વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત-ઈયુ એફટીએ ભારત અને યુરોપમાં ખેડૂતો, એમએસએમઈ, ઈનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ અને વ્યવસાયો માટે વિશાળ તકો ખોલે છે: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ


બેલ્જિયમના પીએમ બાર્ટ ડે વેવરે જણાવ્યું કે ભારત-ઈયુ એફટીએ વેપાર, રોકાણ અને આર્થિક સ્થિતિસ્થાપકતાને મજબૂત કરશે; એન્ટવર્પ-બ્રુગ્સ બંદરને ભારત-યુરોપની મહત્વપૂર્ણ કડી તરીકે પ્રકાશિત કર્યું

ભારત અને બેલ્જિયમ જેમ્સ એન્ડ જ્વેલરી, સેમિકન્ડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન, સંરક્ષણ અને અદ્યતન ઉત્પાદન, અને કૃષિ તેમજ ફૂડ પ્રોસેસિંગમાં સહયોગ ઊંડો બનાવી શકે છે: શ્રી ગોયલ

ભારત-ઈયુ એફટીએ 2 અબજ લોકોનું બજાર સાથે લાવે છે, જે વૈશ્વિક જીડીપીના ચોથા ભાગનું અને વિશ્વ વેપારના ત્રીજા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે: શ્રી ગોયલ

છેલ્લા દાયકામાં ભારત-ઈયુ વેપાર બમણો થઈને લગભગ USD 140 અબજ થયો છે; એન્ટવર્પ-બ્રુગ્સ બંદર યુરોપમાં ભારતીય નિકાસ માટે પ્રવેશદ્વાર તરીકે સેવા આપી શકે છે

પોસ્ટેડ ઓન: 04 SEP 2026 7:03PM by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે આજે જણાવ્યું હતું કે ભારત-યુરોપિયન યુનિયન (EU) મુક્ત વ્યાપાર કરાર (FTA) ભારત અને યુરોપમાં ખેડૂતો, માછીમારો, એમએસએમઈ (MSMEs), નાના ઉદ્યોગો, ઈનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, મહિલા સાહસિકો, ઉત્પાદકો અને સેવા પ્રદાતાઓ માટે વિશાળ તકો ખોલે છે. કિંગડમ ઓફ બેલજિયમના પ્રધાનમંત્રી શ્રી બાર્ટ ડે વેવર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે ભારત-ઈયુ એફટીએ પર ભારત-બેલ્જિયમ ઉચ્ચ-સ્તરીય સંવાદને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે બંને પક્ષોના સંવેદનશીલ ક્ષેત્રોનું રક્ષણ કરીને આ કરાર પર ચતુરાઈપૂર્વક વાટાઘાટો કરવામાં આવી છે.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત-ઈયુ એફટીએ, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વાટાઘાટો પૂર્ણ થઈ તે પહેલાં 25 વર્ષથી પ્રક્રિયામાં હતો, તે 2 અબજ લોકોને સાથે લાવે છે, જે વૈશ્વિક જીડીપીના ચોથા ભાગનું, વિશ્વ વેપારના ત્રીજા ભાગનું અને USD 24 ટ્રિલિયનના બજારનું પ્રતિવિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે તમામ 27 ઈયુ દેશો આમાં સામેલ હતા, સહાયરૂપ હતા અને ઔપચારિકતાઓ પૂર્ણ કરીને વહેલામાં વહેલી તકે આ કરારને અમલમાં લાવવા ઈચ્છુક હતા. તેમણે નોંધ્યું કે યુરોપિયન સંદર્ભમાં આવો સર્વસંમત ટેકો, તેઓ સમજે છે તેમ, દુર્લભ હતો. તે જ રીતે, ભારતના દરેક વર્ગે ભારત-ઈયુ એફટીએને પૂરા દિલથી સમર્થન આપ્યું છે.

