નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય
નવી દિલ્હીમાં 2 થી 5 નવેમ્બર દરમિયાન 'ભારત રિન્યુએબલ એનર્જી સમિટ એન્ડ એક્સ્પો 2026'નું આયોજન કરાશે: શ્રી પ્રહલાદ જોશી
ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ એસેમ્બલીના 9મા સત્ર અને ગ્રીન હાઇડ્રોજન પરની 4થી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની સાથે યોજાશે આ સમિટ
प्रविष्टि तिथि:
23 JUL 2026 7:23PM by PIB Ahmedabad
ભારત રિન્યુએબલ એનર્જી સમિટ એન્ડ એક્સ્પો (BRESE) 2026 નું આયોજન 2 થી 5 નવેમ્બર 2026 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કરવામાં આવશે, તેમ કન્દ્રીય નવી અને નવીન ઊર્જા તેમજ ગ્રાહક બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ આજે અહીં BRESE 2026ના કર્ટન રેઝરને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું.
પોતાના મુખ્ય પ્રબોધનમાં, શ્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે BRESE 2026 પ્રથમ વખત ત્રણ મુખ્ય અક્ષય ઊર્જા (રિન્યુએબલ એનર્જી) કાર્યક્રમો —BRESE 2026, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) એસેમ્બલીનું 9મું સત્ર અને ગ્રીન હાઇડ્રોજન પરની 4થી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ (ICGH) ને એક જ મંચ પર લાવશે. શ્રી જોશીએ વધુમાં માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી શ્રી BRESE 2026 નું ઉદ્ઘાટન કરવા માટે સંમત થયા છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિ વિકસિત ભારતના એક મુખ્ય સ્તંભ તરીકે અક્ષય ઊર્જા પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતા અને વૈશ્વિક સતત વિકાસમાં તેના યોગદાનને દર્શાવે છે.
શ્રી જોશીએ વધુમાં જણાવ્યું હતું કે આ સમિટ અગ્રણી અક્ષય ઊર્જા ડેવલપર્સ, ટેકનોલોજી કંપનીઓ, ઉત્પાદકો, બેટરી સ્ટોરેજ કંપનીઓ, ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રના અગ્રણીઓ, નાણાકીય સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને રોકાણકારોને એકસાથે લાવશે, જે એક જ છત નીચે સમગ્ર અક્ષય ઊર્જા મૂલ્ય શ્રૃંખલા (વેલ્યુ ચેઇન) નું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે આ સમિટને સાચા અર્થમાં વૈશ્વિક દ્રષ્ટિકોણ સાથે ડિઝાઇન કરવામાં આવી છે. BRESE સમિટ માટે 34 દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે, જ્યારે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સે એસેમ્બલી માટે 128 દેશોને આમંત્રણ આપ્યું છે.
શ્રી જોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક મંચ પર ભારતની ક્રેડિબિલિટી (વિશ્વસનીયતા) તેના પરિણામો આપવાના મજબૂત ટ્રેક રેકોર્ડ પર આધારિત છે, જેણે તેને વૈશ્વિક અક્ષય ઊર્જા સમુદાયને એકત્રિત કરવા માટે સક્ષમ બનાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત ટૂંક સમયમાં જ સ્થાપિત બિન-અશ્મિભૂત બળતણ (નોન-ફોસિલ ફ્યુઅલ) ક્ષમતાના 300 GW ના સીમાચિહ્નને પાર કરશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે 'પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના' આવનારા અઠવાડિયામાં 50 લાખ લાભાર્થી કુટુંબોનો આંકડો પાર કરે તેવી અપેક્ષા છે.
પોતાના સંબોધનના સમાપનમાં, કેન્દ્રીય મંત્રીએ ભારત રિન્યુએબલ એનર્જી સમિટ એન્ડ એક્સ્પો 2026 ને વૈશ્વિક અક્ષય ઊર્જા સમુદાય સાથે ભારતના જોડાણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ સમિટ ક્ષેત્રના વિકાસ, ઉભરતી તકો અને સ્વચ્છ ઊર્જા સંક્રમણને આગળ વધારવામાં વૈશ્વિક સહયોગ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે 2 થી 5 નવેમ્બર 2026 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનારી આ સમિટમાં ભાગ લેવા માટે વિશ્વભરની સરકારો, ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, સંશોધકો, નવપ્રવર્તકો (ઇનોવેટર્સ), સાહસિકો અને વિકાસ ભાગીદારોને ઉષ્માભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. શ્રી જોશીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સમિટ નવી ભાગીદારીને પ્રોત્સાહન આપશે, રોકાણોને ગતિ આપશે, નવીનતાને પ્રોત્સાહન આપશે અને અક્ષય ઊર્જા ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવશે.
કર્ટન રેઝર દરમિયાન, શ્રી જોશીએ BRESE 2026 ના સત્તાવાર લોગો 'ઊર્જા ચક્ર' નું પણ અનાવરણ કર્યું હતું અને સમિટ માટે સત્તાવાર ડિજિટલ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી.
નવી અને નવીન ઊર્જા રાજ્ય મંત્રી શ્રી શ્રીપદ યેસો નાઇકે રેખાંકિત કર્યું હતું કે ભારતનું અક્ષય ઊર્જા સંક્રમણ દેશભરના રાજ્યોના સામૂહિક પ્રયાસો દ્વારા સંચાલિત થઈ રહ્યું છે. તેમણે નોંધ્યું હતું કે રાજસ્થાન તેના વિશાળ સૂર્ય સંસાધનોનો ઉપયોગ કરી રહ્યું છે અને ગુજરાત ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવી રહ્યું છે, જ્યારે અન્ય કેટલાક રાજ્યો જળવિદ્યુત, ફ્લોટિંગ સોલર, બાયોમાસ અને વિકેન્દ્રીકૃત અક્ષય ઊર્જાને આગળ વધારી રહ્યા છે, જે સહકારી અને સ્પર્ધાત્મક ફેડરલિઝમની ભાવના દર્શાવે છે.
નવી અને નવીન ઊર્જા મંત્રાલયના સચિવ શ્રી સંતોષ કુમાર સારંગીએ જણાવ્યું હતું કે ભારતનું અક્ષય ઊર્જા પરિવર્તન ચાર મુખ્ય સ્તંભો—નીતિગત સ્થિરતા, બજાર નિર્માણ, ઇકોસિસ્ટમ વિકાસ અને ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નિર્માણ પામ્યું છે. તેમણે કહ્યું હતું કે ઊર્જા પરિવર્તનનો આગામી તબક્કો હાઇબ્રિડ અક્ષય ઊર્જા પ્રોજેક્ટ્સ, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ, ફ્લોટિંગ સોલર, એગ્રીવોલ્ટેઇક્સ અને નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન દ્વારા સિસ્ટમ ક્ષમતાઓને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે ભારત રિન્યુએબલ એનર્જી સમિટ એન્ડ એક્સ્પો (BRESE) 2026 સરકારો, ઉદ્યોગો, રોકાણકારો, ઇનોવેટર્સ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોને સ્વચ્છ ઊર્જામાં રોકાણ, ટેકનોલોજી ભાગીદારી અને સહયોગને ઝડપી બનાવવા માટે એક સામાન્ય મંચ પૂરો પાડશે.
આ કાર્યક્રમ દરમિયાન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ હાજર રહ્યા હતા.
બેકગ્રાઉન્ડ નોટ લિંક: https://drive.google.com/file/d/1N1nfvYVsI_8q-u2-w5foe2N5KzMw06cG/view?usp=sharing
Pralhad Joshi Unveils India's Self-Reliant Green Vision At Times Network Sustainability Conclave




SM/IJ/JD
(रिलीज़ आईडी: 2288569)
आगंतुक पटल : 9