જળશક્તિ મંત્રાલય
ટેકનોલોજી ત્યારે જ સફળ થાય છે જ્યારે તે લોકો સુધી પહોંચે અને સમુદાયો માટે તેનો ઉપયોગ સરળ હોય: શ્રી સી.આર. પાટીલ
નવી દિલ્હીમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને રેલવે રાજ્ય મંત્રીની ગરિમામય ઉપસ્થિતિમાં DDWS ઇનોવેશન ચેલેન્જની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ
ગ્રામીણ ભારતમાં સુરક્ષિત પીવાના પાણી અને પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન માટે નવીન ઉકેલો રજૂ કરવામાં આવ્યા
સરકાર દ્વારા પાયાના સ્તરે અમલમાં મૂકી શકાય તેવા સસ્તા, વિસ્તરણ યોગ્ય અને સમુદાય-અનુકૂળ ઇનોવેશન્સ માટે આહવાન કરવામાં આવ્યું
प्रविष्टि तिथि:
30 JUN 2026 6:38PM by PIB Ahmedabad
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ટેકનોલોજી ત્યારે જ સાચી સફળ બને છે જ્યારે તે લોકો સુધી પહોંચે અને સમુદાયો માટે તેનો ઉપયોગ સરળ હોય. નવી દિલ્હીમાં આજે યોજાયેલી ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન (DDWS) ની ઇનોવેશન ચેલેન્જ ગ્રાન્ડ ફિનાલેને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ રેખાંકિત કર્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જલ જીવન મિશને કરોડો ઘરો સુધી નળથી જળના જોડાણો પહોંચાડીને ગ્રામીણ પરિવારોના જીવનમાં પરિવર્તન આણ્યું છે. તેમણે કહ્યું કે આ મિશને હવે પાણીની સુરક્ષા પર સમાન ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવું જોઈએ, જેથી સુનિશ્ચિત કરી શકાય કે દરેક ઘરને માત્ર પાણી જ નહીં, પરંતુ સુરક્ષિત પીવાનું પાણી મળે. તેમણે સ્ટાર્ટ-અપ્સ, સંશોધકો અને ઇનોવેટર્સને એવા ઉકેલો વિકસાવવા પ્રોત્સાહિત કર્યા જે સસ્તા, ટકાઉ, તૈનાત કરવામાં સરળ અને ગ્રામીણ પરિસ્થિતિઓ માટે અનુકૂળ હોય.

શ્રી સી.આર. પાટીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાણીની ગુણવત્તા એ સરકાર માટે મુખ્ય પ્રાથમિકતા છે. ઘણા અંતરિયાળ ગામડાઓમાં પીવાના પાણીનું સમયસર પરીક્ષણ હજુ પણ એક પડકાર છે. કેન્દ્રીય મંત્રીએ ધ્યાન દોર્યું હતું કે પીવાલાયક, ઓછી કિંમતની અને ઉપયોગમાં સરળ ટેકનોલોજીની જરૂરિયાત છે જેનો ઉપયોગ ગ્રામ પંચાયતો, વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટીઓ (VWSCs - ગ્રામ્ય પાણી અને સ્વચ્છતા સમિતિઓ), સ્વસહાય જૂથો (SHGs) અને સ્થાનિક યુવાનો દ્વારા ગામ સ્તરે કરી શકાય.
પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનનો ઉલ્લેખ કરતા શ્રી સી.આર. પાટીલે નોંધ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં પણ પેકેજ્ડ ઉત્પાદનોનો વપરાશ વધી રહ્યો છે, જેના કારણે પ્લાસ્ટિક કચરો વધી રહ્યો છે, જેમાં ચિપ્સના પેકેટ, બિસ્કિટના રેપર્સ અને પાઉચ જેવા મલ્ટી-લેયર પ્લાસ્ટિકનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આવા કચરાને દૂરના રિસાયક્લિંગ પ્લાન્ટ્સ સુધી પહોંચાડવાનું ઘણીવાર ખર્ચાળ અને મુશ્કેલ હોય છે. તેથી, પ્લાસ્ટિકના કચરાને સ્થાનિક સ્તરે પ્રોસેસ કરવા અને કચરાને કંચનમાં ફેરવીને સર્ક્યુલર ઇકોનોમી (ચક્રીય અર્થતંત્ર) ના વિચારને ટેકો આપવા માટે ગામ સ્તરે અને બ્લોક સ્તરે ઉકેલોની જરૂર છે.
શ્રી સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે સ્ટાર્ટ-અપ પ્રેરિત ટેકનોલોજીએ સ્થાનિક જરૂરિયાતોને ટેકો આપવો જોઈએ, સમુદાયો માટે ઉપયોગમાં સરળ હોવી જોઈએ અને ગામડાના યુવાનો તેમજ સ્થાનિક ઉદ્યોગસાહસિકો માટે આજીવિકાની તકો ઊભી કરવી જોઈએ. તેમણે નોંધ્યું કે આ આત્મનિર્ભર ભારતની સાચી ભાવનાને પ્રતિબિંબિત કરે છે અને વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપે છે.
DDWS ઇનોવેશન ચેલેન્જની ગ્રાન્ડ ફિનાલે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ; કેન્દ્રીય જલ શક્તિ અને રેલવે રાજ્ય મંત્રી શ્રી વી. સોમન્ના; ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશનના સચિવ શ્રી અશોક કે.કે. મીના; એનજેજેએમ (NJJM) ના એડિશનલ સેક્રેટરી અને મિશન ડાયરેક્ટર શ્રી કમલ કિશોર સોન અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ના જોઈન્ટ સેક્રેટરી અને મિશન ડાયરેક્ટર સુશ્રી ઐશ્વર્યા સિંહની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. DDWSના વરિષ્ઠ અધિકારીઓ, આઇઆઇટી મદ્રાસ (IIT Madras) ના પ્રતિનિધિઓ, જ્યુરી સભ્યો, સ્ટાર્ટ-અપ્સ, ઇનોવેટર્સ અને ફાઇનલિસ્ટ પણ આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.
DDWS ઇનોવેશન ચેલેન્જનું આયોજન બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ: જલ જીવન મિશન (JJM) હેઠળ સુરક્ષિત પીવાનું પાણી અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) (SBM-G) હેઠળ નાના પાયાના, ખર્ચ-અસરકારક અને ટકાઉ પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનના ઉકેલો માટે વ્યવહારુ અને સ્કેલેબલ ઉકેલો ઓળખવા માટે IIT મદ્રાસના સહયોગથી કરવામાં આવ્યું હતું.

પોર્ટલ પર કુલ 348 અરજીઓ નોંધાઈ હતી, જેમાંથી વોટર ઇનોવેશન ચેલેન્જ હેઠળ 90 અરજીઓ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ 66 અરજીઓ તમામ રીતે પૂર્ણ હતી.
IIT મદ્રાસના પ્રો. લિજી ફિલિપની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ દ્વારા ગ્રાન્ડ ફિનાલેમાં જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ત્રણ-ત્રણ ટેકનોલોજીની પસંદગી કરવામાં આવી હતી.
JJM હેઠળ, કેમબાયોસેન્સ પ્રાઇવેટ લિમિટેડ, જલજ્યોતિ પ્રોસેસ પ્રાઇવેટ લિમિટેડ અને પ્લાસ્ટિક સર્જ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (Plastic Surge Industries Pvt. Ltd.) ની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. આ ઉકેલો પોર્ટેબલ વોટર ક્વોલિટી ટેસ્ટિંગ ડિવાઇસ, કેમિકલ અને બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટિંગ અને ફિલ્ડ-ટેસ્ટિંગ કિટ્સ પર કેન્દ્રિત હતા. આ ટેકનોલોજીઓનો ઉદ્દેશ્ય ગ્રામ્ય સ્તરે પાણીની ગુણવત્તાના પરીક્ષણને ઝડપી, સરળ અને વધુ વિશ્વસનીય બનાવવાનો છે.

SBM-G હેઠળ, ક્રોસલિંક્સ પ્રાઇવેટ લિમિટેડ, બાયગ્લાયસો પ્રાઇવેટ લિમિટેડ અને વિજ્ઞા ક્રાફ્ટ પ્રાઇવેટ લિમિટેડની પસંદગી કરવામાં આવી હતી. આ ઉકેલો નાના પાયાના પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન, સસ્તા અને ટકાઉ પ્રોસેસિંગ મોડલ્સ અને સ્થાનિક પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનની ટેકનોલોજી પર કેન્દ્રિત હતા.
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ દ્વારા વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. પસંદ કરાયેલી ટેકનોલોજીની તેમની સુરક્ષા, વ્યવહારિકતા, સ્કેલેબિલિટી અને ગ્રામીણ વિસ્તારો માટે યોગ્યતા માટે વધુ તપાસ કરવામાં આવશે. તેમના પ્રદર્શનના આધારે, વિભાગ પસંદગીના ગ્રામીણ સ્થળોએ પાયલોટ અમલીકરણની શક્યતાઓ ચકાસી શકે છે.
કાર્યક્રમનો સંદર્ભ આપતાં, ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન (DDWS) ના સચિવ શ્રી અશોક કે.કે. મીનાએ ગ્રામીણ પીવાના પાણીના પુરવઠા અને સ્વચ્છતા પ્રણાલીની ટકાઉપણું મજબૂત કરવામાં ઇનોવેશનની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ દ્વારા નોંધપાત્ર ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આગામી તબક્કામાં ટેકનોલોજી આધારિત ઉકેલો દ્વારા વિશ્વસનીય, સસ્તી અને ટકાઉ સેવા વિતરણ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
IIT મદ્રાસના સહયોગથી આયોજિત DDWS ઇનોવેશન ચેલેન્જના ઉદ્દેશ્યો પર પ્રકાશ પાડતા સચિવે જણાવ્યું હતું કે આ પહેલ બે અગ્રતા ક્ષેત્રો જેમ કે JJM હેઠળ પોર્ટેબલ વોટર ક્વોલિટી ટેસ્ટિંગ ટેકનોલોજી અને SBM-G હેઠળ નાના પાયાના, ખર્ચ-અસરકારક પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનના ઉકેલો માટે વ્યવહારુ અને સ્કેલેબલ ઇનોવેશન્સ શોધવા માટે હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગ્રામીણ ભારત માટે ડિઝાઇન કરાયેલી ટેકનોલોજી સરળ, સસ્તી, ટકાઉ અને ફિલ્ડ કંડિશન (ક્ષેત્રીય પરિસ્થિતિઓ) માટે અનુકૂળ હોવી જોઈએ જેથી પંચાયતો, VWSCs, ફિલ્ડ વર્કર્સ અને અંતે સ્થાનિક નાગરિકો દ્વારા તેનો વ્યાપક સ્વીકાર થઈ શકે.

પાણીની ગુણવત્તાની દેખરેખના લોકશાહીકરણની જરૂરિયાત પર ભાર મૂકતા શ્રી અશોક કે.કે. મીનાએ અવલોકન કર્યું કે મોબાઇલ એપ્લિકેશન સાથે સંકલિત પોર્ટેબલ ટેસ્ટિંગ ઉપકરણો પાણીની ગુણવત્તાની દેખરેખની ઝડપ, પારદર્શિતા અને વિશ્વસનીયતામાં નોંધપાત્ર સુધારો કરી શકે છે. આવી ટેકનોલોજીઓ રિયલ-ટાઇમ ડેટા કેપ્ચર, જીઓ-ટેગિંગ અને ઝડપી રિપોર્ટિંગ સક્ષમ કરવાની ક્ષમતા ધરાવે છે, જેનાથી સ્થાનિક નિર્ણય પ્રક્રિયા મજબૂત બનશે અને ગ્રામીણ પીવાના પાણીની સેવાઓમાં જનતાનો વિશ્વાસ વધશે.
પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન પર, સચિવે પરંપરાગત કચરો એકત્ર કરવા અને નિકાલ કરવાને બદલે વિકેન્દ્રિત સર્ક્યુલર ગ્રામીણ અર્થતંત્ર મોડલ્સ તરફ વળવાની હિમાયત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે સ્થાનિક રિસાયક્લિંગ, પુનઃઉપયોગ અને રિસોર્સ રિકવરી (સંસાધન પુનઃપ્રાપ્તિ) ને પ્રોત્સાહન આપતા ઇનોવેશન્સ માત્ર પર્યાવરણીય અસરો અને પરિવહન ખર્ચ ઘટાડશે નહીં પરંતુ ટકાઉ ગ્રામીણ કચરાના વ્યવસ્થાપનને ટેકો આપવાની સાથે આજીવિકાની તકો પણ ઊભી કરશે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે DDWS એવા ઇનોવેશન્સને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે જે સસ્તા, સ્કેલેબલ, રિપેર કરી શકાય તેવા, ડેટા-સક્ષમ અને દેશભરમાં ગ્રામીણ પાણી પુરવઠા અને સ્વચ્છતા સેવાઓની લાંબા ગાળાની ટકાઉપણું સુધારવા માટે સક્ષમ હોય.
વિજેતાઓને અભિનંદન આપતાં, સચિવ, DDWS એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પડકાર દ્વારા ઓળખવામાં આવેલા ઇનોવેશન્સ માત્ર સ્પર્ધા પૂરતા મર્યાદિત નહીં રહે અને સેવા વિતરણમાં સુધારો કરવા, સામુદાયિક સંસ્થાઓને મજબૂત કરવા અને ગ્રામીણ ભારતમાં ઇઝ ઓફ લિવિંગ વધારવામાં અર્થપૂર્ણ યોગદાન આપશે.
આ ઇવેન્ટમાં ઇનોવેશન ચેલેન્જ પ્રક્રિયા, પસંદગી પદ્ધતિ, મૂલ્યાંકન માપદંડ અને અંતિમ તબક્કા સુધીની ચેલેન્જની સફર વિશે IIT મદ્રાસ દ્વારા પ્રસ્તુતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તુતિનું નેતૃત્વ સિવિલ એન્જિનિયરિંગ વિભાગ, IIT મદ્રાસના પ્રો. લિજી ફિલિપ દ્વારા કરવામાં આવ્યું હતું.

SM/IJ/JD
(रिलीज़ आईडी: 2279569)
आगंतुक पटल : 10