સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ડો. વિનય પ્રકાશ સિંહ સતત બીજા કાર્યકાળ માટે APPUના સેક્રેટરી-જનરલ તરીકે ફરીથી ચૂંટાયા

પોસ્ટેડ ઓન: 06 SEP 2026 10:04AM by PIB Ahmedabad

ભારતીય ટપાલ સેવા (ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ) ના 1988 બેચના અધિકારી ડો. વિનય પ્રકાશ સિંહ, સતત બીજા ચાર વર્ષના કાર્યકાળ માટે એશિયન-પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU)ના સેક્રેટરી-જનરલ તરીકે ફરીથી ચૂંટાયા છે. 4 સપ્ટેમ્બર, 2026ના રોજ બેંગકોકમાં યોજાયેલી 14મી APPU કોંગ્રેસમાં તેમને સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. તેમની પુનઃપસંદગી એશિયા-પેસિફિક ક્ષેત્રના ટપાલ વહીવટીતંત્રોના તેમના નેતૃત્વમાં વિશ્વાસ અને સર્વસંમતિ દર્શાવે છે અને આંતરરાષ્ટ્રીય ટપાલ સહયોગમાં ભારતના યોગદાનની નોંધપાત્ર માન્યતા છે. તેમનો બીજો કાર્યકાળ જાન્યુઆરી 2027 થી શરૂ થશે અને ડિસેમ્બર 2030 સુધી ચાલુ રહેશે.

ડો. વિનય પ્રકાશ સિંહ, સેક્રેટરી-જનરલ, એશિયન-પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU)

આ પુનઃપસંદગી એવા સમયે આવી છે જ્યારે APPU એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ટપાલ સહયોગને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. બેંગકોકમાં મુખ્યાલય ધરાવતું આ યુનિયન 32 સભ્ય દેશોનું બનેલું એક આંતરસરકારી સંગઠન છે અને ટપાલ ક્ષેત્ર માટેની સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી, યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU) ની પ્રાદેશિક યુનિયન તરીકે કાર્ય કરે છે. 2022માં 13મી APPU કોંગ્રેસમાં તેમની પ્રથમ ચૂંટણી પછી જાન્યુઆરી 2023માં પદ સંભાળ્યા પછી, ડો. સિંહે ટપાલ વહીવટીતંત્રો વચ્ચે સહયોગ વધારવામાં અને સમગ્ર ક્ષેત્રમાં ટપાલ સેવાઓના વિકાસ અને આધુનિકીકરણને ટેકો આપવામાં યોગદાન આપ્યું છે. તેમનો બીજો કાર્યકાળ પ્રાદેશિક સહયોગને મજબૂત કરવાની અને ટપાલ ક્ષેત્રમાં સહિયારી પ્રાથમિકતાઓને આગળ ધપાવવાની વધુ તક પૂરી પાડશે.

ત્રણ દાયકાથી વધુ સમયની કારકિર્દી સાથે ડો. સિંહે ભારત સરકારમાં પોસ્ટેડ સર્વિસીસ બોર્ડના સભ્ય, ટપાલ વિભાગમાં સીનિયર ડેપ્યુટી ડિરેક્ટર જનરલ અને ચીફ વિજિલન્સ ઓફિસર, ઉત્તર પ્રદેશ સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ અને ઇન્ડિયા પોસ્ટ હેડક્વાર્ટર ખાતે ચીફ જનરલ મેનેજર સહિત અસંખ્ય ઉચ્ચ હોદ્દાઓ સંભાળ્યા છે. તેમણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, અફઘાનિસ્તાનમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને આર્મી પોસ્ટલ સર્વિસ કોર્પ્સ સાથે પણ કાર્યો હાથ ધર્યા છે. એક કુશળ શૈક્ષણિક પ્રતિભા ધરાવતા, તેઓ અલાહાબાદ યુનિવર્સિટીમાંથી આધુનિક ઇતિહાસ (મોડર્ન હિસ્ટ્રી)માં ગોલ્ડ મેડાલિસ્ટ હતા અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, દિલ્હીમાંથી મેનેજમેન્ટમાં Ph.D. ધરાવે છે. ટપાલ વિભાગ ડો. વિનય પ્રકાશ સિંહને તેમની પુનઃપસંદગી બદલ અભિનંદન આપે છે અને એશિયન-પેસિફિક પોસ્ટલ યુનિયનના સેક્રેટરી-જનરલ તરીકે તેમના સફળ અને પ્રભાવશાળી બીજા કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવે છે.

 

SM/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2307097) મુલાકાતી સંખ્યા : 13