પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિએ હાઈ સીઝમાં મત્સ્યોદ્યોગના ટકાઉ ઉપયોગ માટે લેટર ઓફ ઓથોરાઇઝેશન (LoA) અને ઓડિશા ડીપ સી ફિશિંગ મિશન દસ્તાવેજ લોન્ચ કર્યા


સશક્ત FFPO, મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ અને ડિજિટલાઇઝેશન દ્વારા મત્સ્યોદ્યોગ ક્ષેત્રના સમાવેશી વિકાસને પ્રોત્સાહન

प्रविष्टि तिथि: 09 JUL 2026 3:18PM by PIB Ahmedabad

ભારત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા 9મી જુલાઈ 2026ના રોજ ઓડિશાના ભુવનેશ્વર ખાતે 'હાઈ સીઝ (ખુલ્લા સમુદ્ર)માં મત્સ્યોદ્યોગના ટકાઉ ઉપયોગ માટેના લેટર ઓફ ઓથોરાઇઝેશન (LoA)' નું રાષ્ટ્રીય સ્તરે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણનને હાઈ સીઝમાં મત્સ્યોદ્યોગના ટકાઉ ઉપયોગ માટે લેટર ઓફ ઓથોરાઇઝેશન લોન્ચ કર્યા હતા. માનનીય ઉપરાષ્ટ્રપતિએ કાર્યક્રમ દરમિયાન 'ઓડિશા ડીપ સી મિશન દસ્તાવેજ' પણ લોન્ચ કર્યો હતો.

આ રાષ્ટ્રીય લોન્ચિંગ કાર્યક્રમમાં ઓડિશાના માનનીય રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિ; ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝી; કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન; કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી તેમજ પંચાયતી રાજ મંત્રી શ્રી રાજીવ રંજન સિંહની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી તેમજ પંચાયતી રાજ રાજ્ય મંત્રી પ્રો. એસ. પી. સિંહ બઘેલ; ઓડિશા સરકારના મત્સ્યોદ્યોગ અને ARD તથા MSME રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી ગોકુલાનંદ મલ્લિક; અને કંધમાલના માનનીય સાંસદ શ્રી સુકાંત પાણિગ્રાહી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલા મત્સ્ય પાલકો અને માછીમારો સહિત આશરે 1,000 મત્સ્ય પાલકો અને માછીમારોએ રૂબરૂ ભાગ લીધો હતો, સાથે જ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, સંબંધિત મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણનને મત્સ્યોદ્યોગ ક્ષેત્રના ટકાઉ અને જવાબદાર વિકાસને આગળ ધપાવવા માટે ભારત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ, ઓડિશા સરકાર અને મત્સ્યોદ્યોગના તમામ હિસ્સેદારોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે કેન્દ્રીય બજેટ 2025-26 માં ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ - વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર) અને હાઈ સીઝમાં મત્સ્યોદ્યોગ સંસાધનોનો ઉપયોગ કરવાના મહત્વને સ્વીકારવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે લેટર ઓફ ઓથોરાઇઝેશન (LoA) માળખાની શરૂઆત દેશના મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં એક નવો અધ્યાય અંકિત કરે છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આ માછીમાર-કેન્દ્રિત માળખું ઉચ્ચ મૂલ્યના દરિયાઈ સંસાધનો સુધી પહોંચ વધારશે, આજીવિકા મજબૂત કરશે અને સીફૂડ વેલ્યુ ચેઇનમાં નવી તકો ઊભી કરશે. ગુણવત્તાના ધોરણો, ટ્રેસેબિલિટી અને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રોના મહત્વ પર ભાર મૂકતા તેમણે નોંધ્યું કે આ પગલાં ભારતીય સીફૂડને પ્રીમિયમ વૈશ્વિક બજારો સુધી પહોંચવામાં મદદ કરશે અને નિકાસને વધુ વેગ આપશે. તેમણે મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ અને ફિશ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (FFPOs - મત્સ્ય ઉત્પાદક સંગઠનો) ને મજબૂત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો અને યુવાનોને મત્સ્યોદ્યોગને એક આધુનિક, વિજ્ઞાન-આધારિત ક્ષેત્ર તરીકે જોવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જે નોંધપાત્ર રોજગારી અને સાહસિકતાની તકો પ્રદાન કરે છે. વિકાસ ટકાઉપણા સાથે સુસંગત હોવો જોઈએ તેના પર ભાર મૂકતા, તેમણે ભવિષ્યની પેઢીઓ માટે લાંબા ગાળાના લાભો અને બ્લુ ઇકોનોમી (વાદળી અર્થવ્યવસ્થા) ની સતત વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે દરિયાઈ સંસાધનોના જવાબદાર સંચાલન માટે આહ્વાન કર્યું હતું.

  

કાર્યક્રમ દરમિયાન, માનનીય ઉપરાષ્ટ્રપતિએ નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટર્સ લિમિટેડ (NCEL) સહિતની મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ અને ફિશિંગ વેસલના માલિકોને LoA વિતરણ કર્યા હતા, જેનાથી પાત્રતા ધરાવતા ભારતીય ધ્વજવાળા ફિશિંગ વેસલ્સ હાઈ સીઝમાં નિયમનકારી માછીમારી કામગીરી હાથ ધરવા માટે સક્ષમ બનશે. જે મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓને એવોર્ડ આપવામાં આવ્યા તેમાં શ્રી મહાવીર મચ્છીમાર સહકારી મંડળી લિમિટેડ, શ્રી માર્તન્ડ પ્રસન્ન કોલાબા મત્સ્યોદ્યોગ વિવિધ કાર્યકારી સહકારી સંસ્થા મર્યાદિત, સાઉથ ગોવા મિકેનાઇઝ્ડ બોટ ઓનર્સ કોઓપરેટિવ એન્ડ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ, પારાદીપ મરીન પ્રાઇમરી ફિશ પ્રોડક્શન એન્ડ માર્કેટિંગ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, તેંગાપટ્ટનમ ડીપ સી ફિશ પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ સોસાયટી અને માલપે ફિશરમેન્સ પ્રાઇમરી કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડનો સમાવેશ થાય છે.

ઓડિશાના માનનીય રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિએ ભારતના વિશાળ વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) અને વિશાળ દરિયાઈ સંપત્તિ પર પ્રકાશ પાડતા નોંધ્યું હતું કે દેશની માછીમારી પ્રવૃત્તિઓ પરંપરાગત રીતે દરિયાકાંઠાના પાણી પૂરતી જ મર્યાદિત રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લેટર ઓફ ઓથોરાઇઝેશન (LoA) ની શરૂઆત પારદર્શક અને ટેકનોલોજી-આધારિત માળખા દ્વારા હાઈ-સીઝ મત્સ્યોદ્યોગ સંસાધનોનો ટકાઉ ઉપયોગ કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. વિકાસની સાથે ટકાઉપણું પણ હોવું જોઈએ તેના પર ભાર મૂકતા તેમણે નોંધ્યું કે આ પહેલ જવાબદાર માછીમારીને પ્રોત્સાહન આપશે, મત્સ્યોદ્યોગ મૂલ્ય શૃંખલાને મજબૂત કરશે, યુવાનો માટે આજીવિકાની તકો ઊભી કરશે અને માછીમાર સમુદાયોની આવકમાં સુધારો કરશે. તેમણે વૈશ્વિક વ્યાપાર પડકારો છતાં સીફૂડની રેકોર્ડ નિકાસ હાંસલ કરવા બદલ મત્સ્યોદ્યોગ વિભાગની પણ પ્રશંસા કરી હતી. મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ અને ફિશ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (FFPOs) ની ભૂમિકા પર ભાર મૂકતા, તેમણે માછીમારોને ટ્યુના અને ટ્યુના જેવી પ્રજાતિઓ જેવા ઉચ્ચ મૂલ્યના સંસાધનો મેળવવા માટે યોગ્ય વેસલ્સ, સાધનો અને ટેકનોલોજીથી સશક્ત બનાવવાનું આહ્વાન કર્યું હતું.

