PIB Backgrounder
azadi ka amrit mahotsav

ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) સુધારા અધિનિયમ, 2026

प्रविष्टि तिथि: 19 AUG 2026 5:25PM by PIB Ahmedabad

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

પ્ર. રાજ્ય સરકારો દ્વારા ખાણોમાંથી કયા પ્રકારની આવક એકત્રિત કરવામાં આવે છે?

હાલમાં રાજ્યોને રોયલ્ટી, ઓક્શન પ્રીમિયમ, ડેડ રેન્ટ, જિલ્લા ખનિજ ફાઉન્ડેશન (DMF)ને કરવામાં આવતી ચુકવણી, GST અને ટ્રાન્ઝિટ ફી સહિત આશરે 14 પ્રકારના કર, ચાર્જ, ફી અને અન્ય વસૂલાત પ્રાપ્ત થઈ રહી છે. વધુમાં, કેટલાક રાજ્યોએ ખનિજ ધરાવતી જમીન પર પણ કર લાદ્યો છે, જેના પરિણામે સરકારી કંપનીઓ પર વધારાનો નાણાકીય બોજ પડી રહ્યો છે. કેટલાક કિસ્સાઓમાં આવા કરનો દર 20 ટકા જેટલો ઊંચો છે.

પ્ર. રાજ્ય અને કેન્દ્ર વચ્ચે ખનિજ આવકની ફાળવણી કેવી રીતે થાય છે?

હાલમાં, ખનન ક્ષેત્રમાંથી ઉત્પન્ન થતી આવકમાંથી આશરે 90% રાજ્યોને મળે છે. છેલ્લા દાયકામાં, કુલ ખનિજ આવક (કોલસો અને બિન-કોલસો) માં રાજ્યોનો હિસ્સો વાસ્તવમાં આશરે 28 ટકા વધીને 2025-26 માં આશરે 1,14,549.28 કરોડ સુધી પહોંચી ગયો છે. આ અધિનિયમના પસાર થવાથી રાજ્યોને મળતી આવકમાં કોઈ ઘટાડો થશે નહીં. રાજ્યો ખનિજ ઉત્પાદનમાંથી મળતી આવકના આશરે 90% મેળવવાનું ચાલુ રાખશે.

પ્ર. 2015થી ખનિજ ક્ષેત્રે કયા મુખ્ય સુધારાઓ કરવામાં આવ્યા છે?

ખનન ક્ષેત્રમાં 2015થી નીચે મુજબના પગલાં લેવામાં આવ્યા છે, જેણે તેને પારદર્શક, સ્પર્ધાત્મક અને ભવિષ્યની માંગ માટે વધુ સારી રીતે સજ્જ બનાવ્યું છે:

  • સ્પર્ધાત્મક ઈ-હરાજી અને ખાણ ખોલવાનું રેકોર્ડ વર્ષ:

ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) અધિનિયમમાં 2015માં કરવામાં આવેલા સુધારાથી ખનિજ ક્ષેત્રમાં છૂટછાટોની વિવેકાધીન ફાળવણીનો અંત આવ્યો હતો. ત્યારથી 17 રાજ્યોમાં કુલ 723 મુખ્ય ખનિજ બ્લોકની હરાજી કરવામાં આવી છે. તેમાં રાજસ્થાન 140 બ્લોક સાથે, મધ્ય પ્રદેશ 127 બ્લોક સાથે અને ઓડિશા 76 બ્લોક સાથે મોખરે છે. નાણાકીય વર્ષ 2025-26 અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે, જેમાં રેકોર્ડ 212 બ્લોકની હરાજી કરવામાં આવી અને 36 બ્લોકને કાર્યરત કરવામાં આવ્યા. કોલસા ક્ષેત્રમાં 141 ખાણોની હરાજી કરવામાં આવી છે, જેમાંથી 23 ખાણોને કાર્યરત કરવામાં આવી છે.

  • ઉત્પાદન અને વૈશ્વિક સ્થાનમાં વૃદ્ધિ:

નાણાકીય વર્ષ 2025-26 માં મુખ્ય ખનિજ ઉત્પાદનના મૂલ્યમાં 26.8 ટકાનો વધારો થયો છે. લોખંડની અયસ્ક (આયર્ન ઓર) રેકોર્ડ 313 મિલિયન ટન અને ચૂનાનો પથ્થર (લાઇમસ્ટોન) 484 મિલિયન ટને પહોંચ્યો છે. છેલ્લા બે વર્ષમાંથી દરેકમાં કોલસાનું ઉત્પાદન એક અબજ ટનને વટાવી ગયું છે, અને 2014 થી બિન-કોલસાનું ઉત્પાદન લગભગ ત્રણ ગણું થઈ ગયું છે. ભારત હવે ચૂનાના પથ્થરમાં વૈશ્વિક સ્તરે બીજા, જસતમાં ત્રીજા, લોખંડના અયસ્કમાં ચોથા અને બોક્સાઇટમાં પાંચમા ક્રમે છે.

  • નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન અને વિદેશી સ્ત્રોત:

નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન (NCMM) ને નાણાકીય વર્ષ 2030-31 સુધી રૂ. 2,600 કરોડની બજેટરી સહાય સહિત રૂ. 16,300 કરોડના ખર્ચ સાથે 29 જાન્યુઆરી 2025ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI) અને નેશનલ મિનરલ એક્સપ્લોરેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ (NMEDT) 1,200 ક્રિટિકલ મિનરલ પ્રોજેક્ટ્સ તરફ કામ કરી રહ્યા છે. NMEDT દ્વારા રૂ. 3,828.52 કરોડના ખર્ચે મંજૂર કરાયેલા 777 પ્રોજેક્ટ્સમાંથી 255 ક્રિટિકલ મિનરલ્સ સંબંધિત છે. 2025 નો સુધારો NMEDT ને વિદેશમાં ઉત્ખનનને ટેકો આપવાની મંજૂરી આપે છે. ખનિજ બિદેશ ઇન્ડિયા લિમિટેડ (KABIL) એ આર્જેન્ટિનામાં લિથિયમ ઉત્ખનનના વિશિષ્ટ અધિકારો સુરક્ષિત કર્યા છે.

  • પ્રોસેસિંગ, રિસાઇક્લિંગ અને રિસર્ચ ક્ષમતા:

2 ઓક્ટોબર 2025ના રોજ ક્રિટિકલ મિનરલ રિસાઇક્લિંગ માટે રૂ. 1,500 કરોડની પ્રોત્સાહક યોજના શરૂ કરવામાં આવી હતી. તેણે 270Kt ના લક્ષ્યાંક સામે પ્રતિ વર્ષ 850 હજાર ટનની ક્ષમતાનું વચન આપતી 58 સંસ્થાઓને આકર્ષિત કરી છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, ઓડિશા અને મહારાષ્ટ્રમાં રૂ. 500 કરોડ સાથે ક્રિટિકલ મિનરલ પ્રોસેસિંગ પાર્ક્સ (CMPPs) ને ટેકો આપવામાં આવી રહ્યો છે. ક્રમિક ત્રણ બજેટમાં ક્રિટિકલ મિનરલ્સ, લિથિયમ-આયન બેટરી સ્ક્રેપ અને પ્રોસેસિંગ કેપિટલ ગુડ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી દૂર કરવામાં આવી છે. MAHA મિશન હેઠળ રૂ. 210 કરોડ સાથે નવ સંસ્થાઓને સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (CoEs) તરીકે નામ આપવામાં આવ્યું છે.

  • એક વ્યાપક અને વધુ સારી ભંડોળ ધરાવતું ઉત્ખનન ઇકોસિસ્ટમ:

2014થી ઉત્ખનન પ્રવૃત્તિમાં લગભગ 200 ગણો વધારો થયો છે, જેમાં 51 ખાનગી એજન્સીઓ હવે આ કામ માટે સૂચિત (નોટિફાઇડ) કરવામાં આવી છે. NMEDT યોગદાન વધારીને 3 ટકા કરવામાં આવ્યું છે, અને પ્રત્યક્ષ ઉત્ખનન ખર્ચના અડધા ભાગની ભરપાઈ કરવામાં આવે છે. ઉત્ખનન ખર્ચની ભરપાઈ માટેની મર્યાદા ઉત્ખનન લાઇસન્સ ધારકો માટે રૂ. 20 કરોડ અને કમ્પોઝિટ લાઇસન્સ ધારકો માટે રૂ. 8 કરોડ છે. GSI એ ફિલ્ડ સીઝન 2025-26માં 457 પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે, જેમાં ક્રિટિકલ અને વ્યૂહાત્મક ખનિજો પરના 230 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જ્યારે NMEDT 2024-25 માં આવા 62 પ્રોજેક્ટ્સ અને 2025-26 માં 84 પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડ્યું હતું.

  • સરળ કામગીરી અને ડિજિટલ મોનિટરિંગ:

ખાણકામ લીઝ (પટ્ટા) હવે 10 ટકા સુધીનું એક વખતનું વિસ્તાર વિસ્તરણ અને કમ્પોઝિટ લાઇસન્સ 30 ટકા સુધી લઈ શકે છે. કેપ્ટિવ ખાણોમાંથી ખનિજના વેચાણ પરની મર્યાદા દૂર કરવામાં આવી છે, સાથે લીઝમાં ક્રિટિકલ, વ્યૂહાત્મક અથવા ઊંડા સ્થિત ખનિજો ઉમેરવા માટેની વધારાની ચુકવણી પણ દૂર કરવામાં આવી છે. રાજ્યો સાથે મળીને નિર્મિત યુનિફાઇડ માઇનિંગ પોર્ટલ (UMP), હરાજીથી લઈને કાર્યરત થવા સુધી સમગ્ર બ્લોકની લાઇફસાઇકલને ટ્રેક કરે છે. કોલસા અને ખનિજ એક્સચેન્જો વાજબી કિંમતની શોધને વધુ ટેકો આપે છે.

પ્ર. 2015ના સુધારાએ ખાણકામથી અસરગ્રસ્ત લોકોના લાભો વહેંચવામાં કેવી રીતે યોગદાન આપ્યું છે?

2015માં, કેન્દ્ર સરકારે ખાણકામથી અસરગ્રસ્ત લોકો સાથે ખાણકામના લાભો વહેંચવા માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) ની કલ્પના રજૂ કરી હતી. સ્થાનિક કલ્યાણ માટે પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના (PMKKKY) અને 656 ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન્સ (DMFs) ની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં આકાંક્ષી જિલ્લાઓમાં 106 સમાવિષ્ટ છે. DMF હેઠળ એકત્રિત કરાયેલી સમગ્ર રકમનો ઉપયોગ સ્થાનિક વિકાસ પ્રકલ્પો (પ્રોજેક્ટ્સ) માટે થાય છે, જેમાં જિલ્લા વહીવટીતંત્ર ભંડોળ આપવાના ક્ષેત્રો અને પ્રોજેક્ટ્સ નક્કી કરે છે. આ પહેલો રસ્તા, હોસ્પિટલો, શાળાઓ, પીવાનું પાણી અને સુધારેલી જીવનશૈલી જેવી આવશ્યક પાયાની સુવિધાઓ અને સેવાઓને ટેકો આપે છે.

પ્ર. 2026ના સુધારા અધિનિયમ દ્વારા ખનિજોની આયાત પરની નિર્ભરતાના મુદ્દાને કેવી રીતે ઉકેલવામાં આવે છે?

આ અધિનિયમ સ્થાનિક આર્થિક વૃદ્ધિ અથવા પ્રાદેશિક વૃદ્ધિ અને રાષ્ટ્રીય વ્યૂહાત્મક હિતો બંને માટે એક સ્થિર અને તર્કસંગત કર માળખું પૂરું પાડે છે. આ સ્થિરતા રોકાણને આકર્ષિત કરશે, ક્રિટિકલ ખનિજોના ઉત્પાદનને વેગ આપશે અને ખનિજોની આયાત પર નિર્ભરતા ઘટાડશે.

પ્ર. શું સુધારા અધિનિયમ 2026 ખનિજ-સંપન્ન રાજ્યો માટે મહેસૂલના સ્ત્રોતને અસર કરશે?

હાલમાં રાજ્યો દ્વારા ખનન કામગીરી પર આશરે 14 પ્રકારના કર, ચાર્જ, ફી અને અન્ય વસૂલાત લાદવામાં આવી રહી છે.

હાલમાં ખનન ક્ષેત્રમાં વસૂલવામાં આવતા કુલ કર અને કાયદેસર ચૂકવણીઓમાંથી આશરે 90 ટકા રકમ રાજ્યોને મળે છે અને આ સ્થિતિ સુધારા પછી પણ યથાવત રહેશે. તેથી, MMDR અધિનિયમમાં કરવામાં આવેલા વર્તમાન સુધારાને કારણે રાજ્યોને કોઈપણ પ્રકારનું મહેસૂલી નુકસાન થશે નહીં.