કિંગડમ ઓફ બેલ્જિયમના પ્રધાનમંત્રી શ્રી બાર્ટ ડે વેવરે જણાવ્યું હતું કે ભારત-ઈયુ એફટીએ વેપારને મજબૂત કરશે અને કંપનીઓ, યુવા પ્રતિભા અને રોકાણ માટે દરવાજા ખોલશે, સાથે બંને અર્થતંત્રોને વિક્ષેપો સામે વધુ સ્થિતિસ્થાપક બનાવશે. એન્ટવર્પ-બ્રુગ્સ બંદરને ભારત અને યુરોપ વચ્ચેની એક મહત્વપૂર્ણ લોજિસ્ટિકલ કડી તરીકે પ્રકાશિત કરતા તેમણે જણાવ્યું હતું કે એફટીએ હીરા, ફૂડ પ્રોસેસિંગ, ફાર્માસ્યુટિકલ્સ, દરિયાઈ સેવાઓ, ગ્રીન હાઇડ્રોજન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ક્ષેત્રોમાં તકો ઊભી કરશે, અને નોંધ્યું કે 95 ટકાથી વધુ ભારતીય અને યુરોપિયન વસ્તુઓની નિકાસ પરના ટેરિફ રદ કરવામાં આવશે અથવા ઘટાડવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારત અને બેલ્જિયમ પાસે આર્થિક સહયોગ ગાઢ બનાવવાની નોંધપાત્ર તક છે કારણ કે તેમના અર્થતંત્રો પાંચ મુખ્ય ક્ષેત્રોમાં એકબીજાના પૂરક છે. તેમણે કહ્યું કે ભારત અને બેલજિયમ સહયોગના નવા ક્ષેત્ર તરીકે લેબ-ગ્રોન ડાયમંડ્સ (પ્રયોગશાળામાં તૈયાર કરાયેલા હીરા) સહિત રત્નો અને આભૂષણોમાં સહ-રચના અને ડિઝાઇનની સંભાવનાઓ શોધી શકે છે. તેમણે એન્ટવર્પ, મુંબઈ અને સુરતના મુખ્ય ડાયમંડ સેન્ટરોની આસપાસ આધારિત પરસ્પર માન્યતા માટે ટેકનોલોજી અને સર્ટિફિકેશનમાં વધુ સહયોગ માટે આહ્વાન કર્યું હતું.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર્સમાં ડિઝાઇન-ટુ-ફેબ્રિકેશન ઇકોસિસ્ટમ બનાવવા માટે બેલજિયમના વિશ્વ કક્ષાના માઇક્રો-ઇલેક્ટ્રોનિક્સ સંશોધનને ભારતના સ્કેલ, કૌશલ્ય અને પ્રતિભા સાથે જોડી શકાય છે. તેમણે કહ્યું કે ભારતનું ગ્રીન હાઇડ્રોજન મિશન એન્ટવર્પ-બ્રુગ્સના બંકરિંગ અને ગ્રીન શિપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા યુરોપને ઉર્જા પૂરી પાડી શકે છે અને આ ક્ષેત્રમાં વધુ ઊંડા સહયોગ માટે આહ્વાન કર્યું હતું.

જહોન કોકરીલ (John Cockerill) સાથે સમજુતી કરારો (MoU) ની આપ-લેનો સંદર્ભ આપતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે સંરક્ષણ અને અદ્યતન ઉત્પાદનમાં સહયોગની નોંધપાત્ર સંભાવનાઓ છે, જેમાં કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ્સ, ઇલેક્ટ્રોનિક વોરફેર, પ્રિસીઝન મ્યુનિશન્સ અને ભારત-ડિઝાઇન કરેલી બ્રહ્મોસ અને પિનાકા મિસાઇલો માટે પશ્ચિમી નિકાસ કોરિડોરનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ભારત અને બેલજિયમ વચ્ચેનું ઔદ્યોગિક સંકલન આટલું પ્રગાઢ ક્યારેય નહોતું. તેમણે એ પણ નોંધ્યું કે જહોન કોકરીલ ભારતની બોફોર્સ બંદૂકો માટે દારૂગોળો બનાવે છે. નવી પરિસ્થિતિઓ હેઠળ યુરોપમાં વધતા ખર્ચ અને ભારતનું પોતાનું સુરક્ષા વાતાવરણ જોતાં, તેમણે કહ્યું કે સાથે મળીને કામ કરવાની જબરદસ્ત સંભાવનાઓ છે.

