ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને શાસ્ત્ર (SASTRA) ડીમ્ડ યુનિવર્સિટી, તંજાવુરના રૂબી અને સિલ્વર જુબિલી સમાપન સમારોહની શોભા વધારી


NEP 2020 KGથી Ph.D. સુધી શૈક્ષણિક પ્રગતિ માટે માર્ગદર્શક સ્તંભ છે: ઉપરાષ્ટ્રપતિ

જાહેર પરીક્ષા સુધારો ભારતના યુવાનો માટે ન્યાયી અને પારદર્શક પ્રણાલી પ્રત્યે સરકારની કટિબદ્ધતા દર્શાવે છે: ઉપરાષ્ટ્રપતિ

ભારતનો ઉચ્ચ શિક્ષણનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 2035 સુધીમાં 30% થી વધીને 50% થવાની અપેક્ષા છે: ઉપરાષ્ટ્રપતિ

સાયબર સિક્યોરિટી અને નેટવર્કિંગમાં શાસ્ત્ર (SASTRA)-ટાટા કમ્યુનિકેશન્સની ભાગીદારી ભારતના સાર્વભૌમ વિકાસ માટે સુસંગત છે: ઉપરાષ્ટ્રપતિ

“સમય કિંમતી છે; ઇનોવેશન અને કૌશલ્ય સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત કરો”: ઉપરાષ્ટ્રપતિ

प्रविष्टि तिथि: 17 AUG 2026 5:21PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે તંજાવુર સ્થિત શાસ્ત્ર (SASTRA) ડીમ્ડ યુનિવર્સિટીના કેમ્પસ ખાતે તેના રૂબી અને સિલ્વર જુબિલી સમાપન સમારોહની શોભા વધારી હતી અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતાની યાત્રામાં મહત્વપૂર્ણ સીમાચિહ્નો પૂર્ણ કરવા બદલ યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રૂબી અને સિલ્વર જુબિલીનો આ તબક્કો ભૂતકાળમાં SASTRAના નોંધપાત્ર વિકાસ, વર્તમાનમાં તેની અસર અને ભવિષ્યમાં વધુ ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની તેની આકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.

ઉપરાષ્ટ્રપતિએ SASTRAને તમિલનાડુની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંની એક ગણાવી હતી અને રાષ્ટ્રીય વિકાસમાં તેના યોગદાનની પ્રશંસા કરી હતી.

શ્રી સી. પી. રાધાકૃષ્ણને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની શિક્ષણ નીતિઓની પ્રશંસા કરી હતી અને તેને ક્રાંતિકારી અને પ્રગતિશીલ ગણાવી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 એ કેજી (KG) થી પીએચ.ડી. (Ph.D.) સુધીના તમામ સ્તરે શૈક્ષણિક વિકાસ માટેનો એક માર્ગદર્શક સ્તંભ છે.

તેમણે કહ્યું કે ઉચ્ચ શિક્ષણ અને સંશોધનમાં અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (ANRF), પ્રાઇમ મિનિસ્ટર્સ રિસર્ચ ફેલોશિપ (PMRF), પીએમ-વિધ્યાલક્ષ્મી (PM-Vidyalaxmi) અને મલ્ટિપલ એન્ટ્રી-મલ્ટિપલ એક્ઝિટની સુવિધા જેવી ફ્લેગશિપ પહેલોએ ભારતના ઉચ્ચ શિક્ષણ માળખાને મજબૂત બનાવ્યું છે.

તાજેતરમાં ઘડાયેલા પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ કાયદાનો ઉદ્દેશ્ય જાહેર પરીક્ષા પ્રણાલીઓને મજબૂત કરવાનો છે અને તે ભારતના યુવાનો માટે ન્યાયી અને પારદર્શક પ્રણાલી સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારની કટિબદ્ધતાને દર્શાવે છે.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારત ઉચ્ચ શિક્ષણમાં તેનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વર્તમાન 30% થી વધારીને 2035 સુધીમાં લક્ષ્યાંકિત 50% કરશે.

તેમણે જણાવ્યું હતું કે વિવિધ પગલાં દ્વારા, કેન્દ્ર સરકાર મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ સેક્ટર દ્વારા સામાજિક-આર્થિક વિકાસને આગળ ધપાવવાની સાથે સાર્વભૌમ તકનીકી ક્ષમતાઓ વિકસાવવા માટે સક્ષમ આત્મનિર્ભર ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે.

શ્રી સી. પી. રાધાકૃષ્ણને કહ્યું કે જ્યારે યુવાનો અશક્ય લાગતી વસ્તુઓને હાંસલ કરવા માટે ઊર્જા અને દ્રઢ સંકલ્પથી ભરેલા હોય ત્યારે સમય વિશેષરૂપે કિંમતી હોય છે.

તેમણે વિદ્યાર્થીઓને ઇનોવેશન અને સતત કૌશલ્ય સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી હતી, જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત કરવાની સલાહ આપી હતી.

તેમણે વિદ્યાર્થીઓને નશીલા દ્રવ્યોથી દૂર રહેવા પણ આહ્વાન કર્યું હતું.

તેમણે કહ્યું, “નશીલા દ્રવ્યોને ના કહો. તમારા સ્વાસ્થ્યને હા કહો અને તમારા જીવનને હા કહો.

ઉપરાષ્ટ્રપતિએ આ પ્રસંગે શાસ્ત્ર (SASTRA) ની છ નવી યોજનાઓ લોન્ચ કરી હતી:

  1. ટ્રસ્ટ (TRUST @ SASTRA) - TATA Communications Centre for Resilient and Unified Secure Technologiesશાસ્ત્ર ખાતે સ્થિતિસ્થાપક અને એકીકૃત સુરક્ષિત ટેક્નોલોજીઓ માટેનું ટાટા કમ્યુનિકેશન્સ સેન્ટર
  2. શાસ્ત્ર.એઆઈ (SASTRA.AI) – SASTRA’s Integrated AI Framework એકીકૃત AI ફ્રેમવર્ક
  3. શાસ્ત્ર-મૈત્રી (SASTRA-MAITRI) – Mobility for Academic Initiatives Through Research and Internationalisationસંશોધન અને આંતરરાષ્ટ્રીયકરણ દ્વારા શૈક્ષણિક પહેલો માટેની મોબિલિટી
  4. સ્ટ્રાઇડ (STRIDE) ફંડ – SASTRA Teaching, Research & Innovation Development Enhancement (STRIDE) Fundફેકલ્ટી અને સંશોધન વિદ્યાર્થીઓની ક્ષમતા નિર્માણ માટેનું ફંડ
  5. દ્રષ્ટિ (DRISHTI) – Digital Resources for Instructional Systems in Higher Education using Technology and Innovationટેક્નોલોજી અને નવીનતા દ્વારા ઉચ્ચ શિક્ષણમાં શિક્ષણ પ્રણાલીઓ માટેના ડિજિટલ સંસાધનો
  6. સ્માઇલ (SMILE) - SASTRA-CUB Membership for Incentives, Loyalty and Engagementપ્રોત્સાહન, વફાદારી અને જોડાણ માટેનું શાસ્ત્ર-CUB સભ્યપદ

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક પ્રસંગે લોન્ચ કરવામાં આવેલી છ નવી યોજનાઓ શાસ્ત્રની ભવિષ્યની પ્રગતિ માટે એક લોન્ચપેડ પૂરૂં પાડે છે અને તેમના ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવામાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી.

ઉપરાષ્ટ્રપતિએ સાયબર સિક્યોરિટી અને નેટવર્કિંગના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ટાટા કમ્યુનિકેશન્સ સાથેના કરાર બદલ શાસ્ત્રને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે ભારતના સાર્વભૌમ વિકાસ માટે અનુકૂળ અને વિશ્વસનીય સુરક્ષા માળખું બનાવવા માટે આ સહયોગ અત્યંત સુસંગત છે.

તેમણે જણાવ્યું હતું કે આ પહેલો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @2047' ના વિઝન સાથે ચુસ્તપણે સુસંગત છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની ક્ષમતા નિર્માણ, સંશોધન, ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતા, સામાજિક જોડાણ અને ઉદ્યોગ સહયોગ સહિતના મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. શ્રી સી. પી. રાધાકૃષ્ણને શાસ્ત્રને તેના તમામ પ્રયાસોમાં સતત સફળતાની શુભેચ્છા પાઠવી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે "શિક્ષણ અને ઉત્કૃષ્ટતાના મંદિર" તરીકે વધુ વિકસશે, જે વિકસિત ભારત @2047 ના આદર્શોમાં યોગદાન આપશે.

તમિલનાડુ અને કેરળના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર; શાસ્ત્ર યુનિવર્સિટીના ચાન્સેલર પ્રો. આર. સેથુરામન; વાઇસ-ચાન્સેલર પ્રો. એસ. વૈદ્યસુબ્રમણ્યમ; ડીન પ્રો. એસ. સ્વામીનાથન; અને રજિસ્ટ્રાર પ્રો. આર. ચંદ્રમૌલી, અધ્યાપકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2300561) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Tamil , Malayalam