મંત્રીમંડળ
કેબિનેટે રૂ. 37,500 કરોડના નાણાકીય ખર્ચ સાથે સરફેસ કોલ/લિગ્નાઈટ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સના પ્રમોશન માટેની યોજનાને મંજૂરી આપી
પોસ્ટેડ ઓન:
13 MAY 2026 3:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે રૂ. 37,500 કરોડના નાણાકીય ખર્ચ સાથે 'સરફેસ કોલ/લિગ્નાઈટ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સના પ્રમોશન માટેની યોજના' ને મંજૂરી આપી છે.
આ યોજના ભારતની કોલસા/લિગ્નાઈટ ગેસિફિકેશન યોજનાને વેગ આપવા, 2030 સુધીમાં 100 મિલિયન ટન (MT) કોલસાના ગેસિફિકેશનના રાષ્ટ્રીય લક્ષ્યને આગળ વધારવા, ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા અને એલએનજી (LNG) (50% થી વધુ આયાત), યુરિયા (~20% આયાત), એમોનિયા (~100% આયાત), અને મેથેનોલ (~80-90% આયાત) જેવી મુખ્ય પ્રોડક્ટ્સની આયાત પર નિર્ભરતા ઘટાડવા તરફનું એક મોટું પગલું છે.
એક મહત્વપૂર્ણ સહવર્તી સુધારામાં, સરકારે નોન-રેગ્યુલેટેડ સેક્ટર (NRS) લિંકેજ હરાજી માળખામાં "પ્રોડક્શન ઓફ સિનગેસ લીડિંગ ટુ કોલ ગેસિફિકેશન" (Production of Syngas leading to Coal Gasification) સબ-સેક્ટર હેઠળ કોલ લિંકેજની મુદત 30 વર્ષ સુધી લંબાવી છે, જે કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સમાં રોકાણ માટે લાંબા ગાળાની નીતિગત નિશ્ચિતતા પૂરી પાડે છે.
યોજનાની મુખ્ય વિશેષતાઓ:
- અંદાજે 75 મિલિયન ટન કોલસા/લિગ્નાઈટના ગેસિફિકેશનને લક્ષ્ય બનાવીને, સિનગેસ (syngas) અને તેના ડાઉનસ્ટ્રીમ ઉત્પાદનોના ઉત્પાદન માટે નવા સરફેસ કોલ/લિગ્નાઈટ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરવા માટે રૂ. 37,500 કરોડનો કુલ નાણાકીય ખર્ચ.
- પ્લાન્ટ અને મશીનરીના ખર્ચના મહત્તમ 20% ના દરે નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.
- પારદર્શક અને સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા પસંદગી, જેમાં પ્રોજેક્ટ ખર્ચ, કોલસાની જરૂરિયાત અને સિનગેસ આઉટપુટને બેન્ચમાર્ક કરતા મૂલ્યાંકન માળખા સાથે કરવામાં આવશે.
- પ્રોજેક્ટના લક્ષ્યો (milestones) સાથે જોડાયેલા ચાર સમાન હપ્તાઓમાં પ્રોત્સાહન રકમ વિતરિત કરવામાં આવશે.
- કોઈપણ એક પ્રોજેક્ટ માટે નાણાકીય પ્રોત્સાહન રૂ. 5,000 કરોડ સુધી મર્યાદિત; કોઈપણ એક ઉત્પાદન માટે (સિન્થેટિક નેચરલ ગેસ અને યુરિયા સિવાય) રૂ. 9,000 કરોડ સુધી મર્યાદિત; અને કોઈપણ એક એન્ટિટી ગ્રુપ માટે તમામ પ્રોજેક્ટ્સમાં મળીને રૂ. 12,000 કરોડ સુધી મર્યાદિત રહેશે.
- આ યોજના હેઠળ પ્રોત્સાહન (ઇન્સેન્ટીવ્સ) વધારાનું છે અને તે કોમર્શિયલ કોલ માઇનિંગ વ્યવસ્થા અથવા અન્ય કેન્દ્રીય/રાજ્ય સરકારના મંત્રાલયોની યોજનાઓ હેઠળના પ્રોત્સાહનો(ઇન્સેન્ટીવ્સ) મેળવવામાં અવરોધ રૂપ નથી.