શ્રી ગોયલે કૃષિ અને ફૂડ પ્રોસેસિંગમાં તકો પણ પ્રકાશિત કરી હતી, જેમાં બટાકાની પ્રોસેસિંગ અને કોલ્ડ ચેઇન્સથી લઈને ફૂડ પ્રોસેસિંગના અન્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ટેકનોલોજી અને ટકાઉ એગ્રી-વેલ્યુ ચેઈન્સ બેલ્જિયમ અને ભારત દ્વારા આખા વિશ્વની સેવા કરી શકે છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે બેલ્જિયમ ભારત-ઈયુ એફટીએ દ્વારા સર્જાયેલી તકોના પ્રવેશદ્વાર પર ઊભું છે. તેમણે નોંધ્યું કે એન્ટવર્પ-બ્રુગ્સ બંદર યુરોપનું બીજા ક્રમનું સૌથી મોટું સી-પોર્ટ છે અને તેને એવા દ્વાર તરીકે વર્ણવ્યું જેના દ્વારા એફટીએનું વચન યુરોપમાં ભૌતિક રીતે પહોંચશે અથવા ભારત મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે એન્ટવર્પના વિશ્વ કક્ષાના ઈનલેન્ડ બાર્જ, રેલ અને રોડ નેટવર્કને બ્રુગ્સના સીબ્રિજ, ડીપવોટર, રોલ-ઓન/રોલ-ઓફ અને ઓટોમોટિવ શક્તિઓ સાથે એકીકૃત રીતે જોડીને, આ બંદર ભારતીય નિકાસકારોને યુરોપના ઔદ્યોગિક અને ઉપભોક્તા હાર્ટલેન્ડ્સમાં એક અજોડ માર્ગ પ્રદાન કરે છે.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન સાથે ભારતનો વેપાર છેલ્લા દાયકામાં બમણો થઈને લગભગ USD 140 અબજ થયો છે. તેમણે કહ્યું કે ભારત અને બેલજિયમ પાસે સંરક્ષણવાદ, તૂટેલી સપ્લાય ચેઈન, ખોરાક અને બળતણ પહોંચાડવામાં સમસ્યાઓ, બે યુદ્ધો, અસ્થિરતા, અનિશ્ચિતતા અને મોટા પડકારો સામે બે વિકલ્પો હતા: કાં તો પ્રવર્તમાન અરાજકતામાં તણાઈ જવું અથવા વિશ્વાસ અને આગાહી કરી શકાય તેવી ક્ષમતાના ટાપુઓનું નિર્માણ કરવું.

બેલ્જિયમના નોબેલ પુરસ્કાર વિજેતા ઈલ્યા પ્રિગોગિન (Ilya Prigogine) ને ટાંકીને, શ્રી ગોયલે “અરાજકતામાંથી ઉદ્ભવતી વ્યવસ્થા” (order emerging out of chaos) ના વિચારનો સંદર્ભ આપ્યો અને કહ્યું કે બેલજિયમના પ્રધાનમંત્રી અને ભારતના પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ, “અમે નિર્માણ કરવાનું પસંદ કરીએ છીએ, અમે જોડવાનું પસંદ કરીએ છીએ, અમે સાથે મળીને કામ કરવાનું પસંદ કરીએ છીએ.”

શ્રી ગોયલે ભારતની વિસ્તરતી આર્થિક અને તકનીકી ક્ષમતાઓને પ્રકાશિત કરી અને કહ્યું કે ભારતીય વાર્તા હમણાં જ શરૂ થઈ છે. તેમણે નોંધ્યું કે ભારત આજે પર્ચેસિંગ પાવર પેરીટી (PPP) ના આધારે USD 4 ટ્રિલિયનનું અર્થતંત્ર છે અને PPP ના આધારે USD 20 ટ્રિલિયન જીડીપી સાથે પહેલાથી જ વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે. તેમણે કહ્યું કે 1.4 અબજ ભારતીયોનું ઘોષિત લક્ષ્ય અને સામૂહિક પ્રતિબદ્ધતા 2047 સુધીમાં USD 4 ટ્રિલિયનના અર્થતંત્રને USD 30 ટ્રિલિયનના અર્થતંત્ર સુધી લઈ જવાની છે, જ્યારે ભારત તેની આઝાદીના 100 વર્ષ ઉજવશે.

તેમણે કહ્યું કે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે અને ભારતમાં ચાલી રહેલા સામૂહિક પ્રયાસોમાં સામાજિક ઉત્થાન, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, મોટા પાયે ઉત્પાદન અને વૈશ્વિક કંપનીઓ ભારતમાં આવીને કામ કરે, ડિઝાઇન કરે, સહ-ડિઝાઇન કરે, સહ-રચના કરે અને સહ-ઉત્પાદન કરે તે માટેનું એક સ્થળ બનાવવાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ભારત અને તેના ભાગીદારો માત્ર યુરોપ અને ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને તેમના બજાર તરીકે રાખીને સામૂહિક રીતે કામ કરી શકે છે.

