કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે PMAY-G હેઠળ રાજસ્થાનને ₹3,473 કરોડના મૂલ્યના 2.89 લાખ પાકા મકાનો આપ્યા


કૃષિ વિકાસ અને PM-RKVY માટે ₹340.59 કરોડ મંજૂર; શ્રી શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી શ્રી ભજન લાલ શર્માને મંજૂરી પત્ર સોંપ્યો

PMAY-G હેઠળ 29.13 લાખ નવા લાભાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો; ભૌતિક ચકાસણી પછી વધુ મકાનો મંજૂર કરવામાં આવશે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

PMAY-G પાત્રતાના નિયમોમાં મોટા સુધારા: ટુ-વ્હીલરના માલિકો, ₹15,000 સુધી કમાણી કરતી મહિલાઓ અને નાના ખેડૂતો હવે આવાસ સહાય માટે પાત્ર

કોઈપણ મહિલા ગરીબ રહેવી જોઈએ નહીં: શ્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજસ્થાનના લાખપતિ દીદીના લક્ષ્યાંકને બમણો કરીને 32 લાખ કર્યો

વિકસિત ભારત-જી રામ જી યોજના: રાજસ્થાન માટે ₹12,000 કરોડનો લક્ષ્યાંક; પંચાયતો વાર્ષિક ₹80 લાખના લક્ષ્યાંક સાથે વિકાસને વેગ આપશે

₹3,000 ખર્ચ હોવા છતાં ખેડૂતો માટે બેગ દીઠ ₹266 માં યુરિયા: સરકાર બોજ વહન કરવાનું ચાલુ રાખશે, શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું

નકલી જંતુનાશકો અને હલકી ગુણવત્તાવાળા બિયારણો સામે કડક કાયદા: સંસદમાં નવો જંતુનાશક અને બિયારણ વિધેયક લાવવામાં આવશે, શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું

प्रविष्टि तिथि: 17 AUG 2026 9:15PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે રાજસ્થાનની તેમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સાથે બારામાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી ચૌહાણે મુખ્યમંત્રીને PMAY-G હેઠળ ₹3,473 કરોડના પ્રોજેક્ટ ખર્ચ ધરાવતા 2,89,355 મકાનોનો મંજૂરી પત્ર સોંપ્યો હતો. તેમણે કૃષિ વિકાસ પહેલો અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ ₹340.59 કરોડનો મંજૂરી પત્ર પણ સોંપ્યો હતો. આ કાર્યક્રમમાં સંસદસભ્યો, ધારાસભ્યો, પ્રભારી મંત્રીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નિવાસીઓએ હાજરી આપી હતી.

ગરીબો માટે પાકા મકાનોની પ્રધાનમંત્રીની કટિબદ્ધતા પૂરી થઈ રહી છે જનમેદનીને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં ગરીબ પરિવારોને પાકા મકાનો આપવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કટિબદ્ધતા પૂરી થઈ રહી છે. તેમણે કહ્યું, "આજે ₹3,473 કરોડના ખર્ચે 2,89,355 મકાનો માટે મંજૂરી આપવામાં આવી રહી છે અને આ ભેટ રાજસ્થાનને સમર્પિત કરવામાં આવી રહી છે. તે અત્યાર સુધી કાચા મકાનોમાં રહેતા પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે." તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના વિકાસ માટે વિવિધ કૃષિ સંબંધિત યોજનાઓ હેઠળ ₹340.59 કરોડ પણ જાહેર કરવામાં આવ્યા છે.

29.13 લાખ નવા લાભાર્થીઓ માટે સર્વે પૂર્ણ

શ્રી ચૌહાણે માહિતી આપી હતી કે 29,13,749 નવા લાભાર્થીઓનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. ભૌતિક ચકાસણી પછી, બાકીના પાત્ર લાભાર્થીઓ માટે પણ મકાનો મંજૂર કરવામાં આવશે. તેમણે નિર્દેશ આપ્યો હતો કે જિલ્લા અને પંચાયત સ્તરે પારદર્શક લાભાર્થી યાદીઓ પ્રદર્શિત કરવામાં આવે, વાંધાઓ સાંભળવામાં આવે અને પાત્ર લાભાર્થીઓને ખોટી રીતે બાકાત રાખવામાં ન આવે જેથી લાયક પરિવારો ભૂલોને કારણે તેમના લાભો ગુમાવે નહીં.

પાત્રતાના નિયમોમાં ત્રણ મોટા ફેરફારો

શ્રી ચૌહાણે આવાસ સહાય માટેના પાત્રતા માપદંડોમાં ત્રણ મોટા ફેરફારોની જાહેરાત કરી હતી. ટુ-વ્હીલર(દ્રિચક્રી વાહન) ધરાવતા પરિવારો હવે અગાઉના નિયંત્રણને હટાવીને પાકા મકાન માટે પાત્ર બનશે. દર મહિને ₹15,000 સુધીની કમાણી કરતી મહિલાઓ પણ આ લાભ માટે પાત્ર બનશે. અગાઉની આવક મર્યાદા દર મહિને ₹10,000 હતી. 5 એકર સુધીની બિન-પીયત જમીન અથવા 2.5 એકર સુધીની પીયત જમીન ધરાવતા નાના ખેડૂતો પણ આવાસ સહાય માટે પાત્ર બનશે.

મહિલા સશક્તિકરણ અને લખપતિ દીદી મિશન

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મહિલા સશક્તિકરણ એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક છે. તેમણે જાહેરાત કરી હતી કે રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 16 લાખ મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે, અને આ લક્ષ્યાંક હવે બમણો કરીને 32 લાખ લખપતિ દીદી કરવામાં આવશે. શ્રી ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓની ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે વિવિધ બેંકો દ્વારા અત્યાર સુધીમાં ₹13,400 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

ગ્રામીણ વિકાસ માટે વિકસિત ભારત-જી રામ જી યોજના

નવી રજૂ કરાયેલી વિકસિત ભારત-જી રામ જી યોજનાનો ઉલ્લેખ કરતા શ્રી ચૌહાણે કહ્યું કે રાજસ્થાનને આગામી નવ મહિનામાં ₹12,000 કરોડના રોકાણનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ પહેલનો પ્રભાવ દરેક ગ્રામ પંચાયત સુધી પહોંચશે, જેમાં દરેક પંચાયતને વાર્ષિક આશરે ₹80 લાખ આપવાનો લક્ષ્યાંક છે. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ગામડાઓમાં વિકાસની પ્રાથમિકતાઓ દિલ્હી કે જયપુરમાં નક્કી કરવામાં આવશે નહીં. "પંચાયત સ્તરે લોકો પોતે જ વિકાસ યોજનાઓ નક્કી કરશે," તેમણે કહ્યું.

ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી અને ખેડૂતોને ઊંચા ખર્ચથી બચાવવા

યુરિયાની ઉપલબ્ધતા અંગે શ્રી ચૌહાણે કહ્યું કે સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે ખેડૂતો પર આંતરરાષ્ટ્રીય કિંમતોનો બોજ ન પડે. તેમણે કહ્યું કે યુરિયાની એક ગુણીનો ખર્ચ આશરે ₹3,000 થાય છે, તેમ છતાં ખેડૂતોને તે માત્ર ₹266 માં મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે ખેડૂતોને ખાતરો અને અન્ય કૃષિ સામગ્રીના કાળાબજાર સામે સખત કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી.

નકલી કૃષિ સામગ્રી સામે સખત કાર્યવાહી

શ્રી ચૌહાણે કહ્યું કે નકલી જંતુનાશકો અને હલકી ગુણવત્તાવાળા બિયારણોની સમસ્યાને પહોંચી વળવા વર્તમાન કાનૂની માળખું પૂરતું નથી. તેમણે જાહેરાત કરી હતી કે સંસદના આગામી સત્રમાં જંતુનાશકો અને બિયારણો સંબંધિત મજબૂત કાયદો લાવવામાં આવશે, જેમાં આવી ગેરરીતિઓમાં સામેલ લોકો માટે કડક સજાની જોગવાઈ અને ખેડૂતો માટે વધુ મજબૂત સુરક્ષા હશે.

કોટા-ઝાલાવાડ વિસ્તાર માટે કૃષિ રોડમેપ

શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે તેઓ વૈજ્ઞાનિકો અને સ્થાનિક ખેડૂતો સાથે મળીને કોટા-ઝાલાવાડ વિસ્તાર માટે એક વ્યાપક કૃષિ રોડમેપ તૈયાર કરવા માટે કામ કરશે. તેમણે આગળ કહ્યું, રોડમેપ, નવી ખેતી, પ્રોસેસિંગ, માર્કેટિંગ અને નિકાસ સહિત સમગ્ર વેલ્યુ ચેઇન પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેનો ઉદ્દેશ્ય ખેતરથી લઈને વૈશ્વિક બજારો સુધી ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે.

સેવા અને સામૂહિક ભાગીદારી માટે આહ્વાન

કેન્દ્રીય મંત્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને નાગરિકોને સમાજ સેવા, વૃક્ષારોપણ, દીકરીઓને શિક્ષણ આપવા અને વ્યસનમુક્ત સમાજને પ્રોત્સાહન આપવા સહિતના સામાજિક કાર્યોમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. તેમણે ઉપસ્થિત લોકોને શપથ લેવડાવ્યા હતા અને વિકસિત રાજસ્થાન અને વિકસિત ગામના નિર્માણ માટે દરેકને સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું હતું.

વંદે માતરમ એ ભારતની આઝાદીની લડાઈ, બલિદાન અને દેશભક્તિનું પ્રતીક છે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

પોતાના સંબોધનમાં કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વંદે માતરમ એ ભારતની આઝાદીની લડાઈ, બલિદાન અને દેશભક્તિનું પ્રતીક છે અને તેનો આદર કરવો એ દરેક ભારતીયની ફરજ છે.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2300681) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी