વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત આગામી ઔદ્યોગિક ક્રાંતિમાં એક આવશ્યક ખેલાડી બનશે જે બાયોટેકનોલોજી અને એઆઈ (AI) સંચાલિત હશે: ડૉ. જિતેન્દ્ર સિંહ


સમર્પિત બાયોટેકનોલોજી નીતિ BioE3 ધરાવતા કેટલાક બહુ ઓછા દેશોમાં ભારત સામેલ છે, સાથે જ નેશનલ ક્વોન્ટમ મિશન અને એઆઈ મિશન પણ છે: ડૉ. જિતેન્દ્ર સિંહ

ભારત ઉભરતી ટેકનોલોજીમાં ટેકનોલોજી ફોલોઅરમાંથી વૈશ્વિક લીડર બનવા તરફ આગળ વધ્યું છે: ડૉ. જિતેન્દ્ર સિંહ

ભારતની સ્પેસ ઇકોનોમી વધીને 9 બિલિયન ડોલર થઈ છે, જે આગામી 8-9 વર્ષમાં 40-45 બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે: ડૉ. જિતેન્દ્ર સિંહ

પોસ્ટેડ ઓન: 09 AUG 2026 2:35PM by PIB Ahmedabad

પાછલી ઔદ્યોગિક ક્રાંતિ કે જે આઈટી (IT) સંચાલિત હતી અને ભારત તેનો એક ભાગ બનવામાં મોડું પડ્યું હતું તેનાથી વિપરીત ભારત આગામી ઔદ્યોગિક ક્રાંતિમાં એક આવશ્યક ખેલાડી બનશે જે બાયોટેકનોલોજી અને એઆઈ (AI) સંચાલિત હશે, તેમ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) અને પીએમઓ, કાર્મિક, જાહેર ફરીયાદો, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું.

મીડિયા કોન્ક્લેવમાં  તેમણે જણાવ્યું હતું કે ભારત હવે વિશ્વના એવા પ્રથમ કેટલાક દેશોમાં સામેલ છે જે સમર્પિત બાયોટેકનોલોજી નીતિ, એટલે કે BioE3 ધરાવે છે. આપણી પાસે નેશનલ ક્વોન્ટમ મિશન, ઇન્ડિયા એઆઈ મિશન પણ છે અને સ્પેસ તેમજ અન્ય ફ્રન્ટિયર ક્ષેત્રોમાં ઝડપી પ્રગતિ કરી છે. તેમણે કહ્યું કે ભારતની સ્પેસ ઇકોનોમી, જે અગાઉ લગભગ નગણ્ય હતી, તે વધીને આશરે 9 બિલિયન યુએસ ડોલર થઈ ગઈ છે અને આગામી આઠથી નવ વર્ષમાં વધીને 40-45 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે.

ડૉ. જિતેન્દ્ર સિંહે કોન્ક્લેવમાં મીડિયા સાથેના સંવાદમાં ભાગ લીધો હતો, જેમાં ટેકનોલોજી ડેવલપર્સ, ઉદ્યોગ સાહસિકો અને અન્ય હિતધારકોએ હાજરી આપી હતી. ચર્ચા વૈશ્વિક ઉત્પાદન અને ટેકનોલોજી હબ તરીકે ભારતના ઉદ્ભવ, તકનીકી પરિવર્તનની ઝડપી ગતિ, ઇનોવેશન, ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને ફ્રન્ટિયર ક્ષેત્રોમાં ઉભરતી તકો પર કેન્દ્રિત હતી. મંત્રીએ ડિજિટલ એપ્લાયન્સ એવોર્ડ્સના વિજેતાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.

મંત્રીએ જણાવ્યું હતું કે ભારતની તકનીકી યાત્રામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, જેમાં દેશ હવે કેટલાક ક્ષેત્રોમાં વૈશ્વિક બેંચમાર્ક સામે કામ કરી રહ્યો છે. સ્પેસ ક્ષેત્રે ભારતની પ્રગતિનો ઉલ્લેખ કરતા, તેમણે ચંદ્રયાન મિશન દ્વારા ચંદ્ર પર પાણીના અણુઓના પુરાવાની શોધનો ઉલ્લેખ કર્યો હતો, જે વૈશ્વિક વૈજ્ઞાનિક જ્ઞાનમાં દેશના યોગદાનનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે ભારતમાં ક્યારેય માનવ ક્ષમતા કે વૈજ્ઞાનિક ક્ષમતાની કમી નહોતી, પરંતુ જે જરૂરી હતું તે એક સક્ષમ નીતિગત વાતાવરણ હતું જે આ ક્ષમતાઓને પરિણામોમાં રૂપાંતરિત કરી શકે.

ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર પરંપરાગત ઉત્પાદનની સાથે સાથે બાયોટેકનોલોજી, સર્ક્યુલર ઇકોનોમી, રિસાયક્લિંગ અને અન્ય ટેકનોલોજી-સંચાલિત ક્ષેત્રો જેવા ઉભરતા ડોમેન્સ તરફ ક્રમશઃ સ્થાનાંતરિત થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ઔદ્યોગિક પરિવર્તનનો આગામી તબક્કો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બાયોટેકનોલોજી દ્વારા સંચાલિત થાય તેવી શક્યતા વધુ છે.

તેમણે કહ્યું કે, ભારત આ પરિવર્તનનો પહેલાથી જ એક ભાગ છે અને સમર્પિત બાયોટેકનોલોજી નીતિ ધરાવતા જૂના કે કેટલાક દેશોમાંથી એક છે. સરકારની BioE3 (બાયોટેકનોલોજી ફોર ઇકોનોમી, એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્વાયર્નમેન્ટ) પહેલનો ઉદ્દેશ્ય બાયોટેકનોલોજી ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે. તેમણે કહ્યું કે, બાયોટેકનોલોજી તબીબી વિજ્ઞાન, કૃષિ અને ખાદ્ય ઉત્પાદનને વધુને વધુ પ્રભાવિત કરશે અને આર્થિક વિકાસ અને રોજગારી માટે નવી તકો ઊભી કરશે.

2020 માં સ્પેસ ક્ષેત્રને ખાનગી ભાગીદારી માટે ખોલવાનો ઉલ્લેખ કરતા ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ નિર્ણયથી દેશની અંદર ક્ષમતાઓને અનલોક કરવા માટે સક્ષમ નીતિગત માળખાની સંભાવના સાબિત થઈ છે. તેમણે કહ્યું કે ભારતની સ્પેસ ઇકોનોમી, જે અગાઉ લગભગ નગણ્ય હતી, તે વધીને આશરે 9 બિલિયન યુએસ ડોલર થઈ છે અને ઝડપથી વિસ્તરી રહી છે, જે આગામી આઠથી નવ વર્ષમાં 40-45 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાના અંદાજો ધરાવે છે.

મંત્રીએ ભારતીય સ્પેસ સ્ટાર્ટ-અપ્સના ઉદ્ભવને આ પરિવર્તનના ઉદાહરણ તરીકે ટાંક્યું હતું, જેમાં એવી કંપનીઓ પણ સામેલ છે જેણે રોકેટ વિકસાવ્યા છે અને થોડા જ વર્ષોમાં યુનિકોર્નનો દરજ્જો મેળવ્યો છે. તેમણે કહ્યું કે ભારત પાસે પ્રતિભા અને ક્ષમતા હતી, પરંતુ તે ક્ષમતાનો લાભ લેવા માટે જરૂરી સક્ષમ વાતાવરણ હવે બનાવવામાં આવી રહ્યું છે.

ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે સરકાર ખાનગી ક્ષેત્રને એવા વિસ્તારોમાં વધુને વધુ લાવી રહી છે જે અગાઉ મોટાભાગે ખાનગી સાહસોના દાયરાની બહાર હતા. પરમાણુ (nuclear) ક્ષેત્રને ખાનગી ખેલાડીઓ માટે ખોલવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ પગલું નવી તકો ઊભી કરે છે પરંતુ ઉદ્યોગોએ પણ ઉભરતા ક્ષેત્રો માટે પોતાની જાતને તૈયાર કરવી અને જરૂરી ક્ષમતાઓ વિકસાવવી જરૂરી છે.

ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે 2047 ના વિઝન સાથે સંકળાયેલી તકો માટે પોતાની જાતને તૈયાર કરવા માટે ભારત પાસે મર્યાદિત સમય છે. જો દેશે વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન મજબૂત કરવું હોય, તો દરેક ક્ષેત્રે વિકસિત થવું પડશે અને ખાનગી ક્ષેત્રે પણ નવા ક્ષેત્રોમાં ભાગ લેવા તૈયાર રહેવું પડશે. તેમણે કહ્યું કે, સરકાર આ સંક્રમણ માટે સક્ષમ પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહી છે.

મંત્રીએ જણાવ્યું હતું કે ટેકનોલોજી શિક્ષણ અને તકો સુધીની પહોંચમાં પણ પરિવર્તન લાવી રહી છે, ખાસ કરીને મોટા મહાનગરો બહારના યુવાનો માટે. આર્થિક રીતે નબળા પરિવારના એક વિદ્યાર્થી સાથેના પોતાના સંવાદને યાદ કરતા, જેણે ડિજિટલ લર્નિંગ સંસાધનોનો ઉપયોગ કરીને IIT-JEE પાસ કર્યું હતું, તેમણે કહ્યું કે ટેકનોલોજીએ શૈક્ષણિક તકો સુધીની પહોંચનું લોકશાહીકરણ કર્યું છે જે અગાઉ મેળવવી મુશ્કેલ હતી.

તેમણે એ પણ કહ્યું કે ભારતની સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમની વૃદ્ધિ દર્શાવે છે કે ઇનોવેશન હવે માત્ર મોટા શહેરો પૂરેપૂરું સીમિત નથી, નાના શહેરોમાંથી પણ ઘણા યુવા સાહસિકો ઉભરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ટેકનોલોજી મેળવવાની અને તેનો અસરકારક રીતે ઉપયોગ કરવાની ક્ષમતા યુવા ભારતીયો માટે નવી તકો ઊભી કરી રહી છે.

ડૉ. જિતેન્દ્ર સિંહે જૂના કાયદાઓ અને પ્રક્રિયાઓને દૂર કરવા માટેના સરકારના પ્રયાસો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે લગભગ 2,000 અપ્રસ્તુત (obsolete) કાયદાઓ દૂર કરવામાં આવ્યા છે, જેમાં સમાજ અને શાસનમાં ફેરફારો છતાં અગાઉના યુગથી ચાલુ રહેલી જોગવાઈઓનો પણ સમાવેશ થાય છે.

મંત્રીએ એકલ પુત્રીઓ માટે કૌટુંબિક પેન્શન અધિકારો, મહિલા સરકારી કર્મચારીઓ માટે નોમિનેશન અધિકારો અને દસ વર્ષની સેવા પૂર્ણ કરતા પહેલા મૃત્યુ પામતા કર્મચારીઓના પરિવારો માટે પેન્શન જોગવાઈઓ અંગેના સુધારાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મોટી સંખ્યામાં દસ્તાવેજો માટે ગેઝેટેડ ઓફિસરના એટેસ્ટેશનની જરૂરિયાતને નાબૂદ કરવાના નિર્ણયને પણ યાદ કર્યો હતો, અને કહ્યું હતું કે આ સુધારો નાગરિકો અને યુવાનોમાં વધુ વિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે.

ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે 2047 માટે ભારતની મહત્વાકાંક્ષા માટે દેશે ફોલોઅરની ભૂમિકાથી આગળ વધવું પડશે અને એવા દેશ તરીકે પોતાનું સ્થાન મજબૂત કરવું પડશે જેની ક્ષમતાઓ અને ઇનોવેશન્સ અન્ય લોકો દ્વારા અપનાવી શકાય. તેમણે કહ્યું કે, આ માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચે વધુ નજીકના સહયોગની જરૂર છે.

જાહેર અને ખાનગી ક્ષેત્રો વચ્ચે વ્યાપક ભાગીદારી માટે આહ્વાન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચેના અગાઉના અવિશ્વાસને પરસ્પર શીખવા અને સહયોગ માટે માર્ગ આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે, સરકાર અને ઉદ્યોગોએ એકબીજા પાસેથી શીખવું જોઈએ, અસરકારક પદ્ધતિઓ અપનાવવી જોઈએ અને વધુ સુમેળ (synergy) સાથે મળીને કામ કરવું જોઈએ.

ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારતને તેની મોટી વિકાસાત્મક, તકનીકી અને આર્થિક મહત્વાકાંક્ષાઓ પ્રાપ્ત કરવા માટે "હોલ ઓફ ગવર્નમેન્ટ પ્લસ હોલ ઓફ નેશન" અભિગમ આવશ્યક રહેશે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2296862) મુલાકાતી સંખ્યા : 77
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Tamil