- આ યોજના ટેકનોલોજી-તટસ્થ (technology-agnostic) છે; સ્વદેશી ટેકનોલોજીના સ્વીકારને પ્રોત્સાહન આપવામાં આવે છે.
વ્યૂહાત્મક અને આર્થિક લાભો:
- અપેક્ષિત રોકાણ ગતિશીલતા: રૂ. 2.5- 3.0 લાખ કરોડ.
- ઊર્જા સુરક્ષા અને આયાત અવેજીકરણ: કોલસાના સંસાધનોનો વૈવિધ્યસભર ઉપયોગ અને એલએનજી, યુરિયા, એમોનિયા, એમોનિયમ નાઇટ્રેટ, મેથેનોલ અને કોકિંગ કોલસાની આયાતનું સ્થાન લેશે, જે ભારતને વૈશ્વિક ભાવની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય સપ્લાય-ચેઇન વિક્ષેપોથી સુરક્ષિત કરશે અને આત્મનિર્ભર ભારત તથા મેક ઇન ઇન્ડિયાના ઉદ્દેશ્યોને આગળ વધારશે.
- રોજગાર નિર્માણ: આ યોજનાથી કોલસા ધરાવતા પ્રદેશોમાં 25 પ્રોજેક્ટ્સ દ્વારા અંદાજે 50,000 (પ્રત્યક્ષ + પરોક્ષ) નોકરીઓનું સર્જન થવાની ધારણા છે.
- સરકારોને આવક: યોજના હેઠળ પરિકલ્પિત 75 મિલિયન ટન ગેસિફિકેશનથી વાર્ષિક રૂ. 6,300 કરોડની આવક થવાની અપેક્ષા છે, ઉપરાંત જીએસટી (GST) અને અન્ય લેવીમાંથી ડાઉનસ્ટ્રીમ આવક થશે.
- ટેકનોલોજી ઇકોસિસ્ટમ: સ્વદેશી ટેકનોલોજીને આગળ વધારીને અને વિદેશી EPC કોન્ટ્રાક્ટરો પર નિર્ભરતા ઘટાડીને ભારતની સ્થાનિક સરફેસ કોલ ગેસિફિકેશન ક્ષમતાને મજબૂત બનાવે છે.
પૃષ્ઠભૂમિ:
ભારત વિશ્વનો સૌથી મોટો કોલસાનો ભંડાર (~401 અબજ ટન) અને લિગ્નાઈટ ભંડાર (~47 અબજ ટન) ધરાવે છે. દેશના ઊર્જા મિશ્રણમાં કોલસાનો હિસ્સો 55% થી વધુ છે. ગેસિફિકેશન કોલસા/લિગ્નાઈટને 'સિન્થેસિસ ગેસ' (સિનગેસ) માં પરિવર્તિત કરે છે, જે સ્થાનિક રીતે ઇંધણ અને રસાયણો બનાવવા માટે બહુમુખી કાચો માલ (feedstock) છે, જે ભારતને ઉચ્ચ મૂલ્યની આયાત ઘટાડવામાં અને વૈશ્વિક સપ્લાય વિક્ષેપો તથા ભાવની અસ્થિરતાથી પોતાને સુરક્ષિત કરવામાં સક્ષમ બનાવે છે.
મુખ્ય અવેજી ઉત્પાદનો એલએનજી, યુરિયા, એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયા, કોકિંગ કોલસો, મેથેનોલ, ડીએમઈ (DME) અને અન્ય માટે ભારતનું આયાત બિલ નાણાકીય વર્ષ 2025 માં આશરે રૂ. 2.77 લાખ કરોડ હતું, જે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે વધુ સંવેદનશીલ બન્યું છે.
નેશનલ કોલ ગેસિફિકેશન મિશન (2021) અને જાન્યુઆરી 2024 માં મંજૂર કરાયેલી રૂ. 8,500 કરોડની યોજના (જે હેઠળ રૂ. 6,233 કરોડના 8 પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે) પર આધારિત, આ નવી યોજના નોંધપાત્ર રીતે વધારેલા સમર્થન સાથે આ ગતિને આગળ ધપાવે છે.
IJ/DK/JD
(રીલીઝ આઈડી: 2260640)
મુલાકાતી સંખ્યા : 21