કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
ડૉ. જીતેન્દ્ર સિંહે રાજ્યસભામાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026 રજૂ કર્યું
પરીક્ષામાં ગેરરીતિઓ પર અંકુશ લાવવા અને વિદ્યાર્થીઓ તથા યુવાનોના હિતોની સુરક્ષા માટે આ વિધેયક કાનૂની માળખાને વધુ મજબૂત બનાવે છે: ડૉ. જિતેન્દ્ર સિંહ
છ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ કાર્યરત; પબ્લિક એક્ઝામિનેશન કેસોના ઝડપી નિકાલ માટે વધુ કોર્ટ્સ સ્થાપિક કરવાની યોજના તૈયાર થઈ રહી છે: ડૉ. જિતેન્દ્ર સિંહ
प्रविष्टि तिथि:
30 JUL 2026 4:59PM by PIB Ahmedabad
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી; પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) અને પ્રધાનમંત્રી કાર્યાલય, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે આજે લોકસભા દ્વારા પસાર કરાયેલા પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026ને રાજ્યસભામાં વિચારણા માટે રજૂ કર્યું હતું.
વિધેયક પર ચર્ચાની શરૂઆત કરતાં ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું કે, આ સુધારા વિધેયક પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એક્ટ, 2024નો એક કુદરતી વિસ્તાર છે અને 2024નો કાયદો વર્તમાન સુધારા વિધેયક સાથે મળીને જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિઓને રોકવા માટે સ્વતંત્ર ભારતમાં આ પ્રકારનું પ્રથમ વ્યાપક કાયદાકીય માળખું બનાવે છે. તેમણે કહ્યું કે આ કાયદો જાહેર પરીક્ષા પદ્ધતિમાં ગુણવત્તા, સુસંગતતા, પારદર્શિતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવાની સાથે વિદ્યાર્થીઓ અને યુવાનોના હિતોનું રક્ષણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર રચનાત્મક સૂચનો માટે ખુલ્લી છે અને તાજેતરના અનુભવ અને પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, કાયદાને વધુ કડક અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્ય સાથે સુધારા આગળ લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ સુધારા પરીક્ષામાં ગેરરીતિઓ અને પેપર લીક પ્રત્યે સરકારની ઝીરો ટોલરન્સની નીતિની પુનઃપુષ્ટિ કરે છે જ્યારે વિદ્યાર્થીઓના વાસ્તવિક પ્રયાસો સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરે છે.
આ કાયદાની જરૂરિયાત પર પ્રકાશ પાડતા, ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું કે મજબૂત રાષ્ટ્રીય કાનૂની માળખાની જરૂરિયાત પર ભાર મૂકતા, રાજ્ય અથવા પરીક્ષા આપતી એજન્સીને ધ્યાનમાં લીધા વિના, વર્ષોથી દેશના વિવિધ ભાગોમાં પ્રશ્નપત્ર લીક થવાની અને પરીક્ષા સંબંધિત ગેરરીતિઓની ઘટનાઓ નોંધાઈ છે.
મંત્રીએ ગૃહને માહિતગાર કર્યા હતા કે પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) બિલ જાન્યુઆરી 2024માં રજૂ કરવામાં આવ્યું હતું, ફેબ્રુઆરી 2024માં ઘડવામાં આવ્યું હતું, જ્યારે આ એક્ટ અમલમાં આવ્યો હતો અને જૂન 2024માં નિયમો અધિસૂચિત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ એક્ટ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC), સ્ટાફ સિલેક્શન કમિશન (SSC), રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ્સ (RRBs), ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સહિતની અગ્રણી ભરતી એજન્સીઓ દ્વારા આયોજિત પરીક્ષાઓને આવરી લે છે.
ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું કે આ કાયદાનો ઉદ્દેશ્ય જાહેર પરીક્ષાઓમાં વધુ સુસંગતતા, વિશ્વસનીયતા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે જેથી નિષ્ઠાવાન અને લાયક ઉમેદવારોને તેમના વાસ્તવિક પ્રયાસો માટે પુરસ્કૃત કરવામાં આવે અને સંગઠિત પરીક્ષા સંબંધિત ગુનાઓ દ્વારા તેમનું ભવિષ્ય જોખમમાં ન મુકાય.
સુધારા વિધેયકના મુખ્ય લક્ષણોની સ્પષ્ટતા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે ગેરરીતિઓનો આશરો લેતી વ્યક્તિઓ માટેની સજા ત્રણથી પાંચ વર્ષની કેદથી વધારીને પાંચથી દસ વર્ષ કરવાની પ્રસ્તાવના છે, જ્યારે મહત્તમ દંડ ₹10 લાખથી વધારીને ₹50 લાખ કરવાનો પ્રસ્તાવ છે. આવા ગુનાઓમાં સામેલ સર્વિસ પ્રોવાઇડર્સ માટે, મહત્તમ દંડ ₹1 કરોડથી વધારીને ₹5 કરોડ અને જાહેર પરીક્ષાઓ યોજવા પરનો પ્રતિબંધનો સમયગાળો ચાર વર્ષથી વધારીને આઠ વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. સર્વિસ પ્રોવાઇડર્સના ડાયરેક્ટર્સ અને વરિષ્ઠ મેનેજમેન્ટ માટેની સજા પણ ત્રણથી દસ વર્ષની કેદથી વધારીને પાંચથી દસ વર્ષ કરવાની પ્રસ્તાવના છે, જેમાં મહત્તમ દંડ ₹1 કરોડથી વધારીને ₹5 કરોડ કરવામાં આવ્યો છે. વિધેયક આગળ સંગઠિત અપરાધ માટેની સજા પાંચથી દસ વર્ષની કેદથી વધારીને સાતથી દસ વર્ષ કરવા અને મહત્તમ દંડ ₹1 કરોડથી વધારીને ₹10 કરોડ કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
મંત્રીએ જણાવ્યું હતું કે સુધારા વિધેયક આ એક્ટ હેઠળના ગુનાઓ માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ્સની સ્થાપના, બે મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવા અને ચાર્જશીટ ફાઇલ કર્યાની તારીખથી ત્રણ મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવાની પણ જોગવાઈ કરે છે. તે આગળ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર્સની નિમણૂક અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અથવા સેન્ટ્રલ એજન્સી દ્વારા તપાસ માટે નવી જોગવાઈ ઉમેરવાની સુવિધા આપે છે, જ્યાં પણ જરૂર હોય ત્યાં, સંગઠિત પરીક્ષા સંબંધિત ગુનાઓ સામે ઝડપી અને અસરકારક કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાય.
ડૉ. જિતેન્દ્ર સિંહે ગૃહને માહિતી આપી હતી કે દેશમાં અત્યાર સુધીમાં છ વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવી છે અને કેસોના ઝડપી નિકાલ માટે આવી વધુ કોર્ટોની સ્થાપનાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. તેમણે જાહેર પરીક્ષા ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સરકાર દ્વારા રચવામાં આવેલી હાઇ-લેવલ ટાસ્ક ફોર્સનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે નિષ્ણાત સમિતિની ભલામણોને અમલમાં મૂકવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ ચૂકી છે, જેમાં તેની 46 માંથી 35 ભલામણો પહેલેથી જ અમલમાં મૂકાઈ ગઈ છે.
વિધેયક માટે ગૃહનો સહયોગ માંગતા ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત સુધારા દેશની જાહેર પરીક્ષા પદ્ધતિની નિષ્ઠા, પારદર્શિતા અને ન્યાયીપણામાં જનતાના વિશ્વાસને પુનઃસ્થાપિત કરશે અને સાથે સાથે લાખો વિદ્યાર્થીઓ અને નોકરી ઇચ્છુક ઉમેદવારોની આકાંક્ષાઓનું રક્ષણ કરશે.




SM/BS/JD
(रिलीज़ आईडी: 2291867)
आगंतुक पटल : 16