પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જળ પરના રાષ્ટ્રીય વિભાગીય શિખર સંમેલનના સમાપન સત્રની અધ્યક્ષતા કરી
ટીમ ઈન્ડિયાની ભાવનાને મજબૂત કરવા અને સહકારી ફેડરલિઝમને વધુ ગાઢ બનાવવા માટે પ્રધાનમંત્રી દ્વારા પરિકલ્પિત શિખર સંમેલનોની શ્રેણીમાં આ પ્રથમ સંમેલન છે
કાર્યક્ષમ અને સમયબદ્ધ પરિણામો પર કામ કરવા માટે પ્રધાનમંત્રીએ સમીક્ષા અને ફોલો-અપની સતત પ્રક્રિયા અપનાવવા પર ભાર મૂક્યો
જન ભાગીદારી પર ભાર મૂકતાં, પ્રધાનમંત્રીએ જળ સંચય પર જનજાગૃતિ ઊંડી કરવા માટે જળ ઉત્સવને પ્રોત્સાહન આપવા આહ્વાન કર્યું
પ્રધાનમંત્રીએ પાણી બચાવતી ટેકનોલોજીને વધુ પ્રમાણમાં અપનાવવા અને વૈશ્વિક ઉત્કૃષ્ટ પદ્ધતિઓમાંથી શીખવાનું આહ્વાન કર્યું
પ્રધાનમંત્રીએ AI ના અસરકારક ઉપયોગ દ્વારા મજબૂત વોટર ડેટા ગવર્નન્સનું આહ્વાન કર્યું
પ્રધાનમંત્રીએ પાણી સંબંધિત મુદ્દાઓ પર પ્રજાપ્રતિનિધિઓ, અધિકારીઓ અને ખેડૂતોને સામેલ કરતી માળખાકીય આંતર-રાજ્ય અભ્યાસ મુલાકાતો સૂચવી
પોસ્ટેડ ઓન:
02 SEP 2026 8:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જળ શક્તિ મંત્રાલય દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય વિભાગીય જળ શિખર સંમેલનના સમાપન સત્રની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વધુ ગાઢ સહયોગ દ્વારા ટીમ ઈન્ડિયાની ભાવનાને મજબૂત કરવા, સહકારી ફેડરલિઝમને વધુ ઊંડું કરવા અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓની સામૂહિક માલિકીને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી દ્વારા પરિકલ્પિત વિભાગીય શિખર સંમેલનોની શ્રેણીમાં આ પ્રથમ સંમેલન છે. આ સંમેલન ભારતની જળ સુરક્ષાના વિવિધ પરિમાણો પર ધ્યાન કેન્દ્રિત વિચારમંથન માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને એકસાથે લાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ બે દિવસીય ગહન વિચારમંથનની પ્રશંસા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે શિખર સંમેલનમાંથી બહાર આવતા કાર્યક્ષમ અને સમયબદ્ધ એક્શન પોઈન્ટ્સને સમીક્ષા અને શીખવાની સતત પ્રક્રિયા દ્વારા આગળ ધપાવવા જોઈએ. તેમણે સૂચવ્યું કે શિખર સંમેલન એક વખતની કવાયત ન રહેવું જોઈએ અને સમીક્ષા તથા ફોલો-અપની સતત પ્રક્રિયા માટે આહ્વાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ વસ્તી વૃદ્ધિ અને ભવિષ્યની પાણીની જરૂરિયાતો સહિત શહેરીકરણથી ઉદ્ભવતા પડકારો પ્રત્યે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સંવેદનશીલ બનાવવાનું આહ્વાન કર્યું હતું અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આવા જ ચિંતન શિબિરો આયોજિત કરવાનું સૂચન કર્યું હતું. તેમણે પાણી બચાવતી ટેકનોલોજીને વધુ પ્રમાણમાં અપનાવવાનું આહ્વાન કર્યું હતું. તેમણે ભારતીય ઉત્પાદકો અને હિસ્સેદારોને કાર્યક્ષમ ઉકેલો વિકસાવવા અને તેનો વ્યાપ વધારવા માટે સક્ષમ બનાવવા માટે વૈશ્વિક ઉત્કૃષ્ટ પદ્ધતિઓના પ્રદર્શન સહિત સમર્પિત પ્રદર્શનો અને વર્કશોપનું સૂચન પણ કર્યું હતું.
જન ભાગીદારી પર ભાર મૂકતાં, પ્રધાનમંત્રીએ લોકોમાં વધુ જાગૃતિ લાવવા માટે "જળ ઉત્સવ" ને પ્રોત્સાહન આપવાનું સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ડી-સિલ્ટિંગ (કાંપ કાઢવાની કામગીરી) ને એક નિયમિત કાર્યક્રમ બનાવવા અને ડી-સિલ્ટિંગ માટે સ્પષ્ટ માપદંડો અને SOPs વિકસાવવાનું આહ્વાન કર્યું હતું. ડેમની સુરક્ષા પર, તેમણે દરેક ચોમાસા પહેલા સખત તૈયારીઓ કરવા, નિર્ધારિત સાવચેતીઓનું પાલન કરવા અને શૈક્ષણિક અભ્યાસક્રમોમાં યોગ્ય સમાવેશ સહિત શાળાના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ વધુમાં યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જળ વ્યવસ્થાપન અને ગવર્નન્સ અંગેના જ્ઞાન અને ક્ષમતાને મજબૂત કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે વ્યવહારુ શિક્ષણ અને સફળ હસ્તક્ષેપોના પુનરાવર્તનને સુગમ બનાવવા માટે પ્રજાપ્રતિનિધિઓ, અધિકારીઓ અને ખેડૂતોને સામેલ કરતી માળખાકીય આંતર-રાજ્ય અભ્યાસ મુલાકાતોનું સૂચન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ મજબૂત વોટર ડેટા ગવર્નન્સનું આહ્વાન કર્યું હતું, જેમાં જળ ક્ષેત્રના ડેટાને એકસાથે લાવવામાં આવે, વ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવે, વિશ્લેષણ કરવામાં આવે અને અસરકારક રીતે ઉપયોગમાં લેવામાં આવે. તેમણે એકસમાન ફોર્મેટ દ્વારા ડેટા એકત્રીકરણ અને વિશ્લેષણ માટે AI ના ઉપયોગની ભલામણ કરી હતી. તેમણે કૃષિ અને ઔદ્યોગિક હેતુઓ માટે શુદ્ધ કરેલા (ટ્રીટેડ) પાણીના યોગ્ય ઉપયોગ દ્વારા પાણીની અછતને પહોંચી વળવા માટે આગોતરા અને સંકલિત આયોજન પર પણ ભાર મૂક્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના અનુભવને યાદ કરતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે પાણીની અછતના પ્રસંગોને વ્યવસ્થિત આયોજન, પ્રતિબદ્ધતા અને પર્યાપ્ત સંસાધનો તથા સક્ષમ અધિકારીઓની તૈનાતી દ્વારા તકોમાં પરિવર્તિત કરી શકાય છે.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે આ શિખર સંમેલનના ચાર મુખ્ય પરિણામો પર પ્રકાશ પાડ્યો હતો: જળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા; જળ સંચયને એક સતત જન આંદોલન તરીકે મજબૂત બનાવવું; પીવાના પાણીના સ્ત્રોતોની લાંબા ગાળાની સ્થિરતા સુનિશ્ચિત કરવી; અને ગ્રામીણ પીવાના પાણીની યોજનાઓના અસરકારક સંચાલન અને જાળવણીને સંસ્થાકીય બનાવવું.
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2306133)
મુલાકાતી સંખ્યા : 30