વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
વિકસિત અર્થવ્યવસ્થાઓ સાથે ભારતના FTAs વિકાસ, ઇનોવેશન, ગુણવત્તા સુધારણા અને રોજગારી સર્જનને ટેકો આપશે: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ
ભારત-EFTA TEPA એ વેપાર, રોકાણ અને ઇનોવેશન સહયોગ માટે નવા માર્ગો ખોલ્યા છે: શ્રી ગોયલ
ભારતની યુવા પ્રતિભા, સ્પર્ધાત્મક ખર્ચ અને વધતું બજાર વિકસિત અર્થવ્યવસ્થાઓની મૂડી અને ટેકનોલોજીના પૂરક છે: શ્રી ગોયલ
નીતિગત સુધારાઓ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરી રહ્યા છે: શ્રી ગોયલ
प्रविष्टि तिथि:
11 JUN 2026 7:15PM by PIB Ahmedabad
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા ગ્લોબલ ઇનોવેશન કનેક્ટની 5મી વાર્ષિક બેઠકના સમાપન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિકસિત અર્થવ્યવસ્થાઓ સાથે મુક્ત વેપાર કરારો (FTAs) કરવાની ભારતની વ્યૂહરચના વૈશ્વિક જોડાણને વિસ્તૃત કરીને, રોકાણો આકર્ષીને, ઇનોવેશનને પ્રોત્સાહન આપીને, રોજગારીનું સર્જન કરીને, ગુણવત્તાના ધોરણોને સુધારીને અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતની ભાગીદારી વધારીને દેશની લાંબા ગાળાની વિકાસની આકાંક્ષાઓને ટેકો આપવા માટે તૈયાર કરવામાં આવી છે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વિશેષ સંબંધો ધરાવે છે અને નોંધ્યું હતું કે ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) દેશો વચ્ચે હસ્તાક્ષર કરાયેલા ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (TEPA) એ વેપાર, રોકાણ અને ઇનોવેશન-આધારિત ભાગીદારી માટે એક મજબૂત માળખું તૈયાર કર્યું છે. તેમણે કહ્યું કે આ કરાર સ્વિસ અને ભારતીય કંપનીઓને એકબીજા સાથે જોડાવા અને લાંબા ગાળાની ભાગીદારી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે જે બંને દેશોને ફાયદો કરાવશે.
ખાસ કરીને EFTA કરારનો ઉલ્લેખ કરતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, લિક્ટેંસ્ટીન અને આઇસલેન્ડે 15 વર્ષના ગાળામાં ભારતમાં 100 અબજ યુએસ ડોલરનું રોકાણ લાવવા અને દસ લાખ પ્રત્યક્ષ રોજગારીના સર્જનને ટેકો આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે કહ્યું કે જ્યારે ભારત આ દેશો માટે એક મોટું અને વધતું બજાર ખોલી રહ્યું છે, ત્યારે રોકાણની પ્રતિબદ્ધતા આ કરારનો એક અભિન્ન ભાગ છે અને બંને પક્ષોના હિતો વચ્ચે સંતુલન બનાવવામાં મદદ કરે છે. તેમણે માહિતી આપી હતી કે ભારત હાલમાં આ કરારના અમલીકરણના બીજા વર્ષમાં છે અને આ માળખા હેઠળ રોકાણો અંગે સક્રિય ચર્ચાઓ ચાલી રહી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિકસિત અર્થવ્યવસ્થાઓ સાથે ભારતનું જોડાણ સ્પર્ધાના બદલે પૂરકતા પર આધારિત છે. યુરોપ, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, ઇઝરાયેલ, ગલ્ફ દેશો, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું હતું કે આ અર્થવ્યવસ્થાઓ ભારત કરતાં નોંધપાત્ર રીતે વધુ માથાદીઠ આવક ધરાવે છે અને વયસ્કોની વધતી વસ્તીને કારણે વસ્તી વિષયક પડકારોનો સામનો કરી રહી છે. બીજી તરફ, ભારત એક યુવા કાર્યબળથી સતત લાભ મેળવી રહ્યું છે, જેની સરેરાશ ઉંમર 30 વર્ષથી ઓછી છે અને આગામી ત્રણ દાયકાઓમાં અપેક્ષિત વસ્તી વિષયક લાભ મળવાનો છે.
શ્રી ગોયલે અવલોકન કર્યું હતું કે વિકસિત અર્થવ્યવસ્થાઓમાં ઉત્પાદન અને સંશોધન તેમજ વિકાસનો (R&D) ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો છે, જે ત્યાં ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓની સ્પર્ધાત્મકતાને અસર કરે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત અને આ દેશો વચ્ચેની ભાગીદારી ભારતની યુવા પ્રતિભા, સ્પર્ધાત્મક ખર્ચ અને વધતા બજારને વિકસિત અર્થવ્યવસ્થાઓમાં ઉપલબ્ધ મૂડી, ટેકનોલોજી અને કુશળતા સાથે જોડીને પરસ્પર ફાયદાકારક તકો ઊભી કરે છે.
મંત્રીશ્રીએ રેખાંકિત કર્યું હતું કે ભારતે છેલ્લા ત્રણથી સાડા ત્રણ વર્ષમાં 38 દેશોને આવરી લેતા નવ FTAs કર્યા છે. તેમણે નોંધ્યું હતું કે આ તમામ ભાગીદાર દેશો ભારત કરતાં નોંધપાત્ર રીતે વધુ માથાદીઠ આવક ધરાવે છે. તેમણે કહ્યું કે આ કરારો ભારતને નવા બજારો સુધી પહોંચ પૂરી પાડે છે, ઉભરતી ટેકનોલોજીમાં સહયોગની સુવિધા આપે છે અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં (ગ્લોબલ વેલ્યુ ચેઇન્સ) વધુ સંકલન સક્ષમ બનાવે છે જ્યારે રોકાણ અને રોજગાર નિર્માણ માટેની તકો ઊભી કરે છે.
શ્રી ગોયલે હાઇલાઇટ કર્યું હતું કે આમાંના ઘણા દેશો પાસે ઉત્પાદક રોકાણની તકો શોધતી મૂડીના મોટા પૂલ છે અને ભારત, તેની ઝડપથી વધતી અર્થવ્યવસ્થા અને 1.4 અબજ આકાંક્ષી ગ્રાહકોના મોટા સ્થાનિક બજાર સાથે, આવા રોકાણો માટે એક આકર્ષક ગંતવ્ય પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે વધતી સ્થાનિક માંગ, તકનીકી પ્રગતિ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું સંયોજન ભારતને તેના લાંબા ગાળાના આર્થિક ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે મજબૂત સ્થિતિમાં મૂકે છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સુધારાઓ નીતિઓ, પ્રક્રિયાઓ અને પાલનનો (કમ્પ્લાયન્સ) બોજ ઘટાડવા, કરવેરાનું સરળીકરણ કરવા, નાદારી અને નાદાર સુધારા (ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી રિફોર્મ્સ) દાખલ કરવા, કાનૂની જટિલતાઓ ઘટાડવા અને વધુ અનુમાનિત વ્યાપાર વાતાવરણ ઊભું કરવા પર કેન્દ્રિત છે. તેમણે જણાવ્યું હતું કે એકંદર ઉદ્દેશ્ય કંપનીઓ માટે ભારતમાં રોકાણ કરવા, કાર્ય કરવા અને વિસ્તરણ કરવા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો છે.
શ્રી ગોયલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકારના મોટા પાયે રોકાણો પર પણ પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે ભારત માત્ર વર્તમાન જરૂરિયાતો માટે જ નહીં પરંતુ ભવિષ્યના વિકાસ માટે તૈયાર કરાયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સમાં લીપફ્રોગ (ઝડપી પ્રગતિ) કરવાની ક્ષમતાથી ફાયદો થયો છે.
ઊર્જા ક્ષેત્ર અંગે શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત પાસે આજે 500 ગીગા વોટથી વધુની સંકલિત રાષ્ટ્રીય ગ્રીડ (યુનિફાઇડ નેશનલ ગ્રીડ) છે. તેમણે નોંધ્યું હતું કે 2014 પહેલા દેશ પ્રાદેશિક ગ્રીડ દ્વારા કાર્ય કરતો હતો અને સરકાર દ્વારા લેવામાં આવેલા પ્રારંભિક પગલાઓમાંનું એક તેમને એક સિંગલ રાષ્ટ્રીય ગ્રીડમાં એકીકૃત કરવાનું હતું. મંત્રીશ્રીના જણાવ્યા અનુસાર, યુનિફાઇડ ગ્રીડે સ્થિરતામાં સુધારો કર્યો છે, વધુ કાર્યક્ષમતાની સુવિધા આપી છે અને નોંધપાત્ર અક્ષય ઊર્જા ક્ષમતાના એકીકરણને સક્ષમ બનાવ્યું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારતની સ્થાપિત વીજ ક્ષમતાના 50 ટકાથી વધુ હિસ્સો હવે અક્ષય ઊર્જા સ્ત્રોતોમાંથી આવે છે. તેમણે એ પણ નોંધ્યું કે ભારતે પેરિસ કરાર હેઠળ તેના ઇન્ટેન્ડેડ નેશનલી ડીટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન (INDCs) સમયપત્રક કરતાં વહેલા હાંસલ કર્યા છે અને તે G20 ની અંદર આબોહવા પ્રતિબદ્ધતાઓ પર અગ્રણી પ્રદર્શન કરનારાઓમાં સ્થાન ધરાવે છે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે સંકલિત પાવર ગ્રીડ અને વધતી જતી અક્ષય ઊર્જા ક્ષમતાના સંયોજને ડેટા સેન્ટર્સ માટેના ગંતવ્ય તરીકે ભારતનું આકર્ષણ મજબૂત કર્યું છે. તેમણે નોંધ્યું હતું કે ભારત એક સ્થિર લોકશાહી પ્રણાલી, કાયદાનું શાસન, મજબૂત ડેટા પ્રોટેક્શન અને પ્રાઇવસી ફ્રેમવર્ક અને અસરકારક બૌદ્ધિક સંપદા સંરક્ષણ (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શન) પ્રદાન કરે છે, જે વૈશ્વિક રોકાણકારો માટે આ તમામ મહત્વપૂર્ણ બાબતો છે.
મંત્રીશ્રીએ ભારતની સ્પર્ધાત્મક અગ્રતાઓ પર વધુ પ્રકાશ પાડ્યો હતો, જેમાં વિશ્વના સૌથી ઓછા ડેટા ખર્ચ, પ્રમાણમાં ઓછો બાંધકામ ખર્ચ, સસ્તું ઔદ્યોગિક અને ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પર્ધાત્મક ખર્ચે ઉપલબ્ધ ઉચ્ચ કુશળ કાર્યબળનો સમાવેશ થાય છે. આ પરિબળો, 1.4 અબજ લોકોના સ્થાનિક બજાર દ્વારા ઓફર કરવામાં આવતા સ્કેલ સાથે મળીને, ભારતમાં મેન્યુફેક્ચરિંગ અને સેવાઓની કામગીરી સ્થાપિત કરવા માંગતી વૈશ્વિક કંપનીઓ તરફથી વધતા રસને આકર્ષિત કરી રહ્યા છે.
ઇનોવેશન અને રિસર્ચના મુદ્દાને સંબોધતા શ્રી ગોયલે સ્વીકાર્યું કે ભારતે ઇનોવેશન કલ્ચર (નવીનતાની સંસ્કૃતિ)ના નિર્માણમાં વધુ ઊંડાણપૂર્વક રોકાણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે સરકાર કંપનીઓ અને દેશો સાથે સક્રિયપણે જોડાઈ રહી છે જેથી એવા ક્ષેત્રોની ઓળખ કરી શકાય જ્યાં ઇનોવેશન-આધારિત રોકાણોને પ્રોત્સાહિત કરી શકાય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રોત્સાહનોની (ઇન્સેન્ટિવ્સ) ભૂમિકા હોવા છતાં, સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓને આકર્ષવા માટે સહાયક ઇકોસિસ્ટમ બનાવવી એટલી જ મહત્વપૂર્ણ છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બૌદ્ધિક સંપદા માળખા (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ફ્રેમવર્ક્સ) સમકાલીન અને ઇનોવેશનને સહાયક રહે તે સુનિશ્ચિત કરવા સરકાર તેનું સતત પરીક્ષણ કરી રહી છે. તેમણે ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની વધતી જતી તાકાત પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેને જાહેર ભંડોળ અને ખાનગી રોકાણ બંને દ્વારા સમર્થન મળી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત પાસે ઇનોવેશન માટે નોંધપાત્ર ફાયદા છે, જેમાં વિપુલ પ્રમાણમાં યુવા પ્રતિભા, ઓછો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અને પ્રયોગો તેમજ ક્લિનિકલ ટ્રાયલ્સને ટેકો આપી શકે તેવું મોટું ઇકોસિસ્ટમ સામેલ છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારત અને વિકસિત અર્થવ્યવસ્થાઓ વચ્ચેની ભાગીદારી ખર્ચ, સ્કેલ અને પ્રતિભાની ઉપલબ્ધતા સંબંધિત પડકારોને હલ કરવામાં મદદ કરી શકે છે અને સાથે જ ઇનોવેશનના પરિણામોને વેગ આપી શકે છે.
શ્રી ગોયલે માહિતી આપી હતી કે સરકારનું આશરે ₹1 લાખ કરોડનું સંશોધન અને વિકાસ ઇનોવેશન ફંડ (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇનોવેશન ફંડ) તાજેતરમાં કાર્યરત થવાનું શરૂ થયું છે અને આ પહેલ હેઠળના પ્રોજેક્ટ્સના પ્રથમ સેટને પહેલેથી જ મંજૂરી આપવામાં આવી છે. તેમણે નોંધ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ, સ્વિટ્ઝર્લેન્ડ અને ઇઝરાયેલ જેવા દેશોમાં સફળ ઇનોવેશન ઇકોસિસ્ટમ ઘણા વર્ષોમાં વિકસિત થઈ છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત સમય જતાં આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ જોશે.
આંતરરાષ્ટ્રીય વેપારને સંબોધતા મંત્રીશ્રીએ કહ્યું કે જ્યારે ચોક્કસ દેશોએ ચોક્કસ સ્થાનિક ઉદ્યોગોના રક્ષણ માટે પગલાં લીધા છે, વૈશ્વિક વેપાર મોટાભાગે નિયમો-આધારિત માળખામાં કાર્ય કરવાનું ચાલુ રાખે છે. તેમણે સ્વીકાર્યું કે દેશો ઘણીવાર તેમના સ્થાનિક હિતોના આધારે વિભિન્ન અભિગમો અપનાવે છે પરંતુ જણાવ્યું હતું કે ભારત સંવાદ, સહયોગ અને પરસ્પર ફાયદાકારક જોડાણ દ્વારા આવા પડકારોનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે.
શ્રી ગોયલે પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત એવી તમામ કંપનીઓનું સ્વાગત કરે છે જે દેશમાં ઉત્પાદન કરે છે અને રોજગારી તેમજ આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર ભારતીય અને વિદેશી બંને સાહસોને સમાન તકો (લેવલ પ્લેઇંગ ફીલ્ડ) પૂરી પાડવા માંગે છે અને કંપનીઓને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને બજારોની સેવા કરવા માટે ભારતને એક બેઝ તરીકે ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે.
મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વેપાર ભાગીદારી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ઇનોવેશન-આધારિત વિકાસ અને વૈશ્વિક જોડાણ દ્વારા સમર્થિત ભારતનું આર્થિક પરિવર્તન દેશની વિકાસ યાત્રામાં નોંધપાત્ર યોગદાન આપશે અને આગામી દાયકાઓમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં તેની ભૂમિકાને વ્યાખ્યાયિત કરવામાં મદદ કરશે.
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2271903)
आगंतुक पटल : 9