પંચાયતી રાજ મંત્રાલય
નવી દિલ્હીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગ્રામસભામાં ઓછી ભાગીદારી અંગેનો રાષ્ટ્રીય અભ્યાસ અહેવાલ બહાર પાડવામાં આવ્યો
"નાગરિક-કેન્દ્રીય શાસન પ્રદાન કરવા માટે જીવંત ગ્રામસભાઓ આવશ્યક છે": ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ
प्रविष्टि तिथि:
30 JUN 2026 6:07PM by PIB Ahmedabad
નવી દિલ્હીમાં પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજ, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, NIRD&PR તેમજ શિક્ષણવિદો, સંશોધકો અને વિવિધ પંચાયતી રાજ હિતધારકોની ઉપસ્થિતિમાં આજે નીતિ આયોગ (NITI Aayog) ના સભ્ય ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ દ્વારા “રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગ્રામસભામાં ઓછી ભાગીદારી” અંગેનો રાષ્ટ્રીય અભ્યાસ અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. ગ્રામસભાની બેઠકોમાં જાહેર ભાગીદારીને અસર કરતા પરિબળોનું મૂલ્યાંકન કરવા અને પાયાના સ્તરે શાસનમાં નાગરિકોના જોડાણને મજબૂત કરવાના ઉપાયો ઓળખવા માટે પંચાયતી રાજ મંત્રાલય વતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ (NIRD&PR) દ્વારા આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. બે ભાગમાં વહેંચાયેલો આ અહેવાલ ગ્રામસભાઓમાં અસરકારક ભાગીદારીના અવરોધોનું વિશ્લેષણ કરે છે અને પુરાવા-આધારિત નીતિ વિષયક ભલામણો તથા વ્યૂહાત્મક દિશાઓ રજૂ કરે છે. તે નીતિગત માળખાને મજબૂત કરવા, સંસ્થાકીય મિકેનિઝમ્સને વધુ દ્રઢ કરવા અને ગ્રામસભાઓમાં નાગરિકોની અર્થપૂર્ણ ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે સચોટ ઇનપુટ્સ પૂરા પાડે છે. તે 10 રાજ્યોની ગ્રામસભામાં ભાગીદારી વધારવાની શ્રેષ્ઠ પદ્ધતિઓ પર પ્રકાશ પાડવાની સાથે, ગ્રામસભાની ભાગીદારીને અસર કરતા પરિબળો અને આગળના માર્ગનો રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ વાઇઝ હિસાબ પણ આપે છે. (રિપોર્ટ બ્રીફ)

મુખ્ય પ્રવચન આપતા ડૉ. આર. બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ગ્રામસભા ભારતમાં પાયાના સ્તરની લોકશાહીની સાચી અભિવ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે, અને તેની જીવંતતા નક્કી કરે છે કે શાસનના લાભો છેવાડાના માણસ સુધી કેટલી અસરકારક રીતે પહોંચે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, સરકાર દરેક નાગરિકને શાસનના કેન્દ્રમાં રાખીને અને તેમની જરૂરિયાતોને અનુરૂપ સંસ્થાઓ/નીતિઓની રચના કરીને તેમને સશક્ત કરવા માટેની પોતાની પ્રતિબદ્ધતા પર અડગ રહી છે. તેમણે રેખાંકિત કર્યું કે આ અહેવાલ પુરાવા-આધારિત આંતરદ્રષ્ટિ અને ઉકેલ-લક્ષી માળખું પ્રદાન કરે છે જેને દેશભરમાં અસરકારક રીતે અપનાવી શકાય છે. ડૉ. બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ગ્રામસભાઓને મજબૂત કરવાના પડકારો માત્ર ઓછી જાહેર ભાગીદારી પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે પ્રણાલીગત અને સંસ્થાકીય અવરોધોમાં ઊંડે સુધી રોપાયેલા છે, જેના માટે લક્ષિત સુધારાઓની જરૂર છે. નાગરિકોને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકોને માત્ર ગ્રામસભાઓમાં ભાગ લેવા માટે જ નહીં પરંતુ સ્થાનિક વિકાસની જવાબદારી (માલિકી) લેવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યની સંસ્થાઓએ એવા સક્ષમ મિકેનિઝમ્સ બનાવવા જોઈએ જે અર્થપૂર્ણ અને સતત જાહેર જોડાણને પ્રોત્સાહન આપે, કારણ કે વાસ્તવિક ભાગીદારી પરાણે લાદી શકાતી નથી પરંતુ તે સમય જતાં કેળવાય છે. તેમણે વધુમાં અવલોકન કર્યું કે અર્થપૂર્ણ નાગરિક ભાગીદારી એ એક ક્રમિક સફર છે જે જાગૃતિથી શરૂ થાય છે, સક્રિય જોડાણ તરફ આગળ વધે છે, અને આખરે જ્યારે રાજ્ય ગ્રામસભાની આકાંક્ષાઓને પ્રતિભાવ આપે છે ત્યારે તે સશક્તિકરણમાં પરિણમે છે. તેમણે નોંધ્યું હતું કે આ પ્રકારના અભ્યાસો નીતિ ઘડતર માટે પુરાવાના આધારને મજબૂત કરે છે, જેનાથી ભારત વિકસિત ભારત 2047 તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમલીકરણ, સતત સંસ્થાકીય શિક્ષણ અને મજબૂત પાયાની લોકશાહી સંસ્થાઓ માટે ક્ષેત્રના અનુભવોને સચોટ આંતરદ્રષ્ટિમાં રૂપાંતરિત કરવામાં મદદ મળે છે.
શ્રી વિવેક ભારદ્વાજે તેમના સંબોધનમાં અવલોકન કર્યું હતું કે પાછળનો દાયકો ગ્રામીણ ભારતમાં અદ્ભુત પરિવર્તનનો રહ્યો છે, જે મૂળભૂત સુવિધાઓની સાર્વત્રિક પહોંચ અને પાયાની લોકશાહીને વધુ ઊંડી કરવા માટેની સતત પ્રતિબદ્ધતા દ્વારા પ્રતીત થાય છે. તેમણે કહ્યું કે આ અભ્યાસ ગ્રામસભામાં ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને વંચિત સમુદાયોની ભાગીદારી વધારવા માટે લક્ષિત હસ્તક્ષેપોની રચના કરવા માટે મૂલ્યવાન પુરાવા-આધારિત આંતરદ્રષ્ટિ પૂરી પાડે છે. શ્રી ભારદ્વાજે ઉમેર્યું હતું કે મંત્રાલય અહેવાલની ભલામણોને અમલમાં મૂકવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નજીકથી કામ કરશે, જેથી ગ્રામસભાઓને વધુ સમાવિષ્ટ, સહભાગી અને પરિણામ-લક્ષી બનાવી શકાય.
NIRD&PR હૈદરાબાદના એસોસિએટ પ્રોફેસર ડૉ. અંજન કુમાર ભંજાએ અભ્યાસના તારણો રજૂ કર્યા હતા. ગ્રામસભાની ભાગીદારીના દેશના સૌથી મોટા ક્ષેત્ર-આધારિત મૂલ્યાંકનોમાંના એક પર આધારિત આ અભ્યાસમાં 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 400 ગ્રામ પંચાયતોના લગભગ 7,800 ઉત્તરદાતાઓને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં 213 જિલ્લાઓ અને PESA તથા વુમન-ફ્રેન્ડલી (મહિલા-અનુકૂળ) ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે, જે નાગરિક ભાગીદારી અને પાયાની લોકશાહીને મજબૂત કરવા માટે મૂલ્યવાન પુરાવા પૂરા પાડે છે.



રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગ્રામસભામાં ઓછી ભાગીદારી પરનો અહેવાલ: નીચે ક્લિક કરો
[વોલ્યુમ 1], [વોલ્યુમ 2] અહેવાલનો ગ્રાફિકલ સારાંશ
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2279574)
आगंतुक पटल : 7