સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સંરક્ષણ મંત્રીએ કમાન્ડ હોસ્પિટલ (સેન્ટ્રલ કમાન્ડ), લખનઉ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી મેડિસિનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું


આ વિભાગ, R&D હબ અને સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે, દેશને ઉભરતા જોખમો સામે સજ્જ કરશે: શ્રી રાજનાથ સિંહ

RM એ લડાયક સજ્જતા વધારવા માટે ટેકનોલોજી આધારિત નિવારક આરોગ્ય સંભાળ માટે આહ્વાન કર્યું

प्रविष्टि तिथि: 29 JUL 2026 1:23PM by PIB Ahmedabad

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 29 જુલાઈ 2026ના રોજ ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત કમાન્ડ હોસ્પિટલ (સેન્ટ્રલ કમાન્ડ) ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી મેડિસિનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન દેશના પ્રથમ સમર્પિત શૈક્ષણિક અને ઓપરેશનલ વિભાગની સ્થાપનાને ચિહ્નિત કરે છે જે ખાસ કરીને મિલિટરી મેડિસિન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલનો ઉદ્દેશ્ય લડાયક તબીબી સજ્જતા વધારવા, સંશોધનને આગળ ધપાવવા, સ્વદેશી સિદ્ધાંતો (doctrines) વિકસાવવા અને ભવિષ્યના યુદ્ધક્ષેત્રો અને માનવતાવાદી આકસ્મિકતાઓ માટે વિશિષ્ટ કુશળતા બનાવવાનો છે. ડિરેક્ટરેટ જનરલ ઓફ મેડિકલ સર્વિસીસ (આર્મી) ના નેજા હેઠળ સ્થપાયેલ, તે આર્મ્ડ ફોર્સીસ મેડિકલ સર્વિસીસ (AFMS) ની ઓપરેશનલ મેડિકલ તૈયારીઓને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.

તેમના સંબોધનમાં સંરક્ષણ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આર્થિક અને સામાજિક વિકાસ રાષ્ટ્ર નિર્માણના આવશ્યક પાસાઓ છે, પરંતુ કોઈપણ રાષ્ટ્રના સાર્વભૌમત્વ અને પ્રગતિનો મૂળભૂત આધાર તેની સેનાની શક્તિ અને મનોબળમાં રહેલો છે. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી મેડિસિન જવાનો માટે અદ્યતન તબીબી સહાય સુનિશ્ચિત કરીને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે, સાથે સાથે તેમનો આત્મવિશ્વાસ પણ મજબૂત કરશે કે જરૂરિયાતના સમયે તેમને સંભાળ અને સહયોગ મળશે.

વિભાગ મિલિટરી ટ્રોમા અને ડેમેજ કંટ્રોલ; કૉમ્બેટ સાયકિયાટ્રી અને રેઝિલિયન્સ; એન્વાયર્નમેન્ટલ અને ઓપરેશનલ મેડિસિન; મિલિટરી મેડિકલ લોજિસ્ટિક્સ; કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ, ન્યુક્લિયર અને એક્સપ્લોસિવ (CBRNe) મેડિકલ રિસ્પોન્સ; ઇમરજન્સી મેડિસિન અને ક્રિટિકલ કેર; ડિઝાસ્ટર મેડિસિન અને હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ (HADR) તેમજ રિસર્ચ, ઓડિટ અને ડેટા એનાલિટિક્સ સહિતના મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે ટેકનોલોજી-સક્ષમ બેટલફીલ્ડ મેડિસિન, સિમ્યુલેશન-આધારિત તાલીમ, ટેલિમેડિસિન, લાંબા સમય સુધી ફિલ્ડ કેર અને મેડિકલ ડિસિઝન સપોર્ટમાં નવીનતાને પણ પ્રોત્સાહન આપશે.

વિભાગને તબક્કાવાર રીતે વિકસાવવામાં આવશે, જેમાં પ્રારંભિક તબક્કો સ્થાપના અને શૈક્ષણિક કાર્યક્રમોની શરૂઆત પર ધ્યાન કેન્દ્રિત કરશે, ત્યારબાદ HADR અને CBRNe મેડિસિનમાં સેન્ટર્સ ઓફ એક્સેલન્સની રચના કરવામાં આવશે અને અંતે મિલિટરી મેડિસિન માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કેન્દ્ર તરીકે વિકસિત થશે.

મિલિટરી મેડિસિનના વધતા મહત્વ પર પ્રકાશ પાડતા શ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, જે રીતે એરોસ્પેસ મેડિસિન નીચલી પૃથ્વીની કક્ષામાં વૈજ્ઞાનિકો અને પાઇલટ્સ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનો ઉકેલ લાવે છે, તેવી રીતે મિલિટરી મેડિસિન યુદ્ધ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ દરમિયાન માનવ શરીર પર પડતા શારીરિક અને માનસિક તણાવનો અભ્યાસ કરે છે. તેમણે કહ્યું, "આપણા સૈનિકો વિશ્વના કેટલાક સૌથી જટિલ પ્રદેશો અને કઠોર વાતાવરણમાં તૈનાત છે, જે વિવિધ પડકારોનો સામનો કરે છે. નવો વિભાગ ઓપરેશનલ વાતાવરણને અનુરૂપ તબીબી પ્રોટોકોલ વિકસાવશે."

સંરક્ષણ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પરંપરાગત શસ્ત્રોની સાથે, વર્તમાન યુગમાં સમૂહ વિનાશના શસ્ત્રોનું જોખમ પણ ચાલુ છે. આવી સ્થિતિમાં, વિભાગ સંશોધન અને વિકાસ માટેના હબ તરીકે કામ કરશે, જે દેશને ઝડપી તકનીકી પ્રગતિમાંથી ઉદ્ભવતા ઉભરતા જોખમોનો સામનો કરવા માટે સજ્જ કરશે.

શ્રી રાજનાથ સિંહે રેખાંકિત કર્યું હતું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી અને જવાબદાર સત્તા તરીકે, ભારત યુનાઇટેડ નેશન્સ પીસકીપિંગ મિશનમાં સૌથી મોટા સૈન્ય યોગદાનકર્તાઓમાંનું એક છે, અને સંરક્ષણ દળો રાષ્ટ્રીય સીમાઓથી દૂર HADR કામગીરીમાં મોખરે રહે છે. ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી મેડિસિન આપત્તિ વ્યવસ્થાપન, ફિલ્ડ હોસ્પિટલ તૈનાતી, સામૂહિક અકસ્માત સંચાલન અને રોગચાળાના નિયંત્રણમાં કુશળતા વધારવામાં અમૂલ્ય સાબિત થશે.

નવો સ્થપાયેલ વિભાગ મિલિટરી મેડિસિનમાં સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે કલ્પના કરવામાં આવ્યો છે અને તે AFMS માટે મુખ્ય શૈક્ષણિક, સંશોધન અને સૈદ્ધાંતિક હબ તરીકે સેવા આપશે. તે મિલિટરી અને ઓપરેશનલ મેડિસિનમાં સંરચિત શિક્ષણ અને તાલીમ પ્રદાન કરશે, કૉમ્બેટ મેડિસિન, કૉમ્બેટ સર્જરી અને ટ્રોમા કેર જેવા ક્ષેત્રોમાં પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સને સરળ બનાવશે અને ભારતની ઓપરેશનલ જરૂરિયાતોને અનુરૂપ સ્વદેશી સંશોધનને પ્રોત્સાહન આપશે.

સંરક્ષણ મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે વિભાગ આર્મી મેડિકલ કોર્પ્સના યુવા ડોકટરો માટે યુદ્ધક્ષેત્ર નર્સિંગ અને એડવાન્સ્ડ ટ્રોમા લાઇફ સપોર્ટમાં તાલીમ ક્ષેત્ર તરીકે કામ કરશે. “ વિભાગ યુવા મેડિકલ પ્રોફેશનલ્સ માટે નવી કારકિર્દીનો માર્ગ ખોલશે. વિદ્યાર્થીઓ હવે મિલિટરી મેડિસિનમાં સુપર-સ્પેશિયાલાઇઝેશન મેળવી શકશે. આનાથી માત્ર સૈન્યની અંદર બૌદ્ધિક મૂડીમાં વધારો થશે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર તબીબી સંશોધનમાં ભારતનું સ્થાન પણ ઊંચું આવશે,” તેમણે ઉમેર્યું.

