નાણા મંત્રાલય
‘ઓપરેશન વજ્ર’ હેઠળ સીબીએન દ્વારા બિહારમાં આંતર-રાજ્ય નકલી દવાઓના નેટવર્કનો પર્દાફાશ; મુખ્ય સૂત્રધારની ધરપકડ
प्रविष्टि तिथि:
01 AUG 2026 9:19PM by PIB Ahmedabad
‘ઓપરેશન વજ્ર’ના ભાગરૂપે, સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ (CBN), મધ્યપ્રદેશ યુનિટે બિહારના ગયા અને મસૌઢી (પટના) માં ગેરકાયદેસર રીતે નાર્કોટિક્સ દ્રવ્યો અને અન્ય દવાઓનું ઉત્પાદન તેમજ સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાતા 8 બનાવટી દવાઓ/ગેરકાયદેસર નકલી દવાઓના ગોડાઉન અને એક ગેરકાયદે ઉત્પાદન એકમ જપ્ત કર્યું છે.
વર્ષ 2025 માં નોંધાયેલા ગુનાની તપાસમાં મળેલી વધુ એક મોટી સફળતામાં, વ્યાપક ફોલો-અપ કામગીરી બાદ બિહારના ગયામાં ચાર ગેરકાયદેસર ગોડાઉનોનો પર્દાફાશ થયો છે, જેમાં 68,200 ટ્રામાડોલ (Tramadol) ટેબ્લેટ, 59,000 અન્ય ટેબ્લેટ અને 52,542 કોડીન સિરપની બોટલો જપ્ત કરવામાં આવી છે.


સતત તપાસ અને તકનીકી તેમજ માનવ બાતમી એકત્ર કરવાના આધારે, સીબીએન દ્વારા 22 જુલાઈ 2026 ના રોજ મુખ્ય આરોપીની સફળતાપૂર્વક ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડથી મહત્વના પુરાવા મળ્યા હતા, જેનાથી આગળની વ્યાપક તપાસ કામગીરીનો માર્ગ મોકળો થયો હતો.

16 થી 27 જુલાઈ, 2026 દરમિયાન નીમચ સ્થિત CBN એમપી યુનિટના પ્રિવેન્ટિવ વિભાગે બિહારમાં સઘન દેખરેખ અને ફિલ્ડ ઓપરેશન હાથ ધર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફરાર આરોપીએ ગયા જિલ્લાના ખાનજહાનપુર વિસ્તારમાં ગેરકાયદે રીતે ગોડાઉન ફરી શરૂ કર્યા હતા, જ્યાં ગેરકાયદે બનાવવામાં આવતી માદક દવાઓ અને અન્ય નકલી દવાઓનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હતો. અનેક દિવસો સુધી તેની હિલચાલ પર ગુપ્ત નજર રાખ્યા બાદ CBNની ટીમે સફળતાપૂર્વક તેની ધરપકડ કરી.

આરોપી દ્વારા કરવામાં આવેલા ખુલાસાના આધારે, સીબીએન ટીમે બે નોંધાયા વગરના અને અનધિકૃત ગોડાઉનોની તલાશી લીધી હતી અને 21,373 અનધિકૃત રીતે ઉત્પાદિત બ્યુપ્રેનોર્ફિન (Buprenorphine) ઇન્જેક્શન એમ્પ્યુલ્સ રિકવર કર્યા હતા. તપાસ દરમિયાન ક્લેવમ-625 (Clavam-625), પાન-40 (PAN-40), બીટાડીન ઓઇન્ટમેન્ટ (Betadine Ointment), એઝિથ્રાલ (Azithral) અને અન્ય કેટલીક ફાર્માસ્યુટિકલ બનાવટો સહિત મોટી માત્રામાં નકલી અને બનાવટી રીતે ઉત્પાદિત બિન-એનડીપીએસ (non-NDPS) દવાઓ પણ જપ્ત કરવામાં આવી હતી.
સ્થાનિક પોલીસની સહાયથી હાથ ધરવામાં આવેલી આગામી ફોલો-અપ કામગીરી દ્વારા શહેરના જુદા જુદા ભાગોમાં આવેલા વધુ છ અણનોંધાયેલા અને અનધિકૃત ગોડાઉનોની ઓળખ કરવામાં આવી હતી. આ જગ્યાઓ પરથી મોટી માત્રામાં નકલી અને અનધિકૃત રીતે સ્ટોક કરાયેલી બિન-એનડીપીએસ દવાઓ મળી આવી હતી. જપ્ત કરાયેલો સ્ટોક અને સીલ કરાયેલા ગોડાઉનો આગળની કાનૂની કાર્યવાહી માટે બિહારના સ્ટેટ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને સોંપવામાં આવ્યા હતા.
સીબીએન દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, સ્ટેટ ડ્રગ ડિપાર્ટમેન્ટે ગેરકાયદે ગોડાઉનોમાંથી બિન-એનડીપીએસ નકલી દવાઓનો નીચે મુજબનો જથ્થો જપ્ત કર્યો હતો:
- ટેબ્લેટ/કેપ્સ્યુલ્સ – 4,39,774
- ઇન્જેક્શન્સ/વાયલ્સ/એમ્પ્યુલ્સ – 1,895
- સિરપ/બોટલ્સ – 3,811
- અન્ય ફાર્માસ્યુટિકલ બનાવટો (લોશન/ટ્યુબ/ડ્રોપ્સ વગેરે) – 3,490
સઘન પૂછપરછ દરમિયાન, શંકાસ્પદોએ વધુમાં ખુલાસો કર્યો હતો કે અગાઉ અટકાયત કરાયેલા તેના એક સહયોગીએ પટનાના મસૌઢી નજીક એક ફાર્મહાઉસ ખાતે એક ગેરકાયદેસર ઉત્પાદન એકમ સ્થાપ્યું હતું, જ્યાં બ્યુપ્રેનોર્ફિન અને અન્ય નાર્કોટિક દવાઓના ગેરકાયદે ઉત્પાદન માટે મશીનરી અને સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ માહિતી પર તાત્કાલિક કાર્યવાહી કરીને, સીબીએન ટીમે સ્થાનિક પોલીસ, સ્ટેટ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને ફુડ ડિપાર્ટમેન્ટની સહાયથી તે જગ્યા પર સંયુક્ત દરોડો પાડ્યો હતો. આ તલાશી દરમિયાન વિવિધ ઉત્પાદન મશીનરી, સાધનો, રસાયણો અને કૃત્રિમ ફ્લેવરિંગ એજન્ટો મળી આવ્યા હતા. સમગ્ર ગેરકાયદેસર ઉત્પાદન એકમને તોડી પાડવામાં આવ્યું હતું અને એનડીપીએસ એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ તમામ મશીનરી, સાધનો અને સંબંધિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
તપાસમાં આ સિન્ડિકેટ દ્વારા અપનાવવામાં આવેલી કાર્યપદ્ધતિનો પણ ખુલાસો થયો છે. આરોપીઓએ કોઈ પણ ભાડા કરાર કર્યા વિના નીચી આવક ધરાવતા વિસ્તારોમાં મિલકતો ભાડે રાખી હતી, કોઈ પણ ડિજિટલ ટ્રેઇલ ઊભી ન થાય તે માટે રોકડમાં ભાડાની ચુકવણી કરી હતી અને કાયદો અમલી બનાવતી એજન્સીઓથી બચવા માટે બનાવટી ઓળખ દસ્તાવેજો દ્વારા મેળવેલા મોબાઇલ કનેક્શનનો ઉપયોગ કર્યો હતો.
ચાલુ કેલેન્ડર વર્ષમાં, સીબીએન મધ્યપ્રદેશ યુનિટે અત્યાર સુધીમાં 3 ગેરકાયદેસર લેબ બસ્ટ સહિત 90 કેસ નોંધ્યા છે અને 121 શંકાસ્પદોની ધરપકડ કરી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ (CBN) સંગઠિત ડ્રગ ટ્રાફિકિંગ સિન્ડિકેટ્સને નાબૂદ કરવા અને નાર્કોટિક દ્રવ્યો તથા સાયકોટ્રોપિક પદાર્થોના ગેરકાયદેસર ઉત્પાદન, સંગ્રહ અને તસ્કરીમાં સામેલ લોકો સામે કાયદાનું કડક પાલન સુનિશ્ચિત કરવા તેમજ ભારતમાં દવાઓનો સુરક્ષિત ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે તેની અચળ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2293164)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English