શ્રી ગોયલે સેમિકન્ડક્ટર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ભારતના વિશાળ કાર્યક્રમ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે સેમિકોન ઈન્ડિયા (Semicon India) ની પ્રથમ આવૃત્તિ વિશ્વભરના રોકાણકારો સાથે સંપૂર્ણ રીતે સબ્સ્ક્રાઇબ થઈ ગઈ હતી, જ્યારે બીજી આવૃત્તિ, સેમિકોન ઈન્ડિયા 2.0 (Semicon India 2.0), તાજેતરમાં USD 14 અબજના આઉટલે સાથે લોન્ચ કરવામાં આવી છે. સામૂહિક રીતે, તેમણે કહ્યું કે, આ મિશન ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે લગભગ USD 70 અબજ મૂલ્યના રોકાણોને ઉત્પ્રેરિત કરશે.

તેમણે કહ્યું કે ભારતનું એઆઈ (AI) મિશન કાર્યરત છે અને સ્ટાર્ટઅપ્સને સેવા આપી રહ્યું છે, જ્યારે દેશ તેના ક્રિટિકલ મિનરલ્સ મિશનમાં પણ સક્રિય છે. તેમણે કહ્યું કે ભારતનો અણુ ઉર્જા કાર્યક્રમ, શાંતિ અધિનિયમ (Shanti Act) દ્વારા, 60 વર્ષ પછી હવે ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લો મૂકાયો છે, જેમાં અશ્મિભૂત બળતણના બદલે બેઝલોડ ક્ષમતા તરીકે આગામી 20 વર્ષમાં 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવર ક્ષમતા બનાવવાની યોજના છે.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારતનું સ્પેસ ટેકનોલોજી ક્ષેત્ર, જે હાલમાં USD 8.5 અબજ છે, તે આગામી આઠ વર્ષમાં વધીને USD 44 અબજ થવાની ધારણા છે, જે મોટાભાગે નવી ખાનગી પહેલો, સ્ટાર્ટઅપ્સ, ઈનોવેટર્સ અને અજોડ ઉકેલો વિકસાવતા ડિઝાઈનર્સ દ્વારા સંચાલિત થશે. તેમણે કહ્યું કે ભારત વિશ્વનો માત્ર ત્રીજો એવો દેશ બન્યો છે જ્યાં ખાનગી કંપનીએ સ્પેસમાં રોકેટ લોન્ચ કર્યું હોય અને એવો પ્રથમ દેશ બન્યો છે જ્યાં ખાનગી પહેલ તેના પ્રથમ જ પ્રયાસમાં સફળ રહી હોય.

તેમણે ઈનોવેશન માટે ભારતના તાજેતરમાં લોન્ચ કરાયેલા USD 12 અબજના સંશોધન અને વિકાસ ફંડ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, યુરોપિયન સંદર્ભમાંથી USD 12 અબજ ભલે નમ્ર લાગે, પરંતુ ભારતની પર્ચેસિંગ પાવર પેરીટી ક્ષમતાનો અર્થ એ છે કે સરકારનું યોગદાન, ખાનગી ક્ષેત્રના રોકાણ અને ભારતના શિક્ષણવિદોની ક્ષમતાઓ સાથે મળીને યુરોપમાં જે હાંસલ કરી શકાય તેનાથી ખૂબ ઓછા ખર્ચે અને વિશ્વમાં શ્રેષ્ઠ સાથે સરખાવી શકાય તેવા USD 150 અબજના ઈનોવેશન સમાન પરિણામ આપી શકે છે.

શ્રી ગોયલે બેલજિયમ અને યુરોપિયન યુનિયનને ભારત સાથે ભાગીદારી કરવા માટે આમંત્રિત કર્યા હતા, અને કહ્યું હતું કે બેલજિયમની ટેકનોલોજી, ઈનોવેશન અને મૂડી ભારતમાં તેના સ્કેલ, પ્રતિભા, યુવા ઉર્જા, યુવા વસ્તી અને નિર્ણાયક નેતૃત્વ સાથે સ્થાન મેળવી શકે છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્ર વ્યવસાય માટે ખૂબ જ આકર્ષક સ્થળ પ્રદાન કરે છે, તેમણે તેને ભારતની નાણાકીય અને વ્યાપારી રાજધાની, તેની ઔદ્યોગિક રાજધાની અને દેશમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ગણાવ્યું હતું.

શ્રી ગોયલે પ્રધાનમંત્રી ડે વેવર અને બેલજિયમની કંપનીઓને આધુનિક ઉદ્યોગ માટે જરૂરી તમામ સુવિધાઓના સમર્થન સાથે ખુલ્લા મન અને ખુલ્લા દિલથી ભારત સાથે જોડાવા માટે આમંત્રિત કર્યા હતા. તેમણે કહ્યું કે આ તમામ તકોનો પાયો લોકો છે, જેમાં ભારતીય સમુદાય, વિદ્યાર્થીઓ અને સંશોધકોનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય મંત્રીએ કાર્યબળની ગતિશીલતા (workforce mobility), લાયકાતોની પરસ્પર માન્યતા, સંયુક્ત કૌશલ્ય વિકાસ અને ડ્યુઅલ-ડિગ્રી શિક્ષણ કાર્યક્રમોને મજબૂત કરવા માટે આહ્વાન કર્યું હતું, ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જ્યાં બેલ્જિયમ પ્રતિભા અને યુવાનોની અછતનો સામનો કરી રહ્યું છે.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત અને બેલજિયમ 1947 ના સમયથી ખૂબ જ ઉષ્માભર્યા અને કાયમી સંબંધો ધરાવે છે, જ્યારે ભારતે સ્વતંત્રતા મેળવી હતી. તેમણે નોંધ્યું હતું કે સ્વતંત્ર ભારત સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરનારા પ્રથમ યુરોપિયન દેશોમાં બેલ્જિયમ એક હતું અને તેમણે કહ્યું કે આ સંકેત માટે ભારત બેલ્જિયમના લોકોનું હંમેશા આભારી રહેશે.

કેન્દ્રીય મંત્રીએ પ્રધાનમંત્રી ડે વેવરના નેતૃત્વ, સમર્થન અને બેલ્જિયમ-ભારત અને ઈયુ-ભારત સંબંધોને મજબૂત કરવા માટેના તેમના અથાક પ્રયાસો બદલ આભાર માન્યો હતો, જેણે 25 વર્ષની મુસાફરીને પૂર્ણ કરવામાં મદદ કરી હતી.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે તેમની તાજેતરની બેલ્જિયમ મુલાકાત દરમિયાન, જેનો કાર્યક્રમ દરમિયાન ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેમણે જે વાસ્તવિક ઉર્જા અનુભવી તે બેલ્જિયમના સાહસોમાં હતી. તેમણે કહ્યું કે બેલ્જિયમની ટેકનોલોજી, ઈનોવેશન અને મૂડીને ભારતના સ્કેલ, પ્રતિભા, યુવા ઉર્જા, યુવા વસ્તી અને નિર્ણાયક નેતૃત્વ સાથે જોડીને બેલ્જિયમ અને ભારત સાથે મળીને એક "absolutely unbeatable competition" ઊભી કરી શકે છે.

પોતાના સંબોધનના સમાપનમાં, શ્રી ગોયલે હીરાના નિર્માણ સાથે સરખામણી કરી હતી. તેમણે કહ્યું કે હીરો જમીનની નીચે ખૂબ ઊંડાણમાં અને જબરદસ્ત દબાણ હેઠળ બને છે, જ્યારે લેબ-ગ્રોન ડાયમંડ્સ કાર્બન ડિપોઝિટનો સમાવેશ કરતી અથાક પ્રક્રિયાઓ દ્વારા બને છે. તેમણે કહ્યું કે દબાણ અને અશાંતિ હેઠળની દુનિયામાં, ભારત અને બેલ્જિયમ હીરાની જેમ જ કાયમી, સુંદર અને કિંમતી વસ્તુનું નિર્માણ કરી શકે છે.

“ચાલો ભારત અને બેલ્જિયમ હીરા જેટલું જ કાયમી, સુંદર અને કિંમતી કંઈક બનાવીએ. હીરો માત્ર બેલ્જિયમ અને ભારત માટે જ નહીં, હીરો માત્ર યુરોપ માટે જ નહીં, વિશ્વ માટે એક હીરો,” શ્રી ગોયલે જણાવ્યું હતું.

SM/DK/JD

 


(રીલીઝ આઈડી: 2306809) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Tamil