'પ્રિવેન્ટિવ હેલ્થકેર'ની અત્યંત જરૂરિયાત પર ભાર મૂકતા, શ્રી રાજનાથ સિંહે દાવો કર્યો હતો કે તેને વાસ્તવિક સારવાર પહેલાં, સંરક્ષણની પ્રથમ હરોળ તરીકે જોવી જોઈએ. તેમણે રોગની દેખરેખ, રસીકરણ, સ્વચ્છતા, પોષણ, શારીરિક તંદુરસ્તી, વ્યવસાયિક સ્વાસ્થ્ય અને નિયમિત આરોગ્ય તપાસ દ્વારા પ્રારંભિક તબક્કે આરોગ્યના જોખમને ઓળખી શકે અને ઘટાડી શકે તેવી વ્યવસ્થા વિકસાવવા માટે હાકલ કરી હતી. તેમણે કહ્યું, “નિવારક આરોગ્ય સંભાળ સીધી રીતે લડાયક સજ્જતા અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી છે. સૈનિકોના સ્વાસ્થ્યના રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને સંભવિત આરોગ્ય જોખમોની વહેલી ઓળખ વધારવા માટે આપણે AI, વ્યુઅરેબલ ડિવાઇસ, પ્રેડિક્ટિવ એનાલિટિક્સ અને અદ્યતન નિદાન જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ.”

સંરક્ષણ મંત્રીએ નવા ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી મેડિસિનને રાષ્ટ્રની સૈન્ય વિચારસરણીમાં ક્રાંતિકારી પરિવર્તનના પ્રતીક તરીકે વર્ણવીને પોતાના સંબોધનનું સમાપન કર્યું હતું. તેમણે કહ્યું, "સાથે મળીને, આપણે વિભાગને વિશ્વના શ્રેષ્ઠ 'બેટલફીલ્ડ મેડિસિન રિસર્ચ સેન્ટર' માં પરિવર્તિત કરવાનો છે."

કાર્યક્રમમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ધીરજ સેઠ; ડિફેન્સ સેક્રેટરી શ્રી રાજેશ કુમાર સિંહ; વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈન; જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, સેન્ટ્રલ કમાન્ડ લેફ્ટનન્ટ જનરલ અનિંદ્ય સેનગુપ્તા; DG AFMS સર્જન વાઇસ એડમિરલ આરતી સરીન; એડજ્યુટન્ટ જનરલ લેફ્ટનન્ટ જનરલ VPS કૌશિક; અને DG મેડિકલ સર્વિસીસ (આર્મી) અને કર્નલ કમાન્ડન્ટ આર્મી મેડિકલ કોર્પ્સ લેફ્ટનન્ટ જનરલ CG મુરલીધરન; એડિશનલ સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ શ્રી મનીષ ત્રિપાઠી; કમાન્ડન્ટ, કમાન્ડ હોસ્પિટલ (સેન્ટ્રલ કમાન્ડ), લખનઉ મેજર જનરલ આલોક ભલ્લા, અને અન્ય સીનિયર અધિકારીઓએ હાજરી આપી હતી.

વિભાગની સ્થાપના સ્વદેશી ક્ષમતાઓને મજબૂત બનાવવાની અને સંરક્ષણ દળોની ઓપરેશનલ સજ્જતા વધારવાના સરકારના વિઝન સાથે સુસંગત છે. તે રક્ષા સ્ટ્રેટેજી વિઝન 2026-30 હેઠળ પર્વતિત પ્રસ્તાવિત ગ્લોબલ મિલિટરી મેડિસિન સેન્ટરને પણ પૂરક બનાવે છે. ઉદ્ઘાટન AFMS ને આધુનિક, ટેકનોલોજી-સક્ષમ, ઓપરેશનલી સંબંધિત અને દર્દી-કેન્દ્રિત સૈન્ય આરોગ્ય સંભાળ પ્રણાલીમાં સતત પરિવર્તન લાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન દર્શાવે છે, જ્યારે ભવિષ્યના સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા પડકારો માટે ભારતની તૈયારીઓને મજબૂત બનાવે છે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2290980) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil