ્રદેશ વિના કોઈ વિકસિત ભારત હોઈ શકે નહીં, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકાસ સમાવેશી હોવો જોઈએ અને કોઈ પણ આદિવાસી કે વંચિત સમુદાય પાછળ છૂટી જવો જોઈએ નહીં. તેમણે આર્થિક વિકાસ અને લોકોના કલ્યાણ માટે કુદરતી સંસાધનોના જવાબદારીપૂર્વકના ઉપયોગ સાથે પર્યાવરણીય ચિંતાઓના સંતુલન ની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. અરુણાચલ પ્રદેશની નોંધપાત્ર જળવિદ્યુત ક્ષમતાનો સંદર્ભ આપતા તેમણે કહ્યું કે તેનો યોગ્ય ઉપયોગ વધુ આવક ઊભી કરી શકે છે અને રાજ્યના વિકાસને વેગ આપી શકે છે.
આ પ્રસંગે અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઇક, અરુણાચલ પ્રદેશ વિધાનસભાના સ્પીકર શ્રી તેસમ પોંગતે, મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ, નાયબ મુખ્યમંત્રી શ્રી ચૌના મેઇન, વિધાનસભાના સભ્યો, રાજ્ય સરકાર અને લેજિસ્લેટિવ સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad