કાયદો અને ન્યાય મંત્રાલય
મધ્યસ્થતા (મેડિએશન) અને આર્બિટ્રેશનમાં ક્ષમતા નિર્માણ દ્વારા વૈકલ્પિક વિવાદ નિવારણને મજબૂત કરવા અંગે બ્રિક્સ (BRICS) ન્યાય મંત્રીઓની બેઠક
प्रविष्टि तिथि:
21 MAY 2026 7:23PM by PIB Ahmedabad
ભારતના બ્રિક્સ 2026ના અધ્યક્ષપદ હેઠળ, કાયદા અને ન્યાય મંત્રાલય, ભારત સરકારના કાનૂની બાબતોના વિભાગે જણાવ્યું છે કે, આજે 21 મે 2026ના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે યોજાયેલી માનનીય ન્યાય મંત્રીઓની બેઠકમાં "મધ્યસ્થતા (મેડિએશન) અને આર્બિટ્રેશનમાં ક્ષમતા નિર્માણ દ્વારા વૈકલ્પિક વિવાદ નિવારણને મજબૂત કરવા અંગે બ્રિક્સ દેશોના ન્યાય મંત્રીઓનું ઘોષણાપત્ર" સ્વીકારવામાં આવ્યું હતું.
આ ઘોષણાપત્ર, જેને 19-20 મે 2026ના રોજ ગાંધીનગરમાં યોજાયેલી વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં તેમના દ્વારા અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું અને બ્રિક્સ દેશોના પ્રતિનિધિઓ દ્વારા સૈદ્ધાંતિક રીતે સંમતિ આપવામાં આવી હતી, તે સભ્ય દેશોમાં મધ્યસ્થતા અને આર્બિટ્રેશનનો વિસ્તાર કરવાની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઈરાન, ઇન્ડોનેશિયા, રશિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાતના ન્યાય મંત્રીઓએ પ્રતિનિધિમંડળો સાથે આ બેઠકમાં ભાગ લીધો હતો.
ઘોષણાપત્રના મુખ્ય તત્વોમાં તાલીમ કાર્યક્રમો દ્વારા સરકારી કાનૂની અધિકારીઓ, મધ્યસ્થો (મેડિએટર્સ), આર્બિટ્રેટર્સ, ન્યાયાધીશો અને કાનૂની વ્યાવસાયિકો સહિતના હિતધારકો માટે ક્ષમતા નિર્માણની પહેલોને મજબૂત કરવી; સુલભતા, કાર્યક્ષમતા અને અમલીકરણ ક્ષમતા વધારવા માટે સંસ્થાકીય મધ્યસ્થતા અને આર્બિટ્રેશન સુધારાઓને પ્રોત્સાહન આપવું; ડિજિટલ સાધનોના ઉપયોગ અને વૈકલ્પિક વિવાદ નિવારણ ક્ષેત્રે ઇનોવેશન સહિતની શ્રેષ્ઠ પદ્ધતિઓ પર સહયોગ અને જ્ઞાનની વહેંચણીને પ્રોત્સાહિત કરવાનો સમાવેશ થાય છે.
આ ઘોષણાપત્રનો સ્વીકાર વિવાદોના ઉકેલ માટે પસંદગીની પદ્ધતિઓ તરીકે મધ્યસ્થતા અને આર્બિટ્રેશનને વધુ સુલભ અને અસરકારક બનાવવાના બ્રિક્સ સભ્યોના સામૂહિક વિઝનને રેખાંકિત કરે છે, જેનાથી અદાલતો પરનું ભારણ ઘટશે અને વ્યાપાર તેમજ રોકાણ માટે સ્થિર વાતાવરણને પ્રોત્સાહન મળશે.
કાનૂની બાબતોનો વિભાગ ઘોષણાપત્રની પ્રતિબદ્ધતાઓને લાગુ કરવા માટે બ્રિક્સ ભાગીદારો વચ્ચે સતત સહયોગને આવકારે છે, અને અનુવર્તી પહેલો તેમજ સહયોગી પ્રોજેક્ટ્સની આશા રાખે છે, જે વૈકલ્પિક વિવાદ નિવારણમાં ક્ષમતા નિર્માણ અને સંસ્થાકીય સુધારાઓને કાર્યરત કરશે.




IJ/JD
(रिलीज़ आईडी: 2263905)
आगंतुक पटल : 88