આ અધિનિયમ લાંબા ગાળાની નાણાકીય નિશ્ચિતતા સ્થાપિત કરે છે, કારણ કે ખાણકામ પ્રોજેક્ટ્સ માટે વર્ષો સુધી એકસાથે વિશાળ મૂડીની જરૂર પડે છે. આ અધિનિયમથી રાજ્ય સરકારના ઉત્પાદન અને મહેસૂલમાં વધારો થશે.

પ્ર. શું આ અધિનિયમ રાજ્યોને મળતા મહેસૂલને અસર કરે છે?

આ અધિનિયમ રાજ્યોને મળતા મહેસૂલમાં ઘટાડો કરતો નથી. રાજ્યો રોયલ્ટી, ઓક્શન પ્રીમિયમ, DMF અને GSTમાં તેમનો હિસ્સો મેળવવાનું ચાલુ રાખશે. 2015માં હરાજી શાસન શરૂ થયું ત્યારથી, રાજ્યોને કોલસા સહિત ખાણકામ ક્ષેત્રમાંથી રૂ. 7 લાખ કરોડથી વધુ રકમ મળી છે. આજે, ખાણકામ-ક્ષેત્રના મહેસૂલનું આશરે 96% રાજ્યોને મળે છે, જ્યારે કેન્દ્રને GST દ્વારા આશરે 4% મળે છે. તેના બદલે આ અધિનિયમ ખાણકામ પ્રોજેક્ટ્સને આર્થિક રીતે સક્ષમ રાખવા માંગે છે, જેથી ઉચ્ચ ઉત્પાદન, રોકાણ અને સતત ખાણકામ પ્રવૃત્તિ રાજ્યો માટે વધુ ટકાઉ મહેસૂલ ઉત્પન્ન કરે. વાસ્તવમાં, છેલ્લા દાયકામાં રાજ્ય ખનિજ મહેસૂલમાં આશરે 354% નો વધારો થયો છે, જે 2025-26 માં આશરે રૂ. 82,366 કરોડ સુધી પહોંચી ગયો છે.

પ્ર. આ અધિનિયમ અર્થતંત્રને કેવી રીતે મદદ કરે છે?

અનુમાનિત નાણાકીય શાસન બનાવીને, લાંબા ગાળાનો નીતિગત દ્રષ્ટિકોણ દેશમાં વધુ ઉદ્યોગ ભાગીદારી અને વિદેશી રોકાણને આકર્ષિત કરશે. રોકાણકારોએ તેમની કર જવાબદારી અગાઉથી જાણવાની જરૂર છે. આ સ્થિરતા રોકાણને આકર્ષિત કરશે, ક્રિટિકલ ખનિજોના ઉત્પાદનને વેગ આપશે, આયાત પર નિર્ભરતા ઘટાડશે અને વિકસિત ભારત 2047ના દ્રષ્ટિકોણને સરળ બનાવશે.

પ્ર. રાજ્ય દ્વારા લાદવામાં આવતા ખનિજ કર સામાન્ય નાગરિકને કેવી રીતે નુકસાન અસર કરે છે?

ખનિજો સ્ટીલ, વીજળી, સિમેન્ટ અને માળખાગત સુવિધાઓ માટેના મુખ્ય કાચા માલ છે. જ્યારે રાજ્યો દ્વારા ખનિજના નિષ્કર્ષણના તબક્કે ભારે કર લાદવામાં આવે છે, ત્યારે તેની કાસ્કેડિંગ અસરથી ખનિજની ઇનપુટ કિંમત વધે છે. પરિણામે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે અને અંતે સામાન્ય નાગરિક માટે જીવનનિર્વાહનો ખર્ચ પણ વધે છે.

પ્ર. શું આ અધિનિયમનો લાભ માત્ર ગણતરીની કેટલીક મોટી કંપનીઓને જ મળશે?

આ અધિનિયમનો હેતુ કોઈ ચોક્કસ કંપનીને લાભ પહોંચાડવાનો નથી. તેનો હેતુ ખનન ક્ષેત્રમાં કર માળખામાં સ્પષ્ટતા, નિયમન અને કાયદાકીય સુધારો લાવવાનો છે. આજે ખનિજ બ્લોકની ફાળવણી કોઈની વિવેકાધીન સત્તા હેઠળ થતી નથી. તમામ બ્લોકની ફાળવણી સ્પર્ધાત્મક બિડિંગના આધારે 100 ટકા પારદર્શક ઈ-હરાજી દ્વારા કરવામાં આવે છે. 2014 પહેલાંની વ્યવસ્થા હવે અસ્તિત્વમાં નથી. હાલમાં ફાળવણી વ્યક્તિગત પસંદગી કે પ્રભાવના આધારે નહીં, પરંતુ સૌથી વધુ બોલી લગાવનારના આધારે થાય છે. અત્યાર સુધીમાં આશરે 725 ખનિજ બ્લોકની હરાજી કરવામાં આવી છે, જેમાંથી 105 બ્લોક કાર્યરત છે. તેવી જ રીતે, 141 કોલસા ખાણોની સફળતાપૂર્વક હરાજી કરવામાં આવી છે, જેમાંથી 23 ખાણો કાર્યરત છે.

હરાજી પ્રક્રિયા PSUs, MSMEs, સ્ટાર્ટઅપ્સ, ભારતીય કંપનીઓ અને વૈશ્વિક કંપનીઓને સમાન તક આપે છે. હરાજી કરાયેલા 725 મુખ્ય ખનિજ બ્લોક્સમાંથી, 300 અનન્ય (યુનિક) બોલીદાતાઓ છે. અને, દેશમાં કાર્યરત કુલ ખાણોમાંથી, ખાણકામ લીઝ ધરાવતી 337 અનન્ય કંપનીઓ છે. જો જૂની અને અનિશ્ચિત કર માંગણીઓ ભૂતકાળની અસરથી (રેટ્રોસ્પેક્ટિવલી) અથવા બધી એકસાથે લાદવામાં આવે, તો તે સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ અને પાવર જેવા ક્ષેત્રોને ગંભીર રીતે અસર કરી શકે છે. તેની અસર આખરે પાયાની સુવિધાઓ, ગૃહ નિર્માણ, વીજળી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓના ઊંચા ખર્ચ દ્વારા સામાન્ય નાગરિક સુધી પહોંચશે. આ અધિનિયમ રાજ્યના તિજોરીમાંથી કોઈ કોર્પોરેટને નાણાં ટ્રાન્સફર કરતો નથી અને કોઈની બાકી લેણી રકમ માફ કરતો નથી. તે માત્ર ખનન ક્ષેત્ર અને વ્યાપક અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર કરી શકે તેવી વસૂલાતને નિયંત્રિત કરવા માટે સ્પષ્ટ કાનૂની માળખું પૂરું પાડે છે. આનો ઉદ્દેશ્ય કાનૂની વિવાદો ઘટાડવા, નીતિગત નિશ્ચિતતા પ્રદાન કરવા અને સ્થિર તથા સ્પર્ધાત્મક ખનન ક્ષેત્રનું નિર્માણ કરવાનો છે, જેથી ઉદ્યોગ અને દેશ બંનેનો વિકાસ થઈ શકે.

પ્ર. શું સુધારા અધિનિયમ દ્વારા કરવામાં આવેલ ફેરફાર ગૌણ ખનિજોને પણ લાગુ પડે છે?

ના. MMDR સુધારા અધિનિયમ, 2026 હેઠળ એવા ગૌણ ખનિજો પર કોઈ અસર થતી નથી, જેનું નિયમન અને નિયંત્રણ સંપૂર્ણપણે રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે છે. આ શ્રેણીમાં રેતી, કાંકરી, માટી, સિલિકા, ગ્રેનાઈટ, માર્બલ, જીપ્સમ, લેટેરાઈટ અને અન્ય સહિત લગભગ 50 ગૌણ ખનિજો આવે છે. આ અધિનિયમ આ ગૌણ ખનિજોનું નિયમન, વહીવટ અથવા તેમના પર કર લાદવાની રાજ્ય સરકારોની સત્તામાં કોઈ ફેરફાર કરતો નથી. તેથી, આવા ગૌણ ખનિજોને લગતી રાજ્યોની હાલની નિયમનકારી અને નાણાકીય સત્તાઓ પર આ અધિનિયમની કોઈ અસર થતી નથી.

સંદર્ભ

કોલસા મંત્રાલય

ખાણ મંત્રાલય

પીડીએફ જોવા માટે અહીં ક્લિક કરો

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2301517) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali