સંરક્ષણ મંત્રાલય
જ્ઞાન પ્રાપ્ત કરો, બંધારણીય માધ્યમો દ્વારા અસત્ય કે અન્યાય સામે સવાલ ઉઠાવો અને લોકશાહી પદ્ધતિઓ દ્વારા પરિવર્તન લાવો: યુવાનોને રક્ષા મંત્રીનું સંબોધન
“યુવાનોએ નોકરીદાતા, સમસ્યા નિવારક અને સકારાત્મક પરિવર્તનના વાહક બનવું જોઈએ, વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા એકજૂથ 'ટીમ ઇન્ડિયા'ના ભાગ તરીકે કામ કરવું જોઈએ”
“સરકાર એવા ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે જ્યાં યુવાનો ઉત્કૃષ્ટ સમાજ માટે સંશોધન, નવીનતા, પ્રયોગો, સર્જન અને ઉકેલો વિકસાવી શકે”
આર્થિક શક્તિ રાષ્ટ્રને સમૃદ્ધ બનાવે છે, જ્યારે સાંસ્કૃતિક આત્મવિશ્વાસ તેને મહાન બનાવે છે: શ્રી રાજનાથ સિંહે યુવાનોને ભારતની સભ્યતા અને વારસા પર ગર્વ લેવા વિનંતી કરી
પોસ્ટેડ ઓન:
29 AUG 2026 3:31PM by PIB Ahmedabad
“ડૉ. બી.આર. આંબેડકરનો ‘શિક્ષિત બનો, જાગૃત બનો અને સંગઠિત બનો’ નો મંત્ર એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવું, હિંસા દ્વારા નહીં પરંતુ બંધારણીય માધ્યમો દ્વારા અન્યાય સામે સવાલ ઉઠાવવો અને લોકશાહી પદ્ધતિઓ દ્વારા પરિવર્તન લાવવા માટે એકજૂથ થવું,” તેમ રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે 29 ઓગસ્ટ, 2026 ના રોજ ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આવેલી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું. સામાજિક પરિવર્તન લાવવામાં બંધારણીય પદ્ધતિઓના મહત્વ પર ભાર મૂકતા રક્ષા મંત્રીએ કહ્યું હતું કે ડૉ. આંબેડકરે બંધારણ સભામાં પોતાના અંતિમ ભાષણમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સામાજિક અને આર્થિક ઉદ્દેશ્યો બંધારણીય માધ્યમો દ્વારા જ પ્રાપ્ત કરવા જોઈએ. બાબાસાહેબે ચેતવણી આપી હતી કે જ્યારે લોકશાહી અને બંધારણીય માર્ગો ઉપલબ્ધ હોય, ત્યારે હિંસા, અરાજકતા કે ગેરબંધારણીય પદ્ધતિઓનો આશરો લેવાનું વાજબી ઠેરવી શકાય નહીં, અને તેમણે આવી પદ્ધતિઓને "અરાજકતાનું વ્યાકરણ" ગણાવીને તેનો ત્યાગ કરવા જણાવ્યું હતું.

રક્ષા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓએ ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના આદર્શોથી પ્રેરિત યુવા મનને ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી તેઓ રાષ્ટ્ર નિર્માણમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે. સર્વગ્રાહી શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે સાચું શિક્ષણ વ્યવહારુ અને સમસ્યા નિવારણના કૌશલ્યોને તેજ કરવાની સાથે વિચારવાની અને સમજવાની ક્ષમતા વિકસાવે છે. જો કે, તેમણે કહ્યું કે તેની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા વ્યક્તિઓને મૂલ્યો અને સંવેદનશીલતા કેળવીને સમાજના લાભ માટે તેમના જ્ઞાનનો ઉપયોગ કરતા શીખવવાની છે.
શ્રી રાજનાથ સિંહે ડૉ. બી.આર. આંબેડકરના ચારિત્ર્ય અને નમ્રતા પરના ભારને યાદ કર્યો હતો, જેમાં તેમણે રેખાંકિત કર્યું હતું કે જ્ઞાન અને સિદ્ધિઓ નૈતિક મૂલ્યો અને નૈતિક આચરણમાં મૂળ ધરાવતી હોવી જોઈએ. સ્વામી વિવેકાનંદના વિઝનનો સંદર્ભ આપતા, તેમણે યુવાનોને માત્ર વ્યક્તિગત સફળતા માટે જ નહીં પરંતુ નોકરીદાતા, સમસ્યા નિવારક અને સકારાત્મક પરિવર્તનના વાહક બનીને ભારતના પરિવર્તનમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
નવી ટેકનોલોજી અને નવીનતાઓ દ્વારા નવી તકો ઊભી થવાની સાથે વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું હોવાનું જણાવતા રક્ષા મંત્રીએ વિદ્યાર્થીઓને સતત શીખવા અને અનુકૂલન સાધવા માટે પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે જેઓ સતત શીખવા અને નવા કૌશલ્યો પ્રાપ્ત કરવા તૈયાર છે તેઓ ઝડપથી વિકસતી દુનિયામાં પ્રગતિ કરવા માટે સૌથી વધુ સજ્જ હશે.

રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક પ્રયાસોના મહત્વ પર ભાર મૂકતા શ્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે વ્યક્તિગત પ્રયાસો પ્રગતિમાં યોગદાન આપી શકે છે, પરંતુ એકજૂથ સંકલ્પ વિકાસની ગતિને અનેકગણી ઝડપી બનાવી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને ‘ટીમ ઇન્ડિયા’ના ભાગ તરીકે કામ કરવા અને 2047 સુધીમાં વિકસિત ભારતના સહિયારા લક્ષ્ય તરફ યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
રક્ષા મંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે સફળતા ઘણીવાર સાનુકૂળ પરિસ્થિતિઓમાં નહીં પરંતુ વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરીને મેળવવામાં આવે છે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે દ્રઢ સંકલ્પ, સ્થિતિસ્થાપકતા અને સખત પરિશ્રમ પડકારોને તકોમાં બદલી શકે છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે પણ ‘આત્મનિર્ભર ભારત’ને પ્રોત્સાહન આપીને, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટ-અપ્સ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત કરીને પડકારોને તકોમાં બદલવાનો પ્રયાસ કર્યો છે. તેમણે વિદ્યાર્થીઓને અનિશ્ચિતતાથી ન ડરવા, પરંતુ ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરવા, સમર્પણ સાથે કામ કરવા અને સતત આત્મ-સુધારણા માટે પ્રયત્નશીલ રહેવા વિનંતી કરી હતી, જે સફળતાની ચાવી છે.
અંતરિક્ષ ક્ષેત્રે ભારતની વધતી જતી સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે દેશે મર્યાદિત સંસાધનો સાથે મિશન શરૂ કરવાથી લઈને માનવસહિત અંતરિક્ષ ઉડાન અને ભારતીય અંતરિક્ષ મથક સહિતના અદ્યતન કાર્યક્રમો હાથ ધરવા સુધીની પ્રગતિ કરી છે. તેમણે ખાનગી ક્ષેત્રની વધતી જતી ભૂમિકાને પણ રેખાંકિત કરી હતી, જેમાં ભારતીય સ્પેસ સ્ટાર્ટ-અપ્સ લોંચ વ્હીકલ્સ અને સેટેલાઇટ ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યા છે.
છેલ્લા 12 વર્ષોમાં શિક્ષણ, સંશોધન અને નવીનતાના ઇકોસિસ્ટમમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ અંગે રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે સંશોધન અને વિકાસ પરનો ખર્ચ બમણો થયો છે, 34 વર્ષ પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દાખલ કરવામાં આવી છે, અને ભારતીય યુવાનો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે, સ્ટાર્ટ-અપ્સ શરૂ કરી રહ્યા છે, યુનિકોર્ન બનાવી રહ્યા છે અને અદ્યતન ટેકનોલોજી વિકસાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત વૈશ્વિક સ્તરે ઇનોવેશન પાવરહાઉસ બની રહ્યું છે કારણ કે તે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં આગળ વધ્યું છે અને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે સરકાર એવા ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે જ્યાં યુવાનો ઉત્કૃષ્ટ સમાજ માટે સંશોધન, નવીનતા, પ્રયોગો, સર્જન અને ઉકેલો વિકસાવી શકે.

શ્રી રાજનાથ સિંહે દેશની સંસ્કૃતિ, સભ્યતા અને વારસાને જાળવી રાખવા અને તેના પર ગર્વ લેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત તરફની સફર માત્ર આર્થિક વિકાસથી માપી શકાય નહીં. આર્થિક શક્તિ રાષ્ટ્રને સમૃદ્ધ બનાવે છે, જ્યારે સાંસ્કૃતિક આત્મવિશ્વાસ તેને મહાન બનાવે છે, તેમ તેમણે ભારતીય ભાષાઓ, ભારતીય જ્ઞાન પરંપરા અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો પર ભાર મૂકતાં કહ્યું હતું.
“ભારત માત્ર એક મોટી અર્થવ્યવસ્થા તરીકે જ નહીં, પરંતુ પોતાની સભ્યતા, સંસ્કૃતિ અને ક્ષમતામાં વિશ્વાસ ધરાવતા રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. આજે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે વિશ્વ સાંભળે છે. આપણે માત્ર નિયમોનું પાલન નથી કરતા; આપણે નિયમો બનાવીએ છીએ. આજની પેઢીને રાષ્ટ્રની ઓળખ પર ગર્વ છે, તેની સભ્યતામાં શ્રદ્ધા છે અને ભવિષ્યમાં વિશ્વાસ છે. ‘નવા ભારત’માં આવેલું આ સૌથી મહત્વપૂર્ણ પરિવર્તન છે. ‘મેક ઇન ઇન્ડિયા’ની સફળતા પાછળ ‘બીલીવ ઇન ઇન્ડિયા’ની ભાવના રહેલી છે,” તેમ રક્ષા મંત્રીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી શ્રી બ્રજેશ પાઠક, બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી, લખનૌના વાઇસ ચાન્સેલર પ્રો. રાજ કુમાર મિત્તલ અને યુનિવર્સિટીના ફેકલ્ટી તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2304517)
મુલાકાતી સંખ્યા : 18