પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કિર્ગિઝ પ્રજાસત્તાકના બિશ્કેકમાં 26મી SCO સમિટમાં ભાગ લીધો
પોસ્ટેડ ઓન:
01 SEP 2026 8:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 31 ઓગસ્ટ - 01 સપ્ટેમ્બર, 2026 દરમિયાન કિર્ગિઝ પ્રજાસત્તાકના બિશ્કેકમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના રાષ્ટ્રાધ્યક્ષોની પરિષદની 26મી બેઠકમાં ભાગ લીધો હતો.
આ વર્ષ SCOના 25મા વર્ષની ઉજવણી દર્શાવે છે. આ પ્રસંગે, નેતાઓએ પ્રગતિની સમીક્ષા કરી હતી અને પ્રદેશમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ માટે SCO ની ભૂમિકાને આગળ વધારવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ તેમના સંબોધનની શરૂઆત કિર્ગિઝ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી સદિર જપારોવનો તેમના ઉષ્માભર્યા સ્વાગત અને આતિથ્ય સત્કાર માટે આભાર માનીને કરી હતી. તેમણે નોંધ્યું હતું કે સમિટની 25મી વર્ષગાંઠે SCO દ્વારા વિકસાવવામાં આવેલી સંવાદ અને સહયોગની મજબૂત પરંપરા પર આધારિત, આગામી 25 વર્ષ માટે રોડમેપ તૈયાર કરવાનો એક યોગ્ય સમય છે. તેમણે જણાવ્યું હતું કે પાછલી સમિટમાં, ભારતે સુરક્ષા, કનેક્ટિવિટી અને તક (Security, Connectivity and Opportunity) નો પોતાનો દ્રષ્ટિકોણ શેર કર્યો હતો, અને હવે આ જૂથે સંયુક્ત કાર્યના આ ત્રણ સ્તંભોમાં મૂર્ત પરિણામો પ્રાપ્ત કરવા માટે કામ કરવું જોઈએ. તેમણે ભારતના એ વલણનો પુનરોચ્ચાર કર્યો હતો કે સંઘર્ષોનો ઉકેલ યુદ્ધના મેદાનમાં આવી શકતો નથી અને સંવાદ તથા મુત્સદ્દીગીરી (દ્વારા) જ આગળ વધવાનો એકમાત્ર માર્ગ છે. આતંકવાદ માનવતા માટે એક ગંભીર ખતરો છે તે વાત પર ભાર મૂકતા, તેમણે આતંકવાદી ઇકોસિસ્ટમને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ કાર્યવાહી કરવા આહ્વાન કર્યું હતું. તેમણે ખાસ કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં કોઈ બેવડા ધોરણો (દોહરા રવૈયા) હોવા જોઈએ નહીં. યુરેશિયા પ્રદેશમાં સુરક્ષા એ અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા સાથે ગાઢ રીતે જોડાયેલી છે તે નોંધતા, તેમણે દેશ માટે ભારતની વિકાસ અને માનવતાવાદી સહાય પર પ્રકાશ પાડ્યો હતો.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ જૂથની વહેંચાયેલી પ્રગતિ અને સમૃદ્ધિ માટે મજબૂત અને વિશ્વસનીય કનેક્ટિવિટી પહેલો મહત્વપૂર્ણ છે. ભારતે કનેક્ટિવિટીના એવા પ્રયાસોનું સમર્થન કર્યું છે જે બજારોને જોડે છે, વેપારમાં વધારો કરે છે અને વિકાસ માટે નવી તકો ખોલે છે તે વાત પર ભાર મૂકતા, તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે આવા પ્રયાસોએ રાષ્ટ્રોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવો જોઈએ. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે ટેકનોલોજી, સાહસિકતા, નવીનતા (ઇનોવેશન), સ્ટાર્ટ-અપ્સ અને જન-જન વચ્ચેની પહેલો SCO દેશોના લોકો માટે અપાર તકો ખોલે છે. આ સંદર્ભમાં, તેમણે કિર્ગિઝસ્તાનના પ્રમુખપદ હેઠળ યુવાનોના જોડાણ પર આપેલા ધ્યાન સરાહ્યું હતું. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે આ વર્ષના અંતમાં SCO સિવિલાઈઝેશન ડાયલોગ ફોરમની પ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં ભારતને અત્યંત આનંદ થશે. સભ્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક અને સભ્યતાના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા માટેની આ ભારતની એક મુખ્ય (ફ્લેગશિપ) પહેલ રહી છે.
બિશ્કેક ડીકલેરેશન (બિશ્કેક ઘોષણાપત્ર) ઉપરાંત, આબોહવા, પરમાણુ સુરક્ષા, ઊર્જા સંરક્ષણ અને નશીલા પદાર્થોના વ્યસન સામે લડવા જેવા વિવિધ ક્ષેત્રોમાં ચાર MoU (સમજૂતી કરાર) અને વીસથી વધુ નિર્ણયો તથા નિવેદનો અપનાવવામાં આવ્યા હતા.
ભારતે ઘણી એવી પહેલોનું નેતૃત્વ અને સમર્થન કર્યું જેણે બિશ્કેક ડીકલેરેશનમાં સ્થાન મેળવ્યું છે, જેમ કે SCO ચાર્ટરમાં અંગ્રેજીને સત્તાવાર ભાષા તરીકે સમાવવી; સિવિલાઈઝેશન ડાયલોગ ફોરમ; યંગ સાયન્ટિસ્ટ ફોરમ; અને યંગ ઓથર્સ કોન્ક્લેવ.
પ્રધાનમંત્રીએ સમિટના સફળ આયોજન માટે રાષ્ટ્રપતિ મહામહિમ સદિર જપારોવનો આભાર માન્યો હતો. તેમણે વહેંચાયેલી પ્રગતિ અને સમૃદ્ધિ માટે SCO પરિવાર સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2305759)
મુલાકાતી સંખ્યા : 10