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ નોંધ્યું હતું કે ઓડિશા વેલ્યુ એડિશન (મૂલ્ય વર્ધન) અને સીફૂડ નિકાસને ટેકો આપવા માટે જથ્થાબંધ માછલી બજારો અને એક્વાપાર્ક સહિત આધુનિક મત્સ્યોદ્યોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ દ્વારા એક મજબૂત મત્સ્યોદ્યોગ ઇકોસિસ્ટમનું સતત નિર્માણ કરી રહ્યું છે. EEZ અને મહાસાગરીય મત્સ્યોદ્યોગ સંસાધનોની વણઉપયોગી ક્ષમતાનો લાભ લેવા માટે રાજ્યની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, એન્ડ-ટુ-એન્ડ ઓનલાઈન પ્રક્રિયા અને રીઅલ-ટાઇમ ટ્રેકિંગ ધરાવતું ડિજિટલી સક્ષમ LoA માળખું પારદર્શકતા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપશે. તેમણે આવક વધારવા, રોજગારી પેદા કરવા અને ઓડિશાને દેશમાં દરિયાઈ મત્સ્યોદ્યોગ અને સીફૂડ નિકાસ માટે અગ્રણી હબ તરીકે સ્થાપિત કરવા માટે ડીપ-સી ફિશિંગ (ઊંડા સમુદ્રમાં માછીમારી), ટ્યુના મત્સ્યોદ્યોગ, પ્રોસેસિંગ અને નિકાસ-લક્ષી મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિઓ વિકસાવવાના મહત્વ પર વધુ ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતના બ્લુ ઇકોનોમીની અપાર સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રને મજબૂત કરવા માટે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પરિવર્તનકારી પહેલોની પ્રશંસા કરી હતી. ઓડિશાના સમૃદ્ધ દરિયાઈ વારસા અને વિપુલ પ્રમાણમાં મત્સ્યોદ્યોગ સંસાધનોનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું હતું કે આ રાજ્ય ભારતના સીફૂડ નિકાસમાં એક મહત્વપૂર્ણ યોગદાનકર્તા તરીકે ઉભરી આવ્યું છે અને તે ખાસ કરીને ખારા પાણીના મત્સ્યપાલન અને ડીપ-સી ફિશિંગમાં નોંધપાત્ર વણઉપયોગી સંભાવનાઓ ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સંસાધનોનો ટકાઉ પદ્ધતિથી ઉપયોગ કરવાથી માછલીનું ઉત્પાદન વધી શકે છે, નિકાસને વેગ મળી શકે છે અને દરિયાકાંઠાના સમુદાયો માટે આજીવિકાની નવી તકો ઊભી થઈ શકે છે. મંત્રીશ્રીએ મત્સ્યોદ્યોગ મૂલ્ય શૃંખલાને મજબૂત કરવા, બજારની પહોંચ સુધારવા અને ક્ષેત્રીય વિકાસના લાભો માછીમાર સમુદાયો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ અને ફિશ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (FFPOs) ની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે LoA માળખું અને ઓડિશા ડીપ સી ફિશિંગ મિશન ઓડિશાને પૂર્વીય ભારતમાં મુખ્ય મત્સ્યોદ્યોગ અને સીફૂડ નિકાસ હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે, જ્યારે જીવંત બ્લુ ઇકોનોમીના વિઝનમાં યોગદાન આપશે.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી રાજીવ રંજન સિંહે હાઇલાઇટ કર્યું હતું કે કેન્દ્રીય બજેટ 2025-26માં ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) અને હાઈ સીઝમાં મત્સ્યોદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગ માટે એક સક્ષમ માળખું બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને એક્સેસ પાસ (Access Pass) ના લોન્ચિંગ અને લેટર ઓફ ઓથોરાઇઝેશન (LoA) ના રાષ્ટ્રીય રોલઆઉટ દ્વારા કાર્યરત કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે LoA એ ભારતના દરિયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે જે પારદર્શક અને સંપૂર્ણ ઓનલાઈન સિસ્ટમ દ્વારા હાઈ-સીઝ મત્સ્યોદ્યોગની વિશાળ વણઉપયોગી સંભાવનાઓને અનલોક કરશે. મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉભરતી હાઈ-સીઝ મત્સ્યોદ્યોગ ઇકોસિસ્ટમમાં સમાવેશી ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આ પહેલ હેઠળ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ અને ફિશ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (FFPOs) ને પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમણે વધુમાં હાઇલાઇટ કર્યું કે સરકારે વિવિધ ફ્લેગશિપ યોજનાઓ દ્વારા મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં ₹39,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે, જેના પરિણામે વૈશ્વિક વ્યાપાર પડકારો છતાં માછલીના ઉત્પાદનમાં 100% થી વધુ વૃદ્ધિ થઈ છે અને 2025-26 માં ₹73,891 કરોડની રેકોર્ડ સીફૂડ નિકાસ થઈ છે. કેન્દ્રીય બજેટ 2026-27 નો ઉલ્લેખ કરતા તેમણે હાઇલાઇટ કર્યું કે EEZ અને હાઈ સીઝમાં ભારતીય વેસલ્સ દ્વારા પકડાતી માછલીઓને ડ્યુટી-ફ્રી (ટેક્સ મુક્ત) કરવામાં આવી છે અને વિદેશી બંદરો પર ઉતરાણને નિકાસ તરીકે ગણવામાં આવશે, જે આ ક્ષેત્રમાં વિકાસની નવી તકો ઊભી કરશે. તેમણે તમામ હિસ્સેદારોને વિકસિત ભારત 2047 ના વિઝન તરફ સામૂહિક રીતે કામ કરવા અને ભારતની બ્લુ રિવોલ્યુશન અને બ્લુ ઇકોનોમીને વધુ મજબૂત કરવા આહ્વાન કર્યું હતું.

મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ ડૉ. અભિલક્ષ લિખીએ મહાનુભાવો અને સહભાગીઓનું સ્વાગત કર્યું હતું અને દેશમાં ટકાઉ અને નિયંત્રિત હાઈ-સીઝ મત્સ્યોદ્યોગને સરળ બનાવવા તરફના એક પરિવર્તનકારી પગલાં તરીકે લેટર ઓફ ઓથોરાઇઝેશન (LoA) ના રાષ્ટ્રીય લોન્ચિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં સૂચિત કરાયેલા EEZ રૂલ્સ, 2025 અને હાઈ સીઝ ફિશરીઝ ગાઇડલાઇન્સ, 2025 ટ્યુના અને ટ્યુના જેવી પ્રજાતિઓ જેવા ઉચ્ચ મૂલ્યના દરિયાઈ સંસાધનોના જવાબદાર લણણી (હાર્વેસ્ટિંગ) માટે એક મજબૂત માળખું પૂરું પાડે છે. આશરે 3 કરોડ માછીમારો અને મત્સ્ય પાલકોની આજીવિકાને ટેકો આપવામાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રની ભૂમિકા પર ભાર મૂકતા તેમણે હોલ-ઓફ-ગવર્નમેન્ટ અભિગમ અને રાજ્ય સરકારો તથા મત્સ્યોદ્યોગના હિસ્સેદારો વચ્ચે મજબૂત સહયોગ માટે હાહ્વાન કર્યું હતું. તેમણે મત્સ્યોદ્યોગ મૂલ્ય શૃંખલાને મજબૂત કરવામાં અને ક્ષેત્રના સમાવેશી વિકાસને સુનિશ્ચિત કરવામાં મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ અને ફિશ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (FFPOs) ની મુખ્ય ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો.

લેટર ઓફ ઓથોરાઇઝેશન (LoA) અને ઓડિશા ડીપ સી ફિશિંગ મિશન દસ્તાવેજ ભારતીય વેસલ્સ દ્વારા હાઈ-સીઝ ફિશિંગ માટે પારદર્શક, જવાબદાર અને ટકાઉ માળખું સ્થાપિત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે. આ પહેલો દરિયાઈ સંસાધનોના ટકાઉ ઉપયોગને સુનિશ્ચિત કરવાની સાથે હાઈ-સીઝ મત્સ્યોદ્યોગમાં ભારતીય ધ્વજવાળા ફિશિંગ વેસલ્સની જવાબદાર ભાગીદારીને સરળ બનાવશે. તે માછીમારોના આર્થિક કલ્યાણને પ્રોત્સાહન આપવા, સીફૂડ નિકાસ વધારવા, વૈશ્વિક સ્પર્ધાત્મકતા મજબૂત કરવા અને રાષ્ટ્રીય વિકાસની અગ્રતાઓ સાથે સુસંગત બ્લુ ઇકોનોમીના ઉદ્દેશ્યોને આગળ વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.

પૃષ્ઠભૂમિ

બંગાળની ખાડી સાથે ભારતના પૂર્વીય કિનારે આવેલું ઓડિશા, મીઠા પાણી, ખારા પાણી અને દરિયાઈ ઇકોસિસ્ટમને આવરી લેતા સમૃદ્ધ અને વૈવિધ્યસભર મત્સ્યોદ્યોગ સંસાધન આધાર ધરાવતું દેશનું અગ્રણી મત્સ્યોદ્યોગ રાજ્યોમાંનું એક છે. ઓડિશામાં લગભગ 95% વસ્તી માછલીનો વપરાશ કરે છે અને માથાદીઠ વપરાશ 19.16 કિલોગ્રામ છે. આ ક્ષેત્ર રાજ્યની અર્થવ્યવસ્થા, આજીવિકા, ખાદ્ય સુરક્ષા અને નિકાસ કમાણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વર્ષ 2025-26 સુધીમાં, ઓડિશાએ 12.70 લાખ મેટ્રિક ટન (MT) માછલીનું ઉત્પાદન કર્યું હતું, જે સમગ્ર રાજ્યમાં 16 લાખથી વધુ માછીમારો અને મત્સ્ય પાલકોની આજીવિકાને ટેકો આપે છે. રાજ્ય પાસે વિપુલ પ્રમાણમાં મત્સ્યોદ્યોગ સંસાધનો છે, જેમાં ~7.12 લાખ હેક્ટર મીઠા પાણીના સંસાધનો, 4.18 લાખ હેક્ટર ખારા પાણીના સંસાધનો અને દરિયાઈ મત્સ્યોદ્યોગ માટે 24,000 ચોરસ કિલોમીટરનો કોન્ટિનેન્ટલ શેલ્ફ વિસ્તાર સામેલ છે. વર્ષ 2025-26 દરમિયાન માછલીના ઉત્પાદનમાં મીઠા પાણીના મત્સ્યોદ્યોગમાંથી 8.27 લાખ મેટ્રિક ટન, ખારા પાણીના મત્સ્યપાલનમાંથી 1.86 લાખ મેટ્રિક ટન અને દરિયાઈ મત્સ્યોદ્યોગમાંથી 2.56 લાખ મેટ્રિક ટનનો સમાવેશ થાય છે.

ઓડિશા એક મહત્વપૂર્ણ સીફૂડ નિકાસ કરતા રાજ્ય તરીકે પણ ઉભરી આવ્યું છે. વર્ષ 2025-26 દરમિયાન, રાજ્યે ₹5,428.67 કરોડની કિંમતના 1,00,897 મેટ્રિક ટન સીફૂડની નિકાસ કરી હતી, જે મુખ્યત્વે ઝીંગા (શ્રિમ્પ) અને અન્ય ઉચ્ચ મૂલ્યની મત્સ્યપાલન પ્રજાતિઓ દ્વારા સંચાલિત હતી. મુખ્ય નિકાસ-લક્ષી જિલ્લાઓમાં બાલાસોર, ભદ્રક, જગતસિંહપુર, પુરી, ખોરધા અને સંબલપુરનો સમાવેશ થાય છે. મુખ્ય નિકાસ ઝીંગા અને દરિયાઈ માછલીની જાતોમાંથી થાય છે.

રાજ્ય ભારત સરકારના ફ્લેગશિપ મત્સ્યોદ્યોગ વિકાસ કાર્યક્રમોમાં, ખાસ કરીને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ સક્રિય સહભાગી રહ્યું છે. 2020થી, PMMSY હેઠળ ₹1,301 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેમાં મત્સ્યપાલન વિસ્તરણ, બીજ અને ફીડ (ખોરાક) ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માછલી માર્કેટિંગ, કોલ્ડ ચેઈન ડેવલપમેન્ટ, જળચર પ્રાણી સ્વાસ્થ્ય, માછીમારોનું કલ્યાણ, વીમા કવચ અને મત્સ્યોદ્યોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવરી લેવામાં આવ્યા છે. નોંધપાત્ર સિદ્ધિઓમાં જૂથ અકસ્માત વીમા હેઠળ અંદાજે 8.47 લાખ માછીમારોનો સમાવેશ, હેચરીઝ, ફીડ મિલ્સ, રિઝર્વોયર કેજ કલ્ચર યુનિટ્સ, કોલ્ડ સ્ટોરેજ, માછલી બજારો અને ફિશિંગ હાર્બર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનાનો સમાવેશ થાય છે.

લેટર ઓફ ઓથોરાઇઝેશન (LoA) 'ભારતીય ધ્વજવાળા ફિશિંગ વેસલ્સ દ્વારા હાઈ સીઝમાં મત્સ્યોદ્યોગના ટકાઉ ઉપયોગ માટેની માર્ગદર્શિકા, 2025' હેઠળ એક ફરજિયાત જોગવાઈ છે. હાઈ સીઝમાં માછીમારી કે માછીમારી સંબંધિત પ્રવૃત્તિઓ કરતા ભારતીય ધ્વજવાળા વેસલ્સ માટે પારદર્શક અને જવાબદાર માળખા તરીકે ડિઝાઇન કરાયેલું LoA વેસલ-વિશિષ્ટ (ચોક્કસ બોટ માટેનું), બિન-હસ્તાંતરણીય છે અને તેને રીઅલક્રાફ્ટ ફિશિંગ વેસલ રજીસ્ટ્રેશન પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવ્યું છે, જે વ્યવસ્થિત, ટ્રેસેબલ અને મોનિટર કરેલી કામગીરી સુનિશ્ચિત કરે છે. ન્યૂનતમ ખર્ચે, કોઈ પ્રક્રિયાગત અવરોધો વિના અને રીઅલ-ટાઇમ એપ્લિકેશન ટ્રેકિંગ સાથે જારી અને નવીનીકરણ (રીન્યુ) કરવામાં આવતું LoA માછીમારો અને વેસલ ઓપરેટરો માટે અનુપાલનની સરળતા પૂરી પાડે છે. જે વેસલ્સને LoA જારી કરવામાં આવ્યું છે તેમણે સંબંધિત પ્રાદેશિક મત્સ્યોદ્યોગ વ્યવસ્થાપન સંગઠનો (RFMOs) દ્વારા સૂચવવામાં આવેલા સંરક્ષણ અને વ્યવસ્થાપન પગલાંનું પાલન કરવું જરૂરી છે, જેમાં કેચ લિમિટ (માછલી પકડવાની મર્યાદા), ગિયર નિયમનો, બાયકેચ શમનના પગલાં, ફિશ એગ્રીગેટિંગ ડિવાઇસ (FAD) મેનેજમેન્ટ, વોયેજ (દરિયાઈ સફર) રિપોર્ટિંગ અને જવાબદાર તથા ટકાઉ માછીમારી માટેની અન્ય આવશ્યકતાઓ સામેલ છે.

LoA પહેલ ફિશ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (FFPOs) અને મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓને ટકાઉ ડીપ-સી અને હાઈ-સીઝ મત્સ્યોદ્યોગમાં તેમની ભાગીદારી સરળ બનાવીને, ઉચ્ચ મૂલ્યના સંસાધનો સુધી પહોંચ વધારીને અને માછીમારો માટે વધુ આવકની તકો ઊભી કરીને મજબૂત કરશે. તે ડિજિટલાઇઝેશન પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સમગ્ર LoA પ્રક્રિયા ઓનલાઈન, પારદર્શક અને સમયબદ્ધ છે, જેનાથી મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં સેવા વિતરણ, પારદર્શકતા, ટ્રેસેબિલિટી અને ગવર્નન્સમાં સુધારો થાય છે.

ઓડિશા ડીપ સી ફિશિંગ મિશન (2026-2036) એ ઓડિશા સરકારની એક ફ્લેગશિપ બ્લુ ઇકોનોમી પહેલ છે જેનો ઉદ્દેશ્ય રાજ્યના ઓફશોર (દરિયાકિનારાથી દૂર) અને ડીપ-સી મત્સ્યોદ્યોગની સંભાવનાઓને અનલોક કરવાનો અને ઓડિશાને અગ્રણી ડીપ-સી ફિશિંગ અને મરીન એક્સપોર્ટ હબ તરીકે સ્થાપિત કરવાનો છે. આધુનિક માછીમારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૂલ્ય શૃંખલાઓ, વૈજ્ઞાનિક મત્સ્યોદ્યોગ વ્યવસ્થાપન અને બજાર જોડાણોમાં રોકાણ દ્વારા, આ મિશન માછલીનું ઉત્પાદન વધારવા, રોજગારી પેદા કરવા, માછીમારોની આવક વધારવા અને દરિયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્રના ટકાઉ વિકાસને આગળ ધપાવવા માંગે છે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2282842) आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Odia , Tamil