સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
“મિશન ઝીરો – સફાઈ કાર્યમાં મૃત્યુનો અંત” પર રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ
સફાઈ કાર્યમાં શૂન્ય મૃત્યુ હાંસલ કરવું એ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ મુખ્ય રાષ્ટ્રીય પ્રાથમિકતા છે; સુરક્ષિત, વ્યવસ્થિત અને સન્માનજનક સફાઈ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે સમગ્ર સરકારના સંકલિત અભિગમની જરૂરિયાત: સચિવ સુધાંશ પંત
સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા અને વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાની તકો સુનિશ્ચિત કરવા માટે નમસ્તે (NAMASTE) અને ગરિમા (GARIMA) યોજનાઓ
प्रविष्टि तिथि:
22 AUG 2026 3:51PM by PIB Ahmedabad
સંસ્થાકીય પ્રણાલીઓને મજબૂત કરવા, યોગ્ય ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા, ઓપરેશનલ સજ્જતા સુનિશ્ચિત કરવા અને દેશના તમામ શહેરોમાં યાંત્રિક સફાઈ સેવાઓનો વિસ્તાર કરવાના ભાગરૂપે, આજે ઓડિશાના ભુવનેશ્વર સ્થિત લોકસેવા ભવનના સ્ટેટ કન્વેન્શન સેન્ટર ખાતે “મિશન ઝીરો: સફાઈ કાર્યમાં મૃત્યુનો અંત” વિષય પર એક રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યશાળામાં ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝી ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહાનુભાવોમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સચિવ શ્રી સુધાંશ પંત; ઓડિશા સરકારના મુખ્ય સચિવ શ્રીમતી અનુ ગર્ગ; ઓડિશા સરકારના હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના અગ્ર સચિવ શ્રીમતી ઉષા પાઢી; સીપીએચઈઈઓ (CPHEEO) ના એડવાઈઝર શ્રી વી. કે. ચોરશિયા; વોટકો (WATCO) ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દેબબ્રત મોહંતી; 'નમસ્તે' યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી એન્સકેએફડીસી (NSKFDC) ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રભાત કુમાર સિંહ; યુએમસી (UMC) ના શ્રીમતી મેઘના મલ્હોત્રા અને શ્રી ઝર્ક્સીસ રાવ; ભુવનેશ્વર


મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી ચંચલ રાણા (IAS); અને પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડૉ. વિજય સૂર્યવંશી (IAS) ઉપસ્થિત રહ્યા હતા.
વરિષ્ઠ સરકારી અધિકારીઓ, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (ULBs), સફાઈ ક્ષેત્રના નિષ્ણાતો, ઉત્પાદકો, ટેકનોલોજી પ્રદાતાઓ, નાગરિક સમાજ સંગઠનો અને સફાઈ કામદારોએ એક સુરક્ષિત, સન્માનજનક અને પૂર્ણપણે યાંત્રિક સફાઈ ઇકોસિસ્ટમ બનાવવા માટે વિચાર-મંથન કર્યું હતું.

કાર્યશાળામાં સફાઈ કાર્યમાં શૂન્ય મૃત્યુ હાંસલ કરવાના સર્વોચ્ચ ઉદ્દેશ્ય સાથે સંસ્થાકીય પ્રણાલીઓને મજબૂત કરવા, યોગ્ય ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા, ઓપરેશનલ સજ્જતા સુનિશ્ચિત કરવા અને શહેરોમાં યાંત્રિક સફાઈ સેવાઓનો વિસ્તાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

કાર્યશાળાને સંબોધતા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સચિવ શ્રી સુધાંશ પંતે પુનરોચ્ચાર કર્યો કે સફાઈ કાર્યમાં શૂન્ય મૃત્યુ હાંસલ કરવું એ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ એક મુખ્ય રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. તેમણે સફાઈ સેવાઓ સુરક્ષિત રીતે, વ્યવસ્થિત રીતે અને સન્માનજનક રીતે પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે સમગ્ર સરકારના સંકલિત અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
શ્રી પંતે એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા અને વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાની તકો સુનિશ્ચિત કરવા માટે નમસ્તે (NAMASTE) અને ગરિમા (GARIMA) યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે 2024 માં શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા સારથિ/કચરો વીણનારા (waste picker) ઘટકે, કચરો વીણનારાઓને સામાજિક અને આર્થિક સશક્તિકરણ પહેલોના દાયરામાં લાવીને માળખાને વધુ મજબૂત બનાવ્યું છે.
સચિવશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઇમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટ્સ (ERSUs) દ્વારા વ્યવસ્થિત સફાઈ સેવા પહોંચાડવાનું સુનિશ્ચિત કરવા, મિશન ઝીરો એજન્ડાને આગળ ધપાવવા અને સફાઈ કામદારો અને તેમના પરિવારો માટે કલ્યાણકારી પગલાંઓની સંતૃપ્તિ (saturation) હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે 'નમસ્તે' યોજનાને 2031 સુધી લંબાવવામાં આવી છે.
કાર્યશાળાએ હિતધારકોને અનુભવો શેર કરવા, નવીનતાઓ પ્રદર્શિત કરવા અને સલામત સફાઈ કામગીરી માટેના વ્યવહારુ ઉકેલો પર ચર્ચા કરવા માટે એક મંચ પણ પૂરો પાડ્યો હતો.
સચિવશ્રીએ સુરક્ષા ઉપકરણો અને સાધનોના માર્કેટપ્લેસની મુલાકાત લીધી હતી અને સફાઈ કામદારોની સુરક્ષા અને કાર્યક્ષમતા વધારવા માટે રચાયેલ ટેકનોલોજી અને સાધનોનું પ્રદર્શન કરતા હિતધારકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે કચરો વીણનારાઓ અને સફાઈ કામદારોના 'વેસ્ટ-ટુ-વેલ્થ' સ્વસહાય જૂથો દ્વારા ઉભા કરવામાં આવેલા સ્ટોલની પણ મુલાકાત લીધી હતી, જેમાં આજીવિકા સર્જન, સાહસિકતા અને ટકાઉ કચરા વ્યવસ્થાપનની તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ભારત સરકાર અને ઓડિશા સરકારના પ્રતિનિધિઓ, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ, સીપીએચઈઈઓ (CPHEEO), સફાઈ ક્ષેત્રની સંસ્થાઓ, નાગરિક સમાજ સંગઠનો, ટેકનોલોજી અને સાધન પ્રદાતાઓ તેમજ સફાઈ કામદારો એકસાથે આવ્યા હતા.

વિવિધ હિતધારકોની ભાગીદારીએ ખતરનાક મેન્યુઅલ સફાઈ પદ્ધતિઓને નાબૂદ કરવા માટે સરકારો, યુએલબી (ULBs), ટેકનોલોજી પ્રદાતાઓ અને સમુદાયો વચ્ચે સંકલિત કાર્યવાહીના મહત્વ પર ભાર મૂક્યો હતો.
કાર્યશાળાએ એક સુરક્ષિત, સન્માનજનક, ટેકનોલોજી-સંચાલિત અને ટકાઉ સફાઈ ઇકોસિસ્ટમ બનાવવાની સામૂહિક પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી, જ્યાં કોઈ પણ સફાઈ કામદાર સફાઈની ફરજો બજાવતી વખતે પોતાનો જીવ ન ગુમાવે.
મિશન ઝીરો અભિગમનો ઉદ્દેશ્ય યાંત્રીકીકરણ, સંસ્થાકીય સજ્જતા, કામદારોની સુરક્ષા, સામાજિક સુરક્ષા અને આજીવિકા સહાય દ્વારા સફાઈ કાર્યમાં પરિવર્તન લાવવાનો છે, જે દેશભરમાં સફાઈ કાર્યમાં શૂન્ય મૃત્યુ તરફનો માર્ગ મોકળો કરે છે.
SM/NP/JD
(रिलीज़ आईडी: 2302353)
आगंतुक पटल : 9