સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
NSFDCની રાહત દરની ક્રેડિટ-આધારિત યોજનાઓ દ્વારા પાત્ર અનુસૂચિત જાતિ (SC)ના વ્યક્તિઓની ઉદ્યોગસાહસિકતા, સ્વ-રોજગાર અને સામાજિક-આર્થિક સ્થિતિને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર સફળતા
આ અભ્યાસમાં અગિયાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્ષ 2021-22, 2022-23 અને 2023-24 દરમિયાન NSFDCની ક્રેડિટ આધારિત યોજનાઓ હેઠળના 5,480 લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે
સમગ્રપણે, 81%થી વધુ લાભાર્થીઓએ સ્વીકાર્યું છે કે NSFDCની યોજનાઓ હેઠળ તેમના સામાજિક અને આર્થિક ઉત્થાનમાં સકારાત્મક યોગદાન મળ્યું છે
प्रविष्टि तिथि:
13 JUL 2026 5:55PM by PIB Ahmedabad
કેન્દ્રીય સામાજિક ન્યાય અને સત્તાધિકારતા મંત્રાલયના નેજા હેઠળના સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ, નેશનલ શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSFDC) એ તેની રાહત દરની ક્રેડિટ-આધારિત યોજનાઓ દ્વારા પાત્ર અનુસૂચિત જાતિના વ્યક્તિઓની ઉદ્યોગસાહસિકતા, સ્વ-રોજગાર અને સામાજિક-આર્થિક સ્થિતિને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ યોજનાઓએ દેશભરમાં લક્ષિત લાભાર્થીઓની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો છે.
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન એક બાહ્ય એજન્સી મેસર્સ ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ ઓપરેશન્સ રિસર્ચ એન્ડ સર્વેઝ (DOORS) દ્વારા સેમ્પલ બેઝિસ પર હાથ ધરવામાં આવેલા પ્રભાવ મૂલ્યાંકન અભ્યાસમાં આવકમાં વધારો, સંપત્તિનું સર્જન, રોજગાર નિર્માણ અને સામાજિક દરજ્જામાં સુધારાના સંદર્ભમાં સકારાત્મક પરિણામો બહાર આવ્યા છે.
આ અભ્યાસમાં અગિયાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, એટલે કે આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, ઓડિશા, પુડુચેરી, પંજાબ, તમિલનાડુ અને ત્રિપુરામાં વર્ષ 2021-22, 2022-23 અને 2023-24 દરમિયાન NSFDCની ક્રેડિટ આધારિત યોજનાઓ હેઠળ મદદ મેળવનાર 5,480 લાભાર્થીઓના સેમ્પલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ તારણો અનુસૂચિત જાતિના સમુદાયોમાં ટકાઉ આજીવિકાની તકો ઊભી કરવા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે NSFDC ની ધિરાણ યોજનાઓની અસરકારકતા દર્શાવે છે.
અભ્યાસ અનુસાર, 93.34% લાભાર્થીઓએ હેતુપૂર્વક નાણાકીય સહાયનો ઉપયોગ કર્યો હતો, જે NSFDC ની ધિરાણ પ્રણાલી અને દેખરેખ પ્રણાલીની અસરકારકતા દર્શાવે છે, 93.54% લાભાર્થીઓ હજુ પણ NSFDC ની સહાય દ્વારા બનાવવામાં આવેલી અસ્કયામતો (સંપત્તિ) ધરાવે છે જે વિવિધ યોજનાઓ હેઠળ પૂરી પાડવામાં આવેલી લોનનો ટકાઉ અને ઉત્પાદક ઉપયોગ દર્શાવે છે અને 8.98% લાભાર્થીઓ ₹3.00 લાખની વાર્ષિક કૌટુંબિક આવકની મર્યાદાને વટાવી ગયા છે.
અભ્યાસ વધુમાં દર્શાવે છે કે ₹1.50 લાખથી ₹3.00 લાખ વચ્ચેની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા લાભાર્થીઓનું પ્રમાણ સહાય મેળવતા પહેલા 32.61% હતું, જે વધીને ત્યારપછી 46.28% થયું છે. તેવી જ રીતે, ₹1.50 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા લાભાર્થીઓનું પ્રમાણ 67.39% થી ઘટીને 44.74% થયું છે, જ્યારે 81.30% લાભાર્થીઓએ NSFDC ની લોન યોજનાઓ હેઠળ સહાય મેળવ્યા પછી તેમના સામાજિક દરજ્જામાં સુધારો થયો હોવાનો અહેવાલ આપ્યો છે.
લાભાર્થીઓમાં સ્વ-રોજગારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો કારણ કે લોન મેળવતા પહેલા સ્વ-રોજગાર ધરાવતા લાભાર્થીઓનું પ્રમાણ 46.62% હતું જે સહાય મેળવ્યા પછી વધીને 73.95% થયું છે. સૌથી નોંધપાત્ર સુધારો બિન-ખેતી વિષયક સ્વ-રોજગાર પ્રવૃત્તિઓમાં જોવા મળ્યો હતો જ્યાં હિસ્સો 35.64% થી વધીને 59.42% થયો હતો.
મૂલ્યાંકન અભ્યાસ મહિલા સશક્તિકરણ પર NSFDC યોજનાઓની સકારાત્મક અસરોને વધુમાં રેખાંકિત કરે છે. નાણાકીય સહાય મેળવતા પહેલા ગૃહિણી તરીકે ઓળખાયેલી 705 મહિલાઓમાંથી 674 મહિલાઓ (95.60%) ત્યારબાદ સ્વ-રોજગાર ધરાવતી થઈ છે. આ પરિવર્તન મહિલા લાભાર્થીઓમાં નાણાકીય સ્વતંત્રતા અને આર્થિક ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં NSFDC ની ભૂમિકાને રેખાંકિત કરે છે.
આ અભ્યાસ લાભાર્થીઓમાં સામાજિક દરજ્જો અને આત્મવિશ્વાસના સ્તરમાં થયેલા સુધારા તરફ પણ નિર્દેશ કરે છે. 58% થી વધુ ઉત્તરદાતાઓએ તેમના સામાજિક દરજ્જામાં નોંધપાત્ર સુધારો નોંધાવ્યો છે, જ્યારે અન્ય 23% લોકોએ મધ્યમ સુધારો નોંધાવ્યો છે. સમગ્રપણે, 81% થી વધુ લાભાર્થીઓએ સ્વીકાર્યું છે કે NSFDC યોજનાઓ હેઠળ મળેલી સહાયથી તેમના સામાજિક અને આર્થિક ઉત્થાનમાં સકારાત્મક યોગદાન મળ્યું છે.
સ્વતંત્ર મૂલ્યાંકન અભ્યાસના તારણો લક્ષિત નાણાકીય સહાય અને આજીવિકા સહાય દ્વારા ગરીબી ઘટાડવા, આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા અને અનુસૂચિત જાતિના સમુદાયોની સામાજિક-આર્થિક સુખાકારી વધારવા માટે NSFDC ની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. NSFDC દેશભરમાં પાત્ર લાભાર્થીઓ માટે તેની આઉટરીચ મજબૂત કરવાનું, સેવા વિતરણ પ્રણાલીમાં સુધારો કરવાનું અને પરવડે તેવા ધિરાણ સુધીની પહોંચને વિસ્તારવાનું ચાલુ રાખશે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2284212)
आगंतुक पटल : 12