કૃષિ મંત્રાલય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'શક્તિ કી સપ્તધારા' વિઝનને સાકાર કરવા માટે કૃષિ અને ગ્રામીણ વિકાસ પરિવાર એકજૂથ થશે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
પ્રધાનમંત્રી મોદીના 'વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવા માટે ભારતીય કૃષિને સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવીશું: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
'શક્તિ કી સપ્તધારા' કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેના નવા રોડમેપનું માર્ગદર્શન કરશે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
વિકસિત ભારત 2047ના નિર્માણ માટે ઉચ્ચ ઉત્પાદન, શ્રેષ્ઠ ગુણવત્તા અને ફૂડ પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
ખેડૂતોના ઉત્પાદનોને ખેતરથી વૈશ્વિક બજારો સુધી પહોંચાડવા કટિબદ્ધતા: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
ખેડૂતોની આવક વધારવી અને ગ્રામીણ મહિલાઓનું સશક્તિકરણ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં સામેલ: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
ત્રણ કરોડ લખપતિ દીદીઓનો લક્ષ્યાંક હાસિલ થયો; હવે છ કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો સંકલ્પ: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
આત્મનિર્ભર ભારત માટે ખેડૂતો, વૈજ્ઞાનિકો, ફૂડ પ્રોસેસર્સ અને નિકાસકારો હાથ મિલાવશે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
રાષ્ટ્ર પ્રથમ: કર્તવ્યને તમારી ઓળખ બનાવો અને વિકસિત ભારતના નિર્માણ માટે કામ કરો: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
પીએમ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સંકલ્પ, ક્ષમતા અને સફળતામાં બદલવું એ આપણી સામૂહિક જવાબદારી છે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
प्रविष्टि तिथि:
18 AUG 2026 6:33PM by PIB Ahmedabad
સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલ 'શક્તિ કી સપ્તધારા' ને જમીન પર સાકાર કરવા માટે, કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળના વિભાગો માટે એક કટિબદ્ધતા કાર્યક્રમનું આયોજન આજે સી. સુબ્રમણ્યમ ઓડિટોરિયમ, પૂસા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની પહેલ પર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે અધિકારીઓ, કર્મચારીઓ, વૈજ્ઞાનિકો, ખેડૂતો, લખપતિ દીદીઓ, ફૂડ પ્રોસેસર્સ, નિકાસકારો અને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) ના પ્રતિનિધિઓને વિકસિત, સમૃદ્ધ, આત્મનિર્ભર અને સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે સામૂહિક સંકલ્પ લેવડાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી ભગીરથ ચૌધરી અને ડૉ. ચંદ્રશેખર પિમ્માસાની તેમજ ચારેય વિભાગોના સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

શક્તિ કી સપ્તધારાના મુખ્ય ચાલક બળ તરીકે કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ
જનમેદનીને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે પીએમ શ્રી નરેન્દ્ર મોદીએ 'શક્તિ કી સપ્તધારા' દ્વારા વિકસિત ભારતના નિર્માણ માટે સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો છે. કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ આ વિઝનનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે. તેમણે કહ્યું કે ભારતે માત્ર કૃષિ ઉત્પાદન વધારવા પર જ નહીં પરંતુ ગુણવત્તા, સુરક્ષા અને વૈશ્વિક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી ભારતીય ખેડૂતોના ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત ઉપસ્થિતિ નોંધાવી શકે. શ્રી ચૌહાણે ઉમેર્યું હતું કે આ કાર્યક્રમ માત્ર એક ઔપચારિક કાર્યક્રમ ન હતો, પરંતુ સમગ્ર કૃષિ અને ગ્રામીણ વિકાસ ઇકોસિસ્ટમની સામૂહિક કટિબદ્ધતા હતી. ખેડૂતો, વૈજ્ઞાનિકો, અધિકારીઓ, કર્મચારીઓ, પ્રોસેસર્સ, નિકાસકારો, સ્વસહાય જૂથો (SHGs) સાથે જોડાયેલી મહિલાઓ અને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન આ પ્રયાસમાં સમાન ભાગીદાર છે. દરેક વ્યક્તિની એક મહત્વપૂર્ણ જવાબદારી છે અને પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવા માટે સૌએ સાથે મળીને કામ કરવું પડશે.
રાષ્ટ્ર પ્રથમ
શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને અંગત હિતોથી ઉપર રાષ્ટ્રીય હિતને રાખવા અને કર્તવ્યને તેમના જીવનનો મૂળભૂત સિદ્ધાંત બનાવવા માટે સ્પષ્ટ આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે સરકારી સેવા એ રાષ્ટ્ર અને તેના લોકોની સેવા કરવાની કટિબદ્ધતા છે. ખેડૂતો, ગરીબો, માતાઓ, બહેનો અને ગ્રામીણ સમુદાયોની સેવા કરવી એ ભારત માતાની સેવા કરવા સમાન છે. પોતાની જવાબદારીઓ પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક નિભાવવી એ જ સાચી દેશભક્તિ છે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીએ કરેલી કટિબદ્ધતાઓને પૂર્ણ કરવાની પ્રથમ જવાબદારી મંત્રીઓ, અધિકારીઓ અને કર્મચારીઓની છે. તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોતપોતાના વિભાગો માટે સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરવા, કોંક્રીટ રોડમેપ તૈયાર કરવા અને સમર્પણ, સચોટતા તથા સખત પરિશ્રમ સાથે તેનો અમલ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના સંકલ્પો ત્યારે જ પૂરા થઈ શકે જ્યારે આપણે બધા તેને આપણા પોતાના માનીને તેને હાસિલ કરવા કામ કરીએ.

ખેતરથી વૈશ્વિક બજારો સુધી
શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે ભારતીય કૃષિને ખેતરથી વૈશ્વિક બજારો સુધી જોડવી એ સમયની માંગ છે. ભારતીય ખેડૂતો મરચાં, મસાલા, ફળો, ફૂલો, પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો અને અન્ય કેટલીક કૃષિ ચીજવસ્તુઓ સહિત વિવિધ પ્રકારના ઉત્પાદનો ઉત્પન્ન કરે છે. તેમણે કહ્યું કે આ ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો કરવો અને વૈશ્વિક બજારોની જરૂરિયાતો અનુસાર તેને તૈયાર કરવાથી ખેડૂતો માટે તકોનો નોંધપાત્ર વિસ્તાર થઈ શકે છે. ફૂડ પ્રોસેસિંગ, પેકેજિંગ, બ્રાન્ડિંગ અને નિકાસ દ્વારા ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતો, પ્રોસેસર્સ અને નિકાસકારો પરસ્પર જોડાયેલા છે, તેથી તમામ ભાગીદારોને એક સામાન્ય પ્લેટફોર્મ પર લાવવા અને સમન્વયિત રીતે કામ કરવાની જરૂર છે. શ્રી ચૌહાણે કહ્યું કે જો ભારતીય કૃષિ ઉત્પાદનો ગુણવત્તા, શુદ્ધતા અને વિશ્વસનીયતા દર્શાવશે તો વૈશ્વિક બજારો તેને સરળતાથી સ્વીકારશે. ભારત અને સમગ્ર વિશ્વમાં પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી (ઓર્ગેનિક ફાર્મિંગ) અને રસાયણમુક્ત ખેતી દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોની માંગ વધી રહી છે. તેથી ખેડૂતોને તકનીકી માર્ગદર્શન, માર્કેટ ઇન્ટેલિજન્સ અને સારી પ્રોસેસિંગ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ.
કૃષિ રોડમેપ પર ધ્યાન કેન્દ્રિત કરવું
શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરના કૃષિ રોડમેપ ઉપરાંત દરેક રાજ્ય અને જિલ્લા માટે અલગ-અલગ કૃષિ રોડમેપ તૈયાર કરવા જોઈએ. તેમણે કહ્યું કે ભારતભરમાં વિવિધ પ્રદેશોમાં આબોહવા, જમીન, પાણીની ઉપલબ્ધતા અને પાકની પદ્ધતિઓ ભિન્ન હોય છે. તેથી, પાક ઉત્પાદન, પ્રોસેસિંગ અને માર્કેટિંગ માટેની યોજનાઓ સ્થાનિક પરિસ્થિતિઓ અનુસાર તૈયાર કરવી જોઈએ. તેમણે દેશી અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિવિધ પાકોની માંગનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આવા મૂલ્યાંકન આધારે, ખેડૂતો સાથે સંવાદ સાધીને તેમને યોગ્ય પાક અપનાવવા, ગુણવત્તા સુધારવા અને આધુનિક કૃષિ પદ્ધતિઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરી શકાય છે. કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ (DARE), ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR), કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs), રાજ્ય સરકારો અને અન્ય સંસ્થાઓએ ખેડૂતો સુધી નવી ટેકનોલોજી પહોંચાડવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. શ્રી ચૌહાણે ઉમેર્યું કે ટેકનોલોજી, યાંત્રિકીકરણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સુધારેલા બિયારણો અને આધુનિક કૃષિ પદ્ધતિઓનો વધુ ઉપયોગ ઉત્પાદન અને ઉત્પાદકતા બંને વધારવામાં મદદ કરી શકે છે.

ઉત્પાદન વધારવું, ખર્ચ ઘટાડવો
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્ર માટે સરકારની પ્રાથમિકતાઓ ઉત્પાદન વધારવું, ખર્ચ ઘટાડવો, ગુણવત્તા સુધારવી અને ખેડૂતો માટે પોષણક્ષમ ભાવ સુનિશ્ચિત કરવાની છે. તેમણે કહ્યું કે ખેડૂતોને હવામાન, બજાર અને ઉત્પાદન સંબંધિત સમયસર અને સચોટ માહિતી મળવી જોઈએ. પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી, સિંચાઈ, જળ સંરક્ષણ, પાક વિવિધતા અને કૃષિ-આધારિત આવકના અન્ય સ્ત્રોતો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોની આવક વધારવા માટે સંકલિત ખેતી પદ્ધતિઓ (ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ) અને સ્થાનિક સંસાધનો પર આધારિત મોડલ વિકસાવવા જોઈએ. શ્રી ચૌહાણે કહ્યું કે કૃષિ ક્ષેત્રની સિદ્ધિઓ નોંધપાત્ર છે, પરંતુ તે પડાવો છે, અંતિમ મંજિલ નથી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવા લક્ષ્યો નક્કી કર્યા છે, અને તમામ વિભાગોએ તેને પ્રાપ્ત કરવા માટે વધુ ઝડપ અને ગંભીરતાથી કામ કરવું પડશે.
છ કરોડ લખપતિ દીદીઓનો લક્ષ્યાંક
ગ્રામીણ વિકાસમાં લખપતિ દીદી પહેલના મહત્વ પર પ્રકાશ પાડતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે ત્રણ કરોડ ગ્રામીણ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો લક્ષ્યાંક હાસિલ કરી લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હવે છ કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમણે કહ્યું કે વધુ ત્રણ કરોડ લખપતિ દીદીઓ બનાવવાથી ગ્રામીણ અર્થતંત્રમાં મોટું પરિવર્તન આવશે. સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓને કૌશલ્ય વિકાસ, નાણાકીય સહાય, બજાર સુવિધાઓ અને સાહસિકતા માટેની તકો પૂરી પાડવામાં આવી રહી છે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે ગ્રામીણ મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા ઉત્પાદનોને સાર્વત્રિક બજાર સુવિધા પૂરી પાડવા માટે 'શી-માર્ટ્સ' (She-Marts) અને બ્રાન્ડિંગ જેવી પહેલોને પ્રોત્સાહન આપવામાં આવશે. ગ્રામીણ મહિલાઓ દ્વારા તૈયાર કરાતી હસ્તકલા, ખાદ્ય ઉત્પાદનો, આયુર્વેદિક ઉત્પાદનો, પરંપરાગત ચીજવસ્તુઓ અને અન્ય ઉત્પાદનોને ભારત અને વિદેશના બજારો સુધી પહોંચાડવા પ્રયાસો કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે મહિલા સશક્તિકરણ માત્ર મહિલાઓની આવક વધારવા પૂરતું મર્યાદિત નથી, તે કુટુંબો, ગામડાઓ અને સમગ્ર ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે છે. ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવી એ વિકસિત ભારતના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ પૂર્વશરત છે.
ગામડાઓમાં વિકાસનું નિરીક્ષણ
શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે વિકસિત ગામડાઓ વિના વિકસિત ભારતનું વિઝન સાકાર થઈ શકે નહીં. ગ્રામીણ વિસ્તારોમાં પાકા મકાનો, રસ્તાઓ, જળ સંરક્ષણ, રોજગાર, રોજીરોટી, મહિલા સશક્તિકરણ અને કૃષિ-આધારિત પ્રવૃત્તિઓનો વિકાસ ઝડપી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તમામ ગ્રામીણ વિકાસ યોજનાઓની અસર જમીન પર દેખાવી જોઈએ. અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની ઓફિસોમાંથી બહાર નીકળીને યોજનાઓની વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ક્ષેત્રીય મુલાકાતો લેવી જોઈએ. વિભાગીય ડેટા અને જમીની વાસ્તવિકતાઓ વચ્ચે વધુ સારું સંકલન અત્યંત જરૂરી છે. કેન્દ્રીય મંત્રીએ જળ સુરક્ષા, નદી પુનરુજીવન, જમીન સંસાધનોનું સંરક્ષણ અને ગ્રામીણ જીવિકા સંબંધિત કાર્યક્રમોના અમલીકરણને ઝડપી બનાવવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સરકારી યોજનાઓની સફળતાનું સાચું મૂલ્યાંકન ગામડાઓ અને લાભાર્થીઓના સ્તરે જ થવું જોઈએ.
સફળતાના ચાર મંત્રો
અધિકારીઓ અને કર્મચારીઓને પોતાની જવાબદારીઓ પ્રત્યે સમર્પિત રહેવા આહ્વાન કરતા શ્રી ચૌહાણે સફળતાના ચાર મંત્રો શેર કર્યા: "પાંવ મેં ચક્કર, મુંહ મેં શક્કર, સીને મેં આગ અને માથે પર બર્ફ". આ ચાર સિદ્ધાંતો સમજાવતા તેમણે કહ્યું કે 'પાંવ મેં ચક્કર' નો અર્થ છે સતત ગતિશીલ રહેવું અને કામગીરીના અમલીકરણની સમીક્ષા કરવા માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે ક્ષેત્રીય મુલાકાત લેવી. 'મુંહ મેં શક્કર' નો અર્થ છે સહકર્મીઓ અને જનતા પ્રત્યે સૌહાર્દપૂર્ણ અને આદરપૂર્વકનો અભિગમ જાળવીને એક મજબૂત ટીમનું નિર્માણ કરવું. 'સીને મેં આગ' પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટેના જુસ્સા અને દ્રઢ સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે 'માથે પર બર્ફ' નો અર્થ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ધૈર્ય, સંયમ અને સંતુલન જાળવવું છે. તેમણે કહ્યું કે જો પ્રથમ પ્રયાસમાં સફળતા ન મળે, તો નિરાશ થવું જોઈએ નહીં પરંતુ પ્રયાસો ચાલુ રાખવા જોઈએ. સતત મહેનત અને ધૈર્ય અનિવાર્યપણે સફળતા તરફ દોરી જાય છે.
ભાગીદારી એ સફળતાની ચાવી છે
કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે કૃષિ અને ગ્રામીણ વિકાસ સાથે જોડાયેલા તમામ ભાગીદારોએ સાથે મળીને કામ કરવું જોઈએ. ખેડૂતો, વૈજ્ઞાનિકો, અધિકારીઓ, કર્મચારીઓ, પ્રોસેસર્સ, નિકાસકારો, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન અને સ્વસહાય જૂથો આ પ્રક્રિયાના અભિન્ન અંગો છે. તેમણે કહ્યું કે કૃષિ સંશોધન સંસ્થાઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોએ ખેડૂતોની વાસ્તવિક જરૂરિયાતો પર આધારિત સંશોધન અને તકનીકી ઉકેલો પૂરા પાડવા જોઈએ. ખેતરથી બજાર સુધીની સમગ્ર મૂલ્ય શૃંખલા (વેલ્યુ ચેઇન) ને મજબૂત કરવાથી ખેડૂતોને સારી આવક અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું. શ્રી ચૌહાણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભરતા અને વિકસિત ભારતના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ યાત્રામાં કૃષિ અને ગ્રામીણ વિકાસ વિભાગોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
સહભાગીઓએ તેમના અનુભવો શેર કર્યા
કાર્યક્રમ દરમિયાન ખેડૂતો, લખપતિ દીદીઓ, નિકાસકારો અને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનના સભ્યોએ પોતાના અનુભવો શેર કર્યા હતા. શ્રીમતી લલિતાએ લખપતિ દીદી પહેલ અને મહિલા સશક્તિકરણ તેમજ ગ્રામીણ મહિલાઓની સિદ્ધિઓ સંબંધિત પોતાના અનુભવો શેર કર્યા હતા. શ્રી વિનોદ કુમાર સૈનીએ કૃષિ અને ખેતી ક્ષેત્રના પોતાના અનુભવો શેર કર્યા હતા, જેમાં ઉત્પાદન, ટેકનોલોજી અને બજારો સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી મુકેશ જૈને કૃષિ ઉત્પાદનોના પ્રોસેસિંગ અને માર્કેટિંગ સંબંધિત સૂચનો આપ્યા હતા, જ્યારે શ્રી પ્રફુલ ગોસ્વામીએ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન અને ખેડૂતોને બજારો સાથે જોડવા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ખેડૂતો, લખપતિ દીદીઓ, નિકાસકારોના પ્રતિનિધિઓ, ફૂડ પ્રોસેસર્સ અને એફપીઓ (FPOs) પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ સહભાગીઓએ ખેડૂતોની આવક વધારવા, ગુણવત્તાયુક્ત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સાથે મળીને કામ કરવાની પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સચિવોએ વિભાગીય રોડમેપ અને પ્રાથમિકતાઓ રજૂ કરી
ચારેય વિભાગોના સચિવોએ પોતપોતાના વિભાગોના રોડમેપ અને પ્રાથમિકતાઓ પણ રજૂ કરી હતી. કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગના સચિવ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચના નિયામક જનરલ ડૉ. માંગીલાલ જાટે કૃષિ સંશોધન, નવી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક નવીનતા વિશે વાત કરી હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ શ્રી અતિશ ચંદ્રએ કૃષિ ઉત્પાદન, ખેડૂતોની આવક અને ગુણવત્તામાં સુધારો લાવવા સંબંધિત મુદ્દાઓ પર વાત કરી હતી. ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ શ્રી રોહિત કંસલે લખપતિ દીદી પહેલ, ગ્રામીણ જીવિકા અને સમૃદ્ધ ગામડાઓના વિકાસ સંબંધિત પ્રાથમિકતાઓની રૂપરેખા આપી હતી. જમીન સંસાધન વિભાગના સચિવ શ્રી નરેન્દ્ર ભૂષણે જમીન સંરક્ષણ, જળ સંચાલન અને કુદરતી સંસાધનોના બહેતર ઉપયોગ અંગે પોતાના વિચારો શેર કર્યા હતા.
સામૂહિક સંકલ્પ સાથે આગળ વધવાનું આહ્વાન
કાર્યક્રમના અંતે, કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ઉપસ્થિત તમામ લોકોને સામૂહિક સંકલ્પ લેવડાવ્યો હતો, જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા દિવસે જાહેર કરાયેલ 'શક્તિ કી સપ્તધારા' ને સાકાર કરવા માટે સંપૂર્ણ સમર્પણ, કટિબદ્ધતા અને ક્ષમતા સાથે કામ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. સંકલ્પના ભાગરૂપે, સહભાગીઓએ કૃષિને વધુ સમૃદ્ધ બનાવવા, ખાદ્ય ઉત્પાદન મજબૂત કરવા, ફૂડ પ્રોસેસિંગનો વિસ્તાર કરવા, ભારતીય કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક બજારો સુધી પહોંચાડવા, ખેડૂતોની આવક વધારવા અને તેમની સખત મહેનત માટે યોગ્ય સન્માન સુનિશ્ચિત કરવાનો સંકલ્પ લીધો હતો. સહભાગીઓએ ત્રણ કરોડ લખપતિ દીદીઓના લક્ષ્યાંકને પ્રાપ્ત કર્યા બાદ હવે છ કરોડ લખપતિ દીદીઓ બનાવવાના લક્ષ્ય તરફ કામ કરવાનો, અંગત હિતોથી ઉપર રાષ્ટ્રીય હિત મૂકવાનો અને કર્તવ્યને પોતાના જીવનનો મૂળભૂત સિદ્ધાંત બનાવવાનો પણ સંકલ્પ લીધો હતો. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની કલ્પના કરી છે, અને તે વિઝનને સંકલ્પ, ક્ષમતા અને સફળતામાં બદલવું એ સૌની સામૂહિક જવાબદારી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કૃષિ અને ગ્રામીણ વિકાસ સાથે જોડાયેલા તમામ લોકો સાથે મળીને કામ કરશે અને સમૃદ્ધ, સશક્ત, આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2300982)
आगंतुक पटल : 9