યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

આંતરરાષ્ટ્રીય નશાખોરી અને ગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ નિમિત્તે માય ભારત (MY Bharat) રાષ્ટ્રીય નશા મુક્તિ ક્વિઝ લોન્ચ કરશે


'વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા' ઝુંબેશ હેઠળ નશા મુક્ત ભારતના નિર્માણમાં યુવાનોને જોડવા માટે ક્વિઝનું આયોજન કરાશે

નશા મુક્તિ એન્થમ દેશવ્યાપી ઝુંબેશનો એકજૂથ અવાજ બનશે

प्रविष्टि तिथि: 25 JUN 2026 6:17PM by PIB Ahmedabad

આંતરરાષ્ટ્રીય નશાખોરી અને ગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ (ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ) નિમિત્તે, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દેશવ્યાપી "વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા" ઝુંબેશ અંતર્ગત 26 જૂન 2026 ના રોજ માય ભારત (MY Bharat) પોર્ટલ પર રાષ્ટ્રીય નશા મુક્તિ ક્વિઝ લોન્ચ કરશે. આ ક્વિઝનો ઉદ્દેશ્ય યુવાનોને નશીલા પદાર્થોના સેવનની હાનિકારક અસરો વિશે તેમની જાગૃતિ વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, અને સાથે જ માહિતગાર નિર્ણયો તેમજ તંદુરસ્ત, નશા મુક્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે.

આ ક્વિઝ દેશભરના યુવાનો માટે 26 જૂનથી 15 જુલાઈ 2026 સુધી ખુલ્લી રહેશે. એક આકર્ષક ડિજિટલ ફોર્મેટ દ્વારા, સહભાગીઓ નશાખોરી નિવારણ, તેની સામાજિક અને આરોગ્ય પર થતી અસરો અને નશા મુક્ત ભારતના નિર્માણમાં સામૂહિક પ્રવૃત્તિના મહત્વ વિશે જ્ઞાન મેળવશે. ક્વિઝના વિજેતાઓને આ ઝુંબેશના ભાગરૂપે સન્માનિત કરવામાં આવશે.

આ ક્વિઝની શરૂઆત સાથે જ "વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા" ઝુંબેશનો આરંભ થશે, જે વિકસિત ભારત @2047 ના વિઝનના સમર્થનમાં યુવાનોને એકત્રિત કરવા માટે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની એક દેશવ્યાપી પહેલ છે. આ ઝુંબેશ ડિજિટલ જોડાણ અને પાયાના સ્તરની ભાગીદારીના સમન્વય દ્વારા નશાખોરી સામે નિવારણ, જાગૃતિ નિર્માણ અને યુવા-સંચાલિત પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ ઝુંબેશને એક સમાન અવાજ આપવા અને સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા યુવાનોની ભાગીદારીને મજબૂત કરવા માટે, મંત્રાલય 26 જૂનથી 6 જુલાઈ 2026 દરમિયાન માય ભારત પોર્ટલ પર દેશવ્યાપી નશા મુક્તિ એન્થમ ક્રાઉડસોર્સિંગ પહેલ શરૂ કરશે. નશા મુક્ત ભારતના સંદેશને પ્રોત્સાહન આપતા નશા મુક્તિ એન્થમના નિર્માણમાં યોગદાન આપી શકે તેવા સર્જનાત્મક વિચારો, થીમ્સ, સૂત્રો, ગીતના શબ્દો અને સંદેશાઓ સબમિટ કરવા માટે દેશભરના યુવાનોને આમંત્રિત કરવામાં આવશે.

માય ભારત પોર્ટલ દ્વારા પ્રાપ્ત થયેલી પ્રવિષ્ટીઓનું મૂલ્યાંકન પ્રખ્યાત સંગીતકારો અને સાંસ્કૃતિક હસ્તીઓની બનેલી રાષ્ટ્રીય જ્યુરી દ્વારા કરવામાં આવશે. પસંદ કરાયેલી કૃતિને આ ઝુંબેશના સત્તાવાર નશા મુક્તિ એન્થમ તરીકે અપનાવવામાં આવશે અને તે દેશભરના યુવાનો માટે એક આહવાન તરીકે કામ કરશે, જે નશા મુક્ત ભારત અને વિકસિત ભારત @2047 તરફની સફરમાં નિવારણ, જાગૃતિ અને સામૂહિક જવાબદારીના સંદેશાને વધુ વેગ આપશે. પસંદ કરાયેલા યોગદાનકર્તાઓને પણ આ ઝુંબેશના ભાગરૂપે સન્માનિત કરવામાં આવશે.

ક્વિઝના લોન્ચિંગ પછી, દેશભરમાં સર્જનાત્મક અને જાગૃતિ-આધારિત પ્રવૃત્તિઓની શ્રેણી જોવા મળશે. 13 જુલાઈથી 23 જુલાઈ 2026 દરમિયાન લોકગીતો, માઇમ (મૂક અભિનય), શોર્ટ ફિલ્મ અને રીલ સ્પર્ધાઓ, પેઇન્ટિંગ, વક્તૃત્વ સ્પર્ધા અને સ્લોગન રાઇટિંગ સહિતની સ્પર્ધાત્મક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ નશા મુક્ત ભારત પ્રતિજ્ઞા, યુથ ક્લબ્સ, પીઅર સપોર્ટ ગ્રૂપ્સ, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ હેઠળ રમતગમતની પ્રવૃત્તિઓ, નિષ્ણાતોના પ્રવચનો, કાઉન્સેલિંગ સત્રો અને સોશિયલ મીડિયા ઝુંબેશ જેવી સતત જાગૃતિ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવશે.

આ ઝુંબેશનું સમાપન 14 ઓગસ્ટ 2026 ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય નશા મુક્તિ યુવા કોન્ક્લેવ સાથે થશે, જે દેશભરમાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સહભાગીઓને એકસાથે લાવશે.

તંદુરસ્ત, સશક્ત અને નશા મુક્ત ભારત પ્રત્યેના સામૂહિક સંકલ્પને મજબૂત કરવા માટે યુવાનોને માય ભારત પોર્ટલ (https://mybharat.gov.in/) પર નોંધણી કરવા, રાષ્ટ્રીય નશા મુક્તિ ક્વિઝમાં ભાગ લેવા અને નશા મુક્તિ એન્થમ પહેલમાં પોતાનું યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

SM/NP/JD


(रिलीज़ आईडी: 2278029) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil